ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રસમીમાંસાની પરિભાષા – જ્યોતીન્દ્ર દવે, 1901

From Ekatra Wiki
Jump to navigation Jump to search


15. Jyotindra dave.jpg ૧૪
જ્યોતીન્દ્ર દવે
(૨૧.૧૦.૧૯૦૧ – ૧૧.૯.૧૯૮૦)
રસમીમાંસાની પરિભાષા
 

આપણા સમસ્ત પ્રાચીન કાવ્યશાસ્ત્રની ચર્ચાવિચારણાનું મધ્યબિંદુ રસ છે. રસ એ શું છે, એની નિષ્પત્તિ શી રીતે થાય છે, એની સંક્રાન્તિ કેવી રીતે શક્ય બને છે એની ચર્ચા આપણા પ્રાચીન આલંકારિકોએ જેટલી કરી છે તેટલી ભાગ્યે જ બીજા કોઈ વિષયની કરી હશે. આ દૃશ્યમાન જગતની પાછળ રહેલા એક માત્ર સત્ય ને પરમતત્ત્વને શાસ્ત્રગ્રંથોએ અનેક રીતે ઓળખાવ્યું છે. તેમાં એક શ્રુતિવચન એવું છે કે रसौ वै सः એ પરમ તત્ત્વ તે રસ છે. આનંદઘન રસ એ જ પરબ્રહ્મ છે અને આ બીજો બધો પ્રપંચ તે કેવળ એનો લીલાવિસ્તાર છે. એ જ રીતે કાવ્યશાસ્ત્રોમાં પણ હ્લાદૈકમય-કેવળ આનંદસ્વરૂપ-એવા રસને જ પરમ તત્ત્વ માનવામાં આવ્યું છે. બીજું બધું આવે છે તે એના પરિપોષને અર્થે. સર્જક એની જ નિષ્પત્તિ કરે છે, અભિનેતાઓ એની જ અભિવ્યક્તિ કરે છે અને ભોક્તાઓ એનો જ આસ્વાદ કરે છે. આ રસશાસ્ત્રના આદ્યદૃષ્ટા ભરતમુનિ ગણાય છે અને એમનો રચેલો ‘નાટ્યશાસ્ત્ર’નો ગ્રંથ પ્રમાણભૂત લેખવામાં આવે છે. ‘વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે.’ એ ભરતના સૂત્ર ઉપર રસસિદ્ધાન્તની આખી ઇમારત ચણવામાં આવી છે. આપણા પ્રાચીન આલંકારિકોએ સ્વતંત્ર રીતે એ સિદ્ધાન્તની ચર્ચા કરી છે. પણ બહુધા એમણે ભરતમુનિના વચનને જ પ્રમાણ તરીકે સ્વીકારી લીધું છે. સ્થાયીભાવ, વિભાવ, અનુભાવ, સાત્ત્વિકભાવ અને રસ એનાં નામો ને સંખ્યા જે ભરતે ગણાવ્યાં છે તે જ બહુધા માન્ય રહ્યાં છે. જોકે કેટલાક આલંકારિકોએ પોતપોતાના મત પ્રમાણે એમાં ફેરફારો સૂચવ્યા છે ખરા. ભરતે ગણાવેલા આઠ રસો ને આઠ સ્થાયી ભાવોમાં પ્રથમ શાંત ઉમેરાઈ નવમા રસ તરીકે આવે છે. પાછળથી શાંત ઉપરાંત વાત્સલ્ય તથા ભક્તિ પણ રસ તરીકે આવે છે. ‘સરસ્વતીકંઠાભરણ’માં ભોજ ભરતે ગણાવેલા આઠ, અને નવમા શાંત ઉપરાંત બીજા પ્રેયાન્, ઉદાત્ત અને ઉદ્ધત નામના રસો પણ ગણાવે છે. આમ એ ભરતની આઠની સંખ્યાને બારની બનાવે છે, તો રાજા હરિપાલ એનાથી પણ આગળ જઈને પૂર્વપરિચિત નવ રસો ઉપરાંત બાહ્ય, વાત્સલ્ય, સંભોગ અને વિપ્રલંભ નામના નવીન રસો ઉમેરીને તેરની સંખ્યાએ પહોંચે છે. રસો વધે તેમ તેના સ્થાયી પણ વધે એ તો દેખીતું જ છે, પણ એક જ રસના જુદાજુદા આલંકારિકોએ જુદા જુદા સ્થાયી પણ ગણાવ્યા છે. શાંત રસનો સ્થાયી કોક શમને ગણાવે છે. તો બીજો સમ્યગ્જ્ઞાનને. ત્રીજો વળી નિર્વેદને ગણાવે છે. એકને મને સર્વચિત્તવૃત્તિપ્રશમ એ શાંતનો સ્થાયી છે, તો બીજો ઉત્સાહને એનો સ્થાયી માને છે. કેટલાકને મતે જુગુપ્સા તો અન્યને મતે રતિ એનો સ્થાયી બને છે. એક બાજુ આમ રસ અને સ્થાયીભાવોની સંખ્યા વધતી જતી જોવામાં આવે છે, તો બીજી તરફ બધા રસોનો સમન્વય, એમનું એકીકરણ અથવા અમુક એક જ રસમાં બીજા સર્વ રસોનો અંતર્ભાવ કરવાનો પ્રયત્ન પણ દેખાય છે. ‘કરુણ એ જ એક રસ છે, બીજા બધા એના વિવર્તો છે’ એ ભવભૂતિનું કવિચયન છે, પણ કેટલાક કાવ્યમીમાંસકોનું પણ એને સમર્થન મળ્યું છે. શાંત એ જ સાચો રસ છે. પરમ પુરુષાર્થ-મોક્ષ સાથે એને સંબંધ છે અને બધી જ મનોવૃત્તિઓના આધાર સમો આત્મા એનો સ્થાયી છે તેથી એ પ્રકૃતિ છે, અને રતિહાસ આદિ ભાવો એના વિકારો છે એમ અભિનવગુપ્તાદિ માને છે. તો ભોજ જેવા પ્રેમને અથવા શૃંગારને એ સ્થાન આપે છે. કવિ કર્ણપૂર પણ કહે છે કે પ્રેમરસમાં બધા જ રસો અંતર્ભાવ પામે છે. જેમ તરંગો સમુદ્રમાંથી ઊઠીને પાછા એમાં શમે છે, તેમ પ્રેમરસમાંથી જ બીજા રસો ઉદ્ભવે છે ને એમાં જ વિલીન થાય છે. ‘સાહિત્યદર્પણ’ના કર્તા વિશ્વનાથના પિતામહ નારાયણને સર્વત્ર અદ્ભુત રસનાં દર્શન થાય છે. એ કહે છે કે રસનો સાર તે ચમત્કાર અને એ ચમત્કારના સાર તરીકે સર્વત્ર અદ્ભુત દેખાય છે, અને અંતે જેમ આપણા બધા દર્શનશાસ્ત્રો અધ્યાત્મપંથે વળે છે તેમ આ રસશાસ્ત્ર પણ એ માર્ગે જ વળે છે. રસ એ રસ, એનું સ્વરૂપ એક અને અખંડિત છે. ભગ્નાવરણ ચિત્ત એ જ રસ છે, એમ જગન્નાથ કહે છે, તો બીજા એક ટીકાકાર ભટ્ટ નરસિંહ કહે છે, સ્થાયી આઠ જ છે એમ શા માટે માનવું? એનામાં જ સ્વાદાત્મકતા છે એમ જો કહેવામાં આવે તો એનો જવાબ એ છે કે એ બધાનો જે સ્વાદાત્મા તે કૂટસ્થ ને એક જ છે.’ કવિ કર્ણપૂર ગોસ્વામી વધારે વિસ્તારથી ને સ્પષ્ટતાથી એ જ વાત રજૂ કરે છે, રજોગુણને તમોગુણથી અલિપ્ત એવા વિશુદ્ધ સત્ત્વગુણસંપન્ન ચિત્તનો આસ્વાદકંદ નામનો કોક અપૂર્વને વિશિષ્ટ ધર્મ છે. એ જ સ્થાયી છે અને એ જ રસ છે. આનંદ એનો ધર્મ હોઈ એનું હંમેશ ‘ઐક્યધ્ય’ હોય છે, એમાં વિવિધતા સંભવતી નથી. રતિ આદિ ભાવો એ ઉપાધિઓ છે અને ઉપાધિભેદને લીધે જુદાપણું દેખાય છે. જે ભેદ છે તે ઉપાધિઓમાં છે. રસના આનંદસ્વરૂપમાં નહિ. ભરતે તેમ જ એની પછીના બધા કાવ્યમીમાંસકોએ મુખ્યત્વે સર્જકને નહિ, પણ ભક્તોને જ દૃષ્ટિમાં રાખીને બધી ચર્ચા કરી છે, અને તેમાંયે સાહિત્યના અન્ય પ્રકારો કરતાં નાટકને જ એમણે ખાસ લક્ષમાં રાખ્યું છે. લેખકે સર્જેલા પાત્રોના ભાવ આદિ નટોમાં શી રીતે સક્રાંત થાય છે ને નટો જે અભિનય કરે છે તે પરથી સામાજિક રસાસ્વાદ શી રીતે કરી શકે છે તેની ચર્ચા ખૂબ જ વિસ્તારથી અને બહુ જ ઝીણવટથી કરવામાં આવી છે. અલબત્ત, ભરતે લખ્યું છે નાટ્યનું શાસ્ત્ર, પરંતુ આપણું આખું રસશાસ્ત્ર એક રીતે જોતાં એ નાટ્યશાસ્ત્રના આધારે જ રચાયું છે. એટલે એમાં નાટ્ય સિવાયના ઇતર સાહિત્યપ્રકારો માટે અનાવશ્યક એવી ચર્ચા પણ સારા પ્રમાણમાં થયેલી જોવામાં આવે છે. આને લીધે રસના પ્રકાર તથા ભાવોનું વર્ગીક2ણ ઘણીવાર જેટલી તર્કશુદ્ધ દૃષ્ટિએ થવું જોઈએ તેવું થયેલું દેખાતું નથી. જુદાજુદા રસોના પ્રકાર એક જ ધોરણે કરવામાં નથી આવ્યા. એટલું જ નહિ કેટલીકવાર એક જ રસના પ્રકાર જુદા જુદા ધોરણે કરેલા જોવામાં આવે છે. શૃંગારના સંભોગ ને વિપ્રલંભ એવા બે પ્રકાર અવસ્થાવાચક છે, તે ઉપરાંત ‘સમવકાર’ નામના નાટ્યપ્રકારનું વર્ણન કરતાં ભરતે જુદા જ ધોરણે શૃંગારના ત્રણ પ્રકાર બીજા પણ ગણાવ્યા છે: ધર્મશૃંગાર, અર્થશૃંગાર ને કામશૃંગાર. ભોજે વળી ચાર પ્રકારનો શૃંગાર વર્ણવ્યો છે અને તેનો ચાર નાયકો સાથે સંબંધ ઘટાવ્યો છે. કરુણના પ્રકાર શાપ, મૃત્યુ આદિ કારણ અનુસાર પાડવામાં આવ્યા છે. હાસ્યના પ્રકાર સ્મિત, હસિત, ઉપહસિત, વિહસિત આદિ એ રસના ભોક્તાઓની ચેષ્ટા અથવા તો એ રસના સ્થૂળ સૂક્ષ્મ પ્રમાણના આધારે કરવામાં આવ્યા છે. વીરના દાનવીર, ધર્મવીર, યુદ્ધવીર એવા ભેદ દર્શાવ્યા છે. આ ઉપરાંત નાટકની દૃષ્ટિથી શૃંગાર, હાસ્ય ને રૌદ્રના વાચિક, નેપથ્ય ને ક્રિયા એવા પ્રકારો પણ વર્ણવ્યા છે. માતૃગુપ્તે બધા જ રસોના વાચિક રસ, નેપથ્ય રસ અને સ્વાભાવિક રસ એમ ભાગ પાડ્યા છે. કોને રસ ગણવા ને કોને રસાભાસ ગણવા એનો નિર્ણય પણ શાસ્ત્રશુદ્ધ દૃષ્ટિથી નહીં પણ સામાજિક નીતિભાવના અથવા તત્કાલીન કવિસમયને અવલંબીને કરવામાં આવ્યો હોય એમ લાગે છે. પશુપક્ષીની રતિ એ રસ નહીં, પણ રસાભાસમાં પરિણમે એમ કહેવામાં આવ્યું છે. તે માત્ર રતિપૂરતું નથી, પણ બધા ભાવ પરત્વે સાચું છે એમ માનીએ તો એ નિયમના ઘણા અપવાદ કરવા પડે. પશુપક્ષીના ભાવ અત્યંત સ્થૂળ સ્વરૂપના હોય છે અને તેથી એ રસોદ્દીપક ન બની શકે એમ કદાચ કહી શકાય. પરંતુ માનવેતર પ્રાણીના ભાવ વિભાવાદિ કેટલીયે વાર રસનાં કારણ બને છે, એ વિષે સંદેહ નથી. પોતાના પાલકનું મૃત્યુ થયા પછી એક જ સ્થળે ભૂખ્યા-તરસ્યા બેસી રહી પ્રાણત્યાગ કરનાર, સ્વામી પ્રત્યે અદ્ભુત ભક્તિ દાખવનાર શ્વાન વિષેનું કાવ્ય, જેક લંડનની White Fang નામની શ્વાન વિષયક નવલકથા, શ્રી ચુનીલાલ મડિયાની વાર્તા – ‘કમાઉ દીકરો’ એ સૌને, ઉપર્યુક્ત રસાભાસનો નિયમ નિરપવાદ માન્ય રાખીએ તો, સાહિત્યના પ્રદેશમાંથી દેશવટો દેવો પડે. આપણી ભાષામાં સ્વ. રમણભાઈ નીલકંઠ, સ્વ. રામનારાયણ પાઠક, પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, પ્રા. ડોલરરાય માંકડ, શ્રી રામપ્રસાદ બક્ષી આદિના અપવાદો બાદ કરતાં આ રસસિદ્ધાંતની સ્વતંત્ર દૃષ્ટિએ ચર્ચા બહુ જ ઓછી થયેલી જોવામાં આવે છે. મરાઠી તેમજ બંગાળીમાં એવી ચર્ચા સારા પ્રમાણમાં થયેલી છે. ઉપરાંત કેટલાક અન્યત્ર વિદ્વાનોએ રસ અને અલંકાર વિષે ઊંડો અભ્યાસ કરીને એમના અભ્યાસના ફલ સમા ગ્રંથો તથા લેખો અંગ્રેજીમાં પણ લખ્યા છે. પ્રસ્તુત પુસ્તકના લેખકે લખ્યું છે કે આપણા પ્રાચીન આલંકારિકો “એમના સમયમાં આધુનિક માનસશાસ્ત્રસંમત પરીક્ષણ પદ્ધતિની મદદથી માનવચિત્તની વિભિન્ન મનોવૃત્તિઓનું સૂક્ષ્મ પરિમાપ, એની ગતિ અને સ્વરૂપ નક્કી કરી શક્યા નહોતા. દુર્ગમ રસતત્ત્વની ગવેષણાના ક્ષુરધાર પંથે એમનું એકમાત્ર આલંબન હતું: આત્મસમીક્ષણશક્તિની તીક્ષ્ણતા. એના ઉપર જ બધો આધાર રાખીને એઓ આગળ વધ્યા હતા. એમની આ પ્રાચીન રીતિની સાથે આધુનિક માનસશાસ્ત્રની શોધો અને ગવેષણાપદ્ધતિનો સંયોગ સાધી શકાય તો રસતત્ત્વની એક આધુનિક રુચિસંગત વૈજ્ઞાનિક ભૂમિકા રચવાનું શક્ય બની રહે.” આવા, માનસશાસ્ત્રની દૃષ્ટિએ, આપણા પ્રાચીન આલંકારિકોએ કરેલી રસમીમાંસાની સમીક્ષા કરવાના, કેટલાક પ્રયત્નો થયા છે. મરાઠીમાં પ્રા. દ. કે. કેળકર, પ્રા. રા. શ્રી જોગ, પ્રા. કૃ. પાં. કુલકર્ણી, ડૉ. વાવે, ડૉ. રા. શં. વાળિંબે આદિએ આવા પ્રયત્ન કર્યા છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના ડૉ. રાકેશ ગુપ્તાએ તો એ પર આખો ગ્રંથ અંગ્રેજીમાં લખીને તલસ્પર્શી મીમાંસા કરી છે. આમ છતાં, આધુનિક માનસશાસ્ત્રના સંદર્ભમાં આપણા પ્રાચીન આલંકારિકોએ રસ, ભાવ આદિની જે ચર્ચા કરી છે તેને સંતોષકારક રીતે ઘટાવવી એ બહુ મુશ્કેલ લાગે છે. sensation, perception, impulse, feeling, emotion, sentiment આદિ શબ્દો અમુક અર્થમાં જ વપરાય છે. એ બધાનો એકબીજાથી વ્યવચ્છેદ કરી શકાય એ રીતે એમની વ્યાખ્યા કરવામાં આવી છે. આપણે ત્યાં રસશાસ્ત્રના ગ્રંથોનાં પણ સંવેદન, સંવિદ્, વાસના ચિદ્વૃત્તિ આવેગ, ભાવ, સ્થાયી ભાવ, સંચારી ભાવ, ભાવના, રસ અને ગુજરાતી શબ્દ ઉમેરીએ તો, લાગણી આદિ શબ્દો છે પરંતુ તે સર્વ શાસ્ત્રગ્રંથોમાં પણ, અમુક એક જ અર્થમાં વપરાયા છે એમ નથી. એટલે પાશ્ચાત્ય માનસશાસ્ત્રમાં અમુક અર્થો બતાવવા માટે વપરાતા શબ્દનો પર્યાય સંસ્કૃત કે ગુજરાતીમાંથી શોધવો એ બહુ કઠિન બની જાય છે. Feeling, emotion અને sentiment આ ત્રણ શબ્દો રસશાસ્ત્રના વિષયમાં ઉપયોગમાં લઈ શકાય એવા છે. Feeling શબ્દ બહુ વિશાળ અને વ્યાપક અર્થમાં વપરાય છે. આપણે એને માટે લાગણી શબ્દનો પ્રયોગ કરી શકીએ. કોઈપણ પ્રકારના માનસિક અનુભવને દર્શાવવા માટે એ શબ્દ પ્રયોજી શકાય એમ ડૉ. રાકેશ ગુપ્તા કહે છે અને ભાષામાં આ રીતે એના પ્રયોગ થાય જ છે એમ એ પોતાના મંતવ્યના સમર્થનમાં જણાવે છે. પ્રો. જેમ્સ તો લાગણીમાં સંવેદન (sensation) અને વિચાર (thought)નો પણ સમાવેશ કરતા હોય તેમ લાગે છે. અંગ્રેજીમાં I feel thoughtની જેમ, ગુજરાતીમાં ‘મને એક વિચાર લાગે છે’ એમ કહી ન શકાય એ સાચું, પરંતુ I feel that – મને લાગે છે કે’ એમ વાક્યરચના કરી પછી એ વિચાર કયા પ્રકારનો છે તે દર્શાવવામાં કોઈ પ્રકારનો વાંધો આવતો નથી. I feel that he is mad (મને લાગે છે કે એ ગાંડો છે) એવી વાક્યરચના અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં કેવળ સ્વાભાવિક લાગે છે. Emotion એટલે ‘ભાવ’ એ માનસિક લાગણી ઉપરાંત થતી શારીરિક વિક્રિયા પણ દર્શાવે છે. કોઈપણ વસ્તુ, પ્રસંગ કે વ્યક્તિને કારણે અંત:ક્ષોભ થતાં જે લાગણી ઉદ્દીપ્ત થાય છે તે અને એ લાગણીને પરિણામે થતા શારીરિક ફેરફાર એ બંનેનો એમાં સમાવેશ થાય છે. લાગણીમાં કેવળ માનસિક અનુભવ હોય છે. ભાવમાં એ મનોવ્યાપાર ઉપરાંત શારીરિક પરિણામ પણ આવે છે. ભાવ એટલે લાગણીની ઉત્તેજના એ રીતે એનો અનુભવ કરનારને એનું ભાન થાય છે. ઉપરાંત શરીરવિક્રિયા – એ રીતે એના જોનારને એનું ભાન થાય છે. અમુક પદાર્થને કેન્દ્રમાં રાખીને તેની આસપાસ ભાવોનું જે વ્યવસ્થિત તંત્ર રચાય છે તેનું નામ sentiment એવી વ્યાખ્યા મેકડૂગલે આપી છે. કોઈક વ્યક્તિ, વિચાર, પ્રસંગ કે આદર્શ પ્રત્યે આપણે સુખદ અથવા દુ:ખદ લાગણીઓ ધરાવીએ છીએ. એની આસપાસ અનેક પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે. સમય જતાં એ વિષે વણેલા ભાવો વધુ ઘટ ને સુસંગત થઈ દૃઢ થતા જાય છે. આ રીતે સંકળાયેલા ભાવો અન્યોન્ય સાથે જટિલ સ્વરૂપે વણાઈ જાય છે. ભાવોનો આ પ્રકારનો સુશ્લિષ્ટ વણાટ, એનું વ્યવસ્થિત બંધારણ એનું નામ sentiment. Sentiment માટે આપણી ભાષામાં કોઈ વિશિષ્ટ શબ્દ નથી