ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કાવ્યસ્વરૂપ – ડોલરરાય માંકડ, 1902

From Ekatra Wiki
Revision as of 15:23, 3 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search
15. ડોલરરાય માંકડ

(23.1.1902 – 29.8.1970)

14. Dolarrai Mankad.jpg
કાવ્યસ્વરૂપ

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર મુજબ કાવ્યમાં કોઈપણ સર્જકકૃતિનો સમાવેશ થઈ શકે છે. એટલે, નાટક કથા કે કવિતા, એમાં જો સર્જકસાહિત્યના ગુણો હાજર હોય તો, કાવ્ય કહી શકાય. આથી આપણે જ્યારે કાવ્યસ્વરૂપની વાત કરીએ છીએ ત્યારે સર્જક સાહિત્યકૃતિ માત્રની વાત કરીએ છીએ એમ માનવું જોઈએ. તો સર્જકસાહિત્યકૃતિનું સ્વરૂપ, એના તત્ત્વમાં, કેવું હોય છે તે અહીં વિચારવાનું ધાર્યું છે. સર્જકસાહિત્ય, સર્જકની એક જાતની મન:સૃષ્ટિ છે, તેથી એ સૃષ્ટિનું સ્વરૂપ કેવું છે એની ચર્ચા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ સૌથી પહેલાં કરે છે. કાવ્યસ્વરૂપની આ ચર્ચા એક દૃષ્ટિએ ઘણી જ અગત્યની છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કાવ્યને ભોક્તાની દૃષ્ટિએ જ વિવેચે છે અને કર્તાની દૃષ્ટિએ કલાકૃતિ કેમ ઘડાય છે એ વાતનો એમાં તદ્દન અભાવ છે એવું સાધારણ રીતે મનાય છે; અને કેટલીક રીતે એ ખરું પણ છે. છતાં કવિમાનસમાં કાવ્યસર્જન થતાં કેવો વ્યાપાર થાય છે એની પૂર્ણ અને સળંગ ચર્ચા નહિ, તો એના વિષે દ્યોતક સૂચનો તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ગ્રન્થોમાં મળે છે એમ આ કાવ્યસ્વરૂપની ચર્ચા ઉપરથી ફલિત થાય છે. એટલે, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આજ સુધી બહુ જ ઓછી જાણીતી અને લગભગ અસ્વીકૃત વિગતને બહાર લાવે છે એ દૃષ્ટિએ આ કાવ્યસ્વરૂપની વિચારણા ખરેખર ઉપયોગી અને મહત્ત્વની છે. કાવ્યસૃષ્ટિનું સ્વરૂપ વર્ણવતા જે ઉલ્લેખો સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં મળે છે, તેમાંથી સહુથી વધુ જાણીતા મમ્મટના કાવ્યપ્રકાશના નીચલા શ્લોકથી જ આપણી ચર્ચા શરૂ કરવી ઠીક પડશે. કાવ્યપ્રકાશનો મંગલ શ્લોક આમ છે:

नियतिकृतनियमरहितां ह्लादैकमयीमनन्यपरतन्त्राम् ।
नवरसरुचिरां निमिर्तिमादधती भारती कवेचरायति ।।

(વિધાતાએ કરેલા નિયમોથી રહિત, માત્ર આનન્દમય, સંપૂર્ણ સ્વતંત્ર, નવરસથી રુચિર એવું સર્જન કરતી કવિની ભારતી જય પામે છે.) આ શ્લોકમાં મમ્મટ કાવ્યનિર્મિતિ એટલે કાવ્યસૃષ્ટિના ધર્મો નીચે મુજબ ગણાવે છે. (1) નિયતિકૃતનિયમરહિતત્વ, (2) હ્લાદૈકમયત્વ, (3) અનન્યપરતંત્રત્વ અને (4) નવરસરુચિરત્વ. મમ્મટે આપેલા આ ધર્મોમાંથી હ્લાદૈકમયત્વ અને નવરસરુચિરત્વ નામે બે ધર્મો કાવ્યસૃષ્ટિને ભોક્તા અથવા ભાવકની દૃષ્ટિથી જોઈએ ત્યારે જ ફલિત થાય તેવા છે; એટલે એ બન્ને એક રીતે પરલક્ષી અથવા ભાવકલક્ષી ધર્મો છે. એનાથી ઊલટું, નિયતિકૃતનિયમરહિતત્વ અને અનન્યપરતંત્રત્વ નામે ધર્મો કાવ્યસૃષ્ટિને સર્જકની દૃષ્ટિથી જોઈએ ત્યારે જ ફલિત થાય તેવા છે; એટલે એ બન્ને ધર્મો એક રીતે આત્મલક્ષી અથવા સર્જકલક્ષી કહી શકાય તેવા છે. આપણે આ સર્જકલક્ષી ધર્મો જ અહીં તપાસીશું. મમ્મટે આપેલા નિયતિકૃતનિયમરહિતત્વના ધર્મ મુજબ કાવ્યસૃષ્ટિ નિયતિએ કહેતાં આ દૃશ્ય જગતના વિધાતાએ જગતના સંચાલન માટે કરેલા સામાન્ય નિયમોથી નિયંત્રાતી નથી. અને આથી જ આવી લૌકિક નિયમોથી અનિયંત્રિત સૃષ્ટિ ઉપજાવવા માટે કવિને કોઈ પણ લૌકિક ઉપાદાનકારણોનો આશ્રય લેવો પડતો નથી, તેથી એની કાવ્યસૃષ્ટિ અનન્યપરતંત્ર છે એમ કહી શકાય. આવી રીતે આ બન્ને ધર્મોના મૂળમાં કાવ્યસૃષ્ટિ સામાન્ય દૃશ્ય અને ઇન્દ્રિયગોચર લૌકિક સૃષ્ટિના નિયમોથી પર છે એ લક્ષણ વિશિષ્ટપણે સમાયેલું છે. પણ મારે નોંધવું જોઈએ કે મમ્મટે આપેલું આ લક્ષણ, એની પહેલાંના કાવ્યશાસ્ત્રીઓએ સ્વીકાર્યું જ હતું, એટલે આ બન્ને ધર્મો મમ્મટે નવા જ આપ્યા છે એમ સમજવાનું નથી. તો મમ્મટની પહેલાંના કાવ્યશાસ્ત્રીઓએ આ ધર્મો કેવી રીતે આપ્યા છે તે તપાસીએ. નવમા-દસમા સૈકાના રાજશેખરની કાવ્યમીમાંસામાં, આ વિષય પરત્વે બે મતો નોંધાયા છે. તેમાં પહેલો મત છે પાલ્યકીર્તિ નામે કાવ્યશાસ્ત્રીનો. તે નીચે મુજબ નોંધાયો છે.

