કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૩. ભીતર ભગવો
Revision as of 06:47, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs)
૩૩. ભીતર ભગવો
ભીતર ભગવો લ્હેરે રે
મારા હરિવરની મ્હેરે.
જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી
ને હોમ્યાં અંગેઅંગ,
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
: ગુપત ગેરુ રંગ :
: દુનિયાને સબ ડેરે રે —
: મારા હરિવરની મ્હેરે.
કાળનો એક કબાડી ઊભો
હાટવાટે વિકરાળ,
કોઈ ધ્રૂજે, કોઈ ધ્રુસકે, હું તો
તાળી દઉં તત્કાળ :
ઈ તો ખોટુકલો ખંખેરે રે —
મારા હરિવરની મ્હેરે.
અમી વરસે મેહુલા, જ્યારે
ભીતર થાય ભસમ,
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
લીલું લીલુંછમ :
હું હેરું, કોઈ હેરે રે —
મારા હરિવરની મ્હેરે.
૨૭-૬-’૬૪ (સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)