કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૨. સૂરજમુખી

From Ekatra Wiki
Revision as of 11:33, 10 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૨. સૂરજમુખી


રોજ પૃથ્વીનું નિહાળી મુખ અને
ઝંખતો સૂરજ હતો;
કેમ પૃથ્વીનું હૃદય પથ્થર બને?
પ્રેમ ના થાતો છતો?

જુગજુગોથી રોજ સૂરજ ઝંખતો,
પૃથ્વી પણ ઝૂકી રહી;
પ્રેમ બંનેને રહ્યો'તો ડંખતો,
એવું કૈં ચૂકી રહી.

ત્યાં અચાનક પૃથ્વીના પેટાળથી
ભાવની ભરતી ચડી;
અંગ અંગે સ્વર્ણ સૂરજ-ઝાળથી
ફુલ્લ પ્રગટી પાંખડી.

નીરખી ભાવૈક આ અગ્નિરસે
કેટલો સૂરજ સુખી!
ને અહીં ઊંચે જુએ એકીટશે
સૃષ્ટિ આ સૂરજમુખી.

૨૫-૭-’૫૮ (સૂરજમુખી, પૃ. ૬૬)