ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિવેચનનું તત્ત્વજ્ઞાન – પ્રમોદકુમાર પટેલ, 1933

From Ekatra Wiki
Revision as of 17:25, 16 March 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


30. pramodkumar Patel.jpg ૩૦
પ્રમોદકુમાર પટેલ
(૨૦.૯.૧૯૩૩ – ૨૪.૫.૧૯૯૬)
વિવેચનનું તત્ત્વજ્ઞાન
 

પશ્ચિમમાં સૌન્દર્યમીમાંસાના ક્ષેત્રમાં છેલ્લા બેત્રણ દાયકાઓ દરમ્યાન એક નવો ઉપક્રમ આરંભાયો છે, એમ ત્યાંની આ વિષયના કેટલાક નવા ગ્રંથોની ચર્ચાની માંડણી જોતાં સમજાય છે. સુવિદિત છે કે, કાન્ટ-હેગલથી વિકસતી રહેલી આ વિદ્યાશાખામાં ત્યાં, અત્યાર સુધી, કળા અને સૌન્દર્યતત્ત્વને લગતી તાત્ત્વિક છણાવટ થતી રહી છે. જુદા જુદા સૌન્દર્યમીમાંસાકોએ પોતપોતાની દાર્શનિક દૃષ્ટિના પ્રકાશમાં આ વિષયના પ્રશ્નો છણ્યા છે, એમ પણ તરત સ્પષ્ટ થશે. સમય જતાં, આ વિદ્યાશાખામાં પૂર્વેની સૌન્દર્યમીમાંસાનો ઐતિહાસિક વિકાસ આલેખવાના, તેમ જ તેના મૂળભૂત પ્રશ્નોની સમીક્ષા કરવાના પ્રયત્નો પણ આરંભાયા. વળી, વિશેષ રૂપમાં દાર્શનિક, મનોવૈજ્ઞાનિક, અને ભાષાશાસ્ત્રીય અભિગમો કેળવીને પ્રસ્તુત પ્રશ્નોની આગવી માંડણી કરવાનું વલણ પણ જન્મ્યું. પણ, આ રીતે, આ ક્ષેત્રમાં ઘણા સૈદ્ધાંતિક મતભેદો જન્મ્યા. અને પરિણામે, વિષયની ચર્ચાવિચારણા સ્થગિત બની ગઈ હોય એમ પણ કેટલાક સૌન્દર્ય મીમાંસકોને લાગવા માંડ્યું. આવા સંયોગોમાં નવપ્રસ્થાન કરવાની પ્રબળ ઝંખના તેમના મનમાં જાગે એ સહજ છે. એ કારણે જ કદાચ તે કળાકૃતિના વિવેચન તરફ વળ્યા. તેમણે જોયુું કે સાહિત્યક્ષેત્રમાં તેમ જ અન્ય લલિતકળાના ક્ષેત્રમાં કૃતિલક્ષી વિવેચનનું વિપુલ સાહિત્ય અત્યાર સુધીમાં જન્મી ચૂક્યું છે. વિવેચકોના કળાકૃતિઓ વિશેના અતિસમૃદ્ધ અને ઘનિષ્ઠ અનુભવોનું એમાં અનુસંધાન થયેલ છે. કૃતિઓનું રહસ્ય ઘટાવવાના અને મૂલ્યાંકન કરવાના અનેકવિધ અભિગમોમાં તેમની કળાતત્ત્વવિષયક ભિન્ન ભિન્ન દૃષ્ટિઓ છતી થતી હોય છે. અને આ સર્વ વિવેચનપ્રવૃત્તિ ભાષામાં ચાલી છે. વિવેચનની ભાષા, અલબત્ત, વર્ણનાત્મક, અર્થઘટનાત્મક, અને મૂલ્યવાચી વિધાનોની બની હોય છે. એટલે આ જાતનાં વિધાનો, તેની પાછળના આશયો અને લક્ષ્યો, પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ – એ સર્વની પાછળ જે કોઈ તાર્કિક સિદ્ધાંતો રહ્યા હોય, તેની તપાસ કરવામાં આ સૌન્દર્યમીમાંસકો હવે પ્રવૃત્ત થયા છે. વિવેચકે તો મૂળ કૃતિ વિશે વિધાનો કર્યાં છે, ને તે કૃતિનું રહસ્ય સમજાવવા ચાહે છે, તેનું મૂલ્ય સ્પષ્ટ કરવા માગે છે. પણ આ સૌન્દર્યમીમાંસકો કૃતિને વિશે નહિ, તેને અનુલક્ષીને થયેલાં વિધાનોની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓની પ્રમાણભૂતતા નાણી જોવા ચાહે છે. અને આ રીતે જન્મ્યું ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (Philosophy of Criticism). અલબત્ત, સૌન્દર્યમીમાંસાની ચર્ચાવિચારણાઓ કળાકૃતિના વિવેચનનાં કોઈ રીતે ઉપકારક બને છે કે કેમ, અથવા, ખરેખર પ્રસ્તુત છે કે કેમ, એવા પ્રશ્નની સભાનતા પણ આ નવા ઉપક્રમમાં પ્રેરક બની હોય છે. પણ ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ એથી જુદું લક્ષ્ય ધરાવે છે, જાણીતા સૌન્દર્યમીમાંસક મોન્રો બયડ્ર્ઝલી આ વિષયની સ્પષ્ટતા કરતાં એમ કહે છે: As a field of study, aesthetics consists of a rather hetero geneous collection of problems: those that arise when we make a serious effort to say something true and warranted about a work of art. As a field of knowledge, aesthetics consists of those principles that are required for clarifying and confirming critical statements. Aesthetics can be thought of then, as the philosophy ot criticism, or ‘metacriticism.’ મોન્રો બિયર્ડ્ઝલી અહીં સૌન્દર્યમીમાંસાના ક્ષેત્રમાં રૂઢ થયેલા પ્રશ્નોના નવા ક્ષેત્રને ‘a field of study’ તરીકે ઓળખાવે છે; તો, એ ક્ષેત્રના નવા ઉપક્રમને ‘a field of knowledge’ તરીકે લેખવવા ચાહે છે તે ખાસ નોંધપાત્ર છે. કૃતિલક્ષી વિવેચનની તાર્કિક તપાસ આ ક્ષેત્રમાં નવું જ્ઞાન, નવી દૃષ્ટિ આપશે, એવી તેમની સમજ અહીં વ્યક્ત થઈ ગઈ છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ માટે તેમણે ‘metacriticism’ શબ્દ યોજ્યો છે, તે પણ આપણા ધ્યાન બહાર ન જવો જોઈએ. બીજા જાણીતા સૌન્દર્યમીમાંસક મોરિસ વાય્ઝે આ વિવયની વ્યાખ્યા આ રીતે કરી છે: By ‘philosophy of criticism’, then, I mean the clarification of the conceptual apparatus of criticism. આ અંગે વધુમાં કહે છે: The truly big issues of criticism are in the logic of its concepts. Beneath the many procedures, doctrines, and disagreements of criticism are varying stnands of logical issues that must be delineated and separated before