કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૭. જાનનું જોખમ
Revision as of 06:12, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. જાનનું જોખમ| }} <poem> દિલની એ જ નયનની આલમ! કાંઈ ન જાહેર, કાંઈ ન મોઘમ. કેમ ઝૂકે ના મંઝિલ ચરણે? હિંમત અણથક, પગલાં મક્કમ. દર્દ કહે છેઃ ‘રો, દિલ ખોલી!’ પ્રેમ કહે છેઃ ‘સંયમ! સંયમ!’ મારી મિ...")
૭. જાનનું જોખમ
દિલની એ જ નયનની આલમ!
કાંઈ ન જાહેર, કાંઈ ન મોઘમ.
કેમ ઝૂકે ના મંઝિલ ચરણે?
હિંમત અણથક, પગલાં મક્કમ.
દર્દ કહે છેઃ ‘રો, દિલ ખોલી!’
પ્રેમ કહે છેઃ ‘સંયમ! સંયમ!’
મારી મિલકત, ધૂળની ચપટી,
સ્થાવર સ્થાવર, જંગમ જંગમ.
એક નજરમાં દિલની વાતો,
મોઘમ જાહેર, જાહેર મોઘમ.
કોણ ‘અનલહક’ નાહક બોલે?
વાત નજીવી, જાનનું જોખમ!
પ્રેમની ગંગા-જમના ન્યારી,
એક જ દિલમાં મૂળ ને સંગમ.
ડૂબ્યા વિણ છે કોઈ ન આરો,
તૂટેલ નૌકા, ખૂટલ માલમ.
એકમાં ચઢતી, એકમાં પડતી!
કોણ છે ઉત્તમ? બીજ કે પૂનમ?
થનગન હૈયું, રિમઝિમ આશા!
રૂપની પાયલ, પ્રેમની સરગમ.
મારું મસ્તક, ઉંબર એનો!
જોઉં, કોણ રહે છે અણનમ?
સાચી શૈયા ધૂળની શૈયા!
ધૂળ છે બીજાં મશરૂ-રેશમ.
શૂન્ય અહંનો ત્યાગ કરી લે,
તું જ તને દેખાશે ચોગમ.
(શૂન્યનો વૈભવ, પૃ. ૬૬-૬૭)