શાહજહાં/ચોથો પ્રવેશ1

From Ekatra Wiki
Revision as of 07:51, 17 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોથો પ્રવેશ|'''અંક બીજો'''}} સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત. [પિયારા ટેલતી ટેલતી ગાય છે.] સુખને કારણ બાંધી મઢૂલી: બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે! અમૃત-સાગરે સ્નાન કરં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચોથો પ્રવેશ

અંક બીજો


સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત. [પિયારા ટેલતી ટેલતી ગાય છે.] સુખને કારણ બાંધી મઢૂલી: બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે! અમૃત-સાગરે સ્નાન કરંતાં, વખડાં ક્યાંથી ભેળાણાં રે. હું રે ચકોરી ગઈ ચંદ્રને ઝીલવા: સૂરજ-તાપ ક્યાંથી તપિયા રે! [સૂજા આવે છે.] સૂજા : તું આંહીં છો, પિયારા! હું તો તને ગોતી ગોતી થાક્યો. [પિયારાનું ગીત ચાલુ રહે છે.] નીચાણ છોડીને ઊંચે ચડું ત્યાં ઊંડેરાં નીરમાં બૂડી રે. સૂજા : પછી તો તારો સૂર સાંભળીને સમજ્યો કે તું આંહીં છો. [પિયારાનું ગીત ચાલુ રહે છે] ધનની આશા જનમી આંતરે નિરધન ત્યાં તો બની છું રે. સૂજા : વાત તો સાંભળ — આહ! [પિયારા ગાય છે.] જલની પ્યાસે જોયું ગગનમાં: વાદળથી વજ્ર વરસ્યાં રે સૂજા : નહિ સાંભળ ને! તો હું તો આ ચાલ્યો! [પિયારાનું ગીત ચાલે છે.] કાનાની પ્રીતથી તો મૉત ભલેરું, ભેદ્યા છે પ્રાણ જ્ઞાનદાસના રે. સૂજા : ઓહોહો! બહુ સતાવ્યો! ભલા થઈને કોઈ બીજી વાર શાદી કરશો મા! ભાયડાઓને તો ગાળી જ નાખે! તું પહેલીવારની હોત તો શું મારી એક વાત સાંભળવા માટે હું તને આટલો કરગત કે? પિયારા : આ હા હા! આવું રૂપાળું કીર્તન ધૂળ મેળવી દીધું! ભલી થઈને કોઈ બીજવરને પરણશો મા. નીકર શું આવીને આવું ભજન ધૂળ મેળવે? આહા! તોબા પોકારી ગઈ! દિવસરાત લડાઈની જ વાતો સાંભળવી! અને વળી ન જાણે વ્યાકરણ. ન સમજે ગીત. તોબા, બાપ! સૂજા : હું ગીત નથી સમજતો શી રીતે? પિયારા : આ હા હા હા, કેવું ભજન! સૂજા : વાહવા! પોતે ગાય અને પોતે જ મોહિત થાય! પિયારા : ત્યારે શું કરું? તમે તો સમજો નહિ. એટલે પછી હું જ ગાનાર અને હું જ સાંભળનાર. સૂજા : હવે સાંભળ. વાત જરા ગંભીર છે. તારી પાસે સલાહ લેવા આવ્યો છું. પિયારા : એમ કે? ત્યારે ખમો. હું તૈયાર નથી થઈ. [ચહેરો અને પોશાક ઠીકઠાક કરી] બળ્યું! આંહીં તો એક ઊંચી બેઠક પણ ન મળે! બહુ સારું, ઊભી રહીને જ સાંભળીશ. ચલાવો, હું તૈયાર છું. સૂજા : મને ખાતરી છે કે બાપુ મરી ગયા છે. પિયારા : મને પણ ખાતરી છે. સૂજા : ને જયસિંહે તે દિવસ મને બાપુના હસ્તાક્ષરનો જે કાગળ બતાવેલો, તે દારાએ બનાવટી કરેલો હતો. પિયારા : હોય જ ને! સૂજા : તું કબૂલ કરે છે? પિયારા : કબૂલ-બબૂલ હું કાંઈ જ નહિ કરું. તમે તમારે બોલ્યે જ જાઓ. સૂજા : બીજી લડાઈમાં ઔરંગજેબને હાથે દારાએ હાર ખાધી. સાંભળ્યું છે? પિયારા : હા. સૂજા : કોની પાસેથી સાંભળ્યું? પિયારા : તમારી પાસેથી. સૂજા : ક્યારે? પિયારા : અબઘડી. સૂજા : દારા આગ્રાથી પલાયન કરી ગયો છે. ઔરંગજેબે આગ્રામાં દાખલ થઈ બાપુને કેદ કર્યા છે, મુરાદને પણ બંદીખાને પૂરેલ છે. પિયારા : બહુ સારું! સૂજા : હવે ઔરંગજેબ મારી સાથે લડાઈમાં ઊતરવાનો. પિયારા : ઊતરેય તે! સૂજા : અને એ તો ખૂનખાર લડાઈ થવાની. પિયારા : ખૂનખાર — ખરાખરીની ખૂનખાર. સૂજા : મારે અત્યારથી જ સજ્જ થવું પડશે. પિયારા : થાવું તો પડે જ ને! સૂજા : પરંતુ — પિયારા : મારો પણ એ જ અભિપ્રાય — પરંતુ... સૂજા : તું શું બોલે છે તે જ હું સમજી શકતો નથી. પિયારા : સાચું કહો તો હું પણ સમજી શકતી નથી. સૂજા : જા, જા, તારી સાથે મસલત કરવી નકામી છે. પિયારા : તદ્દન! સૂજા : લડાઈની વાતમાં તું શું સમજે! પિયારા : હા જ તો, હું શું સમજું? સૂજા : પણ બીજી બાજુ વળી મુશ્કેલી છે. પિયારા : કઈ જાતની? સૂજા : મહમ્મદે મને ચોખ્ખું લખ્યું છે કે એ આપણી દીકરી સાથે હવે શાદી નહિ કરે. પિયારા : એ તો શી રીતે કરે? સૂજા : કેમ ન કરે? વેવિશાળ કાંઈ ફોક થાય? પિયારા : એ તે કાંઈ ફોક થાય! સૂજા : પણ હવે એ શાદી કરવા માગતો જ નથી. પિયારા : ન જ માગે તો! સૂજા : લખે છે કે મારા બાપના દુશ્મનની દીકરીને હું નહિ પરણું. પિયારા : શી રીતે પરણે? સૂજા : પણ તો તો મારી દીકરી બહુ દુઃખ પામશે. પિયારા : તે તો પામે જ ને! કેમ ન પામે? સૂજા : મારે હવે શું કરવું તેની ગમ પડતી નથી. પિયારા : મનેય પડતી નથી. સૂજા : હવે શું થાય! પિયારા : હવે શું થાય! સૂજા : તારી પાસે તો સલાહ માગવી જ નકામી! પિયારા : ઓહો! સમજી ગયા ને શું? શી રીતે સમજી ગયા? અરે કહો તો ખરા, સમજી શી રીતે ગયા? વાહ, કાંઈ અક્કલ! સૂજા : હવે હું શું કરું! એક તો ઔરંગજેબ સાથે લડાઈ, ને ઉપરાંત એનો બહાદુર બેટો મહમ્મદ પણ એની સાથે. ભારી વિકટ સમસ્યા. તારી શી સલાહ છે? પિયારા : પ્યારા! મારી સલાહ સાંભળશો? સાંભળો તો કહું. સૂજા : બોલ. હું સાંભળીશ. પિયારા : તો સાંભળો. મારી સલાહ છે કે લડાઈની જ જરૂર નથી. સૂજા : કેમ? પિયારા : સલ્તનતને શું કરવી છે, નાથ? આપણે કઈ કમીના છે? આમ તો જુઓ, આ ધાન્યથી લચકતી, ફૂલોથી શોભતી ને હજારો ઝરણાંના રૂમઝૂમાટથી ગાજતી અમરાપુરી સમી બંગભૂમિ! આની પાસે શી વિસાત છે સલ્તનતની! અને મારા જે હૃદય-સિંહાસન પર મેં તમને બેસારેલા છે, તેની સામે શી વિસાત છે એ મયૂરાસનની? જે વખત આપણ બેઉ આ મહેલની અટારીએ ઊભી, હાથમાં હાથ રાખીને હૈયું દબાવી પંખીઓના કિલકિલાટ સાંભળીએ છીએ, દિગન્ત સુધી પથરાયેલો ગંગાનો પટ દેખીએ છીએ, આ અનંત આસમાની આકાશ ઉપર થઈને આપણી સંયુક્ત નજરની નૌકાને તરાવતાં તરાવતાં જ્યારે આપણે ચાલ્યાં જઈએ છીએ, અને એ આસમાન-સાગરના કોઈ એક ગુપ્ત પ્રદેશમાં કલ્પનાનો એક મનોહર શાંતિમય ટાપુ સરજીને એની વચ્ચે એક સ્વપ્નસુંદર કુંજમાં બેસી સામસામાં નજર મિલાવી પરસ્પરના પ્રાણને પીઈએ છીએ; તે વખતે શું તમને નથી લાગતું, પ્યારા, કે શી વિસાત છે આ સલ્તનતની! પ્યારા! આપણે આ યુદ્ધનું કામ નથી. એમાં તો કદાચ આપણું જે નથી તે પામશું નહિ ને ઊલટું આપણું જે છે તે ગુમાવી બેસશું. સૂજા : વાહ, શું નવીન વિચારો આપ્યા! એક તો વિચાર કરી કરીને મારું માથું ગરમ થઈ ગયું છે, ને એના ઉપર — ના, ના, દારાની તાબેદારી તો કદાચ સ્વીકારી શકત, પણ આ ઔરંગજેબની — મારાથી નાનેરા ભાઈની — તાબેદારી કદી ન કબૂલું, મરી જાઉં તો પણ નહિ. [જાય છે.] પિયારા : તને ઉપદેશ દેવો વ્યર્થ છે. તું વીર નર છે. સલ્તનતને ખાતર નહિ તો ખુદ લડાઈને ખાતર જ તું તો લડે તેવો છે. હું તને બરાબર પિછાનું છું. લડાઈનું નામ પડતાં જ તું નાચી ઊઠે છે.