ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/પ્રશિષ્ટ કૃતિ – નિરંજન ભગત, 1926

From Ekatra Wiki
Revision as of 17:17, 16 March 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


26. Niranjan bhagat.jpg ૨૬
નિરંજન ભગત
(૧૮.૫.૧૯૨૬ – ૧.૨.૨૦૧૮)
પ્રશિષ્ટ કૃતિ
 

A true classic, as I should like to hear it defined, is an author who has enriched the human mind, increased its treasure, and caused it to advance a step; who has discovered some moral and not equivocal truth, or revealed some eternal passion in that heart where all seemed known and discovered; who has expressed his thought, or invention, in no matter what form, only provided it to be broad and great, refined and sensible, sane and beautiful in itself; who has spoken to all in his own peculiar style, a style which is found to be also that of the whole world, a style new without neologism, new and old, easily contemporary with all time. – Sainte-Beuve, (‘What is a Classic?’) A classic can only occur (when a civilization is mature: when a language and a literature are mature; and it must be the work of a mature mind. – T. S. Eliot, (‘What is a Classic?’) પ્રશિષ્ટ કૃતિ અંગે આજ લગીમાં અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અને એ અંગેના કોઈપણ પ્રશ્નના સ્થલ, કાલ, રસ, રુચિ આદિ અનેક સંદર્ભોમાં અનેક ઉત્તરો આપવામાં આવ્યા છે. આ ઉત્તરો વિભિન્ન છે એટલું જ નહિ પણ મુખ્યત્વે પરસ્પર વિરોધી છે અને ક્યારેક સાહિત્યિક રાજકારણ અથવા વાદને કારણે તો ક્યારેક બિનસાહિત્યિક રાજકારણ અથવા વાદને કારણે વિકૃત પણ છે. એમાં સૌ પ્રશ્નોનો પ્રશ્ન છે: પ્રશિષ્ટ કૃતિ એટલે શું? અહીં પુનશ્ચ એ પ્રશ્ન પૂછવાનો ઉપક્રમ છે. પણ આરંભે જ સત્વર સ્પષ્ટ કરવું જોઈએ કે અહીં એ પ્રશ્નોનો કોઈપણ સંદર્ભમાં કોઈપણ એક નવો ઉત્તર આપવાનો ઉપક્રમ નથી. અહીં આ નિબંધમાં માત્ર આજ લગીમાં એ પ્રશ્નના, હમણાં જ કહ્યું તેમ, અનેક સંદર્ભોમાં અનેક ઉત્તરો આપવામાં આવ્યા છે એમાંથી કેટલાક અગત્યના સંદર્ભોમાં કેટલાક અગત્યના ઉત્તરો સંકલિત કરવાનો અને આ નિબંધના વાચકોને ગુજરાતી ભાષાની કોઈ કૃતિ અથવા કૃતિઓના સંદર્ભમાં એના કોઈ એક નવા ઉત્તર પ્રત્યે સંચલિત કરવાનો આશય છે. સંસ્કૃત ભાષામાં વેદ, પુરાણ, કાવ્ય, નાટક, કથા, શાસ્ત્ર આદિમાં ‘પ્રશિષ્ટ’ શબ્દનો ધાતુ છે ‘શાસ્’ અને એના અર્થો છે: શિક્ષિત, શાસિત, શીલિન, સંસ્કૃત, સંસ્કારી, પ્રસિદ્ધ, ઉત્તમ, સંયમિત, નિયમિત, નિયંત્રિત, શિસ્તબદ્ધ, સૈદ્ધાંતિક. આ અર્થો દ્વારા જે ગુણો અને મૂલ્યો સૂચવાય છે તે પ્રશિષ્ટ કૃતિ અંગેના સૌ ઉત્તરોમાં પણ સૂચવાય છે. પણ પ્રાચીન ભારતીય વિવેચનમાં પ્રશિષ્ટ કૃતિ અંગે ક્યાંય વિચાર થયો નથી. પ્રશિષ્ટ કૃતિ અંગેનો વિચાર પ્રાચીન ગ્રીક વિવેચનમાં પણ, હવે પછી જોઈશું તે કારણોથી, થયો નથી. પ્રશિષ્ટ કૃતિ અંગેનો સૌ પ્રથમ વિચાર પ્રાચીન લેટિન વિવેચનમાં થયો છે અને પછી પુનરુત્થાન યુગથી યુરોપીય વિવેચનમાં એનું અનુસંધાન અને અર્વાચીન યુગમાં ભારતીય વિવેચનમાં એનો આરંભ થાય છે. આમ, પ્રશિષ્ટ કૃતિ અંગેનો વિચાર ગુજરાતી વિવેચનમાં આગંતુક છે, 19મી સદીના અંત ભાગમાં યુરોપમાંથી આયાત થયો છે (ઉદાહરણ: ગોવર્ધનરામનું ‘Classical Poets of Gujarat, 1892) અને હવે આટલાં વરસ પછી તો એને નાગરિકત્વ પણ અર્પણ થયું છે. સાહિત્ય ઉપરાંત અન્ય કળાઓ – સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય આદિ – અંગે પણ પ્રશિષ્ટ કૃતિનો શબ્દપ્રયોગ થાય છે. પણ એ સંદર્ભોમાં પ્રશિષ્ટ કૃતિનો વિચાર અહીં આ નિબંધમાં અપ્રસ્તુત છે. વળી ધર્મકારણ, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ આદિ કર્મક્ષેત્રોથી માંડીને ક્રિકેટ, રેસ, ચેસ, બ્રિજ આદિ કીડાક્ષેત્રો લગીનાં અનેક ક્ષેત્રો અંગે પણ પ્રશિષ્ટ કૃતિનો શબ્દપ્રયોગ થાય છે. પણ એ સંદર્ભમાં પણ પ્રશિષ્ટ કૃતિનો વિચાર અહીં આ નિબંધમાં અનભિપ્રેત છે. ‘પ્રશિષ્ટ કૃતિ’ એ લેટિનમાં classicus (ક્લાસિકુસ), ફ્રેન્ચમાં classique (ક્લાસિક) અને અંગ્રેજીમાં classic (ક્લેસિક) શબ્દોનો ગુજરાતીમાં પર્યાય છે. પ્રશિષ્ટ કૃતિનો વિચાર એ, અલબત્ત, ગુણવાચક અને મૂલ્યવાચક વિચાર છે, વળી અહીં અસંદિગ્ધ શબ્દોમાં સ્પષ્ટપણે કહેવું જોઈએ કે એમાં સાહિત્યમાં ઉચ્ચાવચતાક્રમનું પ્રબળ પ્રતિપાદન છે. ઈ.સ.ની 2જી સદીમાં ઇટલીના વૈયાકરણી ઑલુસ ગેલિયુસે (Aulus Gellius) એમના ‘Octes Atticae’ (‘ઓક્ટીસ એટિકી’) ગ્રંથમાં લૅટિન લેખક કૉર્નેલિયુસ ફ્રૉન્ટો(Cornelius Fronto)નો scriptor classicus (સ્ક્રિપ્ટોર ક્લાસિકુસ – પ્રશિષ્ટ લેખક) તરીકે ઉલ્લેખ કર્યો છે. એમાં સાહિત્યના સંદર્ભમાં લેખક માટે classicus શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ થયો છે. ગૅલિયુસે અન્યત્ર પણ ફ્રૉન્ટો જેવા અલ્પસંખ્ય લેખકોમાંથી પ્રત્યેક લેખક માટે classicus assidusque scriptor (ક્લાસિસ આસ્સિડુસ્ક સ્ક્રિપ્ટોર – લોકોમાં લુપ્ત ન થાય એવો ઉત્તમ અને સમૃદ્ધ લેખક) તરીકે ઉલ્લેખ કર્યો છે. એમાં સર્વત્ર classicus શબ્દનો લેખકની ગુણવત્તા, મૂલ્યવત્તા, ઉચ્ચતા, શ્રેષ્ઠતા આદિના પ્રતિપાદન માટે રૂપકાત્મક ઉપયોગ છે. લૅટિન ભાષામાં classici (ક્લાસિસિ) શબ્દનો અર્થ જેની નિશ્ચિત આવક હોય એવો વર્ગ, ઉચ્ચ વર્ગ, શ્રેષ્ઠ વર્ગ થાય છે. જ્યારે ‘infra classem’ (ઇન્ફ્રા ક્લાસેમ) શબ્દનો અર્થ જેની ઓછી આવક હોય એવો વર્ગ, નીચલો