વસુધા/ભરતીને

From Ekatra Wiki
Revision as of 11:20, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભરતીને|}} <poem> ભરતી હતી, ના તદા હતી લવ લેશે મન ઓટકલ્પના, અવ ઓસરતાં જલો બધાં અહ કંઠાર કશી જ કારમી! અહીં જ્યાં છલકંત છોળ કૈં છલી છાતીપુર શું છલાવતી! અધુના અહીં માત્ર કીચડ પ્રતિ પાદે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભરતીને

ભરતી હતી, ના તદા હતી
લવ લેશે મન ઓટકલ્પના,
અવ ઓસરતાં જલો બધાં
અહ કંઠાર કશી જ કારમી!

અહીં જ્યાં છલકંત છોળ કૈં
છલી છાતીપુર શું છલાવતી!
અધુના અહીં માત્ર કીચડ
પ્રતિ પાદે દિલને દમે દમે!

અહીં તીર સપુષ્ટ બે દિશે
પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો!
અવ એ ક્ષિતિજો ભરી પડ્યો
અહ, શો લંબિત વિપ્રલંભ છે!

યદિ ઓસરવાની વાત 'તી,
ભરતી! કાં ઉર તું ભરી ગઈ?
મુજ શુષ્ક તટોની ખુશ્કી જે
કરીને કીચડ તે ય લૈ ગઈ!

અહ ના! અહ ના! હવે કદી
નહિ મોજું પણ એક ઠેલજે,
સહી જ શકતા જ પંક ત્યાં
જઈ તારું મનમાન્યું રેલજે.