કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૭. સાદડી વણનારીનું ગીત

Revision as of 11:55, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૭. સાદડી વણનારીનું ગીત


સાદડી વણતી જાઉં ને ભેળી
વણું સુખનાં સોણાં,
જિંદગી આખી મરને મારે
કરમે લખ્યાં રોણાં.

કોઈ રૂપાળું બેસશે આસન કરી,
કોઈ હૈયાળું હેરશે નયન ભરી,
ફૂલવેલી આ ફોરશે ખરેખરી!
વણતી જાઉં ને ઘટમાં મારે
કોનાં ઘમ્મ વલોણાં? —

ઝરણા કાંઠે ઝૂંપડી વણું લીલી,
ટોડલા પાસે ઘઉંલી બે રંગીલી,
પગથિયે તો લાલી પ્રાણની ઝીલી
કંકુવરણાં પગલાં પાડું,
આવ્યા કોઈ પરોણા! —

કસબી મારા હાથ, વણો એક દેરી,
ભગવી ધજા, કળશ કોઈ સોનેરી,
મૂરત ક્યાં રે, મૂરત દેવતા કેરી?

હાથ વણે પણ ટપકે નેણાં
હાય રે, હાય અકોણાં! —

સાદડી વણતી જાઉં ને ભેળી
વણું સુખનાં સોણાં.

૨૫-૯-’૬૫ (સંગતિ, પૃ. ૩૦)