વેળા વેળાની છાંયડી/૩૯.ઊનાં ઊનાં આંસુ

From Ekatra Wiki
Revision as of 05:49, 1 November 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૯.ઊનાં ઊનાં આંસુ

એ વહેલી પરોઢે વાઘણિયામાં ‘વિલાયતી નળિયાંવાળી મેડી’ને નામે ઓળખાતી ઇમારતને દરવાજે એક ઘોડાગાડી ઊભી હતી.

⁠ગાડીની આગલી બેઠક પરથી ગાડીવાન મંદ અને મીઠા અવાજે પરભાતિયું ગાતો હતોઃ

જાગિયે રઘુનાથ કુંવર ⁠પંછી બન બોલે...

⁠ગાડીવાનની ગોદમાં, ઘોડાની લગામ ઝાલીને બેઠેલો એક કિશોર વારે વારે પૂછ્યા કરતો હતો :

⁠‘વશરામકાકા, ઝટ ગાડી હાંકો ને! મોડું થાશે તો ખેતરમાંથી મોરલો ઊડી જાશે—’

⁠‘બા આવ્યા વિના ગાડી કેમ કરીને હંકાય, બટુકભાઈ!’ ગાડીવાન બાળકને સમજાવતો હતો, ને ફ૨ી ૫૨ભાતિયું લલકારવા માંડતો હતો. બાળક અકળાઈને ઘરની દિશામાં બૂમ પાડતો હતો: ‘બા, હાલો ને ઝટ, ઝાડ ઉપરથી દેવચકલી ઊડી જાશે—’

⁠‘આવું છું, બટુક, આવું છું... જરાક ધીરો થા, બેટા!’ ઘરમાં ગૃહિણી પુત્રને વહાલભર્યો જવાબ આપીને ફરી પતિ સાથે દલીલ કરવા લાગતી હતી.

⁠‘આવું તે ક્યાંય શોભે? મારા દકુભાઈનો દીકરો પરણે ને તમે જ લગનમાં ન આવો તો કેવું માઠું લાગે?’

⁠‘પણ મારે આ ઓચિંતું કામ આવી પડ્યું ને ! ખેપિયો ચિઠ્ઠી આપી ગયો, એટલે મારે અંતરિયાળ જોખ ક૨વા જવું પડશે —’

⁠પોતે હોંશે હોંશે બંધાવેલી નવી મેડી એક વાર વેચી નાખ્યા પછી એમાં ફરી વાર વસવાટ કરી રહેલાં પતિપત્ની વચ્ચે વહેલી પરોઢમાં આ વાતચીત ચાલી રહી હતી.

⁠‘વેપા૨ તો બારેય મહિના કરવાનો જ છે ને!’ લાડકોર કહેતી હતી, ‘લગન-અવસર તો કોક વા૨ જ આવે—’

⁠‘પણ હું લગનને દિવસે આવી પહોંચીશ,’ ઓતમચંદ ખાતરી આપતો હતો.

⁠‘છેલ્લી ઘડીએ આવો એ શોભે? મારા દકુભાઈને કેટલું માઠું લાગે!’

⁠‘તમે અને બટુક વહેલે૨ાં જાવ છો, એટલે બહુ માઠું નહીં લાગે ને હું પણ લગનને દિવસે ઘોડી ઉપર આવી પૂગીશ—’

⁠ગાડીમાં બેઠાં બેઠાં પાવો વગાડી રહેલા બટુકે ફ૨ી બૂમ પાડી ‘બા, ઝટ હાલોની, હવે તો દેવચકલી ચારો ચણવા ઊડી ગઈ હશે—’

⁠સાંભળીને ઓતમચંદે પત્નીને કહ્યું, ‘હવે બહુ ખોટી થાવ મા, બટુક બિચારો અથરો થઈ ગયો છે—’

⁠‘પણ તમે લગનને દિવસે તો સાચોસાચ આવી પગશો જ ને?’ લાડકોરે ઓસરીનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં પૂછ્યું.

⁠‘એમાં કાંઈ કહેવું પડે મને?’

