કાવ્યમંગલા/ત્રણ પાડોશી

From Ekatra Wiki
Revision as of 06:11, 16 September 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
ત્રણ પાડોશી

રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય,
શેઠની મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય,
મંદિરની આરતી ટાણે રે,
વાજાના વાગવા ટાણે રે,
લોકોનાં જૂથ નિતે ઉભરાય.

એક ફળીનાં ત્રણ રહેવાસી : શેઠ ને બીજા રામ,
ત્રીજી માકોર બાઈ રાંડેલી, કોડી કને ના દામ,
લોકોનાં દળણાં દળતી રે.
પાણીડાં કો’કનાં ભરતી રે,
કાઢી ખાય રોટલો કરતી કામ.

શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય,
રામનું મંદિર આરસબાંધ્યું નિત ઝળાંઝળાં થાય,
ફળીના એક ખૂણામાં રે,
ગંધાતા કો’ક ખૂણામાં રે,
માંકોરના મહેલ ઉભેલા સુણાય.

છત્રપલંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર,
પાછલા પહોરની મીઠી ઊંઘની લોક લેતું હોય લહેર,
પહેલો જ્યાં કૂકડો બોલે રે.
જાગેલો કૂકડો બોલે રે,
તૂટે માકોરની નીંદર સેર.

માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત,
ધાન લઈને દળવા બેસે, રામની માગી ઓથ,
ઘરેરાટ ઘંટી ગાજે રે,
ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
ગાજે જેમ દુકાળિયાનું મોત.

*

ગોકુળઆઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ,
માકોર ભૂખી રહી નકોરડી, કાયામાં ના રહ્યો સાસ,
મૂઠીભર ધાન બચાવા રે,
સીતાના રામ રિઝાવા રે,
પેટાવ્યો પેટમાં કાળહુતાશ.

શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,
પારણાંમાં કાલ કરવા ભજિયાં દળવા આપી દાળ,
દળાની દાળ તે આજે રે,
હવાયેલ દાળ તે આજે રે,
ઉઠાડે માકોરપેટ વરાળ.

અંગ થાક્યું એનું આંચકા લેતું હૈડે હાંફ ના માય,
બે પડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય,
દળી જો દાળ ના આપે રે,
શેઠે દમડી ના આપે રે,
બીજો ઉપવાસ માકોરને થાય.

ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,
વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટી જાય,
ચણાની દાળ દળંતી રે,
માકોરની દેહ દળંતી રે,
ઘંટીના ઘોર તહીં ઘેરાય.

અન્ન ખાતી તો ય અન્નનો દાણો દેતી ઘંટી આજ,
માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ,
હજી દાળ અરધી બાકી રે,
રહી ના રાત તો બાકી રે,
મથી મથી માકોર આવે વાજ.

શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર.
ભોમના ભાર ઉતારવા આજે જન્મ્યા’તા કિરતાર,
પરોઢના જાગતા સાદે રે,
પંખીના મીઠડા નાદે રે,
ડૂબે માકોરનો ભૂખપોકાર.

શેઠ હશે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ,
રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,
માકોરની મૂરછાટાણે રે,
ઘંટીના મોતના ગાણે રે,
કાળો એક કાગ કળેળે નિસાસ,

(૪ જુલાઈ, ૧૯૩૨)