પણ એ માટે ભાવના શબ્દનો પ્રયોગ કેટલીકવાર કરવામાં આવે છે. ભાવ અને ભાવના (emotion and sentiment) વચ્ચેનો ભેદ ધ્યાનમાં રાખવા જેવો છે. અમુક વિષયના સાન્નિધ્યમાં (અથવા કોઈક વાર એની ગેરહાજરીમાં પણ) ઉદ્દીપ્ત થયેલા વિચારને કારણે ઉત્પન્ન થતો માનસિક તેમ જ શારીરિક વિકાર એટલે ભાવ એનો અનુભવ તત્કાળ પૂરતો જ હોય છે. પરંતુ અમુક વિષય પ્રત્યેનું આખા ચિત્તનું વલણ તે ભાવના, એ ભાવ કરતાં વધુ ચિરસ્થાયી હોય છે. લાગણી એ ક્ષણિક મનોવ્યાપાર છે, ભાવ એ ક્ષણિક મનોવ્યાપાર તથા શરીરવ્યાપાર બને છે, પરંતુ ભાવના એ તો સમસ્ત મનના ઘડતરના એક અંગરૂપ છે. એ મનુષ્યના ચારિત્ર્યનો, એના સ્વભાવનો ઘટક અંશ બની જાય છે. ભાવ અને ભાવના વચ્ચેનો ફરક એ કોઈક બાળા દોરી કૂદે અને અનેક બાળા ભેગી મળીને ગરબો ગાતાં ગોફ ગૂંથે તેના જેવો છે. એક જ દોરડી વડે કોઈક બાળા કૂદતી હોય તેને ભાવ સાથે સરખાવી શકાય, અને અનેક બાળાઓ ભેગી મળી જુદા જુદા રંગવાળી અનેક દોરીઓ હાથમાં લઈ ગરબો ગાતી જાય, ફરતી જાય અને તે સાથે એ વિભિન્ન રંગવાળી દોરીઓ એકબીજા સાથે વણાતી જાય અને અંતે એ વણાયેલી દોરીઓની એક સુશ્લિષ્ટ આકૃતિ બની રહે તેને ભાવના સાથે સરખાવી શકાય. રતિ, ભક્તિ, પ્રેમ એ ભાવ છે; દેશપ્રેમ કે દેશભક્તિ એ ભાવના છે. દેશ પ્રત્યેની આસક્તિ કે મમતાની સાથે બીજા અનેક ભાવો ગૂંથાઈ વણાઈને દેશભક્તિની ભાવના સુશ્લિષ્ટ આકાર ધારણ કરે છે. લાગણી, ભાવ, ભાવના આદિ વિષે પાશ્ચાત્ય માનસશાસ્ત્રીઓમાં પણ મતભેદ છે, પણ એ સાથે આપણે સંબંધ નથી. એ ભાવ, ભાવના વગેરે વચ્ચે જે મુખ્ય ભેદ છે તે જ જાણવો આપણે માટે બસ છે. હવે આપણા રસમીમાંસકોએ જે વિભાવ, અનુભાવ, ભાવ આદિ ગણાવ્યા છે તેનો આ દૃષ્ટિએ વિચાર કરવો જોઈએ. વિભાવ અને અનુભાવ વિષે કઈ મુશ્કેલી પડે એમ નથી. વિભાવ બે પ્રકારના ગણાવ્યા છે: આલંબન ને ઉદ્દીપન. આલંબન વિભાવ એટલે જેના પ્રત્યે નાયક નાયિકા આદિ ભાવ અનુભવે તે વ્યક્તિ, ભાવ માટેનું પાત્ર-આશ્રયસ્થાન. દાખલા તરીકે શકુન્તલા દુષ્યન્ત માટે અને દુષ્યન્ત શકુન્તલા માટેના આલંબન વિભાવ ગણાય. ઉદ્દીપન વિભાવ એટલે જેને લીધે, જેનાં દર્શન શ્રવણ આદિથી અંતરમાં જાગેલા ભાવ ઉદ્દીપ્ત થાય તે બાહ્ય કારણો. દાખલા તરીકે શકુન્તલા માટેની દુષ્યન્તની રતિ ચન્દ્રદર્શનથી અથવા તો કોકિલના ગાનના શ્રવણથી વધારે પ્રદીપ્ત થાય છે એમ કવિએ દર્શાવ્યું હોય ત્યાં ચન્દ્ર તથા કોકિલ ઉદ્દીપન વિભાવ બને છે. વિભાવ એટલે કારણ. કારણ, નિમિત્ત, હેતુ એ એના પર્યાયો છે એમ ભરતે કહ્યું છે. પરંતુ કારણ હોય ત્યાં કાર્ય થવું જ જોઈએ એવો સામાન્ય નિયમ આમાં લાગુ પાડી શકાય નહિ. ઘડાનું માટી ઉપાદાન – કારણ અને કુંભાર નિમિત્તકારણ છે એવા અર્થમાં વિભાવ ભાવનું કારણ બની શકતું નથી. માટી એ તો ઘડાનું મૂલતત્ત્વ જ છે. ઘડો એ માત્ર એનો આકૃતિવિશેષ છે. કુંભાર ઘડાની તત્ત્વભૂત, એના કાચા માલ સમી માટીને વિશિષ્ટ આકાર આપનાર વ્યક્તિ છે. માટી વગર ઘડો બની જ શકતો નથી, એટલું જ નહિ એ માટી મટી પણ નથી શકતો. કુંભાર માટીને હાથમાં લઈ અમુક સાધન દ્વારા એને આકાર ન આપે ત્યાં સુધી એ ઘડો થઈ શકતો નથી. પણ માટીના અભાવે ઘડો રહી શકતો નથી, પરંતુ કુંભારના અભાવથી એના અસ્તિત્વને કશો વાંધો આવતો નથી. આ રીતે જોતાં, વિભાવને ભાવના ઉપાદાન કે નિમિત્તકારણ તરીકે ગણાવી શકાય નહિ. વિભાવના પૂર્વે જ ભાવ તો ઉત્પન્ન થયેલો હોય છે. વિભાવ એને, અગ્નિને પવન કરે તેમ, માત્ર પ્રજ્વલિત કરે છે. અને આપણે excitant cause અથવા stimulant કહી શકીએ. એ ભાવને ઉત્પન્ન કરતું નથી. ફક્ત ઉત્પન્ન થયેલા ભાવને વધુ ઉશ્કેરે છે, એટલું જ નહિ, જ્યાં ભાવસંચલન થયું જ ન હોય ત્યાં એ કંઈ પણ કરી શકતું નથી. ઉપરાંત, એકનો વિભાવ અન્યનો વિભાવ ન બની શકે, કોઈ વાર એક જ વિભાવ બે જુદી જુદી વ્યક્તિના સંબંધમાં એકબીજાથી વિરુદ્ધ એવું પરિણામ પણ આણે. દાખલા તરીકે પંખો નાખવાથી ઠંડો પડેલો અગ્નિ પ્રદીપ્ત થાય, પણ તપેલો માણસ ઠંડો થાય. ચન્દ્રદર્શને નાયકનો નાયિકા માટેનો પ્રણય વધુ સતેજ થાય, પણ એના મિત્ર વિદૂષકને કંઈ ન થાય. ‘વિક્રમોર્વશીય’માં પુરુરવાને ચન્દ્ર જોઈને ઉર્વશી યાદ આવે છે, પણ એના મિત્ર વિદૂષકને લાડુ યાદ આવે છે. પુરુરવા એને