criticism can be understood and its problems resolved. મોરિસ વાય્ઝની આ વ્યાખ્યાવિચારણા તેમના ‘Hamlet and the Philosophy of Literary Critisim’ ગ્રંથની ભૂમિકામાં રજૂ થઈ છે. ગ્રંથનું પ્રયોજત સ્પષ્ટ કરતાં, ‘વિવેચન’ નામથી ઓળખાતી પ્રવૃત્તિનું તાત્ત્વિક સ્વરૂપ અને તેનું પાયાનું કાર્ય, એ જ તેમની તપાસનો ખરો વિષય રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. શેઇક્સ્પિયરની પ્રસિદ્ધ ટ્રેજડી ‘હૅમ્લેટ’ વિશે જુદા જુદા સમયના વિવેચકોએ લખેલાં વિવેચનોના આશયો અને લક્ષ્યો તેમ જ તેની પદ્ધતિઓ પાછળ તાર્કિકતાના જે પ્રશ્નો પડ્યા છે, તે તેમણે કઠોર તાર્કિક દૃષ્ટિએ સ્પષ્ટ કરી આપ્યા છે. તેઓ એમ માને છે કે વિશાળ જગતના વિવેચનસાહિત્યમાં આશયો પદ્ધતિઓ આદિનું જે કંઈ વૈવિધ્ય જોવા મળે છે, તે લગભગ બધુંય ‘હૅમ્લેટ’–વિષયક વિવેચનમાં પ્રતિબિંબિત થાય છે. ડ્રાયડન, જ્હોન્સન, કૉલરિજ, બ્રેડલી, અર્ન્સ્ટ જોન્સ, વિલ્સન નાઈટ, ટી. એસ. એલિયટ, લાયોનેલ ટ્રિલિંગ આદિ અનેક અગ્રણી વિવેચકોએ આ નાટક વિશે જે લખ્યું છે તેમાં તેની ‘ભાષા’ – તેનાં ‘વિધાનો’-ની તેમણે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મોન્રો બિયડ્ઝલીએ philosophy of criticism તરીકે જે ક્ષેત્રનો નિર્દેશ કર્યો છે તેમાં મોરિસ વાય્ઝની ચર્ચા વિશેષ પ્રસ્થાન કરતી દેખાશે. પણ માત્ર ‘હેમ્લેટ’નું વિવેચન જ શા માટે? જગતની જુદી જુદી પરંપરાઓમાં ખેડાઈ ચૂકેલા અને ખેડાતા જતા સાહિત્ય વિશે હવે વિશાળ વિવેચન લખાઈ ચૂક્યું છે. તેમાંયે સમૃદ્ધ સંકુલ અને ગહન રહસ્ય ધરાવતી કૃતિઓને અનેક વિદ્વાનોનાં અવલોકનો મળ્યાં છે. જેમ જેમ સાહિત્યિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભો બદલાતા ગયા છે, તેમ તેમ વિદ્વાનો અને વિવેચકોની કળા અને સૌન્દર્ય વિશેની સમજ બદલાતી રહી છે, તેના કાર્ય વિશેની અપેક્ષા બદલાતી રહી છે. સાથે જ તેના સ્પષ્ટીકરણ અને અર્થઘટનની પ્રવૃત્તિઓ અને તેની પરિભાષાઓ પણ અદલાતી રહી છે. ‘હેમ્લેટ’, ‘બ્રધર્સ કારમઝોવ’, ‘માદામ બોવરી’, ‘ધ કેસલ’, ‘ધ યુલિસિસ’ અને ‘આઉટસાઈડર’ જેવી કૃતિઓને જે રીતે વિવેચનો મળ્યાં, તેમાં વિવેચનના મૂળભૂત પ્રશ્નોનો ઘણો મોટો વ્યાપ પડ્યો છે. આપણા સાહિત્યમાંથી નિર્દેશ કરવો હોય તો ‘સરસ્વતીચન્દ્ર’, ‘વસંતવિજય’, ‘વિશ્વગીતા’, ‘અવિભક્ત આત્મા’, ‘રાઈનો પર્વત’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘મરણોત્તર’ વગેરે કૃતિએની આસપાસ લખાયેલું વિવેચન પણ ઘણા રસપ્રદ મુદ્દાને સ્પર્શે છે. જોકે પાશ્ચાત્ય વિવેચનની ગહનતા, સંકુલતા અને વૈવિધ્ય આપણે ત્યાં સિદ્ધ થયાં નથી; તેમ, ત્યાંની વિવેચનપદ્ધતિ કે તેની સૈદ્ધાંતિક ભૂમિકાઓ વિશે ય ઝાઝી અભિજ્ઞતા આપણે ત્યાં કેળવાઈ નથી. કૃતિલક્ષી વિવેચન, હકીકતમાં, પ્રથમ નજરે દેખાય છે તેથી અનેક ઘણી સંકુલ પ્રવૃત્તિ રહી છે. વિવેચ્ય કૃતિ જેમ વધુ સંકુલ સમૃદ્ધ અને બહુપાર્શ્વી, તેમ તેનાં સ્પષ્ટીકરણો કે અર્થઘટનોમાંય ફેર પાડવાનો, અને જુદા જુદા અભિગમોથી તેનો વિચારવિમર્શ થતો રહેવાનો. વિવેચકો જો સંવેદનપટુ હશે, બહુશ્રુત હશે, સૂક્ષ્મ ગ્રહણશક્તિ ધરાવતા હશે, તો પોતાના પ્રતિભાવની સ્વચ્છ સુરેખ આકૃતિ રચવા તે પ્રયત્ન કરશે, તે સાથે જ અર્થઘટનનું અને સંભવત: મૂલ્યાંકનનું કાર્ય પણ ઉપાડી લેશે. આવે પ્રસંગે તે જે વિવેચનાત્મક ભાષા પ્રત્યોજશે, તેમાં highly developed sets of vocabulariesનું અનુસંધાન થયું હશે. વિવેચન પ્રવૃત્તિનો એક વિરોધાભાસ એ છે કે દરેક કળાકૃતિ અ-પૂર્વ ભાવપરિસ્થિતિ, કે અ-પૂર્વ વર્ણ્ય વિષય લઈને આવે છે; છતાં તેના પ્રબોધ અને આકલનમાં, તેના અર્થઘટન અને મૂલ્યાંકનમાં, વિવેચનની ઘણું ખરું રૂઢ પરિભાષા યોજાતી રહે છે. એ ખરું કે, જાગ્રત વિવેચક પોતાની પરિભાષાને વારંવાર સ્પષ્ટ કરી આપતો હોય છે, અથવા મહત્ત્વની સંજ્ઞાઓથી પોતાને ખરેખર શું અભિપ્રેત છે તેને લગતી ટીકાટિપ્પણી કરી લેતો હોય છે; પણ આ જાતનું સ્પષ્ટીકરણ હંમેશાં તે કરે જ એમ બનતું નથી, કદાચ એટલું જરૂરી પણ નથી. મહત્ત્વની વાત એ છે કે અનેક વિદ્વાનોને હાથે સતત નવા અર્થસંસ્કારો કે સાહચર્યો પામીને વિવેચનની પાયાની સંજ્ઞાઓ અતિ સંકુલ બનતી રહે છે; બલકે, કેટલીક વાર તેમાં પરસ્પરભિન્ન કે વિરોધી અર્થચ્છાયાઓ પણ એકત્ર થઈ જાય છે. Romantic-Romanticism, Symbolism, Form, Plot, Expression, Style, Tragic-Tragedy, Myth, Fiction જેવી અસંખ્ય સંજ્ઞાઓ હવે અતિ સંકુલ સંજ્ઞાઓ બની ચૂકી છે. વિવેચનના જુદા જુદા સિદ્ધાંતની ચર્ચાવિચારણામાં તેની વ્યાખ્યાઓ થતી રહી હોય છે કે તેના અર્થોની સ્પષ્ટતા કરવામાં આવી હોય છે. પણ કૃતિવિવેચનમાં વિવેચક આ પૈકીની એક યા બીજી સંજ્ઞા પ્રયોજે ત્યારે તેને એથી ખરેખર શું અભિપ્રેત છે તે જો લક્ષ્યમાં લેવામાં ન આવે તો તરત ગૂંચવાડો થાય એમ બને. કેટલીક વાર વળી વિવેચકને નવી પરિભાષા રજૂ કરતો જોઈ શકાશે. એલિયટમાં પ્રયોજાયેલી Objective