કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૯. શ્રી માતાજીને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૯. શ્રી માતાજીને

સુદૂરે કોઈ એ નગર, લઘુ ખંડે ત્યહીં તમે
રહીને સાધ્યું જે પરમ તપ, એ આજ સઘળે
ગયું ફેલાઈ, આ ગગન પણ ઓછું અવ પડે,
તમારા શ્વાસોથી સુરભિમય વાતાવરણ છે.
અચિંતા વાયુની લહરી થઈ આવ્યાં જનની, ને
સમૂચાં અંજાયાં નયન મહીં કો જાગૃતિ બની,
નિહાળું જે કૈં એ અલગ, તવ રંગે છલકતું
ન આ પ્હેલાં આવું હૃદય વસવું મા, અનુભવ્યું!
કદી બોલ્યાં’તાં જે સહજ ત્યહીં એ શબ્દ અવ તો
બન્યો પાયો જ્યાંથી ભવન વિલસે છે અવનવાં.
હવે થંભી વાચા, અકલ તવ એ મૌન સઘળે
છવાતું ને થાતાં મુખરિત રહસ્યો ભુવનનાં.
હજી ફંફોળું કે કુટિર થકી દીવો ક્યહીં ગયો,
પછી ચોળું આંખો નભ મહીં થઈ સૂર્ય વિલસ્યો.

૧૮–૧૧–’૭૩

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૮-૩૧૯)