અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કૃષ્ણ-રાધા

Revision as of 20:33, 11 October 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કૃષ્ણ-રાધા

પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કા'નજી
         ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કા'નજી
         ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કા'નજી
         ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કા'નજી
         ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કા'નજી
         ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કા'નજી
         ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કા'નજી
         ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કા'નજી
         ને નજરું જુએ તે રાધા રે!

(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)




પ્રિયકાન્ત મણિયાર • આ નભ ઝૂક્યું તે કા'નજી • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: વૃંદગાન