કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૨. ભજન કરે તે જીતે
Revision as of 11:52, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs)
૩૨. ભજન કરે તે જીતે
વજન કરે તે હારે રે મનવા
ભજન કરે તે જીતે.
તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે! —
રે મનવા, ભજન કરે તે જીતે.
એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે :
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે? —
રે મનવા, ભજન કરે તે જીતે.
આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે —
રે મનવા, ભજન કરે તે જીતે.
૪-૧૦-’૬૨ (સંજ્ઞા, પૃ. ૧૦૧-૧૦૨)