કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૧. રમી લેશું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧. રમી લેશું


વ્યથા, નિશ્વાસ ને અશ્રુ-તિખારાથી રમી લેશું,
તમારી બેવફાઈના ઇજારાથી રમી લેશું.

રડી લેશું અમે, રડવાં પડે જો રક્તનાં આંસુ,
પ્રણય-મસ્તીના રંગીલા ઈશારાથી રમી લેશું.

કદી અમને વિરહ-રજનીનાં અંધારાં નહીં સાલે,
બહુ મૂંઝાઈ જાશું તો સિતારાથી રમી લેશું.

સમજ પડવા નહીં દેશું જીવનને પણ શિકાયતની,
સદા હસ્તા મુખે એ સર્પ-ભારાથી રમી લેશું.

અમે ડૂબી જશું કિન્તુ તમન્નાઓ નહીં ડૂબે,
ધરીને રૂપ મોજાંનું કિનારાથી રમી લેશું.

ભલે દુનિયા કહે કે પ્રેમ-દૃષ્ટિમાં તિખારા છે,
બળીને ખાક થાશું પણ તિખારાથી રમી લેશું.

અહીં આવ્યા છીએ તે લા’વ લેશું મોહ-નિદ્રાનો,
ઘડીભર તો ઘડીભર સ્વપ્ન-ધારાથી રમી લેશું.

તમે સંતાઈ જાઓ પણ ચપળ છે કલ્પના કેવી?
દઈને દાવ એને શિર તમારાથી રમી લેશું.

ખરી જાશું ભલે અશ્રુની પેઠે રંગ દેખાડી,
ઘડીભર કાળના એ કાળ-ધારાથી રમી લેશું.

નયન કેરાં અમી પાશું જીવનની શુષ્કતાઓને,
જગતમાં શૂન્ય વાસંતી ઈશારાથી રમે લેશું.

(શૂન્યનો વૈભવ, પૃ. ૨૧૧)