કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૦. શ્રી અરવિંદ
Revision as of 03:02, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
૪૦. શ્રી અરવિંદ
સદેહે ના જોયા પણ સતત જેને અનુભવ્યા,
સમાધિસ્થાને જ્યાં શિર ધરી નમ્યા, આશિષ મળ્યા:
ન જે વાણી કેરું અમૃત મળ્યું, સંજીવન થઈ
સમાયું સારાયે નિખિલ મહીં — એ કેવી કરુણા!
કદી આ નેત્રોથી અરુણ પ્રગટ્યો જે અવનીમાં
પ્રકાશે છે વિશ્વે સતત, નવ અસ્તાચલ ગયો:
અમારાં અંગોમાં સ્ફુરણ નિત એનું જ, કિરણો
ઉગાડે છે વિશ્વે કમલવન કેવાં નિત નવાં!
કદી એણે લીધી સ્થિર ચરણથી દક્ષિણ દિશા,
ઘણા પ્રશ્નોના એ પરમ ગતિમાં ઉત્તર મળ્યા!
કૃપાની વર્ષા એ વરસી, નવ કો આવરણ ત્યાં,
અને સૌને કાજે સુલભ કરી પ્રચ્છન્ન પ્રભુતા!
હવે એ રસ્તે છે ગતિ, અવર માર્ગેથી અટક્યા,
શતાબ્દી પ્હેલાં આ સર પરમ અરવિંદ પ્રગટ્યા.
૧૫–૮–’૭૧
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૯)