⁠‘તમારા આવ્યા વિના મારો દકુભાઈ બાલુની જાન નહીં જોડે હોં !’

⁠‘દકુભાઈનાં હેત-પ્રીત હું ક્યાં નથી જાણતો?’

⁠‘તો ઠીક!’ કહીને પતિ ઈશ્વરિયે અચૂક આવી પહોંચશે એની ખાતરી થયા પછી જ લાડકોર ઘોડાગાડીમાં બેઠી.

⁠‘આટલું બધું જ૨જોખમ ભેગું છે એટલે જરાક જાળવીને જાજો હોં, વશરામ!’ ઓતમચંદે ગાડીવાળાને સૂચના આપી.

⁠‘એમાં કહેવું ન પડે. મારગ આખો જાગતો છે. સોનાના ચરુ લઈને નીકળીએ તોય કોઈનો ભો નહીં,’ કહીને વશરામે ગાડી હંકારી.

⁠ઘોડાની ડોકમાંની ઘૂઘરમાળ ગાજી ઊઠી.

⁠અને જાણે કે ઘોડાના ડાબલા અને ઘૂઘરાના રણકાર સાથે તાલ મેળવવા જ બટુકે પાવાનો સૂર છેડ્યો.

⁠પિતૃગૃહે જતી અને હરખથી અરધી અરધી થઈ રહેલી લાડકોરે બટુકને પૂછ્યું:

⁠‘આપણે કોને ઘેર જઈએ ?’

⁠‘મામાને ઘે૨.’

⁠‘કેનાં લગનમાં?’

⁠‘બાલુભાઈનાં—’

⁠‘આ પાવો કોણે મોકલ્યો’તો તને?’

⁠‘બાલુભાઈએ—’

⁠બટુકે ટપોટપ અનુકૂળ ઉત્તરો આપી દીધા તેથી લાડકોરને પરમ સંતોષ થયો. ઈશ્વરિયાના પસાયતાઓના હાથનો મરણતોલ માર ખાઈને ઓતમચંદ મેંગણી જઈ પહોંચેલો અને ત્યાંથી હીરબાઈ આહીરાણી પાસેથી બીજલનો જે પાવો બટુક માટે લેતો આવેલો એ ‘મામાએ મોકલાવ્યો’ એવો જ ખ્યાલ આજ સુધી પ્રચલિત રહેલો. બટુક માટેનું આ રમકડું બાલુએ નહીં પણ બીજલે મોકલાવેલું છે એની ગંધ સુધ્ધાં ઓતમચંદે આવવા નહોતી દીધી. અને તેથી જ તો દકુભાઈ, સમરથ અને બાલુ માટે હૃદયમાં અધિકાધિક ભાવ લઈને લાડકો૨ ઉમંગભરી ઈશ્વરિયે જઈ રહી હતી ને?

⁠વાઘણિયાની સીમ છોડીને ગાડીએ વગડાનો કેડો લીધો. ઘોડાના ડાબલા, ઘૂઘરાના રણકાર, પાવાનો સૂર અને ઊઘડતા પરોઢની અણબોટી તાજગીથી પ્રેરાઈને વીતરાગી જેવા વશરામે હલકભે૨ ભજનનાં વેણ ઉપાડ્યાં હતાં:

ખૂંદી તો ખમે માતા પ્રથમી ⁠ને વાઢી તો ખમે વનરાય...

કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે, ⁠ને નીર તો સાય૨માં સમાય...

⁠ઉગમણું આભ રાતુંચોળ થઈ ગયું અને ઉજાસ વધી ગયો. એટલે બટુકે પોતાના પ્રિયજન સમા મોરલાની અને દેવચકલીની ખોજ આદરી.

⁠મારગમાં મળતા પરિચિત ગાડાખેડુઓ અને ભરવાડણો ઘોડાગાડીથી ભડકી મારગની કોરે સરી જતાં હતાં ને વશરામને પૂછતાં હતાં: ‘કેણી કોર?’

⁠‘ગામતરે—’

⁠‘કિયે ગામ?’

⁠‘ઈશ્વરિયે, લગનમાં—’

⁠‘કોનાં ?’