વર્ગ થાય છે. classicus શબ્દનો અર્થ જેની ઉચ્ચતમ આવક હોય એવા વર્ગનો સભ્ય થાય છે અને proletarius (પ્રોલેટેરિયુસ) શબ્દનો અર્થ કરપાત્ર આવકથી ઓછી આવક થાય એવું જેનું વેતન હોય એવા વર્ગનો સભ્ય થાય છે. આ શબ્દો રોમન કરવેરાધારાના શબ્દો છે. ગેલિયુસે scriptor proletariusના વિરોધમાં scriptor classicus શબ્દપ્રયોગ કર્યો હતો. કારણ કે પ્રશિષ્ટ લેખકની ભાષા એ ઉચ્ચ વર્ગની ભાષા હતી અને એ અલ્પસંખ્ય વાચકો માટે લખતો હતો, જ્યારે લોકલેખકની ભાષા એ નીચલા વર્ગની ભાષા હતી અને એ બહુસંખ્ય વાચકો માટે લખતો હતો. એથી એમાં સામાજિક વર્ગભેદ પણ પ્રગટ થયો હતો. અને કરવેરાધારાની પરિભાષાના શબ્દોના રૂપકાત્મક ઉપયોગ દ્વારા આ સામાજિક વર્ગભેદ વધુ તીવ્ર અને તીક્ષ્ણ રૂપે પ્રગટ થયો હતો. રશિયન ક્રાંતિ પછી માર્ક્સવાદી વિવેચનમાં અને સામ્યવાદ જેવા બિનસાહિત્યિક વાદમાં ઉચ્ચ અને મધ્યમ વર્ગના સાહિત્યના વિરોધમાં proletarian literature – નીચલા વર્ગનું સાહિત્ય, લોકસાહિત્ય એ શબ્દપ્રયોગ દ્વારા પ્રશિષ્ટ કૃતિનો આ સામાજિક વર્ગભેદનો વિકૃત અર્થ આજે પણ પરોક્ષપણે અસ્તિત્વમાં છે. સામ્યવાદી પૂર્વગ્રહ સાથેના રશિયન સાહિત્યના કોઈપણ ઇતિહાસમાં મહાન કેથેરિન (Catherine the Great)ના યુગની મહત્ત્વની કાવ્યશૈલીઓ માટે ઉદયમાન સમકાલીન લોકસાહિત્યના વિરોધમાં ‘પ્રશિષ્ટ’ – ‘ક્લેસિક’ – શબ્દનો ઉપયોગ થાય છે. એમાં ગેલિયુસનો આ સામાજિક વર્ગભેદનો અસલ અર્થ આજે પણ પ્રત્યક્ષપણે અકબંધ છે. જોકે પ્રશિષ્ટ કૃતિનો આ સામાજિક વર્ગભેદનો અર્થ આજે અદૃશ્ય થયો છે. આજે તો પ્રશિષ્ટ કૃતિની ઉત્તમ કૃતિ, શ્રેષ્ઠ કૃતિ એવો અર્થ સર્વાનુમતે અસ્તિત્વમાં છે. અને એ અર્થમાં આજે કોઈ લોકસાહિત્યની ઉત્તમ કૃતિને શ્રેષ્ઠ કૃતિને પણ લોકસાહિત્યની પ્રશિષ્ટ કૃતિ – classic of proletarian literature – કહે તો માર્ક્સવાદી વિવેચન અને સામ્યવાદના પક્ષકારોએ એમાં કટાક્ષ છે એમ સમજવું ન જોઈએ – બલકે, એમાં એ કૃતિની ગુણવત્તાની, મૂલ્યવત્તાની, ઉત્તમતાની, શ્રેષ્ઠતાની સ્વીકૃતિ છે એમ સમજવું જોઈએ. ઈ.સ.ની 6ઠ્ઠી સદીમાં મેગ્નુસ ફેલિક્સ ઇન્નોડિયુસે (Magnus Felix Ennodius) એમની ‘Dictionary’ (ડિક્શનરી – અર્થકોશ)માં classicusનો શાળાના વર્ગમાં હાજરી આપનાર વિદ્યાર્થી એવો અર્થ કર્યો છે. એથી ઈ.સ.ની 16મી સદીમાં પુનરુત્થાન યુગના ફ્રેન્ચ અને ઇટાલિયન વિવેચકોએ classicusનો શાળામાં પાઠ્યપુસ્તક તરીકે નિયત એવી સાહિત્યકૃતિ એવો અર્થ કર્યો છે. કારણ કે ત્યારે આમ શાળામાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થાય એ સાહિત્યની ઉત્તમ કૃતિ, શ્રેષ્ઠ કૃતિ એવી પ્રચલિત માન્યતા હતી. અને આજે પણ ક્યાંક-ક્યાંક એવી માન્યતા છે. કોઈ કોઈ કર્તાને એની કૃતિ શાળા-મહાશાળા-વિશ્વવિદ્યાલયમાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થાય