સોરઠી બહારવટિયા ભાગ-2/બેટમાં યુદ્ધ

From Ekatra Wiki
Revision as of 06:53, 21 October 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બેટમાં યુદ્ધ

શંખોદ્ધાર બેટથી થોડેક છેટે આજ સવારથી મનવારો ગોઠવાતી જાય છે. ચાર મોટી મનવારો સમિયાણાની દીવાદાંડી પાસે આવીને ઊભી રહી અને ત્રણ નાની બોટો ખાડીમાં ચોકી દેવા લાગી. સાતેના ઉપર અંગ્રેજી વાવટા ઊડે છે. તોપોનાં ડાચાં સાતેના તૂતક ઉપરથી બેટની સામે ફાટી રહ્યાં છે. ધીંગાણાના શોખીલા વાઘેરો કિનારા ઉપર નાચતા કૂદતા બોલવા લાગ્યા કે : “આયા! ચીંથડેજે પગેવારા આયા ભા! ચીંથડેજે પગેવારા ને લાલ મુંવારા માંકડા આયા! હી ચીંથડેજે પગેવારા કુરો કરી શકે?” [ચીંથરાના પગવાળા ને લાલ મોંવાળા માંકડા આવ્યા. એ બિચારા શું કરી શકશે?] ચીંથરાના પગવાળા એટલે મોજાંવાળા : વાઘેરોને મન આ મનવારો ને સોલ્જરો ચીંથરાં જેટલાં જ વિસાતમાં હતાં. તાળીઓ પાડીને વાઘેરોએ પોતાના ગોલંદાજને હાકલ કરી : “હણેં વેરસી! ખણો ઉન નંડી તોપકે! હકડો ભડાકો, ને ચીંથડેવારેજા ભુક્કા!” બેટને આઘે આઘે છેડે બરાબર મોટા દરિયાને કાંઠે હાજી કરમાણશા પીરની મોટી દરગાહ છે. હાજી કરમાણીશા ઓલિયો ઠેઠ ખંભાતથી, એક શિલાની નાવડી બનાવી, ધોકા ઉપર કફનીનો સઢ ચડાવી આખો દરિયો તરતા તરતા બેટને આરે ઊતરી આવ્યા કહેવાય છે. એ જગ્યાની પાસે વાઘેર ગોલંદાજ વેરસીએ પોતાની નાની તોપમાં સીસાનો ભુક્કો, લોઢાના ચૂરા અને ગોળા વગેરે ઠાંસીને ખેરીચો ભર્યો. મનવારોની સામે માંડીને તોપ દાગી પણ ગોળા મનવારને આંબી જ ન શક્યા. હવે મનવારોએ મારો ચલાવ્યો. મણ-મણના ગોળાઓએ આવીને વાઘેરોની તોપના ભુક્કા બોલાવ્યા. કિનારો ખરેડી પડ્યો. નાદાન વાઘેરો અણસમજુ છોકરાંની કાલી વાણીમાં કહેવા લાગ્યા : “નાર તો ભા! પાણ તો જાણ્યું જે હીતરી હીતરી નંડી ગોરી વીંજેંતો પણ હે તો હેડા હેડા વીંજેંતો. હેડેજો કરાર તો પાંજે ન વો! હણે ભા! ભજો! ભજો!” [આપણે તો જાણ્યું કે આવડી આવડી નાનકડી ગોળીઓ છોડશે. આ તો આવડા મોટા ગોળા ફેંકે છે. આવડા ગોળાનો તો આપણે કરાર નહોતો. હવે તો ભાઈ, ભાગો!] કરમાણીશા પીરની દરગાહ ઉપરથી વાઘેરો ભાગ્યા. મંદિરના કિલ્લામાં જઈને ભરાણા — અને આ બાજુથી દ્વારકાના દરિયામાં પણ મનવારોએ ડોકાં કાઢ્યાં. કિનારેથી જોધો ને મૂળુ, બે જણા વાઘેરોના કાળની નિશાનીઓ સામે ઠરેલી નજરે નીરખી રહ્યા છે. જોધો જરાક મોઢું મલકાવી મૂળુની સામે જુએ છે. મૂળુનું મોં