⁠‘દકુભાઈના દીકરાનાં—’

⁠એકેક પ્રશ્નોત્તર સાંભળીને લગનઘેલી લાડકોર હરખાતી હતી.

⁠‘વાઘણિયાના પરિચિત વટેમાર્ગુઓ આ ગાડીને ને એમાંનાં પ્રવાસીઓને ઓળખી કાઢતાં મનશું વિચારતાં હતાં: આનું નામ જિંદગીની ઘટમાળ. આ ગાડી એક વા૨ ઓતમચંદ શેઠને કાઢી નાખવી પડી’તી. આજે પાછી એ જ ગાડી ને એ જ મેડીનો ભોગવટો કરે છે. માણસના હાથમાં હોય એ હાલ્યું જાય, પણ કરમમાં હોય એ ક્યાંય ન જાય.’

⁠બટુકને ઘણા દિવસ પછી પરિચિત ગાડીમાં લાંબી સફર કરવાનું મળ્યું હોવાથી મસ્ત હતો, ‘હેય, કાબર! કાબર! હેય, હરણ! હરણ!’ એમ કરીને એ આનંદાવેશમાં ઊભો થઈ જતો હતો, પણ આજે એના શિશુસુલભ આનંદોદ્‌ગારોમાં સૂર પુરાવીને ઉત્તેજન આપનાર નરોત્તમ હાજ૨ ન હોવાથી બટુકનો અરધો આનંદ ઓસરી જતો હતો. એની બાલસ્મૃતિમાં પણ ભૂતકાળનો એક સુખદ પ્રસંગ તાજો થતો: પોતે આ જ ગાડીમાં નરોત્તમની બાજુમાં બેઠેલો, સામી બેઠક ૫૨ મેંગણીનાં મહેમાનો બેઠાં હતાં, એવામાં પોતે એક પક્ષી જોયું અને નરોત્તમને પૂછેલું: ‘કાકા, ઓલ્યું ઝાડ ઉપર બેઠું એને શું કહેવાય?’ બટુકને કમનસીબે એ ઘડીએ કાકા અન્યમનસ્ક હતા તેથી કશો ઉત્તર ન મળેલો. કિશોરે ફરી ફરીને એ જ પ્રશ્ન પૂછ્યા કરેલો, પણ નરોત્તમ તો પોતાની જ હૃદયકુંજમાંથી ઊઠતો કુહૂકુહૂ રવ સાંભળવામાં એટલો રમમાણ હતો કે ભત્રીજાને ઉત્તર આપવાનો એને અવકાશ જ નહોતો. આખરે, વારંવાર પુછાતા ‘કાકા, ઓલ્યું ઝાડ ઉપર બેઠું એને શું કે’વાય?’ પ્રશ્નનો ઉત્તર નરોત્તમને બદલે એક યુવતીએ આપી દીધેલો: ‘એનું નામ કોયલ.’ પોતાના બાલિશ પ્રશ્નનો પણ આટલા સમભાવ અને સ્નેહથી ઉત્તર આપનાર એ અજાણી યુવતી સાથે આ બાળકને આટલા ટૂંકા સહવાસમાં પણ સ્નેહગાંઠ બંધાઈ ગયેલી. પણ અદેખી વિધાતાએ સ્નેહસંબંધ જાણે કે સદાયને માટે તોડી નાખેલો. આ અણસમજુ કિશોર એ પ્રસંગ હજી ભૂલ્યો નહોતો. અને અત્યારે આ વ્યક્તિઓની ગેરહાજરી અજાણપણે પણ એ અનુભવતો હતો ખરો.

⁠બટુકને જે અનુભવ અજાણપણે થતો હતો એ લાડકોરને આજ સુધી સભાનપણે સતાવી રહ્યો હતો. પણ અત્યારે તો એનામાં સ્ત્રીસુલભ ઉત્સવપ્રિયતા એટલી વધી ગઈ હતી કે એના ચિત્તમાં ઈશ્વરિયું, દકુભાઈ અને બાલુ સિવાય બીજો કોઈ વિચાર પ્રવેશી શકે એમ જ નહોતો.

