સોરઠી ગીતકથાઓ/6.રતન ગયું રોળ

From Ekatra Wiki
Revision as of 11:27, 21 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|6.રતન ગયું રોળ|}} {{Poem2Open}} સોરઠના ગિરકાંઠાનાં વાસી કોઈ ચારણ–ચારણી મુલકમાં દુષ્કાળ પડવાથી પોતાની ભેંસો હાંકી પરમુલક ગયેલાં. ચોમાસું બેસતે, દેશમાં સારો વરસાદ પડ્યાના સમાચાર સાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
6.રતન ગયું રોળ

સોરઠના ગિરકાંઠાનાં વાસી કોઈ ચારણ–ચારણી મુલકમાં દુષ્કાળ પડવાથી પોતાની ભેંસો હાંકી પરમુલક ગયેલાં. ચોમાસું બેસતે, દેશમાં સારો વરસાદ પડ્યાના સમાચાર સાંભળી બંને જણાં હર્ષાતુર હૃદયે ભેંસો હાંકીને મુલકમાં ઊતર્યાં. વચ્ચે કોઈ એક પોરસા વાળા નામે રજપૂતનું ગામડું આવ્યું. પોરસા વાળાનો આશરો મળે તો એ જ ગામમાં રહેઠાણ કરવાની બંનેની ઇચ્છા હોવાથી ચારણ પોતાની સ્ત્રીને ભેંસો સાથે નદીમાં ઊભી રહેવાનું કહી ગામમાં ગયો. ત્યાં રોકાણ થઈ ગયું. પાછળથી નદીમાં પૂર આવ્યું. ચારણી અને પશુ તણાઈ ગયાં. એ દીવાની અવસ્થામાં એણે સ્ત્રીના વિયોગની વેદના દોહા વાટે ગાયા કરી. કહેવાય છે કે એની માનસિક ઘેલછા મટાડવા માટે પોરસાવાળાએ એ જ મૃત ચારણની જુવાન બહેન લાવી, એવા જ પોશાક પહેરાવી, વળતા વર્ષની એ ઋતુમાં, એવો જ સમય શોધી, નદી વચ્ચે ઊભી રાખી, ને પછી ‘પૂર આવ્યું!’ એવી એવી બૂમો પડાવી. ઘેલા ચારણને નદી તીરે લાવ્યા. નદી વચ્ચે ઊભેલી તે પોતાની જ ચારણી છે એવા નવા ભ્રમને લીધે ચારણની જૂની ઘેલછા છૂટી ગઈ. આ ઘટનાનાં સ્થળ, સમય કે સાચાં નામો જડતાં નથી. માત્ર ‘પોરસો’ દોહામાં મશહૂર થયો છે. 

જવ જેટલાં જાળાં, વાળા મું દ્યો વતન, તો આણીએ ઉચાળા પાદર તમણે, પોરસા! [1] [હે પોરસા વાળા! મને જો જરાક જેટલાં જમીનનાં જાળાં કાઢી આપો તો હું આંહીં તમારે પાદર રહેઠાણ કરીને મારી ઘરવખરી લઈ આવું.]

મેં આવી ઉતારો કર્યો જબ્બર વસીલો જોય, (પણ) કામણગારું કોય પાદર તારું, પોરસા! [2] [હે પોરસા વાળા! તારા સરખો મોટો આશ્રયદાતા જોઈને મેં ઉતારો કર્યો, પણ તારા ગામનું પાદર તો કામણ કરીને મારી સ્ત્રીને સંતાડી બેઠું છે.] હૂંતું તે હારાવિયો, ખજીનો બેઠો ખોઈ, (એવું) કામણગારું કોઈ પાદર તારું, પોરસા! [3] [હે પોરસા વાળા! તારું પાદર એવું તો કામણગારું, એવું જાદુ કરનારું, કે મુજ ગરીબની જે મૂડી હતી તે હું આંહીં ગુમાવી બેઠો. મારા જીવનનો ખજાનો ચોરાઈ ગયો.]

