કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૮. રસ્તો નથી જડતો
Revision as of 08:55, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs)
૨૮. રસ્તો નથી જડતો
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
તમારા મનને જીતી લો તો હું માનું, ‘સિકંદર છો’;
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
સદા સંસારીઓ પર શાપ છે સંતાપ સહેવાનો;
ધરાથી દૂર ઊડનારાને પડછાયો નથી અડતો.
બનાવીને સુરાલયનો ખુદા એને કરું સજદા!
બતાવો એક પણ એવો, નશો જેને નથી ચડતો!
નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા જ ઘર બેઠાં;
ફરે છે બાવરો થઈ શૂન્ય કાં જંગલમાં આથડતો?
(શૂન્યનો વૈભવ, પૃ. ૩૦૨)