⁠બટુક પોતાનાં આપ્તજન સમાં પક્ષીઓ સાથે ગેલ કરતો હતો. લાડકોર આગામી લગ્નોત્સવની યોજનાઓ ગોઠવતી હતી. વશરામ પોતાનાં પ્રિય ગીતો લલકારતો હતો. ને પાણીપંથો ઘોડો કાચા ધૂળિયા મારગ ઉપ૨ ધૂળના ગોટેગોટા ચડાવતો ને માથોડું માથોડું ઊંચી ખેપટ ઉડાડતો ઝડપભેર પંથ કાપતો હતો.

⁠‘લ્યો, આ ઈશ્વરિયાની સીમનાં ઝાડવાં દેખાણાં!’ વશરામે જાહેર કર્યું ત્યારે જ લાડકોર પોતાનાં દિવાસ્વપ્નોમાંથી જાગી, ને બોલી:

⁠‘બટુક, મામાનું ગામ આવી ગયું.’

⁠પણ પાકા બે પ્રહ૨ સુધી નિસર્ગ વચ્ચે પ્રવાસ કરીને કુદરત-પ્રાણી-પક્ષીસૃષ્ટિ સાથે તદ્રુપ થઈ ગયેલા આ કિશોરને હવે મામાના ગામમાં બહુ રસ રહ્યો હોય એમ લાગ્યું નહીં.

⁠‘આ ઈશ્વરિયાનું પાદર!’ વશરામે બીજી જાહેરાત કરી.

⁠અને પલક વા૨માં તો દકુભાઈની ડેલીને બારણે ગાડી ઊભી રહી.

✽ ⁠લાડકોર હોંશે હોંશે ભાઈભાભી અને ભત્રીજા સાથે વાતો કરતી હતી અને દકુભાઈનું અપરાધી હૃદય વધારે ક્ષોભ અનુભવતું હતું.

⁠‘બટુક, મામાએ મોકલ્યો’તો એ પાવો વગાડ્ય, દીકરા!’

⁠લાડકોરનું આ વાક્ય સાંભળીને ઘ૨નાં માણસો વિચારમાં પડી ગયાં.

⁠માતાએ આપેલા આદેશ અનુસાર બટુકે સાચે જ પાવો વગાડ્યો ત્યારે તો દકુભાઈની વિમાસણનો પાર ન રહ્યો.

⁠‘આ પાવો કોણે મોકલ્યો’તો, બટુક?’ લાડકોરે પૂછ્યું.

⁠બટુકે કહ્યું: ‘બાલુભાઈએ—’

⁠સંક્ષુબ્ધ દકુભાઈ બાલુ સામે જોઈ રહ્યો. ગૂંચવાયેલો બાલુ સમરથ ત૨ફ તાકી રહ્યો અને શરમિંદી સમરથ મૂંગી મૂંગી જમીન ખોતરી રહી. સહુનાં મનમાં સવાલ સળવળી રહ્યો: ‘કોણે મોકલ્યો’તો આ પાવો? ક્યારે મોકલ્યો’તો આ પાવો? કોની સમજફેર થાય છે?’

⁠બટુક ભોળે ભાવે પાવો વગાડતો રહ્યો અને બાળક કરતાંય અદકેરી ભોળી લાડકોર પોતાના ભાઈભાભીનાં ગુણગાન ગાતી રહી.

⁠લગનને આગલે દિવસે દકુભાઈને આંગણે મોટો જમણવાર યોજાયો હતો. ફળિયામાં મોટા મોટા ચૂલા ઉપર દેગ ચડી હતી. ⁠ઓસરીમાં લાડકોર બેઠી બેઠી સમરથ પાસે માથું ઓળાવતી હતી. નણંદની પાછળ નાનકડી માંચી ઉપર બેઠેલી ભોજાઈ લાડકોરના માથામાં ધૂપેલ ચાંપીને કાંસકી ફેરવતી હતી.

