વેળા વેળાની છાંયડી/૪૦. આગલા ભવનો વેરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૦. આગલા ભવનો વેરી

‘અરે ભાભી, તમારી આંખ ભીની કાં?’ લાડકોરે સમરથને પૂછ્યું, ‘રુવો છો શું કામ?’

⁠પણ સમરથને મોઢેથી શો ઉત્તર મળવાને બદલે આંખમાંથી વધારે આંસુ જ ખર્યાં ત્યારે લાડકોરને લાગ્યું કે આમાં કશુંક આડું વેતરાયું છે. માથું ઓળવાનું માંડી વાળી, હાથમાં તલનું કચોળું લઈને એ ઊભી થઈ ગઈ અને સમરથને પણ માંચી પરથી ઊભી કરતાં પૂછ્યું:

⁠‘મારાથી કાંઈ અવળું વેણ બોલાઈ ગયું?... તમને માઠું લાગી ગયું?’

⁠પણ કશો ખુલાસો કરવાને બદલે સમરથ ભોંઠામણ અનુભવતી નીચું જોઈ ગઈ.

⁠કેડ સમાણા ઊંડા ખાણિયામાંથી રૂપિયાની કોથળી ખેંચી કાઢનારો કંદોઈ ક્યારનો હાથમાં તપેલું ઝાલીને ખોડચાંની જેમ ઊભો રહેલો અને આટલાં કલદાર કાઢી આપવા બદલ શાબાશીના શિરપાવની રાહ જોઈ રહ્યો હતો, એ હવે આ દૃશ્ય જોઈને અકળાઈ ઊઠ્યો તેથી પૂછ્યું:

⁠‘આ કોથળી ક્યાં મેલું?’

⁠‘ચૂલામાં,’ સમરથે કહ્યું.

⁠લાડકોરના મનમાં જે શંકા ઉદ્‌ભવેલી એ આ સાંભળી વધારે ઘેરી બની. એણે હાથનો સંકેત કરીને કંદોઈને અહીંથી ચાલ્યા જવાનું સૂચવ્યું. પછી એકલી પડતાં એણે સમરથને પૂછ્યું:

⁠‘ભાભી, આ શું થઈ પડ્યું આટલી વારમાં?’

⁠‘કાંઈ કહેવાની વાત નથી—’ કહીને ફરી વાર શરમિંદી સમરથ આંખો ઢાળી ગઈ.

⁠‘પણ ઘડીક વારમાં જ? હજી હમણાં તો કેવા મજાના ટહુક કરતાં હતાં!’ લાડકોરે પોતાના જ સાડલા વડે સમરથની આંખમાંથી આંસુ લૂછતાં લૂછતાં કહ્યું, ‘કાલે તો બાલુની જાન જૂતશે ને આજે આમ આંખ ભીની કરાય?’

⁠‘મારી આંખ સામેથી ઓલી કાળમુખી કોથળી આઘી કરો!’ સમ૨થે પહેલી જ વા૨ શબ્દોચ્ચા૨ કર્યો.

⁠‘શું કામ આઘી કરીએ ભલા? મૂળાનાં પતીકાં જેવા રૂપિયા કાંઈ મફત આવ્યા છે?’ લાડકોરે કહ્યું, ‘ને જોખમ સાચવવું હોય તો ગમે એવે ઠેકાણે મૂકવું પડે. ખાણિયામાં શું, ભમરિયા કૂવામાંય સંતાડવું પડે... બીકાળા ગામમાં રહેવું કાંઈ રમત વાત છે?’

⁠‘સંતાડ્યું નહોતું—’

⁠‘ભલે ને સંતાડ્યું! એમાં શરમ શેની વળી?’

⁠‘કહું છું, કે કોથળી સંતાડી નહોતી...’

⁠‘સમજી, સમજી! મારા દકુભાઈએ ખાણિયામાં જોખમ મેલ્યું હશે. ભાયડા માણસની મેલમૂકની આપણને શું ખબર પડે?’

⁠‘કહું છું કે ખાણિયામાં કોઈએ કોથળી મેલી નહોતી —’

⁠‘ઝાઝી વાતનાં ગાડાં ભરાય. ગમે એણે મેલી હોય. તમને તો ખરે અવસરે દહીંના ફોદા જેવા રૂપિયા જડ્યા, એ જ મોટા શકન!’

⁠‘શકન નહીં,’ સમરથ અચકાતે અવાજે બોલી, ‘અપશકન કહો, બહેન!’

⁠સાંભળીને લાડકોર વધારે ગૂંચવણમાં પડી. ખાણિયામાંથી રૂપિયા નીકળ્યા, એને સમરથ અપશુકન શા માટે કહે છે? શું આ ચોરી-ચપાટીનો માલ હશે? કોઈની થાપણ ઓળવી હશે?’

⁠ભોળી લાડકોરે પૂછી જ નાખ્યું: ‘ખાણિયામાં આ જોખમ છાનુંછપનું મેલ્યું’તું?’

⁠‘છાનું તો ફક્ત અમારાથી જ હતું—’

⁠‘કોણે મેલ્યું’તું?’

⁠‘કોઈએ નહોતું મેલ્યું—’

⁠‘તો પછી આવડી મોટી કોથળી ખાણિયામાં આવી પડી ક્યાંથી!’

⁠‘એની મેળે જ પડી’તી.... પડી ગઈ’તી—'

⁠‘ગાડાનાં પૈડાં જેવા ગોળ ગોળ રૂપિયા કાંઈ જાણ બહાર થોડા પડી જાતા હશે?—’

⁠‘તમે નહીં માનો, બહેન, પણ સાચું કહું છું—અમારી જાણ બહાર જ કોથળી આખી ખાણિયામાં સરકી ગઈ’તી—’

⁠‘ક્યારે? ક્યારે?’

⁠‘એ તો યાદ આવે છે ને હવે જ સંધુંય સમજાય છે...’ સમ૨થે ખુલાસો કર્યો, બાલુનું વેશવાળ કર્યું તે દિવસે અમે—’

⁠‘હા, તે દિવસે તો બટુકના બાપુ પણ અહીં આવ્યા’તા ને—’

⁠‘હા તે દિવસે જ, ખાણિયામાંથી તેલ ભરવા આ ઢાકણું ઉઘાડ્યું’તું, ને રસોઈની ઉતાવળમાં હું ઢાંકણું પાછું ઢાંક્યા વિના જ રાંધણિયામાં વહી ગઈ’તી—’

⁠‘હા... હા... ...પછી?’

⁠‘બજારમાંથી તેલનો બીજે ડબો મંગાવ્યો’તો, એ રેડીને પછી ઢાંકણું ભીડી દઈશ, એમ કરીને હું રાંધણિયામાં ભજિયાં તળતી’તી—’

⁠‘હા, પછી?’

⁠‘ઓસરીમાં મારા નણદોઈ એકલા જ બેઠા’તા... બીજું કોઈ નહોતું—’

⁠‘ઓરડામાં કે ઓસરીમાં?’

⁠‘તમારા ભાઈએ એને ઓસરીમાં જ બેસાડી રાખ્યા’તા... ઓરડામાં કાંઈક ખાનગી વાતચીત થાતી’તી, ને એટલે—’

⁠‘સમજી! સમજી! પછી શું થયું?’ લાડકોરની ઉત્કંઠા વધી ગઈ.

⁠‘ઓસ૨ીમાંથી નણદોઈ ક્યારે ઊભા થઈને ડેલી બહાર નીકળી ગયા એની કોઈને ખબર પડી નહીં... કોઈને ખબર પડી નહીં,’ સમરથે ઘટનાના તાણાવાણા મેળવવા માંડ્યા. એવામાં બાલુ બજારમાંથી રૂપિયા રોકડા કરાવીને કોથળી લઈને આવી પૂગ્યો. ને આવ્યો એ ભેગો જ પાછો બ્રાહ્મણને બરકવા ઉતાવળો પાછો ગયો, એટલે આ કોથળી આ ખાણિયાની કોર ઉપર મેલતો ગયો—’

⁠‘પણ કોર ઉપરથી ખાણિયાની અંદર કોણે નાખી દીધી?’

⁠‘મેં કીધું નહીં, કોઈએ અંદર નહોતી નાખી.’

⁠‘તો ખાણિયામાં આ કોથળી વિયાણી કે શું?’ સમરથના અંતરમાં ઘૂંટાતી વેદના સમજનારી લાડકોરે મજાક કરી, ‘આવા ખાણિયા તો બાઈ, નસીબદારને ઘેર જ હોય—’

⁠‘નસીબદા૨ને ઘે૨ નહીં, નસીબના ફૂટેલને ઘેરે હોય, એમ કહો.’

⁠‘ફૂટેલ નસીબ શું કામે બોલવું પડે ભલા?’

⁠‘તમે સાચી વાત જાણતાં નથી, એટલે જ આવી ઠેકડી સૂઝે છે તમને—’

⁠‘તો સાચી વાત કહો ને તમે—’ લાડકોરે વિનંતી કરી.

⁠‘થવાકાળે એવું થયું, કે બાલુ કોથળી મેલીને ગયો, ને હું રાંધણિયામાં હતી ત્યાં બહારથી બે મીંદડાં વઢતાં વઢતાં ઓસરીમાં આવ્યાં ને ભફાક કરતોકને અવાજ થયો.’

⁠‘શેનો ?’

⁠‘શેનો અવાજ થયો’એ તો તે દિવસે ખબર નહોતી પડી. હું તો રસોઈની ઉતાવળમાં હતી એટલે રાંધણિયામાંથી નીકળી જ નહોતી. પણ હવે સમજાયું કે મીંદડાંએ વઢતાં વઢતાં કોથળીને ઠેલો મારી દીધો હશે એટલે એ કોર ઉપરથી ઊથલીને ખાણિયામાં જઈ પડી. એવામાં બજારમાંથી એક મજૂર તેલનો ડબો લઈને આવ્યો, એણે ઓસરીમાંથી જ ઊભાં ઊભાં પૂછ્યું કે, ‘આ ડબો ક્યાં રેડું?’ મેં રાંધણિયામાંથી જ કીધું કે, ‘રેડ ખાણિયામાં.’ એ તો આખો ડબો ખાણિયામા રેડીને થઈ ગયો હાલતો. ને કાળામેંશ ઊંડા ખાણિયાના અંધારામાં કોથળી અંદર જ દટાઈ રહી... તે દીની ઘડીથી આજના દી લગી—’

⁠સાંભળીને લાડકોરે હર્ષભેર કહ્યું, ‘નસીબદાર કે એમ કરતાંય નાણું સચવાઈ રહ્યું—’

⁠‘નાણું સચવાઈ રહ્યું, પણ સા૨૫ લૂંટાઈ ગઈ.’ દકુભાઈ જેવા શઠ માણસના સહવાસમાં રહ્યા છતાંય સમરથ અત્યારે કોથળીપ્રકરણ અંગે પશ્ચાત્તાપ અનુભવી રહી હતી. અનાયાસે જ એને હૈયાની વાત હોઠે આવી ગઈ, ‘આ ખાણિયે રૂપિયા સંઘરી રાખ્યા, પણ ઘરની ખાનદાની ખાલી કરાવી નાખી—’

⁠લાડકોરને આવા અસંબદ્ધ ઉદ્‌ગારોમાં કશી સમજ પડે એમ નહોતી તેથી એ તો મોઢું વકાસીને ભોજાઈ ત૨ફ તાકી જ રહી.

⁠ગુનેગાર સમરથને લાગ્યું કે નણંદની આ વેધક નજર મારા ઉપર મૂંગું તહોતમ ઉચ્ચારી રહી છે, તેથી એ એવી તો ગભરામણ અનુભવી રહી કે આપમેળે જ બોલી ઊઠી:

⁠‘બેન, અમે તમારાં ગુનેગાર છીએ. ન કરવા જેવાં કામ અમે અભાગિયાં કરી બેઠાં છીએ.—’

⁠સાંભળીને લાડકોરે વળી વધારે આશ્ચર્ય અનુભવ્યું આ બધું શું ચાલી રહ્યું છે! સમરથની સૂધસાન ઠેકાણે છે કે નહીં? કોથળીની સાવ વિસાત વિનાની વાતમાંથી આટલું મોટું વતેસર શા સારુ કરી રહી છે? કે પછી કાંઈ આંધળે બહેરું કુટાઈ રહ્યું છે?

⁠લાડકોર આવી વિમાસણ અનુભવતી હતી ત્યારે સમરથનો ચિત્તપ્રવાહ જુદી જ દિશામાં વહેતો હતો. એને થયું કે ઓતમચંદ ઉપ૨ કોથળી ચોરવાનું જે આળ ઓઢાડેલું અને માથેથી ઢો૨મા૨ મારેલો એની રજેરજ વિગત નણંદ તો જાણતાં જ હશે, એથી એણે પાણી પહેલાં જ પાળ બાંધવાની ઢબે કબૂલત કરવા માંડી.