यथा तथा वागस्तु वस्तुनो रूपं वक्तुप्रकृतिविशेषायत्ता तु रसवता- तथा च यमर्थं रक्त: स्तौति तं विरक्तो विनिन्दति- मध्यस्थस्तु तत्रोदास्ते इति पाल्यकीर्ति:।।1

(વસ્તુનું રૂપ ગમે તે હોય, એની રસવત્તા તો વક્તાની એટલે સર્જકની પ્રકૃતિની વિશિષ્ટતા ઉપર જ આધાર રાખે છે. જેમકે, એક જ વસ્તુને રાગી સ્તવે છે. વિરાગી નિન્દે છે અને મધ્યસ્થ ઉદાસીનતાની દૃષ્ટિથી નિહાળે છે.) આનો અર્થ એમ છે કે વસ્તુનું એટલે લૌકિક જગતમાં રહેતા પદાર્થનું સ્વરૂપ ગમે તેવું હોય પણ એને જ્યારે કવિ કાવ્યસૃષ્ટિમાં પરિણમાવે છે ત્યારે એને એ પોતાની ઇચ્છા હોય તેવું સ્વરૂપ આપી શકે છે. આવી રીતે કાવ્યસૃષ્ટિ લૌકિક સૃષ્ટિના નિયત સ્વરૂપથી ભિન્ન છે. એ જ મત રાજશેખરની પત્ની અવિન્તસુન્દરીનો પણ હતો. (જોકે બન્ને મતમાં વિગતનો થોડો ભેદ છે ખરો), રાજશેખરે અવન્તિસુન્દરીનો મત આમ નોંધ્યો છે.

विदग्धभणितिभङ्गिनिवेद्य वस्तुनो रूपं न नियतस्वभावमित्यवन्तिसुन्दरी- तदाह,-
वस्तुस्वभावो#त्र कवेरतन्त्रं
गुणागुणावुक्तिवशेन काव्ये-
स्तुवन्निबध्नोत्यमृतांशुमिन्दुं
निन्दंस्तु दोषाकरमाह धूर्त:——2

(વસ્તુનું સ્વરૂપ, જે વિદગ્ધનાં વચનની ચમત્કૃતિથી બહાર આવે છે તે નિયમસ્વભાવનું નથી એમ અવન્તિસુન્દરી કહે છે. કહે છે: [(કવિનાં) કાવ્યમાં (એક જ વસ્તુના) ગુણ અને અગુણ વર્ણવાય છે તેથી વસ્તુનું સ્વરૂપ અનિયત (અતંત્ર) છે. સ્તુતિ કરવી હોય તો, ચન્દ્રને અમૃતાંશુ (અમૃતરૂપી કિરણોવાળો) કહે છે અને નિન્દા કરવી હોય તો (તેને જ) દોષાકર (દોષની ખાણવાળો) કહે છે.] અહીં વસ્તુનું સ્વરૂપ અનિયત સ્વભાવવાળું છે એમ કહ્યું છે. ખરી રીતે વસ્તુ એટલે લૌકિક વસ્તુ કે પદાર્થ સમજીએ તો લૌકિક સૃષ્ટિના પદાર્થ તરીકે એનું સ્વરૂપ ભલે નિયત સ્વભાવનું હોય પણ, કાવ્યસૃષ્ટિમાં એનું સ્વરૂપ અનિયત સ્વભાવનું જ છે એમ ઉપર આપેલા રાગી વગેરેના દૃષ્ટાંતથી તેમ જ અહીં આપેલા ચંદ્રના દૃષ્ટાંતથી સ્પષ્ટ થાય છે. વસ્તુનો અર્થ કાવ્યવસ્તુ લઈએ તો તો કાવ્યવસ્તુ અનિયત સ્વભાવનું છે એમ જ કહેવાય અને અવન્તિસુન્દરીનો મત એ જ પ્રતિપાદિત કરતો લાગે છે. વળી દશમા શતકના અભિનવે પોતાના ધ્વન્યાલોકલોચનના આરંભના મંગળશ્લોકમાં સરસ્વતીના તત્ત્વને

अपूर्वं युद्धस्तु प्रथयति विना कारणकलां

(જે કારણકાર્યભાવ વગર જ અપૂર્વ વસ્તુ ઉપજાવે છે) એમ કહીને વર્ણવ્યું છે, તેનો અર્થ પણ એ જ છે. કાવ્યનું વસ્તુ અપૂર્વ છે એટલે દુનિયાનાં લૌકિક વસ્તુથી જુદું છે, અને એ કાર્યકારણ ઉપર આધાર રાખતું નથી, એટલે કે દુનિયાના લૌકિક ક્રમથી પર છે. આવી રીતે, કાવ્યસૃષ્ટિ નિયતિકૃતનિયમરહિત છે એવી પરમ્પરા આપણાં કાવ્યશાસ્ત્રમાં મળે છે. આ બધા મતોની નિષ્પત્તિ એ છે કે આપણા દૃશ્ય જગતના નિર્માતાએ ઘડેલી સૃષ્ટિથી કવિની સૃષ્ટિ જુદા પ્રકારની છે. કેમકે વિધાતાની સૃષ્ટિ અમુક નિયત કાર્યકારણભાવ પ્રમાણે ચાલે છે, પણ કાવ્યસૃષ્ટિને એવા કોઈ નિયમો હોતા નથી. લગભગ આવી જ મતલબનો અર્થ આનન્દવર્ધનના ધ્વન્યાલોકમાં ઉલ્લેખાયેલા નીચેના શ્લોકોમાં મળે છે.

अपारे काव्यसंसारे कविरेव प्रचापति:-
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते।।
शृङ्गारीचेत्कवि: काव्येचातं रसमयंचगत्-
स एव वीतरागश्चेत्रीरसं सर्वमेव तत्।।
भावानचेतनानपिचेतनवचेतनानचेतनवत्-
व्यवहारयति यथेष् सुकवि: काव्ये स्वतन्त्रतया।।3