ટોણો મારતાં કહે છે, કે ખાઉધરાને હંમેશાં ખાવાની વસ્તુ જ યાદ આવે. વિદૂષક જરા વધારે હોશિયાર હોત તો સામો જવાબ આપી શકતો કે સ્ત્રીભક્તને હંમેશાં સ્ત્રીના જ વિચાર આવે. આમ વિભાવ એ ભાવોદ્દીપનનું બાહ્ય કારણ છે. છતાં એનું સાચું કારણ તો પાત્રના પોતાનામાં જ રહેલું છે. અને આથી કેટલીક વાર કોઈ બાહ્ય કારણ ન હોવા છતાં કેવળ સ્મૃતિ કે પુન: પ્રત્યય દ્વારા પણ ભાવનું ઉદ્દીપન થાય છે. કેટલીક વાર આપણા આલંકારિકોએ ન ગણાવેલા અને કવિએ પોતે ન વર્ણવેલાં એવાં કેટલાંક કારણો પણ ઉદ્દીપનવિભાવ બની શકે છે. મધુર કંઠથી ગવાયેલી કવિતા વિશાળ સમુદાયની હાજરીમાં સાંભળતી વેળા જેટલી સરસ લાગે છે, તેટલી એકલા વાંચતી વેળા લાગતી નથી. મુશાયરા ને કવિસંમેલનોના હાવભાવ ને છટાપૂર્વક વાંચવામાં આવતાં બહુ જ સામાન્ય કક્ષાનાં કાવ્યોને, એના કરતાં ઘણાં ઉત્તમ પણ નીરસ રીતે વંચાતાં કાવ્યો કરતાં સભાજનો ઘણી વધારે દાદ આપે છે. પ્રસંગ અને વાતાવરણ પણ ઘણી વાર ઉદ્દીપક વિભાવ જેવા બની શકે છે. અમુક ફિલ્મમાં આવતાં ગીતો મને એ ફિલ્મ જોતી વેળા બહુ રોચક લાગ્યાં હતાં; પાછળથી રેકોર્ડ પર એ જ ગીતો સાંભળવામાં આવ્યાં ત્યારે મને એમાં કંઈ દમ ન લાગ્યો. સામાજિકોનો પ્રતિભાવ (response) પણ, નાટક ભજવનાર અભિનેતા, પોતાનાં કાવ્ય વાંચી સંભળાવનાર કવિ કે ભાષણ કરતા વક્તાને માટે ઉદ્દીપન વિભાવ જેવો બની શકે છે. શ્રોતાઓ તરફથી બરાબર દાદ મળે તો એઓ ખીલે છે, શ્રોતાઓ કંઈ પણ દાદ આપ્યા વિના પરાણે સાંભળવું પડતું હોય એવા ભાવથી બેસી રહે તો એ શિથિલ બની જાય છે. પાત્રો જે ભાવનો અનુભવ કરતા હોય છે તેનું ગ્રહણ સામાજિકો એ ભાવની જે અસર એમના પર થઈ હોય છે, અથવા થઈ છે એમ એ અભિનય દ્વારા દર્શાવે છે તે પરથી કરી શકે છે. અનુભાવ એટલે જે લક્ષણો કે ચિહ્નો દ્વારા ભાવની અભિવ્યક્તિ થાય છે તે શારીરિક હાવભાવ, ચેષ્ટા વગેરે. નાટકમાં આ અનુભાવનું ઘણું મહત્ત્વ છે. પાત્રના મનમાં શું ચાલી રહ્યું છે તેની સમજણ એનાથી જ પડી શકે છે. રોગ શો થયો છે તે વૈદ્ય એનાં ચિહ્નો - symptoms પરથી પારખી શકે છે, તેમ આ અનુભાવ પણ એક રીતે મનોભાવનાં શારીરિક ચિહ્નો છે. ભાવ એ પ્રત્યક્ષ રીતે ઇન્દ્રિયગમ્ય બનતો નથી, પણ એ સૂચક ચિહ્નો વડે અનુમેય બને છે. મને ક્રોધ થયો છે એમ કોઈ કહે અને એ મોટો અવાજ ન કાઢે, એનું મોઢું ને આંખ લાલ ન થઈ જાય, એનો શ્વાસોચ્છ્વાસ જોરમાં ન ચાલવા માંડે, એ આવું કંઈ જ ન કરે તો આપણે એને ક્રોધ થયો છે એમ કદાપિ ન માનીએ. એથી ઊલટું કોઈ મોટે અવાજે ઘાંટો પાડે. આંખો કાઢે, એના મુખ પર રતાશ તરી આવે ને છતાં કહે કે હું કંઈ ખીજવાયો નથી તો આપણે એ કબૂલ ન જ કરીએ. આ અનુભાવની સાથે સાથે ભરતે વર્ણવેલા અને એની પછીના બધા આલંકારિકોએ માન્ય રાખેલા સાત્ત્વિક ભાવ યાદ કરવા જેવા છે. એ આઠ છે: સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, વૈવર્ણ્ય, વેપથુ, અશ્રુ અને પ્રલય. આને અનુભાવ ન કહેતાં ભાવ શા માટે કહ્યા છે તે સમજવું મુશ્કેલ છે. ખરી રીતે જોતાં એ આઠમાંનો એક પણ ભાવ નથી, પણ ભાવને કારણે ઉત્પન્ન થતી શારીરિક વિક્રિયા છે. આનો ખુલાસો એમ કરવામાં આવ્યો છે કે બીજા બધા અનુભાવો તે તે ભાવનો ખરેખર અનુભવ કર્યા વગર પણ નટ દાખવી શકે. પરંતુ આ સાત્ત્વિક ભાવ માટે તો એને પાત્રગત ભાવ સાથે તલ્લીન થવું જ પડે. દાખલા તરીકે નટના મનમાં શોકનો ભાવ જાગૃત ન થાય તો એને આંસુ આવી ન શકે, શોકનાં ઇતર ચિહ્નો એ મનથી ખરેખર દુ:ખી થયા વિના દર્શાવી શકે. ભરતે સત્ત્વ એ મનોવિકાર છે, અને તે મનની સમાહિત સ્થિતિમાંથી અર્થાત્ નટના મનની પાત્રગત ભાવની સાથે તદાકાર સ્થિતિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે તે આટલા માટે જ. બધા અનુભાવ નટ ધારે ત્યારે દર્શાવી શકે છે, એ એને અધીન છે. પણ સાત્ત્વિક ભાવ પાત્રગત ભાવ સાથે તન્મયતા સધાતાં આપોઆપ પ્રગટ થાય છે. અર્થાત્ બીજા અનુભવ Voluntary reactions (નટને અધીન) છે સાત્ત્વિક ભાવ unvoluntary reactions (નટને અધીન રહીને નહિ પણ સ્વયમેવ ઉત્પન્ન થનારા) છે. સ્વરભંગ, વેપથુ અને અશ્રુ પણ કુશળ નટનટી પૂર્ણ રીતે પાત્રગત ભાવ સાથે તન્મય થયા વિના દર્શાવી શકે છે અને બીજી રીતે જોતાં બીજા અનુભાવો