યાત્રા/ગઈ ભલે
Revision as of 11:03, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગઈ ભલે|}} <poem> સરોવર તટે તદા અજબ સાન્ધ્ય રંગો તણી કમાનશિખરે ચઢયાં નયન આપણાં જોડમાં, અને ઉચરિયાં ‘અહા!’ ઉભય સાથમાં આપણેઃ સ્રવી સરખી કાં ગિરા ભટકતાં અજાણ્યાં તણી? અને ઘડિક એકમેક...")
ગઈ ભલે
સરોવર તટે તદા અજબ સાન્ધ્ય રંગો તણી
કમાનશિખરે ચઢયાં નયન આપણાં જોડમાં,
અને ઉચરિયાં ‘અહા!’ ઉભય સાથમાં આપણેઃ
સ્રવી સરખી કાં ગિરા ભટકતાં અજાણ્યાં તણી?
અને ઘડિક એકમેક નિરખી રહ્યાં આપણે,
હઠાવી દેગ લિધાં, હું દગ ઢાળી ચિંતી રહ્યો :
‘અહો, ઉજવી સાથમાં ક્ષણિક સાંજ તેવી જ જો
ઉજાવી શકીએ કદી ઉભય જિન્દગી સાંજ, તો—'
વળ્યાં કદમ તાહરાં, કદમ માહરાં યે વળ્યાં,
અને હૃદયની નિશીથ મહીં શોચતા પ્રાર્થું હુંઃ
ગઈ! ગઈ ભલે, અને સકળ સાર જીવ્યા તણો
લઈ જ ગઈ સાથ, તો ય કરતી જજે આટલું :
મુક્યું મિલનનું ભલે સ્મરણ ના, જજે મૂકી તો
ચિરંતન વિદાયના સ્મરણહીન ઝંકાર કો.
એપ્રિલ, ૧૯૩૫