સોરઠી બહારવટિયા ભાગ-2/શત્રુની સ્ત્રી

From Ekatra Wiki
Revision as of 09:10, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શત્રુની સ્ત્રી|}} {{Poem2Open}} “કાં? કાંઈ શિકાર?” “શિકાર તો શિકાર! પણ ભવ બધાનાં દાળદર ભાંગીને ભુક્કો કરી નાખે એવો! આકડે મધ અને માખિયું વિનાનું.” “કોણ?” “ભાવનગરનાં રાણી નાનીબા.” “ક્યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શત્રુની સ્ત્રી

“કાં? કાંઈ શિકાર?” “શિકાર તો શિકાર! પણ ભવ બધાનાં દાળદર ભાંગીને ભુક્કો કરી નાખે એવો! આકડે મધ અને માખિયું વિનાનું.” “કોણ?” “ભાવનગરનાં રાણી નાનીબા.” “ક્યાં?” “દડવે જાય છે. એના ભાઈ કેસરીસિંગને ઘેરે; ભેળા કુંવરડા છે; ભેળી ઘરેણાંની પેટી છે. અને સાથે અસવાર છે થોડા.” “ચડો ત્યારે. કામ કરશું આપણે ને નામ પાડશું જોગીદાસનું. એની મથરાવટી જ છે મેલી. ભેખડાવી દઈએ.” આકડિયા ગામનો ઠૂંઠો કાઠી રાઘો ચાવડો ચોરીના ધંધા કરતાં કરતાં આજ છાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજેસંગના રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબા ગામની સીમમાં દડવાને માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યો છે. રણવગડામાં નાચ કરતી કોઈ અપ્સરા સરીખું હિંગળોકિયા રંગનું ઓઝણું ચાલ્યું આવે છે. સંધ્યાની રૂંઝ્યો રડી ગઈ છે. ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું તે વખતે બરાબર ઓચિંતો છાપો મારીને રાઘા ચાવડાના અસવારોએ નાનીબાના કંઈક અસવારોને બરછીથી પરોવી લીધા, કંઈક ભાગ્યા. થોડાકને બાંધી લીધા અને રાઘડે હાકલ કરી કે “બાઈ, ઘરેણાંની પેટી બહાર ફગાવી દેજો.” થરથર કાંપતે સૂરે નાનીબાએ પૂછ્યું કે “તમે કોણ છો, બાપ?” “જોગીદાસ ખુમાણના માણસો.” “અરરર! જોગીદાસભાઈ અસ્ત્રીયુંને લૂંટે ખરા? જોગીદાસ અખાજ ખાય?” “હા, હા, ભૂખ્યે પેટે અખાજેય ભાવે. દાગીના લાવો.” “અખાજ ભાવે? ભૂખ્યો તોય સાવજ! ઈ તરણાં જમે?” “કાઢી નાખો ઝટ ઘરાણાં. વાદ પછી કરજો.” આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે શી દૈવગતિ બની કે ચાળીસ ઘોડાંની પડઘીઓ ગાજી અને છેટેથી ત્રાડ સંભળાણી કે “કોણ છે એ?” “કોણ, જોગીદાસ ખુમાણ! હાલ્યો આવ. ભારે તાકડો થયો.” રાઘે ચાવડે અવાજ પારખ્યો. “તું કોણ?” “હું રાઘો ચાવડો.” “રાઘડા! અટાણે અંધારે શું છે? કોની હારે વડચડ કરી રિયો છો?” “આપા જોગીદાસ ખુમાણ! હાલ્ય હાલ્ય, ઝટ હાલ્ય, આપણો બેયનો ભાગ. પેટ ભરીને ઘરાણાં.” “પણ કોણ છે?” “તારા શત્રુ વજેસંગની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે. કરી નાખ ટૂંકું.” “રાઘા!” હસતાં હસતાં જોગીદાસ બોલ્યા : “તું કાઠી ખરો, પણ ચોર-કાઠી! નીકર તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજેસંગ મહારાજની સાથે છે, બો’ન નાનીબા હારે નહિ. ઈ તો મારી મા-બો’ન ગણાય. અને વળી અબળા, અંતરિયાળ આધાર વગર ઊભેલી! એની કાયા માથે કરોડુંનો