વસુધા/વસન્ત ઢૂંઢૂં
વસન્ત આજે વસંત ક્યાં છે?
એ મનમૌજી હસંત ક્યાં છે,
રે, મુજ સુક્કા લુખ્ખા નિતના
સાયકલના રસ્તે?
શિરીષ ના, ગુલમોર અહીં ના,
આંબે ના, કોકિલ ટહુકત ના,
લતાકુંજ ના, પુષ્પકુંજ ના,
સાયકલના રસ્તે.
માટીની ડામ૨ની સડકે,
ફૂટપાથની પડખે પડખે, ૧૦
ગટર મકાન દુકાન ધખધખે,
સાયકલના રસ્તે.
ચિટકલ કાગળ, તડબુચ છોડાં,
ઈંટે માટી આથડતાં રોડાં,
કદી ગધેડાં, ઘેટાં બોડાં,
સાયકલના રસ્તે.
આ સડકે નગરે જ્યાં મિલ છે,
જીવનજંગ જહીં કાતિલ છે,
વસંત નોતરવો મુશ્કિલ છે.
સાયકલના રસ્તે. ૨૦
અહીં વાસ પેટ્રોલ તણી છે,
ધૂળગોટ મિલકેરી ધૂણી છે,
ચૈત્ર તાપમાં આંખ ચચણી છે,
સાયકલના રસ્તે.
ચૈત્ર તાપમાં આંખ ચચણી છે,
પરસેવે મુજ પીઠ ભીની છે,
દર્દકથા દિલની છાની છે,
સાયકલના રસ્તે.
સંધ્યા સૂની, સૂનો પથ છે,
સૃષ્ટિ સકલ થાકી વિશ્વથ છે, ૩૦
પગ મારાની દુર્બળ ગત છે,
સાયકલના રસ્તે.
એ ટાણે આ ધૂળિયા રસ્તે,
વેચે જ્યાં હોટલ ચા સસ્તે,
વસન્ત આવ્યો મઘમઘ હસ્તે,
સાયકલના રસ્તે.
દિવસે રજ છાંયો પસરંતા,
ઊંચાં મૂળથી વાજ કરંતા,
કડવા કૈ લીમડા લહરંતા,
સાયકલના રસ્તે. ૪૦
સરી સાયકલ પણ દિલ થંભ્યું,
તપ્ત નેત્ર ક્ષણ હરખે ભીંજ્યું,
અહો! લીમડે જગ શું રંગ્યું!
સાયકલના રસ્તે.
વસન્ત આ અધુરી જ અકારી,
માનવતરુ – વિકસાવનહારી
વસન્ત ઢૂંઢું વિશ્વવિહારી
સાયકલના રસ્તે!