ખસિયાણું પડીને નીચે ઢળે છે. “મૂરુભા! બચ્ચા! કાળને કેવાં નોતરાં દીધાં આપણે!” હડુડુડુ! હડુડુડુ! દરિયામાંથી આગબોટોએ તોપોના બાર આદરી દીધા. ઉપરાઉપરી ગોળાનો મે’ વરસવા લાગ્યો. ગઢની રાંગ તોડી. એટલે વાઘેર જોદ્ધાઓએ દુકાનોનો ઓથ લીધો. પલકવારમાં તો દુકાનો જમીનદોસ્ત બની, એટલે વાઘેરો ખંડેરોનાં ભીંતડાં આડા ઊભા રહ્યા. ગ્રૂપછાંટના ગોળા પડે છે, પડીને પછી ફાટે છે, ફાટતાં જ અંદરથી સેંકડો માણસોનો સંહાર કરી નાખે તેવી જ્વાળાઓ છૂટે છે. હવે શું કરવું તે કાંઈ સૂઝતું નથી : તે વખતે બુઢ્ઢાઓએ જુક્તિ સુઝાડી : “દોડો ભાઈ, ગોદડાં લઈ આવો. અને ગોદડાં ભીનાં કરી કરીને ગોળા પડે તેવાં જ ગોદડાં વડે દાબીને બૂઝવી નાખો.” પાણીમાં પલાળી પલાળીને ગોદડાં લઈ વાઘેરો ઊભા રહ્યા. જેવો ગોળો પડે તેવો જ દોડી દોડીને ગોદડાં દબાવી દેવા લાગ્યા. ગોળા ઓલવાઈને ત્યાં ને ત્યાં થંભી ગયા. એક આખો દિવસ એ રીતે બચાવ થયો. દૂરબીન માંડીને આગબોટવાળાએ જોયું તો વાઘેરોની કરામત કળાઈ ગઈ. બીજે દિવસે પ્રભાતે આગબોટવાળાઓએ આગબોટો પાછી હઠાવી. ગોળા બદલાવ્યા. તોપોના બાર શરૂ થયા. આંહીં વાઘેરો પણ ગોદડાં ભીંજાવીને હાજર ઊભા, પરંતુ આ વખતે ગોદડાં નકામાં નીવડ્યાં. ગોળા અધ્ધરથી જ ફાટી ફાટીને માણસોનો કચ્ચરઘાણ વાળવા લાગ્યા. વાઘેરોનો ઇલાજ ન રહ્યો. દેવાએ પોકાર કર્યો કે “હવે કાંઈ ઉગાર?” “મંદિરમાં ગરી જઈએ.” “અરરર! ઈ ગાયુંના ખાનારાઓ મંદિર ઉપર ગોળા મારશે અને આપણે કયે ભવ છૂટશું?” “બીજો ઇલાજ નથી, હમણાં ખલ્લાસ થઈ જશું. બાકી મંદિર માથે દુશ્મનો ગોળા નહિ છોડે.” ભાન ભૂલીને વાઘેરો મંદિરમાં દાખલ થયા. ત્યાં તો મંદિરના ચોગાનમાં બે ગોળા તૂટી પડ્યા, અને ગોદડે ઝાલવા જાય ત્યાં એમાંથી ઝેરી ગૅસ છૂટ્યો. ઓલવવા જનારા આઠેય આદમીઓ ગૂંગળાઈને ઢળી પડ્યા. બીજો ગોળો બરાબર મોટા દેરાના ઘુમ્મટ પર વાગ્યો. એક થંભ ખરેડી પડ્યો. તે વખતે ત્રાસ પામીને દેવા છબાણીએ હાકલ દીધી : “ભાઈઓ, હવે દુશ્મનોએ મરજાદ છાંડી છે. અને આપણાં પાપે આ દેવદેરાંના ભુક્કા સમજજો. આપણાથી સગી આંખે હિંદવાણાના આ હાલ નહિ જોવાય. ભગવાનની મૂર્તિ તૂટે તે પહેલાં આપણો જ અંત ભલે આવી જાય. નીકળો બહાર.” “પણ ક્યાં જાશું?” “આરંભડે થઈને દ્વારકામાં.” ત્યાં તો જાસૂસ ખબર લઈ આવ્યો, “દેવાભા, જમીનમાર્ગે આપણે હવે જઈ રહ્યા. નાકાં બાંધીને તોપખાનાં ચાલ્યાં આવે છે. ભાળ્યા ભેળા જ ફૂંકી દેશે.” રઘુ શામજી નામનો એક ભાટિયો : ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલી જાણે. એણે વાઘેરોને કહ્યું, “વષ્ટિ કરીએ. બીજો ઇલાજ નથી.” કિનારે આવીને લોકોએ ધોળો વાવટો ચડાવ્યો. સુલેહની નિશાની સમજીને મનવારનો કપ્તાન કિનારે આવ્યો. જુવાન જુવાન વાઘેરો કિલ્લામાં રહ્યા. બુઢ્ઢા હતા તેને કિનારે લઈ ગયા. કપ્તાન બોલ્યો કે “હથિયાર છોડી દ્યો!” બુઢ્ઢા બોલ્યા કે “હથિયાર તો ન છડ્યું, હી કિલ્લો સોંપી ડ્યું.” દરમિયાન કિલ્લાના કોઠા પાસેની સાંકડી ગલીમાં ખાડો કરી આડી રૂની મલીઓ ગોઠવી ચાર વાઘેરો તોપમાં ઢીંગલા ધરબીને છુપાઈ રહ્યા. જોધો ત્યાં હાજર નહોતો. પાંચસો સોલ્જરો ઊતર્યા. કાંઠે ચોકી મૂકીને પાંચસો જણા આગળ વધ્યા. વાઘેરોએ રૂની મલી આડેથી તોપ દાગતાં પચીસ સોલ્જરોની લોથોનો ઢગલો થયો અને તોપો દાગનારા બેય વાઘેરો તરવાર ખેંચીને ફોજમાં ઠેકી પડ્યા. આખી ફોજને પાછા હટાવી. ગોળીએ વીંધાઈને બેય જણાએ છેલ્લે ‘જે રણછોડ!’નો નાદ કર્યો, શ્વાસ છૂટી ગયા.

માણેકે સીંચોડો માંડિયો, વાઘેર ભરડે વાડ,
સોજીરની કરી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.

[માણેકે સંગ્રામરૂપી સીંચોડો માંડી દીધો. જાણે વાઘેરો વાડ ભરડવા બેઠા. ગોરા સોલ્જરોરૂપી શેરડી કરી મોટા શૂરવીરોને પીસી નાખ્યા.] ફોજે આથમણી રાંગ છોડીને દખણાદી નિસરણી માંડી. સોલ્જરો સીડી ઉપર ચડી રહ્યા છે, ત્યાં ‘જે રણછોડ!’ના નાદ સંભળાયા. દેવો છબાણી પાંચ વાઘેરોને લઈ દોડ્યો, નિસરણી નીચે પટકી, ગોરિયાળીવાળો ગીગો તરવાર ખેંચી ‘જે રણછોડ!’ કરી સોલ્જરો વચ્ચે ઠેકી પડ્યો. ઊંચેથી વાઘેરોએ એને પડકાર્યો કે “ભા! જેડા ગાડર ગૂડેતા હેડા સોજરા ગુડજા!” [જેવાં ઘેટાં કાપીએ તેવો સોલ્જરોને કાપજો!] એ પડકારો સાંભળી એણે ત્રીસ સોલ્જરોની કતલ કરી નાખી, અને ફોજને ફક્ત સાત મરદોએ કિનારા ઉપર પાછી કાઢી મેલી. ઘામાં વેતરાઈ ગયેલો બેટનો રક્ષપાલ દેવો છબાણી દ્વારકાધીશની ધજા સામે મીટ માંડીને થોડી વારમાં પ્રાણ છોડી ગયો. “હવે આપણો સરદાર પડતે આપણે આંહીં રહી શું કરશું? અને હમણાં ફોજ બેવડી થઈને ઊમટશે,” એમ કહીને કિલ્લેદારો નાઠા. ગોળાનો વરસાદ ન સહેવાયાથી દ્વારકાવાળા નવસો જણા પણ નીકળી ગયા. કિલ્લાનાં બારણાં ખુલ્લાં મુકાઈ ગયાં. રખેને હજુ પણ આગબોટો ગોળા છોડે, એવી બીકે બેટના મહાજને કિનારે જઈ ફોજના કપ્તાન ડોનલ સાહેબને ખબર દીધા કે “વાઘેરો બેટ ખાલી કરીને નાસી છૂટ્યા છે, માટે હવે સુખેથી પધારો બેટમાં!”