(કાવ્યરૂપી આ અપાર સંસારમાં, કવિ જ પ્રજાપતિ છે. એને જેમ ગમે છે તેમ, આ વિશ્વ પરિણમે છે. કવિ જો શૃંગારી હોય તો જગત રસમય બને છે અને એ જ જો વીતરાગ હોય તો બધું નીરસ બને છે. કાવ્યમાં સુકવિ પોતાની ઇચ્છા મુજબ અચેતન ભાવને ચેતન જેવા અને ચેતનને અચેતન જેવા બનાવી શકે છે.) આનો અર્થ પણ એ જ છે કે કાવ્યસૃષ્ટિ સામાન્ય દુન્યવી સૃષ્ટિ કરતાં ભિન્ન છે. પણ આ બધાનો એવો અર્થ થઈ જવાનો સંભવ છે કે સર્જકનું વાસ્તવ (reality) ને ઉવેખે છે, તેથી સર્જકનું સર્જન અવાસ્તવિક છે, અને, એમ જો ખરેખર હોય તો, હમણાં જ વાસ્તવવાદ નામે વાદ પ્રચારમાં છે તેનાથી તદ્દન વિરોધી એવો આ મત થાય. કાવ્યસૃષ્ટિ વાસ્તવ કે વસ્તુ (reality)થી તદ્દન જુદી હોઈ શકે જ નહિ. આગળ આપણે જોશું કે ઉપરના કાવ્યશાસ્ત્રીઓનો મત પણ કાવ્યસૃષ્ટિ વસ્તુસૃષ્ટિથી તદ્દન જુદી છે એવો નથી જ. બીજા કાવ્યશાસ્ત્રીઓ તો કાવ્યસૃષ્ટિનો વસ્તુસૃષ્ટિ સાથેનો સંબંધ સ્પષ્ટ રીતે સ્વીકારે પણ છે, ઉપર ધ્વન્યાલોકમાં ઉલ્લેખાયેલા શ્લોકો આપ્યા છે તેમાંથી પણ સૂચન મળે છે કે આ વસ્તુસૃષ્ટિનું જ કવિસૃષ્ટિને આલંબન છે, માત્ર કવિસૃષ્ટિ ચેતનને અચેતન જેમ અને અચેતનને ચેતન જેમ નિરૂપી શકે છે. જો કવિસૃષ્ટિ વસ્તુસૃષ્ટિથી તદ્દન જુદી હોય તો તો એમ કહેવું પડે કે કાવ્યને વસ્તુસૃષ્ટિનો જરા યે આધાર નથી. પણ કવિ કંઈ પોતાનું વસ્તુ અધ્ધરથી ઉપજાવતો નથી. એનું વસ્તુ દુન્યવી સૃષ્ટિમાંથી જ લીધેલું હોય છે. ઉપર પાલ્યકીર્તિ અને અવન્તિસુન્દરીના મતો આપ્યા છે તેનો આશય પણ એ જ છે. તેમના મતે પણ ચન્દ્ર જે વસ્તુ છે તેનું જ આલંબન કવિસૃષ્ટિને હોય છે, માત્ર પોતાની જરૂરત મુજબ કવિ એને જુદું રૂપ આપે છે. કુન્તક4 પોતાના વક્રોક્તિજીવિતમાં લખે છે કે, यन्न वर्ण्यमानस्वरूपा पदार्था: कविभिरभूता: सन्त: क्रियन्ते केवलं सत्तामात्रे- परिस्फुरतां येषां तथाविध: कोऽप्यतिशय: पुनराधीयते येन कामपि सहृदयहारिणीं रमणीयतामधिरोप्यते—5 (કવિઓ પોતે વર્ણવવાનું વસ્તુ ક્યાંય અસ્તિત્વમાં ન હોય તેવું કરી શકતા નથી, પણ માત્ર અસ્તિત્વ ધરાવતાં વસ્તુને એ કોઈક એવો તો અતિશય અર્પે છે, જેથી તે સહૃદયનાં મનને હરી લે તેવી રમણીયતા ધારણ કરે છે.) આમ સત્તા માત્ર ભોગવતા એટલે જેને આપણે દુન્યવી કે લૌકિક કહ્યા છે તેવા પદાર્થો જ કવિસૃષ્ટિનું આલંબન બને છે. કવિ માત્ર એ લૌકિક સૃષ્ટિના પદાર્થને કોઈ અલૌકિક સૌન્દર્ય અર્પે છે, જેથી એ જુદી સૃષ્ટિના લાગે છે. એ જ વાત કુન્તક સ્પષ્ટપણે કહે છે: प्रस्तुतातिशयविधानव्यतिरेकेण न कंचि चिदपूर्वत्वमत्रास्ति।6 એટલે કે કાવ્યસૃષ્ટિ અપૂર્વ છે, પણ એની અપૂર્વતા કવિએ મૂળ વસ્તુને અર્પેલા ચમત્કારથી નીપજે છે, મૂળ વસ્તુથી એ તદ્દન જુદી જ છે તેથી નહિ. એ જ ભાવ નીચેના શ્લોકમાં, પ્રકારાન્તરે, વર્ણવાયો છે.

यानेव श दान्वयमालपाम:
यानेवचार्थान्वयमुल्लिखाम:-
तैरेव विन्यासविशेषभव्यै:
संमोहयन्ते कवयोचगन्ति।।7

[જે શબ્દો આપણે (લૌકિક વ્યવહારમાં) બોલીએ છીએ અને જે અર્થો આપણે ઉલ્લેખીએ છીએ, રીતિવિશેષથી ભવ્ય બનેલા તેના વડે જ કવિઓ જગતને મોહ પમાડે છે.] આમ કવિએ એટલે સર્જકે વસ્તુનું આલંબન તો લેવું પડે જ છે, પણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વસ્તુ (plot)ના પ્રસિદ્ધ અને ઉત્પાદ્ય નામે બે પ્રકાર સ્વીકારાયા છે તેમાંથી જે વસ્તુ પ્રસિદ્ધ હોય તેમાં તો કવિને બાહ્ય આલંબન હોય, પણ ઉત્પાદ્ય વસ્તુમાં કવિસૃષ્ટિ સર્વતંત્રસ્વતંત્ર છે એમ કોઈ કહે; પણ ઉત્પાદ્ય વસ્તુમાં યે કવિને જગતના વાસ્તવિક પ્રસંગોનું અને ભાવોનું આલંબન લેવું પડે છે જ. કુન્તકે કહ્યું છે કે,

यत्राप्युत्पाद्यं वस्तु प्रचन्धार्थपूर्वतया वाक्यार्थस्तत्कालमुल्लिख्यते कविभि: तस्मिन् स्वरात्तासमन्वयेन स्वयमेव परिस्फुरतां तथाविधपरस्परान्वयलक्षणसम्चन्धोप-निचन्धनं नाम नवीनमतिशयमात्रमेव निमिर्तिविषयतां नीयते न पुन: स्वरूपम्।8