⁠‘બેન અમે નગણાં નીકળ્યાં... તમારા આટઆટલા ગણ ઉપર અવગણ કર્યો... અમને કમત સૂઝી... અમારે હાથે કાળાં કરમ થઈ ગયાં છે... તમે તો સમદ૨પેટાં છો... ભલાં થઈને અમારો વાંક ભૂલી જાવ—‘’

⁠લાડકોર તો દિગ્મૂઢ બની ગઈ. સમરથ શું બકી રહી છે એ જ એને ન સમજાયું.

⁠‘શેનો વાંક? શી વાત છે?’

⁠‘તમે તો સંધુય જાણો છો!’ સમ૨થે કહ્યું.

⁠લાડકોર સમજી કે ભોજાઈ હજી પેલા વાસ્તુપ્રસંગે મોહનમાળાના દાગીનામાંથી થયેલ કજિયાની વાત કરી રહી છે, તેથી એણે તો ભોળેભાવે કહ્યું:

⁠‘અમે તો ભૂલી જ ગયાં છીએ, પછી માફ કરવાપણું રહ્યું ક્યાં? વાસ્તુની વાત તો વાસ્તુ ભેગી થઈ ગઈ. હવે એને યાદ કર્યો શું વળે? ગઈ તિથિ તો બ્રાહ્મણેય ન વાંચે—’

⁠‘લાડકોરની આ ગે૨સમજે સમરથના મનમાં વળી બીજી ગેરસમજ ઊભી કરી. એને થયું કે ઓતમચંદ ઉપર ઓઢાડેલી ચોરીના આરોપની વાત તો નણંદ જાણે જ છે, અને ઇરાદાપૂર્વક વાસ્તુપ્રસંગની ઘરેણાંની આડી વાત ઉખેળે છે. તેથી, એણે તો સ્વરક્ષણ માટે આગોતરી જ કબૂલત કરી નાખવા આગળ ચલાવ્યું:

⁠‘વાસ્તુવાળી વાત તો હવે જૂની થઈ. એ ટાણે અમે તમને દૂભવવામાં કાંઈ કચાશ નહોતી રાખી, પણ એ તો હવે ગઈ ગુજરી ગણાય. પણ અમે અભાગિયાંએ તો તમને ફ૨ી વા૨ દૂભવ્યાં—’

⁠‘ફરી વાર?’

⁠‘હા, બાલુના સગપણ ટાણે—’

⁠‘બાલુના સગપણ ટાણે તો અમે હાથભીડમાં હતાં. એટલે મારા દકુભાઈએ એમને સારી પટ મદદ કરી’તી...’

⁠‘હેં? કોણે કીધું?’

⁠‘બટુકના બાપાએ,’ લાડકોર બોલી.

⁠સાંભળીને હવે સમરથ ગૂંચવણમાં પડી. ગભરાતાં ગભરાતાં બોલી: ‘આવી ઠેકડી કરો મા. અમે તમારા ઉપર ગુજારી છે, એવી તો બાપના વેરી ઉપ૨ પણ ન ગુજરે!’

⁠‘તમે તો અમારા માઠા દિવસમાં માથે હાથ રાખ્યો’તો’ લાડકોરે ભોળે ભાવે પ્રશસ્તિ શરૂ કરી, મારો દકુભાઈ કાંઈ ઓછો હોંશીલો છે! બટુકના બાપુ વાઘણિયેથી એક દી રહેવાનું કહીને ઈશ્વરિયે આવ્યા’તા. એને તમે આઠ-આઠ દી લગી ખસવા જ ન દીધા! ને રોજ રોજ ફરતાં ફરતાં મિષ્ટાન્ન જમાડ્યાં, એની વાત તો હું હજી નથી ભૂલી. આજે લાડવા તો કાલે લાપશી! ત્રીજે દી દૂધપાક તો ચોથે દી ચૂરમું! મારા દકુભાઈનાં હેતપ્રીત પાસે બીજાં સહુનાં હેતપ્રીત હેઠાં!’

⁠હવે તો સમરથ શિયાંવિયાં થવા લાગી. નણંદની એકેક ઉક્તિ એને દઝાડતી હતી. કરગરીને કહેવા લાગીઃ

⁠‘અમારી ગરીબ માણસની બહુ ઠેકડી કરી તમે તો, હવે હાંઉ કરો, બેન! અમારાથી ભૂલ થતાં થઈ ગઈ પણ ભલાં થઈને સંધુંય ભૂલી જાવ!’