Correlative કે First Voice જેવી સંજ્ઞાઓ એ રીતે તરત ધ્યાનપાત્ર બને છે. આપણે ત્યાં નવલરામે ગ્રંથવિવેચનની પ્રવૃત્તિ પ્રથમ વાર વ્યવસ્થિત રીતે આરંભી, ત્યારે તેમની પાસે વિવેચનની પરિભાષા તૈયાર નહોતી. એટલે જુદા જુદા સ્વરૂપની કૃતિઓની ચર્ચાવિચારણા નિમિત્તે ‘સર્વાનુભવી રસ’, ‘કાર્યપ્રકાશ’, ‘અર્થલક્ષી બંધ’, ‘એકાગ્ર શૈલી’, ‘સર્વાંગદૃષ્ટિવાળી શૈલી’, ‘ગ્રંથસંકલના’ જેવી અનેક પરિભાષા તેમણે પાતે રચી કાઢી હતી. મુનશીએ પણ પોતાની ગ્રંથચર્ચા/ગ્રંથકારચર્ચામાં ‘સરસતા’ ‘સચેટતા’, ‘ઉલ્લાસ’ જેવી નવી સંજ્ઞાઓ ઘડી હતી. વિષ્ણુપ્રસાદે વળી ‘પ્રતિરૂપ’ જેવી સંજ્ઞા આપી હતી. એ રીતે આપણા કૃતિ/કર્તાલક્ષી વિવેચનની બધી જ પાયાની સંજ્ઞાઓનો અભ્યાસ કરવા જેવો છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે, કૃતિવિવેચનમાં સતત ગૂંથાતી આવતી પરિભાષાઓ પાછળ ઘણી લાંબી પરંપરા હોય છે, અને એની પાછળ એક યા બીજી સૈદ્ધાંતિક ભૂમિકાનું અનુસંધાન હોઈ શકે છે. અને, એટલે જ, કોઈ પણ અગ્રણી વિવેચકના વિવેચનનું હાર્દ પકડવું હોય, તો તેની સંજ્ઞાઓનું તાર્કિક સ્પષ્ટીકરણ અનિવાર્ય છે. વિવેચકના પોતાના યુગની, ખાસ તો તેના પોતાના દર્શન-ચિંતનના કે તેની સૈદ્ધાંતિક વિચારણાઓના પ્રકાશમાં તેની અર્થચ્છાયાઓ સ્પષ્ટ કરી આપવી જોઈએ. કૃતિ કે કર્તા વિશેનાં વિવેચનોમાં વળી જુદા જુદા આશયો અને લક્ષ્યોને અનુરૂપ જુદી જુદી પદ્ધતિઓ (કે અભિગમો કે પરિપ્રેક્ષ્યો) અને પ્રક્રિયાઓનો સ્વીકાર થતો રહ્યો છે. કેટલાક વિદ્વાનો વિવેચનના મુખ્ય કાર્ય લેખે મૂલ્યાંકનનો સ્વીકાર કરતા નથી, તેઓ માત્ર અર્થઘટન કે સ્પષ્ટીકરણ આગળ જ થંભી જવા ચાહે છે. બીજા વિદ્વાનો કૃતિનું મૂલ્યાંકન એ જ વિવેચકનું ખરું કામ છે એમ ગણી મૂલ્યાંકનમાં રોકાય છે. કેટલીક વાર સાહિત્યકૃતિઓના મર્મને ખુલ્લો કરવા ફ્રોય્ડ કે માર્ક્સની વિચારસરણીઓનોે આધાર લેવાયેલો જોવા મળશે. વિવેચનની પ્રવૃત્તિને સાહિત્યિક અને સાંસ્કૃતિક મૂલ્ય પ્રાપ્ત થતું ગયું, તેથી તેનું વ્યવસ્થિત શાસ્ત્ર રચવાના પ્રયત્નોય થયા છે. સાહિત્યપદાર્થને જુદા જુદા દૃષ્ટિકોણથી સમજવાના પ્રયત્નો થતા રહ્યા હતા, તેને પરિણામે વિવેચનમાંય જુદી જુદી પદ્ધતિઓ જન્મી છે, ઐતિહાસિક, સ્વરૂપવાદી, આકારવાદી, મનોવૈજ્ઞાનિક, સામાજિક-સાંસ્કૃતિક, પુરાણશાસ્ત્રીય, ભાષાશાસ્ત્રીય, અને સંરચનાવાદી – એમ અનેક દૃષ્ટિએ વિવેચન-અધ્યયનનું કામ ચાલતું હવે જોવા મળે છે. વિશાળ અભ્યાસશીલતાનો વિવેચનમાં હવે સઘનપણે યોગ થવા લાગ્યો છે. પણ, કોઈ એક અતિ સંકુલ અને સમૃદ્ધ કૃતિ વિશે જુદી જુદી પદ્ધતિએ વિવેચન-અધ્યયન કરવામાં આવ્યું હોય, અને જુદા જુદા અભિગમથી વિચારતાં કૃતિનાં જુદાં જુદાં અર્થઘટનો થતાં રહ્યાં હોય, કે જુદી જુદી રીતે સ્પષ્ટીકરણ મળ્યાં હોય, તો આવાં અર્થઘટનો અને સ્પષ્ટીકરણોના મતભેદનું તાર્કિક નિરાકરણ શક્ય છે કે કેમ, એ એક મોટો પ્રશ્ન છે. આવું દરેક અર્થઘટન બીજા અર્થઘટનનો ખરેખર છેદ ઉડાડે છે કે તેની પરિપૂર્તિ કરે છે? કે એમાં એક યા બીજું અર્થઘટન જ પ્રમાણભૂત છે? આ જાતના પ્રશ્નો ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’માં આવતા પ્રશ્નો છે. ખરો મુદ્દો તો એ છે કે બે જુદી જુદી પદ્ધતિ સ્વીકારીને ચાલનારા વિવેચકો—દા. ત., ઐતિહાસિક અને આકારવાદી વિવેચકો—જ્યારે અમુક એક સાહિત્યકૃતિ સાથે કામ પાડે છે, ત્યારે એ બંને કૃતિના મૂળ ‘રહસ્ય’ને સ્પષ્ટ કરવા આતુર છે પણ તે કોઈ કૃતિમાં પડેલી નિરપેક્ષ વસ્તુ છે કે કેમ, એ જ પાયાનો પ્રશ્ન છે. બીજી રીતે કહીએ તો, એ બંને સાહિત્યપદાર્થને – સાહિત્યના અંતસ્તત્ત્વ (essence)ને - એકરૂપ સમજે છે કે જુદું જુદું, બંનેની સાહિત્યની વિભાવના એક જ છે કે જુદી જુદી, બંને સાહિત્યનું મૂલ્ય એક જ સ્થાનમાં જુએ છે કે જુદા જુદા, તે બધા મૂળભૂત પ્રશ્નો છે. સૌને વિદિત છે કે ચુસ્તપણે ઐતિહાસિક અભિગમ લઈને ચાલનારા વિવેચક, કૃતિનું જે કંઈ ‘રહસ્ય’ છે (જે કંઈ મુખ્યાર્થરૂપ છે, જે કંઈ હાર્દરૂપ છે) તેને કૃતિના/કર્તાના ‘ઐતિહાસિક સંયોગો’થી સ્પષ્ટ કરી આપી શકાય, એમ ગૃહીત કરતો હોય છે. એટલે જ તે કર્તાનું મનોરાજ્ય, કૃતિના જન્મની નિમિત્ત પરિસ્થિતિ, સામાજિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંયોગો, પરંપરા, એ બધાંનો આધાર લઈ કૃતિનું ‘રહસ્ય’ સ્પષ્ટ કરવા પ્રવૃત્ત થાય છે. આપણે ત્યાં બ. ક. ઠાકોરે સાક્ષરશ્રી ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચન્દ્ર’ની કરેલી વિવેચના આ જાતનું જ્વલંત દૃષ્ટાંત છે. આ જાતના વિવેચકો જે તે સાહિત્યકૃતિને ઐતિહાસિક સામાજિક એવાં અસંખ્ય પરિબળોની નીપજ લેખવે છે, અને એમના વિવેચનમાં કાર્યકારણભાવે કૃતિને તેનાં બાહ્ય પરિબળો કે ઘટકો સાથે સાંકળી આપવાના પ્રયત્નો કરે છે. બીજી બાજુ, આકારનિર્મિતિ એ જ કળાનું જીવિત છે એમ માનનાર વિવેચક કૃતિને તેના ઐતિહાસિક સંયોગોથી અલગ કરી તેને એક