હૂતું કામળની કોર, છેડેથી છૂટી પીયું, રતન ગીયું રોળ, પાદર તારે, પોરસા! [4] [હે પોરસા વાળા! અણસમજુ ગામડિયો ગોપજન જેમ પોતાને મળેલા એકના એક રત્નને કામળીની કોરે ગાંઠ વાળીને બાંધી રાખે, પણ ઊનની કામળીની ગાંઠ સારી વળે નહીં, ઓચિંતી એ છેડે વાળેલી ગાંઠ છૂટી જાય, ને રત્ન રોળાઈ જાય; એ જ રીતે મેં અબુધે મારી રત્ન જેવી ચારણીને કાળજી કરીને સાચવી નહીં. નદીના પટમાં ઊભી રાખી! મારી બેકાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો.]

સાથે લે સંગાથ (કોઈ) વછિયાત આવ્યાં વરતવા, (ત્યાં તો) રાખ્યાં રણમાં રાત, પાદર તારે, પોરસા! [5] [અમે વિદેશી વટેમાર્ગુ જીવતરની સંગાથી સ્ત્રીને સાથે લઈ તારે આંગણ ગુજારો કરવા આવ્યાં. ત્યાં તો ઓ પોરસા વાળા! તારા પાદરમાં જ અમને તો અંતરિયાળ રાત રાખી દીધાં.]

ઓચિંતા આવે, મધરાતે વાદળ ગળ્યાં, (મારું) રતન ગૂં રેલે, પાદર તારે, પોરસા! [6] [જીવનની અધરાત થઈ ગઈ તે ટાણે ઓચિંતા જાણે વાદળ વરસ્યાં, ને મારું રત્ન તણાઈ ગયું.]

કાયા કંકુની લોળ (અમે) સાંચવતાં સોનાં જીં, પડ્યાં રાંકને રોળ, પાદર તારે, પોરસા! [7] [કંકુની પૂતળી સરખી એ પ્રિયતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો. ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં આવીને લૂંટાઈ ગયો. મારું સાચવેલું ધન રોળાઈ ગયું.]

બેઠેલ બઢ્ય કરે, સાંસલેલ સાંસા જીં, (ત્યાં તો) ફડક્યું લે ફાળે, પાદર તારે, પોરસા! [8] [હે પોરસા વાળા! શિકારીની ત્રાસીને નાસેલ, શ્વાસભર્યું સસલું જેમ પોતાની નાની-શી બખોલ કરીને તેની અંદર શિકારીઓથી ગુપ્ત પડ્યું રહે, તેમ હું પણ મારી ચારણીરૂપી ગરીબ બખોલમાં છાનોમાનો વિસામો લેતો હતો. એમાં કાળરૂપી શિકારીની ફાળ પડી, મારું વિસામાનું ધામ છૂટી ગયું, ને હું હવે એ કાળની મોખરે, શિકારીની આગળ નિરાધાર સસલો દોડે તેમ દોડી રહ્યો છું.]

દલને ડામણ દે, ઉભલ ઊંટ વારે, રીયું રાડ્યું દ્યે પાદર તારે, પોરસા! [9] [મારા દિલને જાણે કે હવે ડામણ (બેડી) પડી છે. પગે ડામણ દઈને ટોળાથી વિખૂટા પાડેલા ઊંટની માફક એ એકાકી ઊભેલું છે. અને હે પોરસા! એવા વિખૂટા પડેલા ઊંટની માફક મારું બંદીવાન અંતઃકરણ તારે પાદર એકલ દશામાં ઊભું ઊભું પોકાર કરે છે. વિયોગી દિલને ઊંટની ઉપમા આપવાનું કારણ એ છે કે મનુષ્ય કરતાં પશુનો, અને તેમાં પણ ઊંટનો ‘હર્ડ-ઇસ્ટીંક્ટ’ (સમૂહ-સ્નેહ) એટલો બધો પ્રબળ છે કે ઊંટોના આખા ટોળામાંથી એક ઊંટને વિખૂટું પાડીને જ્યારે માલધારીઓ એને પગે બંધ બાંધી રોકી લે છે, ત્યારે એ એકાકી ઊંટ ઊભું ઊભું, સાંભળનાર સર્વ કોઈનાં હૃદય ભેદાય તેવું આક્રંદ કરે છે, અને એની આંખોમાં તે વેળા ચોધાર આંસુ ચાલતાં હોય છે. જાણકાર માલધારીઓએ કહેલી આ કથા છે.]

કૂવાને કાંઠે દલ મારું ડોકાય; (પણ) જોયે તરસ્યું ન જાય, પીધા વિણની, પોરસા! [10] [તરસ્યો માનવી કૂવાને કાંઠે ઊભો રહી પાણીમાં ડોકિયાં કરે, તેથી એની તરસ કદી છીપતી નથી. તેવી રીતે, હે પોરસા વાળા, મારું હૃદય તરસે વલવલતું, એ પ્રિયાના સ્મરણરૂપી કૂવામાં ડોકિયાં કરે છે, પરંતુ એનાં રૂપગુણનાં નીરને પીવાનો વખત તો હવે ચાલ્યો ગયો.]

બાવળ ને ઝાડ જ બિયાં વાધે નીર વન્યા, (પણ) કેળ્યું કોળે ના પાણી વણની, પોરસા! [11] [હે પોરસા વાળા! બાવળ જેવાં બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઊઝરે. પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. તેવી રીતે અનેક જોરાવર હૃદયના માનવી પ્રેમજળ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર શી રીતે જીવું?]

વવારીએં વાળા, તળિયે ટાઢક જોય, (પણ) કેળ્યું કૉળે ના, (કે’દિ’) પાણી વણની, પોરસા! [12] [હે પોરસા દરબાર! તું કહે છે કે હું ફરી વાર પરણું. મારા સ્નેહરૂપી ઝાડને તું કોઈ ટાઢું પાણીવાળું તળ જોઈને — એટલે કે કોઈ સ્નેહભર્યું પાત્ર જોઈને રોપવા માગે છે, પણ હે બાપ! મારો સ્નેહ તો કેળના રોપ સરીખો કોમળ છે. એને ઉપરથી પાણી પાયા વિના કૉળાવી નહીં શકાય. એને તો મરનાર ચારણીનું જ કૂપજળ પીવા જોઈએ.]

તરસ્યાં જાય તળાવ (ત્યાં તો) સરોવર સૂકે ગયાં; અગનિ કીં ઓલાય પીધા વિણની, પોરસા! [13] [હે પોરસા વાળા! તરસ્યાં થઈને અમો સરોવર તીરે ગયાં, ત્યાં તો છલોછલ ભરેલું સરોવર અમારી આંખો સામે પલકવારમાં સુકાઈ ગયું. હવે પાણી પીધા વગર મારા અંતરની પ્યાસની જ્વાલા શી રીતે ઓલવાય?]

દેયું દિયાડે, સાંચવતાં સોનાં જીં, રોળાણી રાખોડે, પાદર તારે, પોરસા! [14] [દિવસો દિવસ અમે જે પ્રિય દેહને સોનાની માફક સાચવતાં હતાં, તે આજ તારે પાદર રાખમાં રોળાઈ ગયો, ઓ પોરસા વાળા!]

સુઘડ હેતાળી સુંદરી, સુખની છાકમછોળ, (હવે) ધોખા ને ધમરોળ, પાદર તારે, પોરસા! [15] [એવી ચતુર અને સ્નેહાળ સુંદરીના સાથમાં મારે સુખની છોળો છલકતી, પણ હવે સ્ત્રી મરતાં તો હે પોરસાવાળા! તારા પાદરમાં મારે જીવતરભરના ક્લેશ અને કષ્ટના ધમપછાડા જ રહ્યા.]