⁠‘એમાં તમારો શું વાંક? તમે તો તમારા ભાણિયા સામું ભાળીને એના બાપુને સા૨ીપટ રૂપિયા ભેગા બંધાવ્યા'તા... પણ અમારાં નસીબ ફૂટેલાં, ને મારગમાં આડોડિયાએ આંતરીને સંધુંય લૂંટી લીધું એમાં તમારો શું વાંક?’

⁠સમરથે ચોંકી ઊઠીને પૂછ્યું: ‘શું લૂંટી લીધું?’

⁠'મારા દકુભાઈએ ભાણિયા સારુ મોકલ્યું’તું એ સંધુંય જોખમ લૂંટી લીધું મૂવા આડોડિયાએ... પીટડિયાવને શૂળ નીકળે! એને રૂંવે રૂંવે રગતપીત થાય, મરી ગયાં વને!’ ઓતમચંદે કથેલા લૂંટારાઓને લાડકોરે સારી પેઠે શાપ આપી રહ્યા પછી ઉમેર્યું:

⁠‘નખોદિયાને નદીને કાંઠે આંતરીને સંધુંય ખંખેરી લીધું. માથેથી પરોણે પરોણે સબોડી નાખ્યા એ વળી અદકલહાણનું. કડીઆળી લાકડીઉંની ભરોડ્યું લીલી લીલી કાચ જેવી વાંસામાં ઊઠી આવી’તી, એ તો મહિના દી લગી રુઝાણી નહીં.’

⁠‘એને આડોડિયાએ નહોતા આંતર્યા—’

⁠‘આડોડિયા નહીં તો બહારવટિયા હશે—’

⁠‘બહારવટિયા પણ નહોતા—’

⁠‘તો કોક કાંટવરણિયા ડફેર હશે. કાળમુખા મૂવા... ...એનાં કાંધ કૂતરાં ખાય! નખોદિયાવનાં પેટમાં દયાનો છાંટો નહીં હોય.’

⁠‘કોઈ કાંટવરણિયાયે નહોતા ને ડફેર પણ નહોતા—’

⁠‘તો પછી એના વાંસામાં ભૂંગળ ભૂંગળ જેવી જાડી ભરોડ્યું કોણે ઉઠાડી?’

⁠‘પસાયતાવે—’

⁠‘પસાયતાવે? કયા ગામના પસાયતાવે?’

⁠‘અમારા ઈશ્વરિયાના જ—’

⁠સાંભળીને લાડકોરે આઘાત અનુભવ્યો. પૂછ્યું: ‘પસાયતા? પસાયતા ઊઠીને કોઈને આંતરતા હશે ખરા?’

⁠‘અમે જ એને આંત૨વા વાંસે મોકલ્યા’તા—’ સમરથ બોલતાં બોલી ગઈ. નણંદભોજાઈ વચ્ચેની વાતચીત હવે એ કક્ષાએ પહોંચી ગઈ હતી, જ્યારે સમરથ આપમેળે જ એમાં ઘસડાતી જતી હતી.

⁠‘તમે પોતે જ પસાયતાને વાંસે મોકલ્યા’તા? શું કામે?’ લાડકોર કંપતા અવાજે પૂછી રહી. ‘શું કામે? એણે તમારે શું બગાડ્યું’તું? એનો શું વાંકગુનો હતો ?’

⁠‘અમને એના ઉપર વહેમ આવ્યો’તો રૂપિયાની કોથળી ચોરી ગયાનો—’ લાગણીના આવેશમાં સમ૨થે કબૂલત કરી નાખી, ‘મારા નણદોઈ ઓસરીમાં જ બેઠા’તા ને કોઈને કાંઈ કીધા વિના જ ગામ બહા૨ નીકળી ગયા’તા. પણ ઓસરીમાં મીંદડાં વઢ્યાં ને કોથળી ખાણિયામાં ઊથલી પડી એની મો૨ જ એ ડેલી બહાર નીકળી ગયા એની અમને ખબર નહીં. એટલે ચોરીનું આળ એના ઉપર આવ્યું. તમારા ભાઈએ વાંસોવાંસ પસાયતા ધોડાવ્યા, ને ખળખળિયાને કાંઠે એને આંતરી લીધા... કોથળી કઢાવવા સારુ ધોકે ધોકે ઢીબી નાખ્યા પણ કોથળી તો આંયકણે ખાણિયામાં પડી હશે એ કોને ખબ૨?’