સ્વતંત્ર, સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત સૃષ્ટિરૂપે જુએ છે. કૃતિનું ખરું ‘રહસ્ય’ તેની આકૃતિમાં જ નિહિત રહ્યું છે એમ તે સમજે છે. ઐતિહાસિક કારણોથી બહુ બહુ તો કૃતિના કેટલાક ‘બાહ્ય’ અંશો સમજાવી શકાય. પણ કૃતિનું જે કંઈ સાચું ‘રહસ્ય’ છે, તે એ રીતે સમજાવી શકાય જ નહિ, એમ તે માને છે. એટલે, કૃતિના અર્થઘટન કે સ્પષ્ટીકરણમાં તે ‘ઐતિહાસિક કારણોને વચ્ચે લાવતો નથી. કૃતિની ભાષા, અભિવ્યક્તિરીતિ, અને સમગ્ર સંરચના પર જ તેની નજર ઠરી હોય છે. આમ ઐતિહાસિક અને આકારવાદી વિવેચક, જો પોતાની પદ્ધતિ વિશે પૂરેપૂરો સ્પષ્ટ અને અભિજ્ઞ હોય તો, સાહિત્ય વિશેની આગવી વિભાવના સ્વીકારીને આરંભ કરે છે, અને બંનેના સ્પષ્ટીકરણ અને અર્થઘટનમાં તેમ મૂલ્યાંકનમાં જુદાં જ ધોરણો તે લેખે લગાડવા ચાહે છે, એમ તરત જોઈ શકાશે. આ રીતે સામાજિક-સાંસ્કૃતિક અભિગમ લઈને ચાલનારા વિવેચકો પણ સાહિત્યના સ્વરૂપ વિશે કંઈક ભિન્ન સમજ લઈને ચાલતા હોય છે, સાહિત્ય પાસેથી જુદી જ અપેક્ષા તેઓ કેળવી રહ્યા હોય છે, એમ જોઈ શકાશે. માર્ક્સવાદી અભિગમથી ચાલનારા વિદ્વાનોની સાહિત્ય અને સાહિત્યકાર પાસે વળી જુદી જ અપેક્ષા છે. તેઓ એ વિશે જુદા જ ખ્યાલો લઈને ચાલે છે. તેમનાં વિવેચનોમાં મૂલ્યાંકનનાં ધોરણો જુદાં જ છે; અથવા, તેમાં અગ્રતાક્રમ નિરાળો જ છે, એમ પણ તરત દેખાઈ આવશે. મનોવૈજ્ઞાનિક, પુરાણશાસ્ત્રીય, કે ભાષાશાસ્ત્રીય—એ જાતના ભિન્ન ભિન્ન અભિગમ સ્વીકારનારા અભ્યાસીઓ વળી જ્યારે બીજી વિદ્યાશાખાઓની ઉપલબ્ધિઓને વિવેચનના કાર્યમાં લેખે લગાડવા પ્રવૃત્ત થાય છે, ત્યારે સાહિત્યકૃતિને સાધન ગણે છે કે સાધ્ય. તે પ્રશ્ન ય મહત્ત્વનો બની રહે છે. એક રીતે, વિવેચક માટે આ કે તે પદ્ધતિનો સ્વીકાર, એ માત્ર યાદૃચ્છિક બાબત રહેતી નથી; પણ સાહિત્યકળાનું તાત્ત્વિક સ્વરૂપ, તેનું કાર્ય, અને તેના મૂલ્યબોધ વિશેની આગવી સમજનો એ પ્રશ્ન બની રહે છે; એટલે જ આ સર્વ વિવેચનાપદ્ધતિઓ, તેના આશયો, અને લક્ષ્યોની તાત્ત્વિક તપાસ અનિવાર્ય બની રહે છે. કૃતિઓનાં મૂલ્યાંકનોની પ્રવૃત્તિ, લગભગ અનિવાર્યપણે, અર્થઘટનો અને સ્પષ્ટીકરણો જોડે સંકળાતી રહી હોવા છતાં, તાત્ત્વિક સ્તરે અલગ તારવીને, તેને વિશે વિચારી શકાય. કૃતિના મૂલ્યાંકનના પ્રશ્નો, અલબત્ત, અતિ જટિલ અને અટપટા પુરવાર થયા છે. તેમાં જે રીતે critical argument રજૂ થતાં હોય છે, તેની તાર્કિકતા ય ચકાસી જોવાની રહે છે. તેની પાછળ કોઈ ચોક્કસ નિયમ કે નિયમો પડ્યા છે કે કેમ, તે અતિ મહત્ત્વના પ્રશ્નો બની રહ્યા છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ ખેડવા ઉત્સુક એવા સૌન્દર્યમીમાંસકો આ રીતે વિવેચનની પરિભાષા, પદ્ધતિઓ, આશયો, દલીલો જેવી બાબતોનો તાર્કિક અને તાત્ત્વિક સ્તરેથી વિચાર આરંભે છે. વિવેચનનાં વિધાનો-વિવેચનની ‘ભાષા’-એ જ તેમનું locus standi બની રહે છે, એ જ તેમની ‘પ્રાથમિક હકીકત’ બની રહે છે. ‘સાહિત્યવિવેચન’ સંજ્ઞાની વ્યાખ્યા મોન્રો બિયડ્ઝલી આ રીતે કરે છે: ‘Statements about literary works are called literary criticism.’ મોરિસ વાય્ઝની વ્યાખ્યા પણ આ રીતે ધ્યાનપાત્ર છે: ‘Criticism is a form of studied discourse about works of art. It is a use of language primarily designed to facilitate and enrich the understanding of art.’ કળાકૃતિ વિશેના કેવળ લાગણીજન્ય ઉદ્ગારો કે સહજ ઉચ્ચારણઓ કંઈ ‘વિવેચન’ નથી; વિવેચન તો સ્પષ્ટ ભાષાકીય ‘વિધાનો’નું બનેલું છે. મોરિસ વાય્ઝ તો ‘વિવેચન’ને સ્પષ્ટપણે ‘studied discourse’ તરીકે ઓળખાવે છે. કશાક અંતિમ ઉદ્દેશને લક્ષમાં રાખી ચાલતી એ વિચારવિમર્શની અધ્યયનની પ્રવૃત્તિ છે. બૌદ્ધિક વિશ્લેષણોનું એમાં ગાઢ અનુસંધાન છે. વિવેચકને જે કંઈ કહેવાનું છે, તે તેનાં ભાષાકીય વિધાનોમાં વ્યક્ત થાય છે. વિવેચનાત્મક લખાણની બારીક તપાસ કરતાં જણાશે કે વિવેચ્ય કૃતિ વિશેનાં એમાં અમુક નર્યાં વર્ણનાત્મક વિધાનોય હોય છે, અમુક સ્પષ્ટીકરણ કે અર્થઘટનાત્મક એવાં વિધાન પણ હોય છે, બીજાં મૂલ્યવાચક પણ હોય છે. આ સર્વ વિધાનોના સમવાયરૂપે આપણને વિવેચનનું લખાણ મળતું હોય છે. વળી જ્યાં કૃતિનાં મૂલ્યાંકન રજૂ કરતાં સ્પષ્ટ વિધાનો ન હોય, ત્યાં પણ મૂલ્યવાચક સંજ્ઞાનો કે પરિભાષાઓનો પ્રયોગ ધ્યાનપાત્ર હોય છે. વારંવાર રહસ્યનું સ્પષ્ટીકરણ કે અર્થઘટન સ્વયં કૃતિની મહત્તા તરફ નિર્દેશ કરતું હોય છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ એ એક વિકસતો વિષય છે. એની ક્ષેત્રમર્યાદા હજી એટલી સ્પષ્ટ થઈ હોય એમ જણાતું નથી. વિવેચનનાં વિધાનોનું સ્પષ્ટીકરણ કે ચકાસણી કોઈ નિરપેક્ષ રૂપમાં સંભવે નહિ. એમાં જુદી જુદી પદ્ધતિ અને પ્રક્રિયાના પ્રશ્નો ય જોડાઈ જાય છે, અને કોઈક તબક્કે કૃતિનો સંદર્ભ પણ પ્રસ્તુત બની રહે છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ના ક્ષેત્રમાં જે જાતના પ્રશ્નો ચર્ચાવા લાગ્યા છે, તેને