માટે પણ નટને પાત્રગત ભાવને કંઈક અંશે પોતાનો બનાવવો પડે છે. એમ છતાં, ઉપર્યુક્ત ખુલાસાને સાચો માનીએ તોપણ, એ પ્રશ્ન તો બાકી રહે જ છે કે એ આઠને બીજા અનુભવોથી જુદા દર્શાવવા હતા તો સાત્ત્વિક અનુભાવ કહેવા હતા, પણ એને ભાવ તરીકે શા માટે ગણાવ્યા છે? ભરતે આઠ સ્થાયી ભાવો ને તેતરીસ વ્યભિચારી અથવા સંચારી ભાવો ગણાવ્યા છે. એ રતિ, શોક હાસ આદિ આઠે સ્થાયી ભાવોને emotion તરીકે ગણવામાં વાંધો નથી. પણ જે તેતરીસ વ્યભિચારી ભાવો એણે ગણાવ્યા છે તેને કોઈ એક વર્ગમાં મૂકી શકાય એમ નથી. એમાં ગ્લાનિ, મદ, દૈન્ય, વિવાદ, તર્ક, મતિ, વ્યાધિ, અપસ્માર, ઉન્માદ, મરણ, શંકા, ત્રાસ, ગર્વ, વ્રીડા, અસૂયા, સ્મૃતિ, નિર્વેદ, ચિંતા આદિમાં કેટલાક શંકા, ગર્વ, ત્રાસ, વિષાદ, હર્ષ, નિર્વેદ, ચિંતા, વ્રીડા જેવા ભાવો પ્રાથમિક તેમજ સંમિશ્ર ભાવો છે. તો ચપલતા આવેગ જેવા ભાવની તીવ્રતા દર્શાવનાર impulses આવેગો પણ છે. માનસિક જ્ઞાનાવસ્થાનાં સૂચક મતિ, તર્ક અને સ્મૃતિને તેમ જ શારીરિક અવસ્થાનાં સૂચક શ્રમ, આલસ્ય, જડતા, નિદ્રા, ઉન્માદ, મરણ, વ્યાધિ આદિને પણ વ્યભિચારી ભાવોમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. રસશાસ્ત્ર એ કંઈ માનસશાસ્ત્રનો ગ્રંથ નથી. માનસશાસ્ત્રના ધોરણે બધાનું વર્ગીકરણ થઈ શકે એવું જ એમાં આવવું જોઈએ એવો નિયમ કરી શકાય નહિ. ભરતે ભાવની અંદર રસનિષ્પત્તિ અને રસાસ્વાદના ગ્રહણ માટેની બધી જ સામગ્રી સમાવી દીધી છે. જે કોઈ પણ રસની નિષ્પત્તિમાં કે રસના નિવેદનમાં ઉપકારક થઈ શકે એવી બધી જ વસ્તુઓ માનસિક ભાવો, શારીરિક વિકારો, મનોધર્મો આદિ સર્વનો એણે ભાવમાં સમાવેશ કર્યો છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ એ સર્વનો જુદા જુદા વર્ગમાં સમાવેશ કરી શકાય, પરંતુ એવા કોઈ કારણે ભરતે કે ત્યાર પછીના કોઈ આલંકારિકે એના જુદા વર્ગો પાડી જુદું નામકરણ કર્યું નથી. પરંતુ આ સર્વના કલશસ્થાને વિરાજતો રસ એને ક્યાં ને કેમ ઘટાવવો એ બહુ કપરું છે. સ્થાયી ભાવ અને માત્ર સ્થાયી ભાવ જ રસ બની શકે છે. વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ આદિથી પરિપોષ પામેલા સ્થાયી તે જ રસ એમ પણ કહ્યું છે. એટલે પરિપૂર્ણ સ્થિતિએ પહોંચેલાં સ્થાયી તે જ રસ એમ જો માનીએ તો રસનિષ્પત્તિ પાત્ર કે પાત્રની ભૂમિકા ભજવનાર નટમાં થાય છે એમ માનવું પડે. કારણ કે રતિ આદિ સ્થાયી ભાવનું સંચલન પાત્રમાં કે નટમાં થાય છે, સામાજિકમાં નહિ કદાચ પાત્ર કે નટના ભાવના અનુમાનને કારણે તત્સદૃશ ભાવ સામાજિકના ચિત્તમાં પણ ઉત્પન્ન થાય છે એમ માનીએ તોપણ એ સ્થાયી ભાવ વિભાવ ને અનુભાવથી પરિપુષ્ટ તો નથી જ થતો. એટલે એ રસરૂપ પામી શકે નહીં. રસ એ કયો પદાર્થ છે એવો પ્રશ્ન કરી ભરતે જવાબ આપ્યો છે: આસ્વાદ્યત્વને કારણે આસ્વાદ કરી શકાય છે માટે – એ રસ છે. રસ એ આસ્વાદ્ય હોય તો રસનો આસ્વાદ પાત્ર કે નટ કરતા નથી, એ આસ્વાદ તો સામાજિકો જ કરે છે. અને પાત્ર કે નટનો સ્થાયી ભાવ તે જ હમેશાં સામાજિકનો સ્થાયી હોતો નથી. દાખલા તરીકે વિદૂષકની ચેષ્ટાઓ તથા ઉક્તિઓ વડે સામાજિકો હાસ્યનો અનુભવ કરે છે ત્યારે એમનો સ્થાયી ભાવ હાસ છે એમ કહી શકાય, પણ વિદૂષકનો કે વિચિત્ર પરિસ્થિતિમાં આવી પડનારને એ રીતે સામાજિકના હાસ્યનું આલંબન બનનાર પાત્ર કે નટમાં હાસનો સ્થાયી ભાવ ઉત્પન્ન થતો નથી. એ તો દૈન્ય, ભય, મૂર્ખતા આદિની ચેષ્ટા કરતો હોય છે. એ જ પ્રમાણે રૌદ્ર કે વી2 દાખવનારાં પાત્રો ક્રોધ કે ઉત્સાહના સ્થાયી ભાવનું દર્શન કરાવતાં હોય છે ત્યારે સામાજિકોમાં પણ ક્રોધ કે ઉત્સાહનો જ સંચાર થાય છે એમ માનવું મુશ્કેલ લાગે છે. સામાજિકોનું ‘તન્મયીભવન’ અમુક અંશે જરૂર થાય છે – પણ તે પ્રત્યેક પાત્ર સાથે નહિ, લેખકની રચેલી સૃષ્ટિ સાથે, તેમ જ સ્વભાવ તેમ જ પરિસ્થિતિને કારણે પ્રધાનભાવ પામતાં પાત્રો સાથે. બીજી રીતે જોતાં, જે જે પાત્ર જે જે સ્થાયી ભાવ દર્શાવે તે તે ભાવનો અનુભવ સામાજિકોને થાય છે એમ માનીએ તો સાધુ ને ખલ પાત્ર પરત્વે સામાજિકો જે ભિન્ન ભિન્ન પ્રકારનો પ્રતિભાવ દાખવે છે તે શક્ય ન બને. સીતા પ્રત્યે રતિભાવ દાખવનાર રામ પ્રત્યે સહભાવ ને સહાનુભૂતિની વૃત્તિ સામાજિકોને રહે છે, પરંતુ એવો જ ભાવ સીતા પ્રત્યે દાખવનાર રાવણ પ્રત્યે એમને તિરસ્કારનો ભાવ થાય છે. એક પાત્રના સુખે સુખી ને એના દુ:ખે દુ:ખી થતા સામાજિકો બીજા પાત્રના સુખમાં તિરસ્કાર ને દુ:ખમાં સંતોષ કે આનંદ માનતાં હોય છે. એટલે સામાજિકોના ચિત્તમાં તે તે પાત્રના તે તે ભાવો અથવા તો તત્સદૃશ ભાવો પણ હંમેશાં ઉત્પન્ન થતા નથી. અભિનવગુપ્તે સહૃદયને માટે ‘તન્મયીભવન’ તે તે પાત્ર સાથે અથવા તેના ભાવ સાથે તલ્લીન થઈ રહેવું તેને અત્યંત આવશ્યક ગણાવ્યું છે પરંતુ સામાજિકો પાત્રાદિ સાથે અમુક અંશે તાદાત્મ્ય સાધે છે, અંશત: ‘આત્મસમર્પણ’ કરે છે, છતાં સાચી રીતે જોતાં એ ભાવનું સંપૂર્ણ તાદાત્મ્ય હોતું નથી. સામ્ય ઘણી વાર હોય છે ખરું. હંમેશ હોય છે એમનામાં interest- રસ, પરિચિતો પ્રત્યે હોય છે તેવા પ્રકારની મમતાબુદ્ધિ. એ પાત્રો માટે એમનાં વર્તનને કારણે સામાજિકોના મનમાં રાગદ્વેષની ભાવના પણ બંધાય છે અને એ એકવાર બંધાઈ ગયા પછી એમનો એ પાત્રો પ્રત્યેનો ભાવ રાગદ્વેષ દ્વારા વ્યક્ત પણ થાય છે. કેટલીક વાર પ્રિય પાત્ર રંગભૂમિ પર આવતાં સામાજિકો ઊમળકાપૂર્વક તેને વધાવી લે છે અને અપ્રિય ખલ પાત્ર પ્રવેશ કરે છે ત્યારે એની સામે તિરસ્કારના અવાજો કરે છે. આ સિવાય જિજ્ઞાસા, કુતૂહલનો કે ઉત્કંઠાનો ભાવ તો એમના મનમાં સતત જાગૃત રહેતો જ હોય છે. હવે શું થશે, અમુક કાર્ય થશે કે નહિ તે વિષેની આતુર ભાવે એઓ પ્રતીક્ષા કરતાં જ રહે છે. આ બધા ભાવો ઉપરાંત કાવ્યશાસ્ત્રના જ્ઞાતા રસિક સામાજિકોનાં મનમાં વિવેચનાત્મક બૌદ્ધિક વ્યાપાર પણ ચાલતો હોય છે. કવિની રચના કેવી છે, અભિનેતાઓનો અભિનય યોગ્ય છે કે નહીં આદિનો વિચાર પણ કૃતિના ઉપભોગની સાથે સાથે જ એમના મનમાં ચાલતો હોય છે. એટલે સહૃદય, વિવેકી સામાજિકો એક સાથે જ ભાવક ને વિવેચક બંને બનતા હોય છે. ડૉ. રાકેશ ગુપ્તાએ રસાસ્વાદ સમયે અનુભવાતી છ પ્રકારની લાગણીઓ ગણાવી છે: Sympathetic (સહભાવની લાગણીઓ), Antipathetic feelings (વિરોધ ભાવની લાગણીઓ), Recollectional or Reminiscential feelings (પુન: પ્રત્યયાત્મક અથવા સંસ્મરણાત્મક લાગણીઓ), feelings pertaining to curiosity (કુતૂહલ કે જિજ્ઞાસા સાથે જોડાયેલી લાગણીઓ), Refelectional feelings (ચિંતાનાત્મક લાગણીઓ) અને critical feelings (વિવેચનાત્મક લાગણીઓ). સ્થાયી ભાવ અને રસ એક જ છે કે ભિન્ન? એ એક જ હોય એમ ઘણાખરા આલંકારિકો ને અર્વાચીન પંડિતો પણ માનતા હોય એમ જણાય છે. પરિપોષ પામેલો સ્થાયી ભાવ એ જ રસ છે એ મંતવ્ય મોટા ભાગના પંડિતોનું છે. તો પછી સ્થાયી ભાવરતિ અને એનો રસ તે શૃંગાર. સ્થાયી ભાવ ઉત્સાહ અને એનો રસ તે વીર, સ્થાયી ભાવ હાસ અને એનો રસ તે હાસ્ય, સ્થાયી ભાવ શોક અને એનો રસ તે કરુણ, સ્થાયી ભાવ ક્રોધ અને એનો રસ તે રૌદ્ર એમ સ્થાયી ભાવ સુષુપ્ત દશામાં અણખીલ્યા પડ્યા હોય છે તે વિભાવ, અનુભાવ, વ્યભિચાર ભાવ આદિના બળે પરિપોષ પામી પૂર્ણરૂપે ખીલે છે ત્યારે રસ કહેવાય છે. પરંતુ ગુલાબની અણખીલેલી કળી ખીલીને પ્રફુલ્લ થઈ ગુલાબનું ફૂલ બને છે ત્યારે તેનું નામ આપણે બદલી નાખતા નથી. અથવા તો સ્થાપી રસ બને છે તે દૂધમાંથી દહીં બને છે તેવો પરિણામી વિકાર નથી? રસ એ આસ્વાદ્ય છે અને ભોક્તા, – પાત્ર, નટ કે લેખક નહિ, પણ ભોક્તા જ – એનું આસ્વાદન કરે છે એમ આપણે માનીએ તો ભોક્તાના એ રસાનુભવ ને પાત્ર અથવા નટના સ્થાયી ભાવના અનુભવમાં બહુ મહત્ત્વનો ફરક રહ્યો છે. કાવ્યગત પાત્રો કે નટોના ભાવ હંમેશાં ક્રિયા દ્વારા વ્યક્ત થાય છે, વિભાવ અને અનુભાવથી એ પુષ્ટિ પામે છે એટલું જ નહીં, એ રીતે જ એનું ગ્રહણ થઈ શકે છે. એ બધા ભાવો ઇન્દ્રિયભોગ્ય છે, અમુક વિષય કે વિશિષ્ટ વ્યક્તિને અનુલક્ષીને જ થયેલા હોય છે. ભાવની સંતૃપ્તિ -consummation એ એનું ઉદ્દિષ્ટ હોય છે. રસાનુભવ કરનાર સામાજિકને પક્ષે આવું કશું હોતું નથી. રતિનો અનુભવ કરનાર દુષ્યન્ત શકુન્તલા પ્રત્યે પોતાનો પ્રેમ ઉક્તિ, ઇંગિત, ચેષ્ટા આદિ દ્વારા વ્યક્ત કરવા મથે છે અને શકુન્તલાને પ્રાપ્ત કરીને સંતોષ અનુભવે છે. પરંતુ શૃંગારના રસાનંદની અનુભૂતિ કરનાર પ્રેક્ષકોને જે ભાવ થાય છે તે ઇન્દ્રિયભોગ્ય નહિ, પણ કલ્પનાભોગ્ય હોય છે; એને ભાવ પ્રદર્શન