વસુધા/વિરાટની પગલી

From Ekatra Wiki
Revision as of 10:50, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિરાટની પગલી|}} <poem> મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે, મારા અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે. વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યાં, :: બારીબારીએ તેરણફૂલ ભર્યાં, :: તારાં આસન સૂનાં મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિરાટની પગલી

મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે,
મારા અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે.

વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યાં,
બારીબારીએ તેરણફૂલ ભર્યાં,
તારાં આસન સૂનાં મેં ખંડે ધર્યાં,
મીટ માંડી હું બારણિયે ઊભી તારા પંથ લહું,
સૂના પંથ ને આસનિયાં સૂનાંસૂનાં જોઈ રહું.

એને કુંડળ કાનમહીં લળકે,
એનું અંબર શું ચપળ ચમકે,
શીળા શુક્ર સમું એનું મેં મલકે, ૧૦
માથે મોરમુગટડો ને હાથે એને બંસી હશે,
તારી મૂરત એવી રે વારેવારે મંન વસે.

ઘેરી સાંઝતણા પડદા ઊતર્યા,
ધૂપદીપનાં તેજસુગંધ મટ્યાં,
તારા આવ્યાના ના પડઘા ય પડ્યા,
થાકી આંખ મીંચાતી રે કાયા ઢળે ઊંબર ૫ે,
મન પૂછે અધીરું રે પ્રભુ શું ન આવે હવે?

કાળી રાત ચઢી સમરાંગણમાં,
તારા-ફૂલ સુકાયાં શું કે રણમાં,
ઘન ઘોર ચઢવા મળી શું ધણમાં, ૨૦

ઝુંડ વાયુનાં વાતાં રે ધસે મારે આંગણિયે,
‘હું છું આ રે આવ્યું.' ગાજે કોઈ બારણિયે.
મારી આંખ ખુલે શમણું શું લહે,
કોણ આવ્યું હશે મન શોચી રહે,
ત્યાં તે ‘આ છું આજ હું તારે ગૃહે.’
ફરી સાદ એ ગાજે રે છળ્યું મારું મંન કૂદે,
શું એ સાચે જ આવ્યા કે ઊઠે મને પ્રશ્ન હૃદે.

‘તારા મંદિરમાં ક્યમ પસીશ હું?
તારે આસનિયે ક્યમ બેસીશ હું?
તારાં ભોજનથી શું ધરાઈશ હું?’ ૩૦
ખખડાટ હસી પૂછે સવાલ કો સામું ઊભી,
કઈ મૂર્તિ વિરાટની શું રહી નભભાલ ચૂમી.

ઘનશ્યામતણાં તન વસ્ત્ર ધર્યાં,
મોઢે તેજતરંગ ઉષાના ભર્યા,
ધૂમકેતુનાં કુંડળ કાને ધર્યા,
સ્વર્ગગંગાની માળા રે મેરુતણી હાથે છડી,
માથે આભનો ઘુમ્મટ રે આ તે કોની મૂર્તિ ખડી?

પ્રભુ, મંદિરનાં મેદાન કરું,
હૈયું ચીરી તારા તહીં પાય ધરું,
તારે થાળ મારું બધું જીવ્યું ભરું, ૪૦
પ્રભુ, કાયાની કંથા રે બિછાવું હું પંથ મહીં,
ભલે રુદ્રરૂપે આવ્યા સ્વીકારીશ તે ય સહી.

ખોલી અંતરના ગઢ જઈ રહું,
વજ્રાઘાતની પળપળ વાટ લહું,
ત્યાં તો વીતકની કશી વાત કહું?
પેલી મૂર્તિ વિરાટ મટી અંગુલ શી સાવ થઈ,
સરી અંતરને આગાર ઝળાહળ જ્યોત રહી.
મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે,
મારા અંતર આંગણમાં ય મગનકેરી આંધી ચડે.