સોરઠી બહારવટિયા ભાગ-2/વેરીની દિલેરી
અંધારી રાતે દ્વારકામાંથી ગોરાઓની ગોળીએ વીંધાતા વાઘેરો જીવ લઈને નાસી છૂટ્યા છે. કોઈ એકબીજાને ભાળી શકતું નથી. કાંટામાં ક્યાંથી ગોરાની ગોળી છૂટશે એ નક્કી નથી. દ્વારકા ખાલી કરીને બેભાન વાઘેરો ભાગ્યા જાય છે. અંધારામાં દોડતા જતા એક આદમીનું ઠેબું નીચે પડેલા એક બીજા આદમીને વાગ્યું. દોડનાર વાઘેર બીનો નહિ, ઊભો રહ્યો. નીચે વળ્યો. પડેલા માણસને પડકાર્યો, “તું કોણ?” “કોણ, સુમરો કુંભાણી, મકનપુરવાળો તો નહિ?” ઘાયલ પડેલા આદમીએ આ પૂછનારનો અવાજ પારખ્યો. “હા, હું તો એ જ. પણ તું કોણ?” “મને ન ઓળખ્યો? સુમરા! હું તારો શત્રુ, તારી ઓરતને ઉપાડી જનાર હું વેરસી!” “તું વેરસી! તું આંહીં ક્યાંથી?” “જખમી થઈને પડ્યો છું. વસઈવાળા મને પડતો મેલીને ભાગી ગયા છે, ને હું પોગું એમ નથી, માટે, સુમરા! તું મને મારીને તારું વેર વાળી લે, મેં તારો અપરાધ કર્યો છે.” “વેર? વેરસી, અટાણે તું વેરી નથી. અટાણે તો બાપનો દીકરો છો. વેર તો આપણે પછી વાળશું; વેર જૂનાં નહિ થાય.” એટલું કહી સુમરાએ પોતાના શત્રુને કાંધ ઉપર ઉઠાવી લીધો. લઈને અંધારે રસ્તો કાપ્યો. ઠેઠ વસઈ જઈને સહીસલામત ઘેરે મૂકીને પાછો વળ્યો.