[જે ઉત્પાદ્ય વસ્તુરૂપ વાક્યાર્થ કવિ પ્રબન્ધનાં વસ્તુ તરીકે તત્કાલ નિરૂપે છે, તેમાં પણ સ્વસત્તાની (પોતપોતાના દુન્યવી અસ્તિત્વ) સાથે સમન્વય પામેલા પોતાની મેળે જ પરિસ્ફુરતા પદાર્થોનું (મૂળ લૌકિક) સ્વરૂપ નહીં પુત્ર પરસ્પર અન્યવાદિ સંબંધથી નવીન અતિશયવાળું નિબન્ધન જ કાવ્યસૃષ્ટિ બને છે.] આવી રીતે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં મમ્મટાદિ કાવ્યસૃષ્ટિને અનન્ય પરતંત્ર અને નિયતિકૃતનિયમરહિત કે અનિયત ગણે છે તે જ વાતને આ કુન્તકાદિ ઉપર મુજબ સમજાવે છે, તેમના મતે કાવ્યસૃષ્ટિ વસ્તુસૃષ્ટિથી ભિન્ન તો છે જ પણ એનું ભિન્નત્વ મૂળગત નથી, પણ સ્વરૂપગત છે. આ કાવ્યશાસ્ત્રીઓ એમ કહે છે કે કાવ્યસૃષ્ટિમાં જે ચમત્કાર, જે નવીનત્વ, જે અપૂર્વત્વં કે વસ્તુસૃષ્ટિથી જે ભિન્નત્વ લાગે છે તે કવિનાં રચનાકૌશલથી (વિન્યાસવિશેષ, વિદગ્ધભણિતિભંગિ) ઊપજે છે. આ બન્ને, પહેલાં ભિન્ન લાગતા પણ અન્તે પરસ્પરપૂરક બનતા મતોને આમ સમજ્યા પછી હવે આપણે, નિરપેક્ષ દૃષ્ટિએ જોઈએ કે વસ્તુસૃષ્ટિ અને કાવ્યસૃષ્ટિ વચ્ચે ભિન્નતા છે કે નહીં અને છે તો કયા પ્રકારની છે. સર્જકકૃતિનું વસ્તુ જીવનમાંથી જ લીધેલું હોય છે, જીવનમાં જે કંઈ બનાવો અને ભાવો જોવામાં આવે છે તે જ સર્જકકૃતિઓમાં જોવાય છે, તેથી કાવ્યસૃષ્ટિ જીવનથી પર છે એમ તો કહેવાય નહિ. અને છતાં સર્જક કૃતિના ભાવક માત્રનો અનુભવ હોય છે કે એવી કૃતિમાં જીવનમાં હોય છે તેનાથી કંઈક ભિન્ન સૃષ્ટિ હોય છે. આ અભેદમાં ભેદ જેવી સ્થિતિ શેનાથી ઊપજે છે તે સમજવા જેવું છે. એટલી વાત તો સ્પષ્ટ છે અને બધાંએ સ્વીકારેલી છે કે સાહિત્યસૃષ્ટિના બનાવો અને ભાવો લૌકિક સૃષ્ટિમાં હોય છે તે જ હોય છે, છતાં એનું કલાત્મક નિરૂપણ એને કોઈક નવો જ આકાર આપે છે. ભોજના શૃંગારપ્રકાશમાં9 આ વાત સ્પષ્ટપણે સ્વીકારવામાં આવી છે.

तत्र न तथा पदार्था: प्रत्यक्षेण प्रतीयमाना स्वदन्ते यथा वाग्मिनां व चोभिरावेद्यमाना:- तदाह‚
अत्थणिवेसा णवि तह चित्तविआसं कुणन्ति सुचेविआ-
चह उण ते उन्मीलन्ती सुकविवआहंचिसुसीसंता।।

(પ્રત્યક્ષ અનુભવાતા પદાર્થો એટલા સ્વાદું નથી લાગતા, જેટલા વાગીશ્વરનાં વચનથી નિરૂપાતા પદાર્થો લાગે છે. કહ્યું છે, જોવાયેલા અર્થનિવેશો એટલો ચિત્તવિકાસ નથી કરતા, જેટલો સુકવિનાં વચનથી નિરૂપાતાં તે કરે છે.) આવી રીતે લૌકિકસૃષ્ટિ અને કાવ્યસૃષ્ટિ, મૂળમાં નહિ તો એના સ્વરૂપમાં ભિન્ન તો લાગે છે. આ સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ એમ માનતા જણાય છે કે એ સ્વરૂપભેદ કવિની વિન્યાસવિશેષ કે ભણિતિભંગિ કરવાની વિશિષ્ટ શક્તિથી નીપજે છે. પણ એનો અર્થ તો માત્ર એમ થઈ જાય કે આ સ્વરૂપભેદ માત્ર રીતિવિશેષથી (Styleથી) નીપજે છે, પણ ખરેખર તેમ નથી. આ બાબતમાં કુન્તક આમ કહે છે.

तदेवं सत्तामात्रेण परिस्फुरत: पदार्थस्य कोऽप्यलौकिक: शोभातिशयविधायी वि िछत्तिविशेषोऽभिधीयते येन नूतन छायामनोहारिणा वास्तविस्थितितिरोधानप्रवणेन निचाभासोद्भासिततत्सरूपेण तत्कालोल्लिखित इव वर्णनीयपदार्थपरिस्पंदमहिमा प्रतिभासते येन विधातृव्यपदेशतां प्रतिपद्यन्ते कवय:—10

