અંગ્રેજી ગીતાંજલિની હસ્તપ્રત
રવીન્દ્રનાથ એટલે અંગ્રેજી ગીતાંજલિ, આ સમીકરણ સમગ્ર જગતની પ્રજા માટે બહુધા સાચું કહી શકાય. આ ગીતાંજલિની હસ્તપ્રત વાંચીને પ્રભાવિત થયેલા અંગ્રેજ કવિ, યેટ્સ, હસ્તપ્રતમાં સુધારાના સૂચન કરીને તેને છપાવવામાં મદદરૂપ થયા હતા. રવીન્દ્રનાથે આ હસ્તપ્રત તેમના મિત્ર રોધેન્સ્ટાઈનને ભેટ આપી હતી, તેથી તેને ‘રોધેન્સ્ટાઈન હસ્તપ્રત’ તરીકે ઓળખવાનું ઉચિત કહેવાય. રવીન્દ્રનાથને મળેલા નોબેલ પ્રાઈઝના પાયામાં અંગ્રેજી ગીતાંજલિ હતી તે વાત નિર્વિવાદ છે પણ તેમાં યેટ્સનું યોગદાન કેટલું મહત્વનું હતું તે અંગે અંતહીન વિવાદ ચાલે છે. આરંભે રવીન્દ્રનાથ અને તેમની ગીતાંજલિના પ્રશંસક યેટ્સ, પાછળથી તેમના ઉગ્ર ટીકાકાર બની ગયા હતા. તદુપરાંત આ સદીમાં અંગ્રેજી સાહિત્યમાં રવીન્દ્રવિદ્ સાહિત્યકારોએ એવો પણ દાવો કર્યો છે કે રોધેન્સ્ટાઈન હસ્તપ્રતનો કાવ્યક્રમ પ્રકાશનના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને નક્કી કરાયો હતો. ઉપરોક્ત વિવાદ તેમ જ દાવાને ધ્યાનમાં રાખીને તે સમયની હકીકતો અને હસ્તપ્રત અંગે કરાયેલા અભ્યાસનો નિષ્કર્ષ અહીં પ્રસ્તુત છે. વાચક પોતે પોતાનો અભિપ્રાય સહેલાઈથી નક્કી કરી શકે માટે હસ્તપ્રત અને છપાયેલાં કાવ્યોની સરખામણી એક જ પાનાં ઉપર કરી છે. — શૈલેશ પારેખ