⁠અત્યાર સુધી સ્વસ્થ ચિત્તે પ્રશ્નો પૂછી પૂછીને પોતાના મનની શંકાઓનું નિવારણ કરી રહેલી લાડકોર આ છેલ્લી શંકાનું સમાધાન થયા પછી રોષપૂર્વક ત્રાડી ઊઠી:

⁠‘અ૨૨૨! મારા ધણી ઉપર આવાં આળ ચડાવ્યાં’તાં? તમને શરમ ન થઈ?’

⁠‘થાતાં થઈ ગયું, બેન! અમને અમારાં કરમે જ આવી કમત સુઝાડી.’

⁠‘બળ્યાં તમારાં કરમ! તમે તે માણસ છો કે હેવાન?—’

⁠‘અમે તો હેવાન કરતાં બેજ નીકળ્યાં... પણ હવે ગઈગુજરી ભૂલી જાવ, બહેન!’ સમરથ કરગરવા લાગી, ‘હવે તો તમારું ખાસડું ને અમારું માથું—’

⁠‘અમારું ખાસડુંય કાંઈ સોંઘું નથી’ લાડકોરે કુપિત અવાજે કહ્યું, ‘તમ જેવાં ખવીસને માથે અડે તો મારું ખાસડુંય અભડાય.’

⁠બોલતાં બોલતાં લાડકોરની આંખમાંથી જાણે કે અંગારા ખરતા હતા અને રૂંવે રૂંવે આગ ઊઠતી હતી.

⁠સમરથ દીન વદને યાચતી હતી: ‘માફ કરો બેન! એક ગનો તો રાજાય માફ કરે—’

⁠‘હવે વળી માફી કેવી ને વાત કેવી!’ લાડકોરે કહ્યું, ‘આ તો બટુકના બાપુએ આજ સુધી મને કાંઈ વાત ન કરી, ને સાવ અજાણી રાખી એટલે હું હૈયાફૂટી તમારે આંગણે આવી ઊભી. હવે તો આ ઘરનો ઓછાયો લઉં તોય મને પાપ લાગે—’

⁠આટલું કહીને એ કોપાયમાન ચંડિકાની જેમ ઊભી થઈ અને મોટેથી બૂમ પાડી: ‘બટુક!’

⁠ફળિયામાંથી કોઈએ કહ્યું, ‘બટુકભાઈ જમવા બેઠા છે.’

⁠લાડકોર દોડતી ફળિયામાં જઈ પહોંચી અને ભાણા ઉપર બેઠેલા બટુકને ઝડપભેર ઉઠાડી લીધો. બોલી, ‘આ કસાઈના ઘરનો કોળિયો ગળે ઉતા૨જે મા—’

⁠ઓળ્યા વિનાનો ચોસર ચોટલો આમતેમ ઉછાળતી અને હાકોટા પાડતી લાડકોર સાક્ષાત્ ચંડિકા સમી લાગતી હતી. સમરથ વધારે ને વધારે વિનમ્રતાથી એને શાંત થવા વીનવી રહી હતી, પણ તેમ તેમ તો લાડકોરનું સ્વરૂપ વધારે ઉગ્ર થતું જતું હતું.

⁠એ જ ઉગ્ર અવાજે એણે ત્રાડ પાડી: ‘વશરામ!’

⁠ડેલી બહા૨ના ઓટા ઉપર ચુંગી ફૂંકી રહેલા વશરામે ડેલીમાં દાખલ થઈને પૂછ્યું: ‘શું કીધું, બા?’

⁠‘ગાડી જોડો ઝટ!’

⁠લાડકોરનો આ આદેશ, વશરામની પાછળ પાછળ જ ડેલીમાં દાખલ થયેલા દકુભાઈએ સાંભળ્યો, તેથી એમણે કુતૂહલથી પૂછ્યું:

⁠‘અટાણે જમવા ટાણે ગાડી જોડીને ક્યાં જવું છે, બેન?’

⁠‘વાઘણિયે!’

⁠સાંભળીને દકુભાઈ ઉપર જાણે કે વીજળી ત્રાટકી.

⁠સમ૨થે, ઘડીક વારમાં આ શું મચી ગયું એનો ખુલાસો કર્યો અને ખાણિયાની પાળ ઉપર પડેલી કોથળી બતાવી.

⁠ફાટી આંખે કોથળી ત૨ફ તાકી રહેલા દકુભાઈના મોઢા ઉપર જાણે કે શાહી ઢોળાઈ ગઈ.

⁠લાડકોરે ફરી ગાડીવાનને સાબદો કર્યો: ‘વશરામ, ગાડી જોડો ઝટ. મારે અસૂરું થાય છે.’

