સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ઘેલોશા
સોરઠમાં એ સમે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણભર થઈને વોળદાનને બિરદાવી રહ્યો છે કે — “ભલો! ભલો વોળદાન! વોળદાન, તેં તો કોઈથી ન થાય તેવો કામો કર્યો. નગર લૂંટ્યું. અરે —
નગરહુંદી નારિયું, કુંજ્યું જીં કરલાય,
વાઢ દિયે વોળદાનિયો, માઢ બજારાં માંય.
[રંગમતીને કાંઠે, વોળદાન! તેં જે ટાણે હાથ કર્યો, તે ટાણે આખા નગરની અસતરિયું નાતી-ધોતી કુંજડિયું જેવી કલ્પાંત કરતી નાઠી; અને, વોળદાનિયા! તેં તો મોટી બજારે જઈને તરવાર્યુંના વાઢ દીધા પણ જામની ફોજ તુંને પોગી નહિ. બાપ! બાપ વોળદાન!]
કે જલમ્યા કે જલમશે, ભોમ અનેરી ભાત્ય,
(પણ) કે’ દિ’ ના’વે કાઠીઓ! રેફડિયારી રાત્ય.
[અરે બાપ! કૈંક કાઠીઓ જન્મ્યા, કૈંક હજી જન્મશે; કૈંક એના પરાક્રમની રૂડી ભાત્ય આ ભોમકાને માથે પાડશે; પણ, ઓ કાઠીઓ! વોળદાન જે રાતે જન્મ્યો, એ રાત હવે ફરી આવી રહી!] કસુંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે, અને વોળદાન પોતાના મનમાં પોરસાતો, મૂછે વળ દેતો સાંભળ્યે જાય છે. તે ટાણે એક વટેમાર્ગુએ આવીને એને રામરામ કર્યા. “રામ!” વોળદાને સામા કહ્યા: “ક્યાં રે’વાં?” “રે’વાં તો બરવાળે.” “બરવાળે? લીંબડીવાળું બરવાળું કે?” “હા, આપા. ઘેલાશાનું બરવાળું.” ‘ઘેલાશાનું બરવાળું’ કહેતાં તો વોળદાને દાંત કાઢ્યા અને ચારણે પણ ટપકું મૂક્યું —