સામાન્ય રીતે નીચે પ્રમાણે અલગ કરીને ગોઠવી શકાય: (1) કૃતિવિવેચનમાં પ્રયોજાતી પાયાની સંજ્ઞાઓનું તાર્કિક સ્પષ્ટીકરણ. (2) વિવેચન અને સાહિત્યશાસ્ત્ર કે સૌંદર્યમીમાંસા વચ્ચેના સંબંધના પ્રશ્નો. (3) કૃતિ વિશેના aesthetic judgementનું તાર્કિક સમર્થન કરવાની બાબતના પ્રશ્નો. (4) કૃતિ વિશેનાં મતમતાંતરો(disagreements)નું સ્વરૂપ અને તેના તાર્કિક સ્પષ્ટીકરણના પ્રશ્નો. (5) વિવેચનની અંતર્ગત ‘વર્ણન’ ‘અર્થઘટન’ (કે ‘સ્પષ્ટીકરણ’) અને ‘મૂલ્યાંકન’ના પ્રશ્નો, સાહિત્યશાસ્ત્ર કે સૌંદર્યમીમાંસા જોકે તેનો સંબંધ (6) વિવેચનના જુદા જુદા ‘વાદો’(schools)થી જન્મતી જુદી જુદી પદ્ધતિઓ, આશયો અને તેના ભિન્ન ફલિતાર્થના પ્રશ્નો. (7) કૃતિનાં મૂલ્યાંકન અર્થે સ્વીકારાયેલાં જુદાં જુદાં ધોરણો અને કસોટીઓનું સ્વરૂપ અને સ્થાન. (8) Critical argumentનું તાર્કિક સ્વરૂપ અને વિવેચનમાં તેનું સ્થાન. અહીં આપણે આ સર્વ મુદ્દાઓની આસપાસ ઊભા થતા નાનામોટા બધા પ્રશ્નોને સ્પર્શી શકાશું નહિ, પણ આ નવો વિષય કઈ દિશામાં ગતિ કરવા ચાહે છે તેનો કંઈક અણસાર મળે તે દૃષ્ટિએ, થોડાક મહત્ત્વના પ્રશ્નો તરફ અંગુલિનિર્દેશ કરીશું. આપણે આ લખાણમાં અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, વિવેચનમાં યોજાતી પાયાની સંજ્ઞાઓ અને વિભાવના સુવિકસિત અને સંકુલ રૂપની હોય છે, એટલે તેનું તાર્કિક સ્પષ્ટીકરણ કે નિરાકરણ એ અગત્યની બાબત બની રહે છે. કૃતિ વિશેના મતભેદો આવી સંજ્ઞાઓમાં વ્યક્ત થાય છે કે એવી સંજ્ઞાઓના ઉપયોગમાંથી જન્મે છે. આપણે અગાઉ એમ પણ નિર્દેશ કર્યો છે કે, ઘણું ખરું આ સંજ્ઞાઓ સાહિત્યના સિદ્ધાંતની કોઈક ભૂમિકા સાથે સંકળાયેલી હોય છે. ‘આકાર’ (Form) સંજ્ઞાનો ઉપયોગ આપણા વિવેચનમાં કેવા દેવા અર્થમાં થયો, એ દરેક સંદર્ભમાં તેનો શો અર્થ અભિપ્રેત હતો, અને જે તે વિવેચકના critical apparatusમાં તેનું શું સ્થાન હતું, તે વિચારવા જેવી બાબત છે. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાને ‘આકાર’ મળ્યો છે કે નહિ, એ પ્રશ્નને રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, આ આનંદશંકર ધ્રુવ, ડોલરરાય માંકડ, વિશ્વનાથ ભટ્ટ, સુરેશ જોષી – સૌ કેવી કેવી રીતે વિચારે છે, તે જોતાં સમજાશે કે ‘આકાર’ સંજ્ઞાનો પ્રયોગ એ કોઈ માત્ર પ્રાસંગિક વસ્તુ નથી. કળાવિવેચનની ભિન્ન ભિન્ન દૃષ્ટિના પ્રશ્નો એમાં સંકળાયેલા છે. રામનારાયણ, વિષ્ણુપ્રસાદ કે સુરેશ જોષી – દરેક વિવેચકની વિશિષ્ટ સાહિત્યવિચારણામાં ‘આકાર’નો અર્થ અને તેના સ્થાનનો પ્રશ્ન અહીં ઊભો થાય છે. કૃતિવિવેચનના મતભેદો, આમ, અનેક વાર સાહિત્યિક વિભાવનાઓ સુધી વિસ્તરી રહે છે, એ વાત આપણે સતત સ્મરણમાં રાખવી જોઈએ. Tragedy – Tragic જેવી પાશ્ચાત્ય વિવેચનની સંજ્ઞા પણ આ રીતે ધ્યાનપાત્ર છે. કાન્તનાં ખંડકાવ્યોમાં વ્યક્ત થતા કરુણનું સ્વરૂપ કેવું છે, તે વિશે પ્રો. મનસુખલાલ ઝવેરી જે કહે છે, તેથી કંઈક જુદી જ રીતે, અને વધુ સ્પષ્ટ રૂપે, ડૉ. હરિવલ્લભ ભાયાણી કહે છે. અહીં પ્રશ્ન માત્ર કરુણ-tragicના સ્વરૂપનો જ નથી; એ નિમિત્તે સર્જાતી કૃતિઓનાં ઘટકતર્ત્ત્વેના વિશ્લેષણનો પ્રશ્ન પણ છે. ‘વસંતવિજય’માં tragic-નું તત્ત્વ છે, એમ બતાવતાં પ્રો મનસુખલાલ ઝવેરી જે રીતે એનું વિશ્લેષણ કરે છે, તેથી ડૉ. ભાયાણી જુદી રીતે વિશ્લેષણ કરે છે. વધુ યથાર્થ રીતે કહીએ તો પ્રસ્તુત કૃતિની મુખ્ય ઘટના, પાત્ર, પ્રસંગ અને ભાવસંદર્ભોને આ બન્ને વિદ્વાનો જુદી જુદી રીતે ઉપસાવી આપે છે. વિવેચનના ક્ષેત્રમાં આ રીતે પાયાની લગભગ બધી જ સંજ્ઞાઓ તાર્કિક વિશ્લેષણ માગે જ છે. આશ્ચર્યની વાત તો એ છે કે, એકની એક કૃતિ/કર્તા માટે classical અને Romantic-નાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે! એટલે, એ સંજ્ઞાઓથી જે તે વિવેચકને ખરેખર શું અભિપ્રેત છે તે તપાસી જોવાનું રહે. ‘નવલકથા’ ‘લઘુનવલ’ ‘ટૂંકી વાર્તા’ ‘ઍબ્સર્ડ નાટક’ જેવી સ્વરૂપલક્ષી સંજ્ઞાઓ પણ દરેક વિવેચકના મનમાં જુદો જ ખ્યાલ ધરાવતી હોય, દરેકને વિશે જુદી જ અપેક્ષા હોય, એ પણ સમજાય તેવું છે. ‘આધુનિક’–‘આધુનિકતાવાદ’, ‘પ્રતીકવાદ’, ‘અતિવાસ્તવવાદ’ જેવી સંજ્ઞાઓ મૂળથી જ વિવાદાસ્પદ રહી છે. એટલે વિવેચનમાં આવતી આવી સંજ્ઞાઓથી વિવેચકને પોતાને શું અભિપ્રેત છે તે જો પૂરેપૂરું સમજી શકાય, તો કૃતિવિવેચનમાં પ્રગટ થતા મતભેદ એ મૂળ સૈદ્ધાંતિક ભેદ છે, એ વાત સમજવામાં ઝાઝી મુશ્કેલી નહિ પડે. કૃતિવિવેચન અને સાહિત્યશાસ્ત્ર (કે સૌંદર્યમીમાંસા)ના પરસ્પર સંબંધના પ્રશ્નો ય એટલા જ જટિલ અને દુર્ગ્રાહ્ય છે. અલબત્ત, જે વિવેચક પૂરતી સમજ ધરાવે છે, તે કૃતિવિવેચનમાં આ કે તે સાહિત્યસિદ્ધાંતને નરી યાંત્રિકતાથી લાગુ પાડતો નથી. દરેક સાહિત્યકૃતિ એક વિશિષ્ટ રચના છે, એના આગવા નિયમ પ્રમાણે તે અસ્તિત્વમાં આવી છે, એમ તે સમજે છે. પણ દરેક કૃતિની ‘અૂપર્વતા’ તે કોઈ ગૂઢ અનિર્વચનીય અંશ નથી. તાર્કિક