⁠‘બેન, આમ લગન-અવસર ઉકેલ્યા વગર જવાય ક્યાંય?’ દકુભાઈએ કહ્યું.

⁠‘તારા અવસરમાં મેલ્ય પૂળો!’

⁠‘પણ કાલ સવારમાં તો બાલુની જાન જૂતશે—’

⁠‘હવે બાલુ મારો ભત્રીજો નહીં... ને તું મારો ભાઈ નહીં.’

⁠હવે સમરથે નણંદને સમજાવવા પ્રયત્ન કર્યો: ‘જમવા ટાણે આમ હાલતાં થઈ જવાય બેન?... ભાણાં પી૨સાઈ ગયાં છે—’

⁠‘હવે આ ભવમાં તો હું આ ભાણે નહીં જમું,’ લાડકોરે સંભળાવી, ‘આ થાળીમાં પીરસ્યાં છે, એ પકવાન નથી, ગવતરીની માટી છે, ગવમેટ છે—’

⁠‘જરાક ટાઢાં પડો, બેન!’ દકુભાઈ વીનવવા લાગ્યો, ‘જીવ ઠેકાણે રાખીને જમી લ્યો.’

⁠‘આજથી આ ઘરના ગોળાનું પાણી જ મારે હરામ! અન્નનો એક દાણોય મને ન કળપે…’ કહીને લાડકોરે ફરી ગાડીવાનને પડકાર કર્યો, ‘વશરામ, આ સ૨સામાન મૂકો ઝટ ગાડીમાં—’

⁠‘આમ અંતરિયાળ અવસર રઝળાવીને હાલ્યાં જાવ, એ શોભે બેન?’ દકુભાઈએ કહ્યું.

⁠‘સગા બનેવીને ચોર ઠરાવવાનું ને માથેથી ઢો૨મા૨ મારવાનું તને શોભે?’

⁠દકુભાઈએ અને સમ૨થે બેનને વીનવવામાં કશી મણા ન રાખી. બેય જણાં લાડકોરને પગે પડ્યાં ત્યારે લાડકોરે ગર્જના કરી: ‘ખબ૨દા૨ મારા પગને અડીને મને અભડાવી છે તો!’

⁠‘બેન, આ શું બોલે છે?’

⁠‘સાચું બોલું છું. તું માણસ નથી; ચંડાળ છો ચંડાળ!’ બટુકને આંગળીએ લઈને ડેલીના બારણા તરફ જતાં જતાં પણ લાડકોર હાકોટા પાડતી હતી: ‘તારા કરતાં તો કસાઈ ને ખાટકી સાત થોકે સારા હોય. ખાટકી તો જનાવરને જ મારે, પણ તું તો માણસ-મારો નીકળ્યો.’

⁠આટલું કહીને લાડકોર ભાઈ પ્રત્યેની સઘળી ઘૃણાના પ્રતીકરૂપે એના પર થૂંકી અને બોલી: ‘થૂ તને!’

⁠આવી ભયંક૨ ઘૃણાને પણ દકુભાઈ ગળી ગયો અને વધારે ઝનૂનથી બેનને રોકવા મથી રહ્યો. ઝડપભેર એ ડેલીને ઉંબરે જઈ આડો ઊભો રહ્યો. બટુકને લઈને આગળ વધતી લાડકોરનો મારગ આંતરવા બારસાખ ઉપર આડા હાથ ધરીને બોલતો રહ્યોઃ

⁠‘નહીં જાવા દઉં... ... નહીં જાવા દઉં...’

⁠‘ખસ આઘો, ખસૂડિયા કૂતરા!’ કહીને લાડકોર ભાઈના હાથને ઝાટકો મારીને ઝડપભેર ગાડીમાં જઈ બેઠી.

⁠ક્યારનો ગળગળો થઈ ગયેલો દકુભાઈ હવે ધ્રુસકે ધ્રુસકે રડીને વીનવવા લાગ્યો:

⁠‘બેન, મારાં રાંધ્યાં ધાન રઝળાવીને આમ હાલી જ મા. મારો વાંકગનો ખમી ખા... બેન, આ ગરીબ ભાઈ ઉ૫૨ જરાક દયા કર...’