દાગીનો પણ હિંદવાને ગા અને મુસલાને સૂવર બરોબર સમજવો જોવે, રાઘા! હવે સમજતો જા.” “ઠીક તયીં, જોગીદાસ! તારા ભાગ્યમાં ભલે ભમરો રહ્યો. તું તારે રસ્તે પડ. અમે એકલા પતાવશું.” રાઘો હજુયે સમજતો નથી. “રાઘા! હવે તો તને રસ્તે પાડીને પછે જ અમથી પડાય. નાનીબાને કાંઈ અંતરિયાળ રઝળવા દેવાય?” “એટલે?” “એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાઘો નાનીબાના વેલડાને હાથ અડાડે, તો જેઠા વડદરે એક હાથ તો ઠૂંઠો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું, એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જા!” “એમ છે? તયીં તો થાજે માટી, જોગા!” “માટી તો કાંઈ થયું થવાય છે, બા! માએ જણ્યા ત્યારથી જેવા હોયીં એવા જ છીએ, રાઘડા! બાકી તારે માથે કાળ ભમે છે. માટે ભલો થઈને રે’વા દે.” રાઘા અને જોગીદાસે પોતાની ફોજો ભેડવી. ખિસાણ મચી ગયું. પોતાના અસવારોની લોથોના ઢગલા થતા દેખીને રાઘો ભાગી નીકળ્યો. કાંપતે શરીરે નાનીબા રાણી માફામાં બેસી રહ્યાં છે. એને હજુયે ભરોસો નથી કે બહારવટિયાના પેટમાં કૂડકપટ છે કે નહિ. ઊલમાંથી ચૂલમાં પડવાની એને ફાળ છે. જોગીદાસે હાકલ કરી : “એલા ગાડાખેડુ! માને પૂછ કે પાછું દડવે જાવું છે કે ભાવનગર? જ્યાં કહો ત્યાં મેલી જાઉં. માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહિ.” નાનીબાએ બહારવટિયાના મોંમાંથી મોતી પડતાં હોય તેવાં વેણ સાંભળ્યાં. એને પોતાનો નવો અવતાર લાગ્યો. એણે કહેવરાવ્યું કે “જોગીદાસભાઈ! વીરા! બો’ન આવડા કરજમાંથી કયે ભવ છૂટશે? ભાઈ, મને ભાવનગર ભેળી કરી દ્યો. હું આવડો ગણ કે દી ભૂલીશ?” “વેલડાને વીંટી વળો ભાઈ!” જોગીદાસે હુકમ કર્યો. ભાલાળા ઘોડેસવારોની વચ્ચે વીંટળાઈને વેલડું હાલતું થયું. મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી. પંથ કપાવા લાગ્યો. અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જ્યોતે ઝબૂકી વગડાને ઉજમાળો કરવા મંડી પડ્યા, ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને બહારવટિયાએ રજા લીધી કે “બો’ન! મા! હવે તમારી હદ આવી ગઈ છે. હવે તમે ઘરને ઉંબરે ઊતરી ગયાં, બાપા! હવે મને રજા છે?” “જોગીદાસભાઈ!” નાનીબાની છાતી છલકી, “તમેય મારી ભેળા હાલો. હું મહારાજને કહી તમારું બા’રવટું પાર પડાવું. તમારો વાળ વાંકો ન થાય.” “માડી! કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી. અને તમારી સિફારસે બા’રવટું પાર પડે એમાં જોગીદાસની વશેકાઈ શી? મારો ગરાસ તો હું બેમાંથી એક જ રીતે મેળવીશ — કાં મહારાજની સાથે સામી છાતીના ઝાટકા લઈ-દઈને, ને કાં પ્રીતિની બથું ભરીને. આજ તો રામ રામ! મહારાજને મારા રામ રામ કહેજો.” એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડાં અલોપ થયાં, અને ‘જોગીદાસભાઈ! જોગીદાસભાઈ!’ એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને સીમાડાભરમાં સંભળાતા રહ્યા.