કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૭. લો રામ રામ

From Ekatra Wiki
Revision as of 10:43, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૭. લો રામ રામ


વિરહમાં ક્યારેક ઘેલા મનને બહેલાવું છું આમ,
દ્વાર ખખડાવું છું મારાં લઈને હું મારું જ નામ.

આભ-ધરતી બેઉ ચોળે છે લલાટે ગર્વથી,
પ્રેમીઓની ભસ્મનો પણ છે બહુ ઊંચો મુકામ.

મોત ને મોતીમાં ઝાઝું ખાસ કૈં અંતર નથી;
મરજીવા તારી લગનને રૂપની લાખો સલામ.

પ્યાસ કેવી છે સમંદરની નથી એને ખબર,
સાવ પાણીમાં જવાની છે નદીની દોડધામ.

પ્રેમમાં એ રામ પેદા કર કે તારી જિંદગી,
મોત પહેલાં કહી શકે ખુદ મોતને, લો રામરામ.

કેટલા ભોળા છે આ દુનિયાના લોકો, શું કહું?
શૂન્ય છું જાણ્યા છતાં પૂછે છે મારું નામઠામ.

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૭૦)