⁠હોંશીલાં ફૈબાએ બાલુના લગનના જમણવાર માટે મોટી મોટી તૈયારીઓ કરેલી. એક ચૂલા ઉપર કંદોઈ વડી-પાપડ તળી રહ્યો હતો અને એ માટે લાડકોરની બાજુમાંનો ઓસરીમાંનો તેલનો ખાણિયો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

⁠કંદોઈ તપેલાં ભરી ભરીને ખાણિયામાંથી તેલ ઉલેચતો જતો હતો.

⁠લાડકોર પોતાની ભોજાઈ સાથે સુખદુઃખની વાતો કરી રહી હતી. અત્યારે એ વઢકણી સમ૨થનો આખો ભૂતકાળ ભૂલી ગઈ હતી. પોતાને ઘેરે વાસ્તુ પ્રસંગે ભોજાઈએ મોહનમાળા જેવી મામૂલી વાતમાંથી જે મહામોટી રામાયણ ઊભી કરી હતી અને રંગમાં ભંગ પાડ્યો હતો એ પ્રસંગ પણ આજના શુભ પ્રસંગે આ સહિષ્ણુ સ્ત્રી વીસરી ગઈ હતી.

⁠એવામાં ઓસરીનો તેલનો ખાણિયો ઉલેચાતો ઉલેચાતો છેક તળિયા સુધી ખાલી થઈ ગયો અને કંદોઈએ હજી એક વધારે તપેલું ભરવા માટે ખાણિયામાં છેક ઊંડાણમાં હાથ નાખ્યો ત્યારે તપેલું જાણે કે કશીક ભારેછલ્લ વસ્તુ સાથે ભટકાતું લાગ્યું.

⁠‘આ ખાણિયામાં પાણો પડ્યો છે કે શું?’ એમ બોલતાં બોલતાં કંદોઈએ પોતાનો આખો હાથ અંદર ઉતારીને પેલી ભારેખમ ચીજ બહાર ખેંચી કાઢી.

⁠તેલથી ૨સબસ થયેલી પાણકોરાની આ કોથળી તરફ લાડકોર કુતૂહલપૂર્વક તાકી રહી, સમરથ સંશય અને શંકાપૂર્વક.

⁠કંદોઈએ એ કાળીમેશ કોથળી જોરપૂર્વક ખાણિયાની કો૨ ઉ૫૨ પડતી મૂકી એટલે ચોખ્ખી ચાંદીના મુંબઈગરા રૂપિયાનો પરિચિત અવાજ રણકી ઊઠ્યો.

⁠‘ઓહોહો ભાભી! મારો દકુભાઈ ભાર્યે મોટો નાણાંવાળો છે ને શું!’ માથું ઓળાવતી લાડકોરે પાછળ જોયા વિના જ સમરથની મજાક કરી, ‘તમા૨ા તો તેલના ખાણિયામાંથીય રૂપિયાની કોથળિયું નીકળે છે ને શું!’

⁠પણ ભોજાઈ ત૨ફથી આ મશ્કરીનો કશો ઉત્ત૨ જ ન મળ્યો, એટલે લાડકોરે મજાક ચાલુ રાખી:

⁠‘તમારે તો સંજવારીમાંથીય સાચાં મોતી નીકળે એવી સાહ્યબી લાગે છે! તેલના ખાણિયામાંથીય આટઆટલા રૂપિયા નીકળે છે તો પછી પટારામાં તો શું નહીં ભર્યું હોય!’

⁠આ વખતે તો ભોજાઈ ત૨ફથી કશોક ઉત્તર મળશે જ એવી નણંદને અપેક્ષા હતી પણ સમ૨થને મોઢેથી કોઈ વેણ સાંભળવાને બદલે એની આંખમાંથી ખરેલાં ઊનાં ઊનાં આંસુ લાડકોરના હાથ ઉપર ટપક્યાં ત્યારે એ ચમકી ઊઠી. વાળમાં ક૨તી કાંસકી અટકાવીને પડી ગયેલી સરસ સેંથી વીંખાઈ જવાની ૫૨વા કર્યા વિના એણે ડોકું ફેરવીને પછવાડે જોયું તો સમ૨થનું મોઢું કાળુંધબ્બ થઈ ગયેલું દેખાયું.