[આમ અસ્તિત્વ માત્ર ધરાવતા પદાર્થનો કોઈક જાતનો અલૌકિક શોભાતિશય ઉપજાવે છે. તેને વિચ્છિત્તિવિશેષ કે સૌન્દર્યવિશેષ કહે છે, અપૂર્વ શોભાથી મનોહર, વાસ્તવસ્થિતિનું તિરોધાન કરવાવાળા પોતાનાં સ્વરૂપથી તેનાં (લૌકિક પદાર્થનાં) સ્વરૂપને ઉજાળતા તેના (સૌન્દર્યવિશેષ) વડે વર્ણનીય પદાર્થની શોભાનો મહિમા તત્કાળ ઉલ્લેખાયેલો હોય તેવો જણાય છે. આથી કરીને જ કવિઓને વિધાતાનું (સ્રષ્ટાનું) બિરૂદ મળે છે.] લૌકિક સૃષ્ટિને અલૌકિક શોભા અર્પવામાં, કવિનો વ્યાપાર વાસ્તવસ્થિતિનું તિરોધાન કરે છે અને એ તિરોધાન કરવાથી જ કાવ્યસૃષ્ટિને એક જાતનું ચમત્કારી મનોહારિત્વ મળે છે એમ અહીં કહ્યું છે. એનો અર્થ એ છે કે કાવ્યસૃષ્ટિ લૌકિકસૃષ્ટિ ઉપર જ રચાયેલી છે, પણ એનું નિરૂપણ એવી રીતે થાય છે કે લૌકિક સૃષ્ટિ જે મૂળ એનું આલંબન છે તે સાવ ઢંકાઈ જાય છે. એક રીતે આનો અર્થ એમ પણ થઈ જાય કે જેમ માયારૂપ આ ક્ષર જગત અક્ષર તત્ત્વનું તિરોધાન કરીને પ્રવર્તે છે તેમ કાવ્યસૃષ્ટિ મૂળ સત્ય લૌકિકસૃષ્ટિનું તિરોધાન કરીને રહે છે, અને એથી કાવ્યસૃષ્ટિ અસત્ય છે. આ પ્રશ્ન બહુ જ રસિક છે અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એ ચર્ચાયો પણ છે, છતાં એની ચર્ચા હમણાં આપણે નહિ કરીએ. હમણાં તો લૌકિક સૃષ્ટિનું આ તિરોધાન શાથી થાય છે તે તપાસવું પ્રાસંગિક છે. કાવ્યસૃષ્ટિ લૌકિક સૃષ્ટિનું તિરોધાન કરે છે તો પછી એ વાસ્તવને (reality) વફાદાર નથી જ એવો પણ આનો અર્થ કોઈક કરે. વાસ્તવવાદીઓની એ ફરિયાદ છે કે સર્જકસાહિત્યના કર્તાઓ વાસ્તવને અવગણે છે અને એવો જ આ અર્થ થયો ગણાય. પણ મારે કહેવું જોઈએ કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ વાસ્તવનો ક્યાંય વિરોધ કરતા નથી. બન્ને સૃષ્ટિ વચ્ચે અમુક જાતનો ભેદ છે એટલું જ તેમનું વક્તવ્ય છે. તો આ ભેદ કઈ જાતનો હોઈ શકે તે હવે જોઈએ. કેટલાક એમ માનતા લાગે છે કે સર્જકકૃતિ માત્ર આપણાં દૃશ્ય જગતમાં જે કંઈ નાનું મોટું હોય છે અને બને છે તેને સંપૂર્ણ વફાદારીથી પોતાનામાં અંકિત કરે છે; એટલે તેઓ એમ માનતા જણાય છે કે સર્જકે પોતાની કૃતિમાં વર્ણવેલા જુદા જુદા બનાવો અને પાત્રોનું સ્વરૂપ સામાન્ય દુનિયામાં અનુભવાય છે તેવું જ બરાબર રજે રજ હોવું જોઈએ. પણ આમ માનવાવાળા ભૂલી જાય છે કે સર્જક લૌકિક સૃષ્ટિમાંથી કોઈ પણ પદાર્થ પસંદ કરે અને પછી એને સર્જક સ્વરૂપ આપે તેની વચમાં કવિમાનસમાં એક એવો વ્યાપાર પ્રવર્તી જાય છે કે એને પરિણામે તે પદાર્થનું મૂળ લૌકિક સ્વરૂપ લુપ્ત તો નહિ, પણ તિરોભૂત બની જાય છે. કવિ જ્યારે કોઈ પણ કાવ્યોચિત દૃશ્ય, પ્રસંગ કે ભાવનો અનુભવ કરે છે (જેમકે, સૂર્યોદય કે સૂર્યાસ્ત, લગ્ન કે મરણ, વિયોગ કે સંયોગ, શોક કે હર્ષ) ત્યારે એનો અનુભવ વાસ્તવિક દુનિયાનો જ હોય છે. વાસ્તવિક દુનિયાનો એ અનુભવ એની સર્જક કૃતિનું મૂળ આલંબન બને છે. પણ ધ્યાનમાં રાખવાનું તો એ છે કે કોઈ પણ સારો સર્જક પોતાને જ્યારે આવી વાસ્તવિક (લૌકિક) અનુભવ થાય છે ત્યારે તરત જ પોતાની સર્જક કૃતિ રચવા મંડતો નથી. વાસ્તવિક અનુભવ એના પોતાના મનોવ્યાપારરૂપી ગળણીમાંથી ગળાય છે. વાસ્તવિક પ્રસંગનું દૃશ્ય ચર્મચક્ષુ પાસેથી દૂર થયા પછી પણ, તેના વિશે સર્જકનાં મનશ્ચક્ષુઓ, કોઈને કોઈ રીતે જાણે કે, એ પ્રત્યક્ષ હોય એવો વ્યાપાર કરતાં હોય છે, અને એ મનોવ્યાપારની સમાપ્તિ થયે જ સર્જકની કૃતિ શબ્દદેહ ધારણ કરે છે. અહીં આપણે સમજવું જોઈએ કે કવિને થયેલા વાસ્તવિક અનુભવની અને કવિએ સર્જેલા શબ્દદેહની ઉત્પત્તિની બે જુદી જુદી ક્ષણો વચ્ચે, એ આખો યે અનુભવ કવિનાં માનસમાં, જાણે કે, ફરીથી જિવાઈ જાય છે. વાસ્તવિક અનુભવના આ બીજા અવતારમાં, એના પહેલા અવતારનાં સ્વરૂપનું તિરોધાન થઈ જાય છે. લૌકિક અનુભવની ક્ષણ અને સર્જક કૃતિના જન્મની ક્ષણ-એ બે ક્ષણો વચ્ચે કવિમાનસમાં એક અતિ ગૂઢ, અતિ રહસ્યમય પણ અતિ મહત્ત્વની પ્રક્રિયા થઈ જાય છે. આ પ્રક્રિયાના કાલ દરમિયાન કવિ કવિ મટીને વિવેચક બને છે; વિવેચક બને છે એટલે વિવેચકના બધા જ ધર્મો ધારણ કરે છે એમ નહિ, પણ લૌકિક અનુભવમાંથી કયાં તત્ત્વો કાવ્યોચિત છે અને કયાં નથી એનો વિવેક એ કરે છે. આ વિવેકની પ્રક્રિયા અસંપ્રજ્ઞાત કે ઇષત્સંપ્રજ્ઞાત જ રહે છે, પણ એ બને છે તેના વિશે જરા પણ શંકા નથી. એ બને છે તેથી જ લૌકિક અનુભવના પ્રસંગો, પાત્રો, ભાવો આદિને કાવ્યોચિત સ્વરૂપ મળે છે. વાસ્તવિક અનુભવ પછીના કવિમાનસના આ વ્યાપારમાં અનેક પ્રક્રિયા ઉપરાઉપરી તરવરાટ કરતી બનતી હશે, પણ એ આખા વ્યાપારને પરિણામે, એ આખા અસંપ્રજ્ઞાત કે ઇષત્સંપ્રજ્ઞાત પરામર્શને પરિણામે કવિમાનસચક્ર ઉપરથી એક ઘાટ ઊતરે છે, જેને આપણે કાવ્ય કે સર્જક કૃતિ કહીએ છીએ. આ પરામર્શને પરિણામે આપણે જાણી શકીએ છીએ કે એ પરામર્શકાળ દરમિયાન કવિને થયેલા વાસ્તવિક અનુભવમાં કવિની પોતાની ઊર્મિ, કલ્પના અને વિચાર ભળે છે અને આથી એ વાસ્તવિક અનુભવ પોતાનું મૂળ લૌકિક સ્વરૂપ તજીને કાવ્યને ઉચિત એવું અતિશય મનોહારી ચમત્કૃતિયુક્ત સ્વરૂપ ધારણ કરે છે. કવિના મનોવ્યાપારના આ કાળે મૂળ વાસ્તવિક અનુભવમાંથી પહેલા તો, એના કાવ્યોચિત અંશોની પસંદગી થાય છે.11 આ પસંદગીની યોગ્યતાનું પ્રમાણ કવિના માનસની કાવ્યોચિતતા ઉપર જ અવલંબે છે. પણ આ પસંદગીને લીધે, વાસ્તવિક પ્રસંગાદિનું લૌકિક સ્વરૂપ કંઈક ભિન્ન લાગે તેવું બની જાય છે. આવી પસંદગી થયા પછી, જેને ઉપરના સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ વચનવિન્યાસ કે ભણિતિભંગિ કહે છે તેનો વ્યાપાર થાય છે. એટલે કે પસંદ કરાયેલા પ્રસંગો ભાવો આદિને, એ જેવી રીતે વ્યવહારમાં અનુભવાયા છે તેવી જ રીતે નહિ, પણ જેનાથી એ વધુમાં વધુ ઇષ્ટ અસર ઉપજાવી શકે તેવી રીતે એટલે કે તેવી ભાષા, તેવા છંદ, તેવા અલંકાર, તેવી રીતિ, તેવા રસ આદિથી અંકિત કરીને કવિ શબ્દદેહ અર્પે છે. આ ભાષાદિના વાઘા સજાતાં જ મૂળ વાસ્તવિક પ્રસંગાદિનું પૂરું તિરોધાન થાય છે. અને, સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ મૂળ વસ્તુનું તિરોધાન થાય છે એમ કહે છે તેનો અર્થ આ જ છે. આવી રીતે કવિમાનસવ્યાપારમાંથી ગળાઈને જ્યારે કોઈ પણ સર્જક કૃતિ શબ્દદેહ ધારણ કરે છે ત્યારે મૂળ વાસ્તવિક વ્યાપાર ઉપર જ કવિમાનસમાં વ્યાપાર થાય છે એટલે અંશે કવિસૃષ્ટિ વાસ્તવિક (realistic) છે, પણ એ વાસ્તવિક ભાવાદિ ઉપર કવિમાનસમાં રહેલા ભાવાદિની અચૂક છાપ પડે છે જ અને તેટલે અંશે એ ભાવાદિ વાસ્તવિક (realistic) નહિ પણ ભાવાન્વિત (idealised) હોય છે એ જ ખરું સત્ય છે. આથી કરીને એમ કહી શકાય કે કવિમનોવ્યાપારમાં લૌકિક પ્રસંગો આદિની જે પસંદગી થાય છે, તે એનું લૌકિક સ્વરૂપ જાળવી રાખે છે: અને આ પસંદ કરાએલા પ્રસંગો આદિ પણ લૌકિક હોય છે, માટે કવિસૃષ્ટિ લૌકિકસૃષ્ટિથી ભિન્ન નથી; પણ એ ભિન્ન બને છે કવિમાનસવ્યાપારનાં ઉપર લખેલાં બીજાં અને અંતિમ સ્થિત્યન્તરથી. જેમ એકનો એક નટ, પોતે તો તેનો તે જ છે. છતાં વિવિધ વેશપરિધાને જુદો જુદો પાડે છે અને ઇષ્ટ ચારુતાવાળો પણ લાગે છે. તેમ કવિમાનસમાં પસંદ કરાયેલા વાસ્તવિક પ્રસંગાદિ પોતે તો વાસ્તવિક જ છે છતાં ઉપર લખેલા ભાષાદિ સંસ્કાર પામે છે ત્યારે ભિન્ન સ્વરૂપ ધારણ કરે છે; અને સુકવિના હાથમાં એના આ સ્વરૂપમાં કોઈક અપૂર્વ મનોહારિણી ચમત્કૃતિ મળે છે, જેને લીધે વાસ્તવિક પ્રસંગને કાવ્યની ઉપાધિ મળે છે અને એને લીધે જ કવિને સ્રષ્ટાનું કે વિધાતાનું બિરુદ મળે છે. પણ કવિ જેમ સ્રષ્ટા છે, તેમ દ્રષ્ટા પણ છે. કવિસૃષ્ટિ જેમ વિશિષ્ટ છે તેમ કવિદૃષ્ટિ પણ વિશિષ્ટ હોય છે. આ કવિદૃષ્ટિ એટલે શું? કવિની સૃષ્ટિને અને દૃષ્ટિને ગાઢ સંબંધ છે. એક રીતે એમ કહી શકાય કે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. દૃષ્ટિથી સ્વતંત્ર એવું સૃષ્ટિનું અસ્તિત્વ નથી એમ પણ કહી શકાય. અને કવિની વિશિષ્ટ દૃષ્ટિને કારણે જ કવિસૃષ્ટિની વિશિષ્ટતા નીપજે છે. આપણે ઉપર જોયું કે અનુભવની ક્ષણની અને સર્જનની ક્ષણની વચ્ચે કવિમાનસમાં કે કવિનાં ચિત્તતંત્રમાં એક મહત્ત્વની પ્રક્રિયા થાય છે, જેને પરિણામે લૌકિક સૃષ્ટિ કાવ્યની સૃષ્ટિમાં પરિણમે છે. આ પ્રક્રિયામાં નિર્ણાયક બળ કયું હોય? મને લાગે છે કે કવિની દૃષ્ટિ તે જ આ પ્રક્રિયાનું નિર્ણાયક બળ હોય છે. તો કવિની આ દૃષ્ટિ એટલે શું? આ સંસારમાં દરેક મનુષ્યવ્યક્તિનું ઘડતર પોતાના સંયોગો મુજબ આગવી રીતે થાય છે અને આથી દરેક વ્યક્તિનો પોતાનો જુદો જ દૃષ્ટિકોણ ઘડાય છે એમ કહેવાય; બીજી રીતે કહીએ તો દરેક વ્યક્તિનું આખું જ ચિત્તતંત્ર, માત્ર ચિત્તતંત્ર જ નહીં પણ આખું યે આત્મતંત્ર એવી રીતે ઘડાયું હોય છે કે