એવી જે ખુલ્લી કે ખાનગી વાસના હોય છે એનું કારણ પણ આ મધ્યકાલીન માન્યતા છે. કોઈ કોઈ શિક્ષકને સાહિત્યની ઉત્તમ કૃતિ, શ્રેષ્ઠ કૃતિ જ શાળા-મહાશાળા-વિશ્વવિદ્યાલયમાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થાય એવી મહત્ત્વાકાંક્ષા હોય છે એનું કારણ પણ આ મધ્યકાલીન માન્યતા છે. વળી ફ્રેન્ચ શબ્દ classicisme અને ઇટાલિયન શબ્દ classicismoમાં અર્વાચીન અર્થ રૂપે પણ શાળામાં પાઠ્યપુસ્તક તરીકે નિયત કૃતિ એવો આ મધ્યકાલીન અર્થ પ્રગટ થાય છે. ઈ.સ.ની 16મી સદીમાં પ્રશિષ્ટ કૃતિ એટલે સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ કૃતિ; આદર્શ, અનુકરણીય કૃતિ એવો અર્થ થયો છે. અને માત્ર સાહિત્યની કૃતિને અનુલક્ષીને નહિ પણ એ જ અર્થમાં કર્તા અને સાહિત્યના ઇતિહાસમાં વિશિષ્ટ વિકાસ કે સર્વોચ્ચ સિદ્ધિના યુગને અનુલક્ષીને પણ ‘પ્રશિષ્ટ’ શબ્દનો ઉપયોગ થયો છે. ત્યારથી સાહિત્યના ઇતિહાસમાં કોઈ એક યુગમાં સાહિત્યની સૌ કૃતિઓમાં કોઈ નિશ્ચિત સાહિત્યિક સ્વરૂપ અથવા સ્વરૂપો માટે નહિ પણ એકંદરે એમાં વિશિષ્ટ વિકાસ અથવા સર્વોચ્ચ સિદ્ધિ છે એથી એ પ્રશિષ્ટ યુગ એમ યુગને અનુલક્ષીને ‘પ્રશિષ્ટ’ શબ્દનો ઉપયોગ થાય છે. વળી સાહિત્યની કૃતિઓની કોઈ એક શ્રેણીમાં એકસમાન સાહિત્યિક સ્વરૂપ અથવા સ્વરૂપો છે માટે નહિ પણ એમાં સર્વસ્વીકૃત સાહિત્યિક ગુણ અને મૂલ્ય છે એથી સાહિત્યની કૃતિઓની એ શ્રેણી પ્રશિષ્ટ શ્રેણી એમ કૃતિઓની શ્રેણીને અનુલક્ષીને પણ ‘પ્રશિષ્ટ’ શબ્દનો ઉપયોગ થાય છે (ઉદાહરણ: ‘Harvard Classics’). હવે પછી જોઈશું તેમ ફ્રેન્ચ વિવેચક સેંત બવ, અમેરિકન વિવેચક ઇરવિંગ બેબિટ અને એલિયટે એમના પ્રશિષ્ટ કૃતિ વિશેના જગપ્રસિદ્ધ નિબંધોમાં કર્તા અથવા યુગને અનુલક્ષીને ‘પ્રશિષ્ટ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. યુરોપમાં કેટલીક સદીઓથી પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિઓ અને એમના કર્તાઓ પાઠ્યપુસ્તકો તરીકે અને આદર્શ, અનુકરણીય કર્તાઓ તરીકે વધુ ને વધુ પ્રતિષ્ઠિત થયા એથી ઈ.સ.ની 17મી સદીમાં ‘પ્રશિષ્ટ કૃતિ’ એટલે સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ કૃતિ, શાળામાં પાઠ્યપુસ્તક તરીકે નિયત, આદર્શ, અનુકરણીય કૃતિઓ ઉપરાંત પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિઓ અને એમના કર્તાઓ તે પ્રશિષ્ટ કૃતિઓ અને કર્તાઓ એવો એક નવો જ અર્થ અસ્તિત્વમાં આવ્યો. ઉપરાંત જેમાં પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિઓ અને એમના કર્તાઓનાં અનુસર્જનો અથવા અનુકરણો હોય એવી અર્વાચીન કૃતિઓ અને એમના કર્તાઓ પણ પ્રશિષ્ટ કૃતિઓ અને પ્રશિષ્ટ કર્તાઓ એવો એક વધુ નવો અર્થ પણ અસ્તિત્વમાં આવ્યો. પ્રશિષ્ટ કૃતિ અને પ્રશિષ્ટ કર્તાનો આ નવો અર્થ બે પ્રકારનાં અનુસર્જનો અથવા અનુકરણો દ્વારા અસ્તિત્વમાં આવ્યો – વસ્તુવિષયનાં અને શૈલીસ્વરૂપનાં અનુસર્જનો અથવા અનુકરણો દ્વારા. પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિઓ અને એમના કર્તાઓના વસ્તુવિષયનાં અનુસર્જનો અને અનુકરણો જેમાં છે એ પ્રશિષ્ટ કૃતિઓ અને પ્રશિષ્ટ કર્તાઓનો પ્રસિદ્ધ અમેરિકન વિદ્વાન ગિલ્બર્ટ હિગેટે એમના અદ્વિતીય અભ્યાસગ્રંથ ‘The Classical Tradition’ (‘પ્રશિષ્ટ પરંપરા’)માં પરિચય કરાવ્યો છે. વર્જિલનાં કાવ્યો અને સેનેકાનાં નાટકો જેવી પ્રાચીન રોમન કૃતિઓમાં હોમરનાં કાવ્યો તથા ઇસ્કીલસ, સૉફોક્લીસ અને યુરિપિડીસનાં નાટકોનાં વસ્તુવિષયનાં અનુસર્જનો અથવા અનુકરણો છે. ઈ.સ.ની 12મી સદીમાં ફ્રેન્ચ અને જર્મન ભાષાઓમાં રાજવી રંગકથાઓ(courtly romances)થી માંડીને આજ લગીમાં યુરોપની અનેક ભાષાઓમાં અસંખ્ય કૃતિઓ અને કર્તાઓમાં પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિઓ અને કર્તાઓનાં વસ્તુવિષયનાં અનુસર્જનો અથવા અનુકરણોની એક અતૂટ અને અખૂટ પરંપરા છે. વળી ઈ.સ.ની 19મી અને 20મી સદીમાં યુરોપની અનેક ભાષાઓમાં અનેક કાવ્યો, નાટકો, નવલકથાઓમાં તથા ફ્રેઇઝર, ફોઈડ, યુંગ આદિના નૃવંશશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને મનોનિદાનશાસ્ત્રમાં પ્રાચીન ગ્રીક અને રોમન દંતકથાઓ અને પુરાણકથાઓનાં વસ્તુવિષયનાં અનુસર્જનો અથવા અનુકરણો છે. આ સૌ કૃતિઓ અને કર્તાઓ આ અર્થમાં પ્રશિષ્ટ કૃતિઓ અને પ્રશિષ્ટ કર્તાઓ છે. ઈ.સ.ની 15મી અને 16મી સદીમાં ઇટાલિયન ભાષાની અનેક કૃતિઓમાં, ઈ.સ.ની 17મી સદીમાં ફ્રેન્ચ ભાષાની અનેક કૃતિઓમાં અને ઈ.સ.ની 18મી સદીમાં અંગ્રેજી અને જર્મન તથા યુરોપની અન્ય ભાષાની અનેક કૃતિઓમાં પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિઓ અને કર્તાઓનાં શૈલીસ્વરૂપનાં અનુસર્જનો અથવા અનુકરણો છે. અને એથી આ સમયમાં આ ભાષાઓના વિવેચનમાં એરિસ્ટૉટલ અને હોરેસનાં અનુકરણ, વિવિધ એકતા, મહાકાવ્ય, કરુણનાટક આદિ અંગેના કાવ્યસિદ્ધાન્તોનો પણ પ્રબળ પ્રભાવ હતો. ઈ.સ.ની 17મી સદીમાં ફ્રાન્સમાં પ્રસિદ્ધ વિવેચક બ્વાલો(Boileau)એ ‘Art Poetique (‘આર પોએટિક – કાવ્યની કળા’)માં એક નૂતન-એરિસ્ટૉટલીય કાવ્યશાસ્ત્ર રચ્યું હતું. સમકાલીન ફ્રેન્ચ ભાષાના સાહિત્યમાં અને 18મી સદીમાં સમગ્ર યુરોપની સૌ ભાષાઓના સાહિત્યમાં, સવિશેષ અંગ્રેજી અને જર્મન ભાષાઓના સાહિત્યમાં પ્રાચીન ગ્રીક અને રોમન કર્તાઓ અને એમની કૃતિઓના શૈલીસ્વરૂપથીયે વિશેષ આ કાવ્યશાસ્ત્રનું વર્ચસ્ હતું. એને કાર્તેસિયન તર્કશાસ્ત્રનો આધાર હતો. આ સમયની ફિલસૂફીના વાદવિવાદમાં આ કાવ્યશાસ્ત્રની પરિભાષાનો પ્રબળ પ્રભાવ હતો. એમાં એકમાત્ર અપવાદરૂપ હતા જર્મન ભાષાના સાહિત્યના ઇતિહાસકારો. ઈ.સ.