કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૨. સુણાવી જાય છે
મૃત્યુનાં મસ્તીભર્યાં ગીતો સુણાવી જાય છે,
જિન્દગી પણ ગેલમાં ક્યારેક આવી જાય છે.
જ્ઞાન જ્યાં અજ્ઞાનની સીમા વટાવી જાય છે,
જે થયા છે દૂર એ પણ પાસ આવી જાય છે.
સ્વર્ગ શું ને નર્ક શું? છે માત્ર મનની ભાવના,
માનવી દુનિયાને ધારે તે બનાવી જાય છે.
ભાન જીવન-અલ્પતાનું કોણ રાખે છે અહીં?
જે ઘડી કે બે ઘડી છે સૌ વિતાવી જાય છે.
કાર્ય કરનારાને પરવા હોય શું અંજામની?
રોજ ઉપવન સેંકડો ફૂલો ખિલાવી જાય છે.
જિન્દગીને જિન્દગી રે’વું છે જગમાં એટલે
પુણ્ય સાથે પાપને પણ એ નભાવી જાય છે.
કેમ દિલ પોષી શકે છે ગમને? સમજાતું નથી,
જ્યોત જેવી જ્યોત શમ્આને જલાવી જાય છે.
એટલા માટે જરૂરત જોઉં છું મદિરા તણી;
બેખુદી સૌ ભેદના પરદા ઉઠાવી જાય છે.
રોકવા ચાહું છું તોયે શ્વાસ રોકાતો નથી;
કાફલો પોતે જ મંઝિલને વટાવી જાય છે.
દિલની સૂતી વેદના જાગી ઊઠે છે એ જ ક્ષણ,
કોઈ જ્યારે શૂન્યની ગઝલો સુણાવી જાય છે.
(શૂન્યનો વૈભવ, પૃ. ૧૬૪)