તરિયા ગઈ, તૃષણા રહી, હૈયું હાલકલોલ, રતન ગીયું રોળ પાદર તારે, પોરસા! [16] [હવે તો હે પોરસા વાળા! જીવતરમાંથી જન્મ-સંગાથી સ્ત્રી ચાલી ગઈ, મનમાં સંસાર સુખની વાંછના હતી તે અણપૂરી રહી ગઈ, અંતઃકરણ આ ભવસાગરમાંથી તૂટેલી નૌકા સરીખું ડામાડોળ સ્થિતિમાં પડી ગયું, કેમ કે તારા પાદરમાં મારું અમૂલ્ય રત્ન રોળાઈ ગયું.]

સૂતલ સખ કરે, કણકણતું કુંજાં જીં, માર્યું મધરાતે પાદર તારે, પોરસા! [17] [હે પોરસાવાળા! કુંજડ પક્ષીઓની રીત છે કે રાતે ક્યાંક આખું વૃંદ ઓથ શોધીને આરામ કરે અને ચાર કુંજડાં વારાફરતી ચોકી રાખે. સૂતાં સૂતાં કુંજડાં લ્હેરથી ઝીણું ઝીણું કણક્યા કરે. આવી લ્હેરથી મારું હૃદય-પક્ષી પણ પોઢ્યું હતું. ત્યાં તો બરાબર મધરાતની ભરનિદ્રામાં શિકારીએ એને તીર માર્યું.]

વાછરડું વાળા! ભાંભરતું ભળાય, (પણ) થર આતમ નો થાય, પરસ્યા વણનો, પોરસા! [18] [હે પોરસાવાળા! ગાય પોતાના વાછરડાને પોતાની સન્મુખ જ બાંધેલું જોતી હોય, છતાં પણ એને પોતાની જીભથી સ્પર્શ કર્યા વગર એ માતાનો જીવ ઠરતો નથી, તેમ મારા હૃદયને પણ મારી પ્રિયાના સ્મરણ માત્રથી જ શાંતિ નથી વળતી.]

ઊડી મન આંબર ચડે ચકવાં જીં સદાય, (ત્યાં તો) કફરી રાત કળાય, પોહ ન ફાટે, પોરસા! [19] [સંધ્યાકાળથી જ વિખૂટાં પડીને નદીના સામસામા કિનારા પરથી બેઠેલાં ચક્રવાક પક્ષીનાં નર–માદા જેમ રાતમાં વારંવાર ઊડી ઊડીને અંબર (આકાશ) પર ચડી જોયા કરે કે સૂરજ ઊગ્યો છે? પ્હો ફાટી છે? એ રીતે મારું હૃદય-ચકવું પણ વારે વારે નજર કરે છે કે આ વિયોગ-રાત્રિનો અંત છે ખરો! પણ મારે તો મિલનનું પ્રભાત પડતું જ નથી. (ચક્રવાક પક્ષી અને ચક્રવાકી આખો દિવસ સંગાથે રહે, પણ સંધ્યાકાળે કુદરતી રીતે જ એને વિખૂટાં પડી આખી રાત જળાશયની સામસામી પાળે પરસ્પર ચીસો પાડતાં પાડતાં ગુજારવી પડે, એવી માન્યતા પ્રચલિત છે.)]

અમારા ઊડે ગિયા અધ્ધર ઉચાળા, (હવે) વીસમશું વાળા, પેલા ભવમાં, પોરસા! [20] [હે પોરસા વાળા! મારા ઉચાળા (સરસામાન) અધ્ધરથી ઊડી ગયા. હવે તો આવતા જન્મમાં જ વિશ્રામ પામશું.]