વિશ્લેષણમાં એ પૂરો ઝીલી ન શકાય તે સાચું, પણ કૃતિના સમુચિત વિશ્લેષણ દ્વારા તેનો સંકેત જરૂર કરી શકાય કે તેની ઝાંખી પણ રજૂ કરી શકાય. અને એ રીતે જે કંઈ ‘અપૂર્વ’ છે, તેને સમજવાની દિશામાં વિશ્લેષણ-સંયોજનની પ્રક્રિયા કામે લગાડી શકાય. હકીકત એ છે કે કળાકૃતિ વિશે વિવેચક આસ્વાદની ક્ષણોમાં જે કંઈ ભાવ કે પ્રતિભાવ અનુભવે છે, તે ક્ષણે તે કંઈ સ્પષ્ટ ભાષાકીય વિધાનોમાં વ્યક્ત બની ચૂક્યો હોતો નથી. અથવા એમ કહી શકીએ કે આરંભમાં એ ક્ષણે કૃતિવિષયક ભાવ-પ્રતિભાવનો અલ્પાંશ જ ભાષાકીય વિધાનોરૂપે પકડાયો હોય છે. અને વિવેચક જ્યારે એ સમગ્ર આંતરિક ભાવબોધનું આકલન કરવા પ્રવૃત્ત થાય છે, તેનું encountering શરૂ કરે છે, ત્યાં તે કોઈને કોઈ concept કે category કે principle-થી અસંપ્રજ્ઞાતપણે કે અર્ધસંપ્રજ્ઞાતપણે દોરાતો હોય છે. કૃતિને નિ:શેષ સમજવાના તેના પ્રયત્નમાં, અમુક ચોક્કસ રીતે તે પોતાના અનુભવનું વિશ્લેષણ કરે છે, અને ત્યાં જ કળાવિષષક તેની માન્યતા કે ગૃહીત છતાં થાય છે. કૃતિ સમગ્રની કે તેના દરેક પાસાની ચર્ચામાં તે જે રીતે મુદ્દો ઉપાડે છે તેમાં, તે જે રીતનાં વિધાનો કરે છે તેમાં, સંજ્ઞાઓ કે પરિભાષાઓ કે વિભાવનાઓના તેના વિનિયોગમાં, તેની દલીલમાં, એમ સર્વ સ્તરે કળાવિષયક ગૃહીતો જ કામ કરતાં હોય છે. કૃતિવિવેચન કરતાં વિવેચક પોતાની સૈદ્ધાંતિક ભૂમિકા સ્પષ્ટ કરતો જતો હોય એવાં અનેક દૃષ્ટાન્તો વિવેચનના ઇતિહાસમાં મળી આવે છે. નવલરામ, બળવંતરાય, વિશ્વનાથ, વિષ્ણુપ્રસાદ જેવાનું વિવેચન આ જાતની ઓછીવત્તી સૈદ્ધાંતિક ચર્ચાઓથી પુષ્ટ થતું જણાશે. જોકે વિવેચક માટે આવી ભૂમિકા રજૂ કરવી એ અનિવાર્ય નથી. કૃતિવિવેચનના ઇતિહાસમાં, કૃતિની અંતર્ગત ચાલેલી સૈદ્ધાંતિક વિચારણા, અલબત્ત, કૃતિથી નિરપેક્ષ રીતે પણ તાત્ત્વિક વિવાદનો વિષય બની શકે. પ્રસ્તુત મુદ્દો એ છે કે, કૃતિવિવેચનમાં સાહિત્યશાસ્ત્રનું અને કંઈક પરોક્ષ રીતે સૌંદર્યમીમાંસાનું bearing હોય છે જ. હેરોલ્ડ ઓસ્બોર્ને પોતાના ‘Aestheties and Criticism’ ગ્રંથમાં આ વાત બહુ સારી રીતે સ્પષ્ટ કરી છે. મોનરો બિયર્ડ્ઝલી, સ્તોલ્નિઝ અને મોરિસ વાય્ઝ એ સર્વ સૌંદર્યમીમાંસકો આ વાતનું ફરી ફરીને સમર્થન કરતા રહ્યા છે. અમુક કૃતિ ખરેખર કળાત્મક બની છે કે કેમ, ખરેખર કળાનું મૂલ્ય ધરાવે છે. હું કેમ, કળાદૃષ્ટિએ મહત્ત્વની છે કે કેમ, આ જાતના પ્રશ્નોના નિર્ણયને લગતા પ્રશ્નો ય એટલા જ ગૂંચવણભર્યાં રહ્યા છે. આ કે તે કૃતિ ખરેખર કળાત્મક છે એ જાતનું aesthetic judgment, અને એ કળાત્મક છે એમ બતાવવા રજૂ થતી દલીલ (critical argument): એ બે વચ્ચે પણ કોઈ ચોક્કસ તાર્કિક સબંધ રહ્યો છે કે કેમ એ અતિ કૂટ પ્રશ્ન છે. સામાન્ય સમજ તો એવી છે કે કૃતિનું સાચું કળાત્મક રહસ્ય (કે મૂલ્ય) કેવળ સહૃદય ‘સ્વસંવેદન’રૂપે જ પ્રમાણી શકે, કેવળ આંતરિક પ્રતીતિરૂપે જ તે પામી શકે; એ સિવાય કોઈ તાર્કિક પ્રમાણ એને સિદ્ધ કરી આપી શકે નહિ. આ કે તે કૃતિમાં aesthetic valueનો અનુભવ થાય છે, એની ખાતરી કરાવવા કોઈ તાર્કિક સિદ્ધાંત ખપ લાગતો નથી, કોઈ તાર્કિક પ્રક્રિયા કામયાબ નીવડતી નથી. કળાકૃતિમાં જે કંઈ રહસ્યભૂત છે, તે તાર્કિકલ પ્રમાણોથી પર એવી વસ્તુ છે. અને છતાં, વિશાળ વિવેચનસાહિત્યમાં કૃતિના મૂલ્યબોધનું સમર્થન કરતા જવાનું નિરંતર વલણ રહ્યું જ છે: આ સાહિત્યકૃતિમાં કવિએ જીવનનું ગહન ‘દર્શન’ રજૂ કર્યું છે, આ નવલકથા માનવજીવનનાં ગહન રહસ્યો ખુલ્લાં કરી આપે છે, આ ખંડકાવ્યનું રચનાશિલ્પ ઉત્કૃષ્ટ છે, આ નવલિકાની રચનાશૈલી અત્યંત પ્રભાવક છે, આ કવિતા સંકુલ સંવેદન મૂર્ત કરી આપે છે, આ નિબંધમાં ભાષાનોે સર્જનાત્મક સ્તરે વિનિયોગ થયો છે, આ નાટક સ્વયં એક પ્રતીકાત્મક વિશ્વ બની રહે છે, વગેરે વગેરે. આમ અસંખ્ય રીતની દલીલો રજૂ થતી રહે છે. સમૃદ્ધ કૃતિ માટે આવી એકથી વધુ દલીલોને અવકાશ મળી રહે છે. એ જ રીતે નિર્બળ કે નિષ્ફળ કૃતિ વિશેય જુદી જુદી રીતે દલીલ થાય છે, થઈ શકે. વિવેચક પ્રસ્તુત કૃતિ વિશે, કદાચ, સમર્થનમાં કે વિરોધમાં બધાં કારણો ન મૂકે, માત્ર એકબે સબળ કારણો જ નોંધે એમ પણ બને. પણ આ જાતની દલીલ પોતે કૃતિનું મૂલ્ય સ્થાપી શકે નહિ, તેનો સંકેત માત્ર કરી શકે, વિવેચકે જે રીતે કૃતિને જોઈ છે, જે ધોરણ કે ધોરણો નજરમાં રાખી જોઈ છે, એ રીતે જોતાં બીજા સહૃદયને પણ એની પ્રતીતિ થાય, થઈ શકે, એ જાતનું એ persuasion માત્ર છે. ‘હેમ્લેટ’ નાટકની કલાત્મક સિદ્ધિના સમર્થનમાં વિદ્વાનોએ જુદે જુદે સમયે કેટકેટલાં કારણો આપ્યાં છે, કેટકેટલા અભિગમોથી વિચારી જોયું છે, તે મોરિસ વાય્ઝે ઉપર નિર્દેશેલા ગ્રંથમાં વિગતે ચર્ચ્યું છે. એ ગ્રંથ જોતાં સ્પષ્ટ થશે કે જુદા જુદા સમયે જુદાં જુદાં કારણો આપીને એ કૃતિના મૂલ્યનું સમર્થન કરવામાં આવ્યું છે. એલિયટ જેવા વિદ્વાન વળી, એના વિવેચનના સંદર્ભે જ, objective correlativeનો સિદ્ધાંત રજૂ કરી, તેના પ્રકાશમાં એ કૃતિની નિષ્ફળતાય બતાવે છે. હવે સાહિત્ય વિવેચનના એક સિદ્ધાંત લેખે objective correlativeનો સિદ્ધાંત પોતે પણ વિવાદમુક્ત નથી. મરે ક્રિગરે એની તાત્ત્વિક ભૂમિકા સામે વાંધો લીધો પણ છે. એટલે, કૃતિના સમર્થનમાં કે તેની ટીકામાં, જે કંઈ દલીલ રજૂ થાય તેની પાછળના સિદ્ધાંતો પણ વિવાદમુક્ત હોય જ એવું નથી. કોઈ એક સાહિત્યકૃતિની મહત્તા બતાવવા એક વિદ્વાન પોતાને જે ‘મુદ્દો’ કે ‘તર્ક’ બળવાન લાગે, તેની જ સામાન્યત: નોંધ લેવા ચાહતો હોય છે. એટલે જુદા જુદા બે વિદ્વાનો જુદાં જુદાં બે કારણો રજૂ કરે તે હંમેશાં વિરોધી હોય એમ પણ નથી. જે એક નવલિકાને એક વિદ્વાને એના મુખ્ય પાત્રની ગહન સંવેદનાને કારણે પુરસ્કારી હતી, તેને બીજો વિદ્વાન તેના સુરેખ અને સ્વચ્છ આકારને કારણે બિરદાવવા પ્રેરાય, તો એ કારણ પણ સાચું હોઈ શકે. બંને દલીલો એકબીજાનોે છેદ ઉડાડતી નથી. વિવેચનમાં જોવા મળતાં મતમતાંતરો-critical disgreements-ના પ્રશ્નો આની સાથે આંતરિક રીતે જોડાયેલા જ પડ્યા છે. કૃતિનાં ઘટકો-પાત્ર, ભાવબોધ, સંયોજનકળા, ભાષાશૈલી – વિશેના મતભેદો કરતાંય સમગ્ર કૃતિને જોવાના અને મૂલવવાના અભિગમોમાં રહેલા ભેદ વધુ ઊંડા અને ગંભીર હોઈ શકે. કળાનું ખરું સ્વરૂપ શું છે, કળાએ કયું કામ કરવાનું છે, (અથવા કયું કામ પહેલું કરવાનું છે, કે કયું કરવાનું નથી) જેવા પ્રશ્નો; કે કળાની મહત્તા ક્યાં રહી છે કે સાર્થકતા ક્યાં વસી છે – તેવા પાયાના પ્રશ્નો સુધી તે ઊંડે ઊતર્યા હોય છે. મૂળ વાત એ છે કે વિવેચનની પ્રવૃત્તિને જેમણે ગંભીરતાથી, પૂરા ઉત્તરદાયિત્વના ભાન સાથે, સ્વીકારી છે, તેવા વિવેચકોનાં વિવેચનોમાંય ઓછોવત્તો મતભેદ રહેવાનો જ. કારણ, કૃતિનાં મૂલ્યાંકનમાં કળાત્મક મૂલ્યોમાંથી કંઈક નિરપેક્ષ રીતે જીવનમૂલ્યો પણ અનેક વાર નિર્ણાયક બની રહેતાં હોય છે. વિવેચકના મનમાં, કદાચ, પૂરેપૂરું સ્પષ્ટ નહિ તો પણ, આ સર્વ મૂલ્યોમાં કશુંક અગ્રતાક્રમ જેવું ય પડ્યું હોય છે, અને જુદા જુદા વિવેચકો આવાં જુદાં જુદાં મૂલ્યતંત્રોે સ્વીકારીને ચાલતાં હોય છે. એમ બને કે સર્વથા નવી શૈલીની કૃતિ પાસે જતાં, તેના આસ્વાદમાં તેમ આકલનમાં, વિવેચક અમુક અંશે પોતાને re-orient કરી લેતો હોય છે, પણ તેનું મૂલ્યતંત્ર એકંદરે વ્યવસ્થિત હોય છે. અને ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ આ રીતે કૃતિઓ વિશેના બધા મતભેદો ઉડાવી દેતું નથી, એ તેનું કામ પણ નથી, એ તો મતભેદો પાછળની તાર્કિકતા ખુલ્લી કરી આપવા ચાહે છે. અનેક મતભેદોના મૂળમાં, જ્યાં કળાની વિભાવના જ જુદી પડતી હોય, ત્યાં તેનું નિરાકરણ શક્ય પણ નથી; પણ એ મતભેદની તાર્કિક-તાત્ત્વિક – શોધ પોતે સમાધાનકારી નીવડી શકે, બીજી બાજુ, કેટલાક મતભેદોને તાર્કિક રીતે સ્પષ્ટ કરી આપતાં, તે એટલા મૂળભૂત નથી, એમ પણ તે બતાવી આપે છે. ‘હેમ્લેટ’નું વિવેચન કરતાં વિલ્સન નાઇટે એવી ભૂમિકા રચી છે કે, શેઇક્સ્પિયરનાં નાટકનું હાર્દ સમજવું હોય તો, એ નાટ્યકારે પોતાનાં નાટકો વિશે જે વિશિષ્ટ વિભાવના બાંધી હોય તે સ્પષ્ટ કરીને તેના પ્રકાશમાં એની વિવેચના કરવી જોઈએ. તેમણે પોતે આ રીતે શેઇક્સ્પિયરનાં નાટકોની તપાસ અર્થે તેની આગવી વિભાવના ઊભી કરી છે-મોરિસ વાય્ઝ એમ બતાવવા ચાહે છે કે, વિલ્સન નાઇટે રજૂ કરેલી એ વિભાવના જો સ્વીકાર્ય બને તો જ તેના અનુલક્ષ્યમાં વિકસતી ચર્ચા પણ સ્વીકાર્ય બને. પણ એ વિભાવના જોડે મૂળથી જ તમને વાંધો હોય, તે એને અનુષંગે આવતું સ્પષ્ટીકરણ એટલું સ્વીકાર્ય ન રહે. કૃતિ વિશેનાં વિધાનોમાં ‘વર્ણનાત્મક’ કહી શકાય તેવાં વિધાનો ઘણું ખરું ચકાસી શકાય તેવાં હોય છે, તેથી તેમાં સંમતિ સાધવાનું કે મતભેદ ઓછોે કરવાનું શક્ય છે. કવિતાના છંદ, અલંકાર, પદ્યબંધ કે ભાષાશૈલી વિશેનાં ચોકસાઈભર્યાં નિરીક્ષણોમાંથી જન્મેલાં વિધાનો આ કોટિમાં આવે. કથામૂલક સ્વરૂપોમાં મુખ્ય કે ગૌણ પાત્રોની બાહ્ય ઓળખ, તેમનાં વાણીવર્તન કે કાર્યોને લગતાં વિધાનો પણ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો વ્યાપક સ્વીકાર પામે. કૃતિની વિગતોમાંથી જરૂરી પુરાવાઓ એ માટે આપી શકાય. અલબત્ત, વર્ણનાત્મક વિધાનો ઘણુ ખરું કૃતિના રહસ્યઘટન કે મૂલ્યાંકનના આધાર લેખે આવતાં હોય છે. પણ, જ્યાં કૃતિનુ - કૃતિસમગ્રનું કે તેના કોઈ મહત્ત્વના અંગ રૂપ એવાં પાત્ર ઘટના પ્રશ્ન કે પરિસ્થિતિનું – ‘સ્પષ્ટીકરણ’ કરવાની પ્રવૃત્તિ આરંભાય છે, ત્યાં જ વિધાનોની ચકાસણીના પ્રશ્નો મુશ્કેલ બને છે. (‘સ્પષ્ટીકરણ’ સંજ્ઞાને વ્યાપક અર્થમાં લઈ ‘અર્થઘટન’ ‘સાચી સમજૂતી’ ‘તાત્પર્યબોધ’ ‘મુખ્યભાવ’ કે ‘ભાવાર્થ’નો બોધ, ‘correct reading’ના ખ્યાલો એમાં સમાવ્યા છે.) કૃતિનો ખરેખર central issue કે central theme નિર્ણીત કરવામાં જ કેટલીક વાર મતભેદ ઊભા થયા દેખાશે. જે તે વિવેચક આવે પ્રસંગે કોઈક hypothesis જેવું સ્વીકારી લઈને કૃતિના issue theme-ને સ્પષ્ટ કરવા મથતો હોય છે. બ્રેડલી એમ સ્વીકારી લે છે