સોરઠી બહારવટિયા ભાગ-2/ચારણે બચાવ્યા

From Ekatra Wiki
Revision as of 11:21, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચારણે બચાવ્યા

મેઘલી અંધારી રાતે, બેય બહારવટિયા સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઊભા છે. મે’ની ઝડીઓ વરસે છે, તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાના ટેકા લીધા છે અને ઘણા ઘણા દિવસના થાક-ઉજાગરાથી બેયની આંખો મળી ગઈ છે. એ ઘડી -બે-ઘડીના ઝોલામાં પણ બેય જણા પોતાનો ગરાસ પાછો સોંપાયાનાં મીઠાં સોણાં ભાળે છે. જાણે બાર વરસની અવધિએ બાળબચ્ચાંની ભેળા થઈ રજપૂતો હૈયાની માયામમતા ભરી કોથળીઓ ખાલી કરે છે. ત્યાં તો ઝબકી ગયા. કાન ચમક્યા. અરણ્યમાં આઘે આઘેથી પોતાના નામનો મીઠપભર્યો લલકાર સાંભળ્યો :

પડ ધ્રૂજે પૃથમી તણું, કડકે નોબત કોય,
જેસા, સમું ન જોય, કાન કાં ફૂટ્યા કવટાઉત!
[ઓ જસા! આ પૃથ્વીનાં પડ ધ્રૂજે છે. નોબતો ગાજે છે. છતાં હજુ સામે નથી જોતો? તારા કાન કાં ફૂટી ગયા?]
જેસા, સામું જોય, ગડહડી નોબત ગુંજે,
(પણ) કાળહુંદી કોય, કફરી ગતિ કવટાઉત!
[ઓ જસા! સામે તો જો. આ નોબત ગુંજે છે. પરંતુ કાળની ગતિ બહુ કપરી છે.]
ત્રેહત્રાયાં ત્રંબાળ, (કાં) સાંભળ નૈ સરતાનનાં!
જેસા હજી ન જાગ, કાન કાં ફૂટા કવટાઉત!
નીંગરતાં નિશાણ, (કાં) સાંભળ નૈ સરતાનનાં!
જેસા હજી ન જાણ, કાન કાં ફૂટા કવટાઉત!

[ઓ જેસા કવાટજીના દીકરા, આ સુલતાનના ડંકાનિશાન તારી પાછળ ગાજતા આવે છે તે હજુય કાં ન સાંભળ? તારા કાન કાં ફૂટી ગયા?] આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા. “ભાઈ વેજા! કોક આપણને ચેતાવે છે. કોક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલકોઠે.” વરસાદમાં અંધારે રસ્તો ન ભાળતા, તરબોળ પલળતા, નદીનાળાં ટપીને બહારવટિયા નાસી છૂટ્યા. કાળભર્યો પાદશાહ ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહારવટિયા ગેબ થયા હતા. પાદશાહ સમજી ગયો. ફોજમાંથી એક માણસે અવાજ દઈને બહારવટિયાને ચેતાવેલા. એની સામે પાદશાહની આંખ ફાટી ગઈ. પૂછ્યું : “તેં ચેતવ્યા?” “હા, પાદશાહ સલામત! ચેતવ્યા, ને હું તારો ચારણ[1] છું. તુંને આજ ખોટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતવ્યા, બાપ!” “ફોજ પાછી વાળો, જાવા દ્યો બહારવટિયાને.” “એ પાદશાહ!” હસીને ચારણે હાકલ દીધી :

અયો ન ઉંડળમાંય, સરવૈયો સરતાનની,
જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો.

[સરવૈયો બહારવટિયો સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પોતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય!] “ઐસા!” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટિયાને ગીરને ગાળે ગાળે ગોતો.” હુકમ થતાં ફોજ ગીરમાં ઊતરી. દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં, (ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત. [પઠાણોનાં દળ બહારવટિયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝાટકાની ઝીંક ઝીલી શકી નહિ.] માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ-પાંચ પઠાણોને પછાડી પછાડી ભૂખ્યા, તરસ્યા ને ભીંજાયેલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થતાં આખરે રાવલકાંઠો આંબી ગયા.



  1. કોઈ કહે છે કે એ ચારણનું નામ ભવાન સાઉ. કોઈ કહે છે કે સાંજણ ભંગડો.