⁠‘તારા જેવા તરકડા ઉ૫૨ દયા? તને તો શૂળીએ ચડાવું તોય મારા જીવને શાતા નહીં વળે... સગી બેનનો ચૂડલો ભાંગવા તૈયાર થાના૨ાને તો કાગડાં-કૂતરાંને મોતે મા૨વો જોઈએ.’ કહીને લાડકોરે વશરામને હુકમ કર્યો, ‘હાંક ઝટ, હાંક. આ ગોઝારા આંગણામાં ઊભવામાંય મને પાતક લાગે છે.’

⁠તરણોપાય તરીકે દકુભાઈ ઘોડાનું ચોકડું ઝાલીને આડો ઊભો રહ્યો અને ગાડીવાનને કહેવા લાગ્યો, ‘નહીં હાલવા દઉં, ગાડી નહીં હાલવા દઉં...’

⁠ભાઈબહેન વચ્ચેના આ કલહમાં અત્યાર સુધી મૂક સાક્ષી જ બની રહેલ વશરામે હવે લાડકોરને સમજાવ્યું, ‘બા, માના જણ્યા ભાઈનું વેણ રાખો—’

⁠‘હવે મારે કોઈ માનો જણ્યો ભાઈ નથી,' લાડકોરે સંભળાવ્યું, ‘આજથી હું નભાઈ થઈ સમજજો... આજથી હું નિપયરી...’

⁠‘બેન, આવાં વેણ બોલ્ય મા, બેન, મારું કાળજું કપાય છે, બેન!’

⁠‘ખબરદાર, જો મને બેન કહીને બોલાવી છે તો જીભ ખેંચી કાઢીશ! તું તો મારો આગલા ભવનો વેરી છો, વેરી.’

⁠‘આમ હાલી જા, તો મને મરતો ભાળ્ય, બેન!’

⁠‘તારા નામનું તો મેં અટાણથી નાહી નાખ્યું છે, તારે જીવતે જીવ નાહી નાખ્યું એમ સમજજે... આજથી મારે ભાઈના ઘરની ને પિયરિયાંની દૃશ્ય દેવાઈ ગઈ—’

⁠‘હવે હાંઉં કર્ય, બેન, ને હેઠી ઊતર—’

⁠‘નહીં ઊતરું, નહીં ઊતરું, નહીં ઊતરું,’ કહીને લાડકોરે ગાડીવાનને ફરમાવ્યું, ‘ઝટ હાંકી જા, મને આ વેરણ ધરતીમાં વીંછી કરડે છે—’

⁠ભાઈ ઘોડાનું ચોકડું ઝાલી રાખીને દીનવદને બોલતો હતો: ‘નહીં હાલવા દઉં, નહીં હાલવા દઉં...’

⁠‘હીણા કામના કરનારા, તારી ઉપર તો ગાડીનું પૈડું પીલીને હાંકી જાઈશ તોય મને પાપ નહીં લાગે…’ કહીને કુપિત લાડકોરે ગાડીવાનને આદેશ આપી દીધો, ‘દકુડાની ઉપર પૈડાં ભલે ફરી જાય, ભલે પિલાઈ જાય, પણ ઝટ વહેતો થા—’

⁠આખરે વશરામે બળપૂર્વક દકુભાઈના હાથમાંથી ચોકડું છોડાવ્યું ને ગાડી આગળ વધારી.

⁠હીબકતો દકુભાઈ ગાડીની પાછળ ક્યાંય સુધી જોતો રહ્યો.

⁠દરવાજાની દોઢીમાંથી ગાડી પસાર થઈ ત્યારે ઓતમચંદને મરણતોલ માર મારનારા પસાયતાઓ આ નવતર વાહનમાંના પ્રવાસીઓ ત૨ફ કુતૂહલથી જોઈ રહ્યા.

⁠ઈશ્વરિયાની સીમ છોડીને વાઘણિયે જવા માટે ખળખળિયાની દિશામાં ગાડી આગળ વધતી હતી. લાડકોર હજી કુપિત મનોદશામાં હોવાને કારણે સાવ મૂંગી બેઠી હતી. હવે સમજણો થયેલો બટુક પણ આ અણધાર્યા બનાવથી એવો તો સ્તબ્ધ થઈ ગયો હતો કે પોતાનો પ્રિય પાવો વગાડવાનું પણ એ વીસરી ગયો હતો. એકમાત્ર વશરામ, સીમની ઘેરી શાંતિમાં આજની ઘટનાને નિરપેક્ષપણે વાગોળતો વાગોળતો, પોતાના પ્રિય ભજનની એક તૂક લલકારી રહ્યો હતોઃ

કોણ સાચું રે… … સંસારિયામાં સગું તારું કોણ સાચું રે.