એને બીજા બધાં કરતાં, જગતને જોવાની અનુભવવાની અને સમજવાની વિશિષ્ટ દૃષ્ટિ મળે છે. મનુષ્યના સમગ્ર આત્મતંત્રનું વિશિષ્ટ ઘડતર અને એને પરિણામે એને મળેલી વિશિષ્ટ દૃષ્ટિને લીધે જ આ જગતની વ્યક્તિઓમાં આટલું વૈવિધ્ય જોવામાં આવે છે. કેટલીક વખત આ દૃષ્ટિને જ પ્રતિભા કહેવામાં આવે છે. આપણામાં તળપદી ભાષામાં એને ‘સૂઝ’ કહી શકાય, સંસ્કૃતિમાં કવિને, ખાસ કરીને વેદકાળના કવિને, ઋષિ કે દૃષ્ટા કહેતા તે પણ આ જ કારણે. ઋષિ એટલે જોનાર, દ્રષ્ટા એટલે પણ જોનાર. જીવનના સમૃદ્ધ અનુભવને કારણે કવિને એક એવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે કે જેથી તે જગતનાં અનેક વસ્તુઓને પોતાની આગવી નજરે જોઈ શકે છે, એટલું જ નહીં એની પાછળ રહેલું રહસ્ય તથા અમૂર્ત ભાવોને એ પોતાની આ (દિવ્ય?) દૃષ્ટિને પરિણામે પ્રત્યક્ષ કરી શકે છે. સામાન્ય જડ, મૂર્ત જગતની પર જઈને અમૂર્ત અને અપાર્થિવ ભાવોને પ્રત્યક્ષ કરાવનારી કે એનો સાક્ષાત્કાર કરાવનારી કવિની આ દૃષ્ટિ, ભક્તની કે તત્ત્વજ્ઞની, પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરતી, દૃષ્ટિના જેવી જ, તત્ત્વમાં તો છે.12 કવિ પણ પોતાની આ દૃષ્ટિને લીધે આ દૃશ્ય જગતની પાછળ જે નિત્ય સત્ય વિલસી રહ્યું છે તે પ્રત્યક્ષ કરી શકે છે. માટે તો એને ક્રાન્તદર્શી કહ્યો છે. આ દૃષ્ટિ કેમ ઘડાય છે? જગતમાં જન્મ્યા પછી, વ્યક્તિને, આસપાસનાં વાતાવરણ અને સંયોગોને લીધે અનેક પ્રકારના અનુભવો થાય છે. આ અનુભવોનાં પરિણામે એનામાં જગતને અમુક રીતે નિહાળવાની દૃષ્ટિ ઘડાય છે એમ, સાધારણ રીતે, કહેવાય. પણ કવિની ઉપર કહેલી દૃષ્ટિ તે આજ છે? કવિની દૃષ્ટિ માત્ર બાહ્ય વાતાવરણ અને સંયોગોથી ઘડાય છે? અહીં પ્રશ્ન તો એ થાય છે કે આ બાહ્ય અનુભવો તો, ઘણી વ્યક્તિઓ માટે એકના એક હોય છે, છતાં દરેકની દૃષ્ટિ જુદી ઘડાય છે એનું કારણ શું? બાહ્ય વાતાવરણ અને સંયોગોની અસર જુદી જુદી વ્યક્તિ ઉપર જુદી જુદી થાય છે તેનું કારણ શું? મને આનો જવાબ સૂઝે છે તે એ છે કે આ સંયોગોને અનુભવવાની અને સમજવાની એક શક્તિ દરેક વ્યક્તિમાં છે અને તે શક્તિ એનામાં આગન્તુક નથી, પણ જન્મસિદ્ધ છે. એને આનુવંશિક કહીએ તો પણ ઠીક. ત્યારે એમ થયું કે દરેક વ્યક્તિમાં, જન્મથી સિદ્ધ એવી એક આનુવંશિક શક્તિ છે, જેના દ્વારા એ બાહ્ય જગતનો અનુભવ કરી શકે છે અને એને સમજી શકે છે. અને આ શક્તિ પ્રમાણે જ એની ઉપર કહેલી દૃષ્ટિ ઘડાય છે.13 પણ આ જન્મસિદ્ધ શક્તિ, વ્યક્તિ વ્યક્તિ પરત્વે જુદી હોય છે તેનું કારણ શું? તત્ત્વજ્ઞાનમાં વધુ ઊંડા ઊતર્યા સિવાય આપણે એમ કહી શકીએ કે વ્યક્તિને જન્મ આપનાર મા અને બાપના ભિન્ન વ્યક્તિત્વને કારણે અથવા સામાન્ય રીતે કહીએ તો, વ્યક્તિનાં પ્રાક્તન કર્મને કારણે આ જન્મસિદ્ધ શક્તિનું ભિન્નત્વ ઊપજે છે. ગમે તેમ હો, શક્તિનાં ભિન્નત્વનું કારણ, જન્મ્યા પહેલાનાં, વ્યક્તિને વારસામાં મળેલા પ્રાક્તન સંસ્કારો હોવાનો પૂરતો સંભવ છે. અને દૃષ્ટિ આ શક્તિને આધારે ઘડાય છે તેથી એ દૃષ્ટિના ઘડતરમાં, જન્મ્યા પહેલાંના પ્રાક્તન સંસ્કારો તેમ જ જન્મ્યા પછીના બાહ્ય સંયોગાદિ મહત્ત્વનો ભાગ ભજવે છે: અને એને કારણે જ વ્યક્તિ વ્યક્તિની દૃષ્ટિમાં ભિન્નત્વ આવે છે. એક જ વસ્તુની કે ભાવની જુદી જુદી સૃષ્ટિ કરતાં કવિ કવિ વચ્ચેની ભિન્નતાનું અથવા તો કવિના વિશિષ્ટ વ્યક્તિત્વનું કારણ આ દૃષ્ટિ જ છે.14 કાવ્યસૃષ્ટિનું નિર્માણ થાય છે તેની પહેલાંની કવિમાનસની પ્રક્રિયામાં નિર્ણાયક બલ આ દૃષ્ટિ જ છે. પોતામાં રહેલી આ દૃષ્ટિને પરિણામે જ કવિ, સર્જનપ્રક્રિયાના એ અંતરાલમાં, પોતાને થયેલા લૌકિક અનુભવને એવાં રસાયણથી રસી શકે છે કે જેથી એ અનુભવ કાવ્યસૃષ્ટિમાં પરિણમે છે. આમ કવિસૃષ્ટિ ઉપર કવિદૃષ્ટિની અત્યન્ત મહત્ત્વની અસર થાય છે. અને એટલા માટે જ, કાવ્યસ્વરૂપને સમજવામાં આપણે, જેમ કાવ્યસૃષ્ટિને તેમ કાવ્યદૃષ્ટિને પણ સમજી લેવાની જરૂર છે. આ જન્મસિદ્ધ પ્રતિભા અને એને પરિણામે જન્મતી આ દૃષ્ટિ, કવિમાં સુષુપ્તાવસ્થામાં પડેલી હોય છે. સુપ્તાવસ્થામાં પડેલી આ દૃષ્ટિને માટે જગતનો બાહ્યાનુભવ ઉદ્દીપનરૂપે કામ કરે છે. આમ ઉદ્દીપિત થયેલી દૃષ્ટિ, પછી, સૃષ્ટિમાં પરિણમે છે. માટે કવિ દ્રષ્ટા તથા સ્રષ્ટા બન્ને છે. ભટ્ટ તૌતે યોગ્ય જ કહ્યું છે કે:

नानृषि: कविरित्युक्तं ऋषिश्च किल दर्शनात्
विचित्रभावधर्मांशतत्त्वप्रख्या च दर्शनम्-
स तत्त्वदर्शनादेव शास्त्रेषु पठित: कवि:
दर्शनाद्वर्णनाच्चाथ रूढा लोके कवि श्रुत:——

(ઋષિ ન હોય તે કવિ ન હોય. દર્શન કરે તે ઋષિ. વિચિત્ર ભાવો અને ધર્મોના તત્ત્વની પ્રેરણા તે દર્શન. આ તત્ત્વદર્શન કરે છે માટે જ એને શાસ્ત્રમાં કવિ કહ્યો છે. દર્શન કરે છે તેથી તેમ જ વર્ણન કરે છે તેથી એનું કવિ એવું બિરુદ લોકમાં રૂઢ થઈ ગયું છે.)

[મૂળ છપાયો: ‘સાહિત્ય પરામર્શ’માં, ઑક્ટોબર, 1945 અહીં છેલ્લો (દૃષ્ટિ વિશેનો) ભાગ વધાર્યો છે.]

પાદટીપ 1. કાવ્યમીમાંસા, પૃ. 49 2. કાવ્યમીમાંસા, પૃ. 46 3. ધ્વન્યાલોક, (નિર્ણયસાગર પ્રેસ, ચોથી આવૃત્તિ) પૃ. 278. અહીંનો પહેલો શ્લોક અગ્નિપુરાણમાં પણ મળે છે. 4. અહીં ઉલ્લેખેલાં કુન્તકનાં વાક્યો મેં Indian Historical Quarterly (Vol. XIII No. 1)માં છપાએલા શ્રીયુત શ્રીકાન્તીયના ‘Imagination in Indian Poetics’ નામે લેખમાંથી લીધા છે. આ લેખ લખવામાં મને ઉપર્યુક્ત લેખમાંથી ઘણી મદદ મળી છે. 5. વક્રોક્તિજીવિત, પૃ. 140 6. વક્રોક્તિજીવિત, પૃ. 143 7. શિવલીલાર્ણવ, 1, 13 8. વક્રોક્તિજીવિત પૃ. 142 9. ભોજન શૃંગારપ્રકાશમાંથી આ ઉતારો અહીં આપ્યો છે તે ડૉ. વી. રાઘવને ભોજના શૃંગારપ્રકાશનો સાર આપીને કાવ્યશાસ્ત્રના અનેક વિષયોની ચર્ચા કરતો Shrngaraprakasa of Bhoja (કર્ણાટક પબ્લિસિંગ હાઉસ) નામે જે ગ્રન્થ પ્રસિદ્ધ કર્યો છે તેમાંથી (પૃ. 80) લીધો છે શૃંગારપ્રકાશ પોતે હજી છપાયો નથી. 10. વક્રોક્તિજીવિત પૃ. 140 11. શીઘ્રકવિનાં કાવ્યની પાછળ આવો મનોવ્યાપાર ન હોય એમ કદાચ ગણાય, પણ એક તો એમ કે આવો વ્યાપાર એવાં કાવ્યમાં ન હોય તેથી જ એમાં માત્ર શબ્દચમત્કૃતિ ઉપર આધાર રાખવો પડે છે અને બીજું એ કે આવાં શીઘ્રકાવ્યોમાં પણ સુન્દર કૃતિ કોઈવાર ઊપજી આવે છે તો એને માટે તો એમ જ સ્વીકારવું પડે કે આવાં કાવ્યના રચનારના મનમાં ઉપરનો વ્યાપાર થાય છે જ, માત્ર એની ગતિ અતિ શીઘ્ર અને શીઘ્રતર હોય છે અને એ વ્યાપાર સંપૂર્ણપણે અસંપ્રજ્ઞાત રહે છે. પણ આ વ્યાપારની પરિપક્વતા ઉપર જ કૃતિની પરિપક્વતાનો આધાર છે એમાં તો શંકા નથી જ. 12. આથી જ કવિને આપણામાં ‘સાક્ષાત્કૃતધર્મા’ કહ્યો છે. આજ અર્થના નીચેના શ્લોકો અહીં ઉલ્લેખ યોગ્ય છે. रसानुगुणशब्दार्थ चिन्तास्तिमित चेतस: क्षणं स्वरूपस्पर्सोत्था प्रज्ञेव प्रतिभा कवे:- सा हिचर्मर्भगवतस्तुतीयमिति चिगीयते येन साक्षात्करोत्येष भावास्त्रैकालयवतिर्न:।। (व्यक्तिविवेक) पृ. 108 (2સને અનુરૂપ શબ્દાર્થને શોધવામાં લીન થએલા કવિની સ્વરૂપસ્પર્શથી ઊઠેલી પ્રજ્ઞા તે જ પ્રતિભા છે. તે જ ભગવાનનું ત્રીજું ચક્ષુ છે એમ કહેવાય છે. આ ચક્ષુથી (ભગવાન) ત્રણે કાળમાં રહેતા ભાવોને પ્રત્યક્ષ કરી શકે છે) આને જ અરવિન્દ ઘોષ મંત્રકવિતા કહે છે. 13. આટલા માટે આ દૃષ્ટિને પ્રતિભા કહેવાનું મને યોગ્ય લાગતું નથી. ઉપર કહી શક્તિ તે પ્રતિભા છે અને એને પરિણામે આ દૃષ્ટિ સિદ્ધ થાય છે. શક્તિ અને પ્રતિભાને આપણામાં પર્યાય તરીકે વાપર્યા છે તે પણ આજ કારણે હશે. 14. આગળ પૃ. 12-15માં જે અનુભવવૈશિષ્ટ્ય અને લાવૈશિષ્ટ્યની વાત કરી છે તેની ખરી સમજૂતી અહીં આવી જાય છે.

[‘કાવ્યવિવેચન’, 1949]