ની 18મી સદીમાં વિન્કલમાન અને લેસિંગના વિવેચનને કારણે ઈ.સ.ની 18મી, 19મી અને 20મી સદીમાં જર્મન ભાષાની કૃતિઓ અને એમના કર્તાઓ પર પ્રાચીન રોમન કૃતિઓ અને કર્તાઓનાં શૈલીસ્વરૂપ તથા આ કાવ્યશાસ્ત્ર દ્વારા પરોક્ષ રૂપે નહિ પણ પ્રાચીન ગ્રીક કૃતિઓ અને કર્તાઓનાં શૈલીસ્વરૂપનો તથા પ્રાચીન ગ્રીક કાવ્યશાસ્ત્રનો પ્રત્યક્ષ રૂપે પ્રબળ પ્રભાવ હતો. ગટે, શિલર, હોલ્ડરલિન, નિત્શે, સ્ટેફાન જ્યૉર્જ, રિલ્કે આદિની કૃતિઓમાં પ્રાચીન ગ્રીક કૃતિઓ અને એમના કર્તાઓનાં શૈલીસ્વરૂપનાં પ્રત્યક્ષ રૂપે અનુસર્જનો અથવા અનુકરણો છે. પણ એમાં આ કર્તાઓનાં અર્વાચીન અને અંગત વસ્તુવિષય છે એ પણ એટલી જ અસાધારણ નોંધપાત્ર ઘટના છે. ઈ.સ.ની 18મી સદીના અંતથી – સક્રિયપણે અને સભાનપણે 19મી સદીના આરંભથી ઉદ્ભવેલું રોમેન્ટિસિઝમ – રંગદર્શિતાવાદ – એ કેવળ એક નવું સાહિત્યદર્શન નથી, પણ મનુષ્યજાતિના ઇતિહાસમાં એક નવું જીવનદર્શન છે અને એના એક અંતર્ગત અંશરૂપે એ સાહિત્યદર્શન છે. એમાં classicism, classic – પ્રશિષ્ટતાવાદ, પ્રશિષ્ટ કૃતિનો પ્રતિકાર છે. ફીડ્રિક ફૉન શ્લૅગૅલે (Friedrich von Schlegel) એમના ‘Das Antheneum’(‘ડાસ ઍન્થીનીઅમ – એથીન્સવિષયક’)માં પ્રથમ ક્લાસિઝમ વિરુદ્ધ રોમેન્ટિસિઝમ એમ શબ્દદ્વંદ્વનું સર્જન અને એ દ્વારા દ્વૈતદર્શન કર્યું. માદામ દ સ્તીલે (Madame de Stael) એમના ‘De l’Allemagne’ (‘દ લાલમાન્ય – જર્મનીમાંથી’)માં સૌ પ્રથમ આ શબ્દદ્વંદ્વ અને દ્વૈતદર્શન પ્રત્યે ફ્રેન્ચ અને અંગ્રેજ વિવેચકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને પ્રશિષ્ટતાવાદ અને પ્રશિષ્ટ કૃતિઓ એટલે નિર્વીર્ય અને નિશ્ચેતન સ્વરૂપો, પ્રાચીન ગ્રીક અને રોમન કર્તાઓ અને એમની કૃતિઓનાં પૂર્વનિશ્ચિત અને પૂર્વયોજિત નીતિ અને નિયમો પ્રમાણેનાં જડ અને યાંત્રિક અનુસર્જનો અથવા. અનુકરણો એવો પ્રશિષ્ટતાવાદ અને પ્રશિષ્ટ કૃતિનો પ્રબળ અને પ્રચંડ પ્રતિકાર કર્યો. આ પ્રતિકારને જર્મનીમાં ગટે અને શિલરનો અને ફ્રેન્ચ ક્રાંતિ પછી ફ્રાન્સમાં સમકાલીન રાજકારણનો સંદર્ભ હતો. આજે પણ પ્રશિષ્ટતાવાદ અને પ્રશિષ્ટ કૃતિ અને એનો કર્તા એટલે શૈલીસ્વરૂપ અને સભાન કળાનું વર્ચસ્ અને રંગદર્શિતાવાદ અને રંગદર્શી કૃતિ અને એનો કર્તા એટલે અંગત ઊર્મિ અને અભાન પ્રેરણાનું વર્ચસ્ એવો સર્વસામાન્ય અર્થ છે. પૂર્વકાલીન અને સમકાલીન અસંખ્ય કર્તાઓ અને કૃતિઓ માદામ દ સ્તીલના આ પ્રતિકારને પાત્ર છે અને એમનાં આ વર્ણનો અને વિશેષણોની સત્યતા અને સાર્થકતા જ સિદ્ધ કરે છે એ તદ્દન સાચું છે. છતાં આ શબ્દદ્વંદ્ર અને દ્વૈતદર્શન એ સાહિત્યિક રાજકારણ જ છે, સાહિત્યિક રાજકીય પક્ષો જ છે. એ દ્વારા પ્રશિષ્ટતાવાદ અને કૃતિ અને કર્તાનો આ વિકૃત અર્થ થયો છે. અને એ અર્થ આજે પણ ક્યાંક ક્યાંક અસ્તિત્વમાં છે. એના સંદર્ભમાં જ્યારે ‘પ્રશિષ્ટ’ શબ્દપ્રયોગ થાય છે ત્યારે પ્રયોગકર્તાના પક્ષ પ્રમાણે જે કૃતિ, કર્તા અને યુગને અનુલક્ષીને ‘પ્રશિષ્ટ’ શબ્દપ્રયોગ થયો હોય એની મહત્તા અને મર્યાદા, એની ખૂબી અને ખામી પ્રગટ થાય છે અને પ્રયોગકર્તાની એની પ્રત્યેની પરમ સ્તુતિ અને પરમ નિંદા પ્રગટ થાય છે. ગટેએ પ્રશિષ્ટતાવાદ અને પ્રશિષ્ટ કૃતિ અને કર્તા એટલે સ્વાસ્થ્ય અને રંગદર્શિતાવાદ અને રંગદર્શી કૃતિ અને કર્તા એટલે રુગ્ણતા એવું દ્વૈતદર્શન કર્યું હતું અને એ દ્વૈતદર્શન આજે પણ ક્યાંક-ક્યાંક પ્રચલિત છે. આ સંદર્ભમાં classic અને classical માટે મણિશંકરે ‘સ્વસ્થ’ અને આનંદશંકરે ‘સંસ્કારી સંયમ’ તથા ‘તપ’ શબ્દપ્રયોગ કર્યા છે. આમ, સત્તરેક સદીથી પ્રશિષ્ટ કૃતિના સદાય વિભિન્ન, મુખ્યત્વે પરસ્પર વિરોધી અને ક્યારેક વિકૃત અર્થો થયા છે. એથી પ્રશિષ્ટ કૃતિ વિશે ભારે સંદિગ્ધતા છે, અને જ્યારે અનુકાલીન વાચકો, વિવેચકો અને સાહિત્યના ઇતિહાસકારો કોઈ પણ કૃતિ, કર્તા અને યુગનું ‘પ્રશિષ્ટ’ એવું નામાભિધાન કરે છે ત્યારે એમાં એનું પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય છે. કોઈ કર્તા કે યુગ પોતે અને પોતાની કૃતિ પ્રશિષ્ટ છે એવું પામી શકતો નથી. કોઈ કૃતિ, કર્તા અને યુગ પ્રશિષ્ટ છે એવું અનુકાલીનો જ પશ્ચાર્દ્શનથી પામી શકે છે. એથી જદ્યારેક સમકાલીનો જે કૃતિ, કર્તા અને યુગને પ્રશિષ્ટ માને છે એ કૃતિ, કર્તા અને યુગનું અનુકાલીનોને એ અર્થમાં સ્મરણ સુધ્ધાં હોતું નથી. અને ક્યારેક સમકાલીનોને જે કૃતિ, કર્તા અને યુગ વિશે એ પ્રશિષ્ટ છે એવો વહેમ સુધ્ધાં હોતો નથી એ કૃતિ, કર્તા અને યુગને અનુકાલીનો પ્રશિષ્ટ માને છે. એથી જ, પ્રાચીન ગ્રીક પ્રજા સમક્ષ પૂર્વકાલીન કોઈ સાહિત્ય જ ન હતું એ કારણે કોઈ પ્રશિષ્ટ કૃતિ, કર્તા અને યુગ અસ્તિત્વમાં ન હતો. અને કોઈ પ્રાચીન ગ્રીક કર્તા અને યુગ પોતે અને પોતાની કૃતિઓ પ્રશિષ્ટ છે એવું પામી શક્યો ન હતો. આરંભની રોમન પ્રજા ગ્રીક કૃતિઓ, કર્તાઓ અને યુગ પ્રશિષ્ટ છે એવું પામી શકી હતી. તો આરંભના કોઈ રોમન કર્તા અને યુગ પોતે અને પોતાની કૃતિઓ પ્રશિષ્ટ છે એવું પામી શક્યા ન હતા. પણ પછીની રોમન પ્રજા ગ્રીક ઉપરાંત પૂર્વકાલીન રોમન કૃતિ, કર્તા અને યુગ પ્રશિષ્ટ છે એવું પામી શકી હતી. સેંત બવના પ્રસિદ્ધ નિબંધમાં પૂર્વકાલીન અને સમકાલીન રંગદર્શી કૃતિઓ અને કર્તાઓના પક્ષકાર તરીકે એ કૃતિઓ અને કર્તાઓ પણ ઉત્તમ છે એથી પ્રશિષ્ટ છે એમ રંગદર્શી કૃતિઓ અને કર્તાઓની પરમ સ્તુતિ છે અને એમાં પ્રશિષ્ટ કૃતિ, કર્તા અને યુગ એટલે પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિ, કર્તા અને યુગ; જેમાં પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિ અને કર્તાનું અનુસર્જન અથવા અનુકરણ હોય એ અનુકાલીન કૃતિ અને કર્તા; શાળામાં પાઠ્યપુસ્તક તરીકે નિયત કૃતિ અને કર્તા એવો અર્થ નહિ પણ ઉત્તમ કૃતિ અને કર્તા – પછી એ પ્રાચીન હોય કે અર્વાચીન હોય, અનુસર્જન અથવા અનુકરણ હોય કે મૌલિક અથવા સ્વતંત્ર હોય, પ્રશિષ્ટતાવાદી હોય કે રંગદર્શિતાવાદી હોય એવો સ્પષ્ટ અર્થ છે. એલિયટના પ્રસિદ્ધ નિબંધમાં પણ પ્રશિષ્ટ કૃતિ અને કર્તા એટલે ઉત્તમ કૃતિ અને કર્તા એવો સ્પષ્ટ અર્થ તો છે જ. પણ એ ઉપરાંત સંસ્કૃતિની, ભાષાની, સમાન શૈલીની અને કર્તાની પરિપક્વતા જે ક્ષણે પરાકાષ્ઠાએ હોય એ ધન્ય ક્ષણે જે કૃતિનો જન્મ થયો હોય અને જેમાં સર્વગ્રાહિતા, સર્વજનીનતા, સર્વકાલીનતા હોય એ કૃતિ અને કર્તા તે પ્રશિષ્ટ કૃતિ અને કર્તા એવો વિશિષ્ટ અર્થ પણ છે. અને એ અર્થના અનુસંધાનમાં જ જે કૃતિ અને કર્તા પોતાની ભાષાના સંદર્ભમાં જ પ્રશિષ્ટ કૃતિ અને કર્તા હોય એ સાપેક્ષપણે અને ગૌણપણે પ્રશિષ્ટ કૃતિ અને કર્તા છે અને જે કૃતિ અને કર્તા જગતની સૌ ભાષાઓના સંદર્ભમાં પ્રશિષ્ટ કૃતિ અને કર્તા હોય એ નિરપેક્ષપણે અને પ્રધાનપણે પ્રશિષ્ટ કૃતિ અને કર્તા છે એવો પણ વિશિષ્ટ અર્થ છે. એ અર્થમાં શેક્સ્પિયર, મિલ્ટન, પોપ આદિ કર્તાઓ અને એમની કૃતિઓ એ સાપેક્ષપણે પ્રશિષ્ટ કર્તાઓ અને કૃતિઓ છે.ક્યારે વર્જિલ અને એમની કૃતિ ‘Aeneid’ (‘ઈનીડ’) એ નિરપેક્ષપણે અને પ્રધાનપણે પ્રશિષ્ટ કૃતિ અને કર્તા છે એવું એમનું પ્રબળ પ્રતિપાદન છે. પ્રશિષ્ટ કૃતિ એટલે અતીતની કૃતિ જ નહિ, પણ આજની અને આવતી કાલની પણ કૃતિ. પ્રશિષ્ટ કૃતિ એટલે પ્રાચીન કૃતિ નહિ, પણ નિત્યનૂતન કૃતિ, ચિરંતન કૃતિ, સનાતન કૃતિ. એથીસ્તો કોઈ માર્મિક વિવેચકે (દુર્ભાગ્યે નામનું સ્મરણ નથી, જર્મન વિવેચક છે એવું સહેજ સ્મરણ છે) કહ્યું છે, ‘જગતની સૌ પ્રશિષ્ટ કૃતિઓ આજે સવારે જ રચવામાં આવી છે.’ પરિપક્વ કર્તા જ પ્રશિષ્ટ કૃતિ લખી શકે અને પરિપક્વ વાચક જ પ્રશિષ્ટ કૃતિ પરખી શકે અને સદ્ભાગ્ય હોય તો પામી શકે. એથીસ્તો રમૂજમાં કહેવાય છે, ‘A classic is more respected than read.’ પ્રશિષ્ટ કૃતિનું પૂજન થાય છે એટલું એનું વાચન થતું નથી. આજે હવે પ્રશિષ્ટ કૃતિ એટલે સામાજિક વર્ગભેદની કૃતિ, પ્રાચીન કૃતિ, પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિ, પાઠ્યપુસ્તક તરીકે નિયત કૃતિ, જેનાં અનુસર્જન અથવા અનુકરણ થાય એ કૃતિ, જેનાં અનુસર્જન અથવા અનુકરણ હોય એ કૃતિ, પ્રશિષ્ટતાવાદની કૃતિ, રંગદર્શિતાવાદની કૃતિ નહિ પણ પૂર્વોક્ત અર્થમાં એ પ્રશિષ્ટ કૃતિ હોય કે ન હોય પણ ઉત્તમ, સર્વોત્તમ કૃતિ એ પ્રશિષ્ટ કૃતિનો સર્વસ્વીકૃત અર્થ છે. આટલું કહ્યા પછી હવે કાનમાં કંઈક કહું? પ્રશિષ્ટ કૃતિ એટલે... જે અર્થ કરવો હોય તે અલબત્ત કરી શકાય, પણ જો એ અર્થમાં ‘નળાખ્યાન’ અને ‘સરસ્વતીચંદ્ર’ પ્રશિષ્ટ કૃતિ છે એ સિદ્ધ ન થાય તો એ અનર્થ! 1975 [‘સ્વાધ્યાયલોક’, 1997]