કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૭. મૃગ-કસ્તૂરી
૨૭. મૃગ-કસ્તૂરી
ભવ-ભૂલ્યાની હાલત બૂરી!
વનવન ભટકે મૃગ-કસ્તૂરી!
લખ ચૌરાસી ધૂરા ધૂરી!
જિજ્ઞાસાની આંખ ફિતૂરી!
અંધી-શ્રદ્ધા જાનનું જોખમ!
ધર્મ બગલમાં રાખે છૂરી.
નૂતન પથ-દર્શકથી તોબા!
હેતુ સારો; દાનત બૂરી!
જગવાળાની પ્રીત નકામી;
રણમાં કાયર, ઘરમાં શૂરી!
વધતી ઘટતી પ્રેમની લીલા!
શું મુખ્તારી? શું મજબૂરી?
મહેનત, એક બલિનું પ્રાણી!
કિસ્મત, એક ચમકતી છૂરી!
નામ નહીં પણ ઠામનું બંધન!
શૂન્ય થયો પણ પાલણપૂરી!