માટે ઉક્તિ, ઇંગિત, ચેષ્ટા આદિનો આધાર લેવો નથી પડતો. કદાચ એ ઉક્તિ દ્વારા ભાવપ્રદર્શન કરવા પ્રેરાય છે તો તે જુદા જ પ્રકારનો ભાવ હોય છે. આલંકારિકોએ ગણાવેલા રસ સાથે એને સંબંધ હોતો નથી. એને કાવ્યાનંદની અનુભૂતિ સિવાય બીજો કોઈ ઉદ્દેશ હોતો નથી. પાત્ર કે નટ ભાવસંચાલન થતાં અમુક અનુભાવો દ્વારા એને પ્રકટ કરે છે, અમુક વિષય કે વ્યક્તિને લક્ષ્ય બનાવી, અમુક ઉદ્દેશની સિદ્ધિ અર્થે એ સતત પ્રવૃત્તિ કરે છે. આમ પ્રવૃત્તિ એ પાત્ર કે નટનો સ્વભાવ ધર્મ બને છે, પરંતુ સામાજિકો સકલ પ્રવૃત્તિ (અર્થાત્ શારીરિક પ્રવૃત્તિ)-નો પરિત્યાગ કરી નિવૃત્તિપર બની પર નિવૃત્તિ (પરમ આનંદ) માણે છે. આમ, ભાવ (સ્થાયી કે સંચારી) અને રસ વચ્ચે મહત્ત્વનો ને તાત્ત્વિક ભેદ રહેલો છે. ઉપર કહ્યું તેમ સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ, સાત્ત્વિક ભાવ, રસ એ બધાનું માનસશાસ્ત્રની દૃષ્ટિએ વર્ગીકરણ કરવું સહેલું નથી. અને એવા પ્રયત્નો અત્રત્ય વિદ્વાનોએ કર્યા છે તેમની વચ્ચે ઐકમત્ય નથી. ડૉ. પી. એસ. શાસ્ત્રી સાત્ત્વિક ભાવને sensations અને સ્થાયી ભાવને instinctive tendencies માનતા હોય એમ લાગે છે. ડૉ. વાટલે વ્યભિચારી ભાવને emotions અને સ્થાયી ભાવને sentiment ગણાવે છે. પ્રો. જોગને સ્થાયી ભાવનું instinct સાથે અને રસનું emotions સાથે સામ્ય જણાય છે. ડો. વાળિંબે સ્થાયી ભાવ અને રસ બંનેને emotions માને છે, અને વ્યભિચારીમાં એ પ્રાથમિક, સાધિત, સંમિશ્ર ભાવો ઉપરાંત શારીરિક અવસ્થા અને જ્ઞાનાત્મક મનોવસ્થા પણ સમાયેલાં છે. એમ જણાવે છે. હિંદી વિદ્વાન ગુલાબરાય માને છે કે સહૃદય સજ્જનોનાં મનમાં રસની અનુભૂતિને માટે પ્રાકૃત તેમજ નવીન સંસ્કાર રહેલા છે અને તે અને એ સંસ્કાર તે sentiment જેવા છે. સહૃદય સજ્જનોના મનમાં રહેતા હોય છે તે રસ નિહ, પણ રસના સ્થાયી ભાવના સંસ્કાર હોય છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ રસશાસ્ત્રની તલસ્પર્શી ચર્ચા કરનાર ડૉ. રાકેશ ગુપ્તા સ્થાયી તેમ જ સંચારી ભાવમાં ભેદ કરતા નથી એ કહે છે કે પ્રત્યેક emotion અર્થાત્ ભાવના ત્રણ ઘટક અંશો છે: એને ઉદ્દીપ્ત કરનાર excitant cause, ભાવાનુભવ વખતનો મનોવિકાર psychic or mental affection અને શારીરિક ફેરફાર સ્થાયી અને સંચારી ભાવમય મનોવિકાર દર્શાવે છે. વિભાવ ઉદ્દીપક કારણ છે અને અનુભાવ તે expressions of emotions ભાવની અભિવ્યક્તિ છે આ ત્રણે મળીને emotion થાય છે અને તે જ રસ. આમ, વિદ્વાનોમાં પણ આ વિષયમાં મોટો મતભેદ પ્રવર્તે છે. રસની પ્રક્રિયા બહુ સંકુલ છે. એને માત્ર વાસના (instinct), ભાવ (emotion) ભાવના (sentiment) તરીકે ગણાવવાથી ઘણી વસ્તુઓના ખુલાસા મળતા નથી. રસાનુભવકાલે પ્રેક્ષકો જે મનોવ્યાપાર અનુભવતા હોય છે તેમાં સામાન્યમાં સામાન્ય sensation (સંવેદન) અને feeling (લાગણી)થી માંડી ધ્યાન, સંસ્મૃતિ, પુન:પ્રત્યય, તોલન વિવેચન અને emotion (ભાવ) અને sentiment (ભાવના) સુધીના બધા વ્યાપારો આવી જાય છે. ઉત્સાહ, ગ્લાનિ, વિષાદ, શોક, હર્ષ આદિ સામાન્ય ભાવો ઉપરાંત પ્રિયપાત્રો પ્રત્યે સમભાવજન્ય પ્રેમની ભાવના (Love sentiment) તથા ખલ પાત્રો પ્રત્યે વિરોધભાવજન્ય વિદ્વેષની ભાવના (Hate sentiment)નો પણ અનુભવ થાય છે. વચ્ચે વચ્ચે ચિંતા, ઉદ્વેગ, ઔત્સુક્ત આદિ સંકુલ ભાવો પણ આવતા જાય છે, અને એ બધાને અંતે, આ સર્વનો મળીને આખી કૃતિને અંતે ઉદ્ભવતા આનંદનો એ ઉપભોગ કરે છે, અને આ ઉપભોગ તે જ રસાનુભવ. પરંતુ અહીં વિસ્તારથી આની ચર્ચા કરવાનો અવકાશ નથી. અહીં રસમીમાંસા સંબંધમાં કેટલાક વિચારણીય મુદ્દાઓ જ રજૂ કર્યા છે. એ ઉપરાંત રસાનુભવ ખરેખર આનંદાત્મક જ છે કે નહિ, રસસંક્રાતિ માટે ભટ્ટ લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક તથા અભિનવગુપ્તે પ્રતિપાદિત કરેલા લૌકિક કરતાં કોઈ જુદા એવા કોઈ અલૌકિક વ્યાપાર ખરેખર પ્રવર્તે છે કે એ પણ માત્ર લૌકિક વ્યાપાર જ છે – ઇત્યાદિ પ્રશ્નો પણ રસસિદ્ધાંત સાથે જ સંકળાયેલા હોઈ એની પણ તલસ્પર્શી મીમાંસા થવી ઘટે છે. પરંતુ એ માટે તો એક જુદા જ સ્વતંત્ર ગ્રંથની જરૂર છે. [‘વાઙ્મયચિંતન’, સંપા. કૃષ્ણવીર દીક્ષિત, 1984]