સોરઠી બહારવટિયા ભાગ-2/લધુભાની જીભ
વાઘેરોના સાથમાં આજ વેપારી રામજીભા ઘૂમી રહ્યો છે. રામજી શેઠ દ્વારકાનું ભૂષણ બન્યો છે.
જોધા માણેકના એ દિલોજાન ભાઈબંધ પર જામપરામાંથી બાપુ સખારામનો સંદેશો આવ્યો કે “અમે ઘેરાઈ ગયા છીએ. ભૂખે મરીએ છીએ. કંઈક અનાજ મોકલો.”
રામજીભાએ જોધાને જાણ કરી. દાના દુશ્મન જોધાએ છાનામાના કહી દીધું કે “રામજીભા! કોઈ ન જાણે તેમ ખોરાકી મોકલી આપો. પણ જો વાઘેરોને વાત પહોંચશે તો મારો ઇલાજ નથી. વનવનની લકડી આજ ભેળી થઈ ગઈ છે.”
કિલ્લા બહાર રામજી શેઠની બે વખારો હતી. તેમાંથી ખોરાક મોકલાવા લાગ્યો. પણ વાઘેરોને ખબર પડી ગઈ કે દુશ્મનોને ખોરાક જાય છે. ગાંડા વાઘેરો રામજીની વખારો તોડી તોડીને માલ ફગાવવા લાગ્યા.
ત્યાં રામજી શેઠનો દીકરો લધુભા દોડતો આવ્યો. એની કુહાડા જેવી જીભ ચાલી : “એ માછીયારાવ! આંકે રાજ ખપે? જંજો ખાવતા તીંજો ખોદાતા!” [એ માછીમારો! તમને તે રાજ હોય? જેનું ખાઓ છો એનું જ ખોદો છો?]
“લધુભા! તું ભલો થઈને જબાન સંભાળ! અટાણે દીકરાનાં લગન નથી, પણ લડાઈ છે.”
એ રીતે વાઘેરોએ એને ઘણો વાર્યો, પણ લધુભા ન રહી શક્યો, ગાળોની ઝડી વરસાવવા લાગ્યો. ઝનૂને ચડેલા વાઘેરો : અને સામે એવો જ કોપેલો વેપારી : બીજું તો કંઈ ન થઈ શકે એટલે લધુભાને બાંધી એના પગમાં બેડી પહેરાવી, મંદિરના કિલ્લામાં શત્રુઓનાં મુડદાંની સાથે એને પૂરી દીધો.
કિલ્લાનો બંદોબસ્ત કરીને જોધો જમવા આવ્યો : રામજીભાને ઘેરે જ એ રોજ રોટલા ખાતો. આજ નાહીને પાટલે બેસે છે ત્યાં એને યાદ આવ્યું, “રામજીભા? લધુભા કેમ ન મળે?”
“ક્યાંક ગયો હશે. તું તારે ખાઈ લે, ભાઈ!”
“હું શી રીતે ખાઉં? તારો દીકરો ન જડે ને મને અન્ન શૅ ભાવે? આ દાવાનળ સળગે છે એમાં કોને ખબર છે, શું થયું હશે?”
જોધો થાળી ઉપરથી ઊઠી ગયો. લધુભાની ગોતે ચડ્યો. પત્તો મળ્યો કે એને તો કિલ્લામાં પૂર્યો છે. જોધાએ કિલ્લાનું તાળું તોડ્યું. લધુભાને બેડીઓમાં જકડાયેલો જોયો, એના પગ લોહીવાળા દીઠા. જોધાને જોતાં જ લધુભાએ જીભ ચલાવી.
જોધાએ એને વાર્યો, “એ લધુભા! ગુડીજો ટીલો તું ડીને હો! તોજી જીભ વશ રાખ, ભા! હીન ટાણે તો વન વનજી લકડી આય!” [ગળીની કાળી ટીલી તું જ મને દઈશ, ભાઈ! તું તારી જીભ વશ રાખ. અત્યારે તો આંહીં વન વનની લકડી ભેગી થઈ છે.]
જોધાને લાગ્યું કે આ ખાનદાન ભાટિયાનું કુટુંબ ક્યાંક કચરાઈ જશે; એને આંહીંથી ખસેડી નાખું.
અમરાપરથી બે-ત્રણ ગાડાં મંગાવી કિલ્લા બહાર જસરાજ માણેકના પાળિયા પાસે ઊભાં રખાવ્યાં. પાંત્રીસ માણસોને હાથમાં નાળિયેરના ઊલકા ઉપડાવી, દિશાએ જવાના બહાનાથી કિલ્લા બહાર કઢાવ્યાં. અમરાપર પોતાને ઘેર પહોંચતા કર્યા. ફક્ત બુઢ્ઢા રામજી દાદો જ દ્વારકામાં રહ્યા.
જોધાને ઘેર ચાર-પાંચ ભેંસો મળે છે. રામજીભાનાં છૈયાં-છોકરાંને રોજ જોધાની વહુઓ દૂધપાક-પૂરી કરી જમાડવા લાગી છે.
અને આ વાત કરનાર, રામજી શેઠના 74 વર્ષના પૌત્ર રતનશી શેઠ જે અત્યારે બેટમાં હયાત છે, તે કહે છે કે “મને આજ પણ એ દૂધપાક-પૂરી સાંભરે છે.”