કાવ્યમંગલા/રણગીત
કોણ રે ઉઠશે, ભાઈ?
હો કે, કોણ રે ઉઠશે, ભાઈ?
શંખ કરાળે, દુઃખની ત્રાડે,
ભારત માતા આપણી ગાથા
બોલે, ઓ ભાઈ !
ભારત આપણી બોલે,
ભૂખ મિટાવા, દુઃખ ફિટાવા
કોણ રે ઉઠશે, ભાઈ?
હો કે, કોણ રે ઉઠશે, ભાઈ?
કોણ રે ધપશે, ભાઈ?
હો કે, કોણ રે ધપશે, ભાઈ?
તીર વછૂટે વેગ અખૂટે,
કૂચમાં કદમ, લેશ નહિ દમ
ખૂટે, ઓ ભાઈ !
કૂચમાં દમ ના ખૂટે,
ઝીલતા ઘાવ, જીતતા દાવ,
કોણ રે ધપશે. ભાઈ?
હો કે, કોણ રે ધપશે, ભાઈ?
કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?
જગત કેરે યુદ્ધ અનેરે,
ઝેર દિલોનાં, વેર દેશોનાં
વેરે, ઓ ભાઈ !
ઝેર દેશોનાં વેરે,
અખૂટ બળે એકલો ભલે,
કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?
[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
લડવા અમે સૌ અધીર,
લડશું અમે ભારતવીર.
કોણ રે સહેશે, ભાઈ?
હો કે, કોણ રે સહેશે ભાઈ?
વેદના ભૂંડી, યાતના ઊંડી,
મૂઢ કે ખુલ્લી ચોટ અસિની
કૂડી, ઓ ભાઈ !
મૂઢી ચોટો કૂડી,
કઠણ હૈયે, કોમળ હૈયે,
કોણ રે સહેશે ભાઈ?
હો કે,કોણ રે સહેશે, ભાઈ?
[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
સહેવા અમે સૌ અધીર,
સહેશું અમે ભારતવીર.
કોણ રે મરશે, ભાઈ?
હો કે,કોણ રે મરશે ભાઈ?
કેસરરંગે કાળભુજંગે,
જીવન ઘોળી ખેલતો હોળી
અંગે, ઓ ભાઈ !
જીવનહોળી અંગે,
મુક્તિ કાજે, અમર સાજે
કોણ રે મરશે, ભાઈ?
હો કે , કોણ રે મરશે, ભાઈ?
[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
મરવા અમે સૌ અધીર,
મરશું અમે ભારતવીર.
(ફેબ્રુઆરી, ૧૯૩૦)