કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૦. લાચાર હોય છે
Revision as of 06:30, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. લાચાર હોય છે| }} <poem> પાપીને હાથ વિશ્વનો ઉદ્ધાર હોય છે; અવતારના રહસ્યનો એ સાર હોય છે. કોઈનું આગમન અને અશ્રુનો પ્રેમ-ભાવ! શું ભાવ-ભીનો રૂપનો સત્કાર હોય છે! જાતે કરી શકે છે કોઈ ક...")
૨૦. લાચાર હોય છે
પાપીને હાથ વિશ્વનો ઉદ્ધાર હોય છે;
અવતારના રહસ્યનો એ સાર હોય છે.
કોઈનું આગમન અને અશ્રુનો પ્રેમ-ભાવ!
શું ભાવ-ભીનો રૂપનો સત્કાર હોય છે!
જાતે કરી શકે છે કોઈ કાર્ય ક્યાં કદી?
ઈન્સાનથી ખુદા વધુ લાચાર હોય છે.
વર્ણન કરે છે જ્યારે કોઈ સ્વર્ગ-નર્કનું,
મારી નજરમાં એ ઘડી સંસાર હોય છે.
રેડે જમાનો ઝેર તો પી લે ઓ જિન્દગી!
જીરવી શકે તો ઝેર પણ ઉપચાર હોય છે.
એક અલ્પ જિન્દગી અને પડકાર મોતને!
બુદ્બુદ કરે જો ગર્વ તો હકદાર હોય છે.
એક શૂન્ય આંખડીથી ખુલાસો મળી ગયો,
દૃષ્ટિ વિના પ્રકાશ પણ અંધકાર હોય છે.
(શૂન્યનો વૈભવ, પૃ. ૨૦૮)