ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘માધવાનલ કામકંદલાદોગ્ધક-પ્રબંધ’

From Ekatra Wiki
Revision as of 16:16, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘માધવાનલ કામકંદલાદોગ્ધક-પ્રબંધ’ (ર.ઈ.૧૫૧૮ કે ૧૫૨૮/સં.૧૫૭૪ કે ૧૫૮૪, શ્રાવણ સુદ ૭, મંગળવાર] : નરસાસુત ગણપતિએ ૧૭ દિવસમાં રચેલી ૮ અંગ અને ૨૫૦૦ દુહામાં વિસ્તરતી આ કૃતિ(મુ.) મધ્યકાલીન વાર્તાપરંપરામાં પુરુષરૂપનો માપદંડ બની ગયેલ માધવાનલ અને કામકંદલાની પ્રેમકથા વર્ણવે છે. વેદવ્યાસના કહેવાથી શુકમુનિનો તપોભંગ કરવા જતાં રતિ અને કામ એમના શાપથી પૃથ્વી પર માધવ અને કામકંદલા રૂપે અવતરે છે. માધવ અમરાવતીમાં બ્રાહ્મણને ત્યાં જન્મે છે, પણ નાનપણમાં એને જક્ષણી ઉપાડી જાય છે અન પછી જ્યાં જાય છે ત્યાં મહિલાઓ એના પ્રત્યે આસક્ત થાય છે તેથી એને દેશવટો મળે છે. કાંતિનગરમાં શ્રીપતિ શાહને ત્યાં અવતરેલી અને વેશ્યા દ્વારા ઉપાડી જવાયેલી કામા કમાવતી નગરીની રાજસભામાં પ્રવેશ પામે છે પણ પોતાનું શીલ અખંડ રાખે છે. રાજસભામાં પોતાના નૃત્ય વખતે ત્યાં આવી ચડેલા માધવની કલાભિજ્ઞતાથી જિતાયેલી કામા-માધવના અવિનયથી રાજાએ એને દેશવટો આપ્યો હતો તેથી-રાત ગાળવા પોતાને ત્યાં આમંત્રણ આપે છે. એક રાતના ઉત્કટ અનુરાગભર્યા રતિવિલાસને અંતે જુદાં પડેલાં માધવ અને કામા કેટલાક સમયને અંતે વિક્રમ રાજાની સહાયથી પુનર્મિલન પામે છે. મંગલાચરણમાં સરસ્વતી અને ગણેશની પણ પહેલાં કામદેવની સ્તુતિ થયેલી છે અને કવિએ અવારનવાર વાક્પાટવથી ને દૃષ્ટાંતોના સમર્થન સાથે પ્રગલ્ભતાપૂર્વક સંભોગસુખનો મહિમા ગાયો છે એ આ કૃતિની ધ્યાન ખેંચતી વિલક્ષણતા છે. રસિક-ચતુર વર્ગને સંતોષ આપવા રસરંગ ને બુદ્ધિવિનોદભરી કથા રચવાની કવિની નેમ એટલી સુંદર રીતે પાર પડી છે કે આ કૃતિ મધ્યકાલીન પદ્યવાર્તાસાહિત્યમાં જુદી જ ભાત પાડે છે. ૩ વાર આવતો અને ૨૦૦ જેટલી કડીઓમાં વિસ્તરતો સમસ્યા વિનોદ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓમાં વિરલ એવી વિદગ્ધતા પ્રગટ કરે છે ને મનોવૃત્તિઓ તથા ભાવાવસ્થાઓનાં તાદૃશ, હૃદયંગમ ને કલ્પનાસમૃદ્ધ આલેખનોનો પ્રસ્તાર પણ આસાધરણ કવિત્વનો ઉદ્રેક બતાવે છે. માધવ-કામકંદલા-મિલનપ્રસંગ ૨૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરે છે અને કામકંદલાની વિરહાવસ્થાનું આલેખન તો કવિએ વૈવિધ્યપૂર્ણ પ્રસંગોના આલેખનથી ૮૦૦ જેટલી કડી સુધી પૂરી રસિકતાથી જમાવ્યું છે. કામકંદલાની વિરહાવસ્થાની બારમાસી ઉપરાંત પુરુષ માધવની વિરહાવસ્થાની તેમ બંનેના ભોગવિલાસની બારમાસી પણ વર્ણવાય છે એ આ કૃતિની વિશેષતા છે. લૌકિક વૃત્તાંત ધરાવતી આ કૃતિની નિરૂપણશૈલી મહાકાવ્યોચિત ઠાઠવાળી અને વૈધિક પ્રકારની છે. એમાં વેષ, આભૂષણ, સમાજના વર્ગો, મંત્રતંત્ર, ભોજન, આવાસ, ક્રીડાપ્રકાર, દ્રવ્યમાહાત્મ્ય, વૃક્ષ, કંદ, શાકવ્યંજન, પ્રાણીપક્ષી, હસ્તી-અશ્વ-સુભટ-શિલ્પસામગ્રી-વ્યવસ્થાયીઓયુક્ત સેના વગેરેનાં અનેક વર્ણનો આવે છે, જે ક્યારેક કેવળ નામસૂચિથી, ક્યારેક સ્વભાવોક્તિથી તો ક્યાંક અલંકારછટાથી થયેલાં છે. કવિની સજ્જતા આમાં ને કેટલાક પ્રસંગોએ દૃષ્ટાંત લેખે પોતાનું પૌરાણિક જ્ઞાન પ્રગટ કર્યું છે એમાં દેખાઈ આવે છે. આ જ્ઞાનરાશિ, કૃતિની રસસૃષ્ટિની જેમ, સંસ્કૃતની સાહિત્યપરંપરાને કવિએ મુગ્ધકર રીતે આત્મસાત્ કર્યાનું બતાવી આપે છે. [જ.કો.]