કે હેમ્લેટ પ્રકૃતિથી જ melancholy છે; અને, એટલે જ, તે યોગ્ય ક્ષેત્રે નિર્ણય લઈ શકતો નથી, એવું તે સ્પષ્ટીકરણ આપે છે. આ સંદર્ભમાં હેમ્લેટની પ્રકૃતિ melancholy છે, તે બતાવવા પૂરતી પ્રસ્તુત વિગતો તેઓ નાટકમાંથી શોધી આપે છે, આખા નાટકમાં આ જ તેમને મન central issue છે. બીજી બાજુ, અર્ન્સ્ટ જોન્સ હેમ્લેટમાં ‘ઈડિપસ ગ્રંથિ’ પડેલી છે એમ બતાવવા પ્રયત્ન કરે છે, અને હેમ્લેટની બધીય અવઢવ પાછળ એ ગ્રંથિ કામ કરે છે, એ જાતનું સ્પષ્ટીકરણ આપે છે. આ બે વિવચકો નાટકના tragic hero-ને જ ‘રહસ્યભૂત’ અંશ ગણીને તેના પર જ બધું ધ્યાન કેન્દ્રિત કરવા ચાહે છે. બીજા વિદ્વાનો ટ્રેજડી તરીકે ‘હેમ્લેટ’નાં પ્લેટ અને ઍક્શન, કે કર્મકાંડ જોડેનો તેનો સંબંધ, કે તેની કલ્પનશ્રેણિઓ-એમ જુદા જુદા અભિગમથી તેનું સ્પષ્ટીકરણ અને મૂલ્યાંકન કરવા ચાહે છે. આ દરેક પ્રસંગે ‘સ્પષ્ટીકરણ’ પાછળ કાઈક hypothesis પડી હોય છે, એના સમર્થનમાં તે કૃતિમાંથી પ્રસ્તુત લાગે તેવી વિગતેની અમુકતમુક ભાત પકડી લેતો હોય છે. જે વિવેચક કૃતિમાં પડેલી સંકુલ ભાતોને વધુમાં વધુ આવરી લે, તેનું સ્પષ્ટીકરણ વધુ સ્વીકાર્ય બને એમ સામાન્ય રીતે કહી શકાય. ‘દેવયાની’ (કાન્તનું પ્રસિદ્ધ ખંડકાવ્ય)માં દેવયાનીના ‘ભાવસંક્રમણ’ના પ્રશ્ને આપણે ત્યાં રામનારાયણ પાઠક, ડોલરરાય માંકડ, રતિલાલ જાની, પ્રો. મનસુખલાલ ઝવેરી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ચંદ્રકાન્ત ટોપીવાળા જેવા વિદ્વાનોએ જુદી જુદી રીતે સ્પષ્ટીકરણ કર્યું છે, તેમાંય દરેક વિવેચકની આ વિશે કાઈ ને કોઈ hypothesis પડી છે. કૃતિના અર્થઘટન-સ્પષ્ટીકરણના વ્યાપમાં નાના મોટા ઘણા પ્રશ્નોને અવકાશ છે. પ્રાચીન કે મધ્યકાલીન કૃતિના ‘પાઠની શુદ્ધિ’થી માંડીને સમગ્ર કૃતિના ‘તાત્પર્ય’ સુધીના નિર્ણયને લગતા પ્રશ્નો અહીં સ્પર્શાતા હોય છે. અનેક વાર કૃતિનું અર્થઘટન ફ્રોય્ડ, યુંગ જેવા માનસશાસ્ત્રીઓના મનોવિશ્લેષણના પ્રકાશમાં થયું છે. અનેક કૃતિઓનું માર્ક્સવાદી સૌંદર્યશાસ્ત્રના પ્રકાશમાં અર્થઘટન થયું છે. આ જાતનાં અર્થઘટનોમાં ય જે માનસશાસ્ત્રીય કે સામાજિક-રાજકીય એવી જે વિચારસરણીઓ સ્વીકાર પામે છે, તે પોતે પણ વિવાદમુક્ત નથી. વળી, પૌરાણિક કથાવસ્તુ, કર્મકાંડ આદિના ખ્યાલો પણ એમાં જુદી જુદી રીતે વિનિયોગ પામ્યા છે. ‘અર્થઘટન’–‘સ્પષ્ટીકરણ’ના ફલક (range)માં ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ માટે અસંખ્ય પડકારરૂપ પ્રશ્નો ઊભા થાય છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, કેટલાક વિદ્વાનો વિવેચનપ્રવૃત્તિના અંતિમ લક્ષ્ય તરીકે માત્ર કૃતિના અર્થઘટન કે સ્પષ્ટીકરણને સ્વીકારે છે; બીજાઓ મૂલ્યાંકન જ વિવેચનનું સાચું લક્ષ્ય છે એમ કહે છે. આ રીતે વિવેચનના મૂળ આશય અને અંતિમ લક્ષ્ય પરત્વે જ ભિન્નતા દેખાય છે. જેઓ અર્થઘટન કે સ્પષ્ટીકરણનો જ એક માત્ર આદર્શ રાખે છે, તેઓ કૃતિનું હાર્દ સ્પષ્ટ કરવામાં જ સાર્થકતા માને છે. પણ, તેઓ એ રીતે ય કૃતિનો મહિમા સ્થાપી દેતા હોય એમ વારંવાર જોવા મળશે. મતલબ કે, મૂલ્યાંકન પ્રયોજનનો સ્વીકાર ન હોય તોપણ, તેમની ચર્ચાવિચારણામાંથી કૃતિની ઉત્કૃષ્ટતા (કે નિર્બળતા)નો સહજ જ અંદાજ આવી જતો હોય છે. બીજી બાજુ, કૃતિનું મૂલ્યાંકન કરવા ચાહતા વિવેચકો લગભગ હંમેશાં કૃતિના સ્પષ્ટીકરણને આધારરૂપે રજૂ કરતા હોય છે. કૃતિના મૂલ્યાંકનના પ્રશ્નો પણ કોઈ રીતે ઓછા જટિલ હોતા નથી. કોઈ એક સમર્થ કૃતિ વિશે જુદા જુદા યુગમાં જુદા જુદા પ્રતિભાવો પડે છે, જુદી જુદી રીતે તેનો સ્વીકાર થાય છે, કે જુદાં જુદાં કારણોસર તેનું મહત્ત્વ અંકાય છે. ‘હેમ્લેટ’નું વિવેચન એનું જ્વલંત દૃષ્ટાંત છે. આપણે ત્યાં ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘ગુજરાતનો નાથ’, ‘માનવીની ભવાઈ’ જેવી કૃતિઓનાં વિભિન્ન દૃષ્ટિનાં મૂલ્યાંકનો આ રીતે તપાસ માંગે છે. વારંવાર વિવેચ્ય કૃતિની તપાસમાં સાહિત્યિક ધોરણોની સાથોસાથ સાંસ્કૃતિક ખ્યાલોય ભળી જાય છે કે નિર્ણાયક બને છે. અમુક એક કૃતિ સારી છે, ચઢિયાતી છે, કે મહાન છે, એમ બતાવવા જુદા જુદા વિવેચકો વિવેચનના જુદા જુદા સિદ્ધાંતો, જુદી જુદી કસોટીઓ, કે જુદાં જુદાં ધોરણો આગળ ધરતા હોય છે. અમુક એક કૃતિનું મહત્ત્વ કરતાં એક વિવેચક એક ધોરણ અથવા અમુક ધોરણોનું તંત્ર આગળ ધરે, તો બીજો વિવેચક બીજું તંત્ર આગળ ધરે છે. અને સંભવ છે કે, અમુક ધોરણોની અગ્રિમતા ઘણા વિવેચકોએ સ્વીકારી હોય ત્યારે પણ, આ કે તે કૃતિને લાગુ પાડવાની બાબતમાં દૃષ્ટિભેદ ઊભો થાય છે. જેમ કે, કળાકૃતિમાં ‘સજીવ એકતા’ (organic unity)ના સિદ્ધાંત પરત્વે વિવેચકોમાં જ્યાં સમજૂતી સધાઈ હોય ત્યાં પણ અમુકતમુક કૃતિમાં એ સિદ્ધ થઈ છે કે કેમ એ નિર્ણય કરવાનું મુશ્કેલ છે. સાહિત્યકૃતિ એ એક સંકુલ શબ્દનિર્મિતિ છે, એમાં ‘એકતા’ના અમૂર્ત ખ્યાલને લાગુ પાડી આપવાનું સરળ નથી. જેઓ સર્જકની અનુભૂતિમાં ‘સચ્ચાઈ’ અને ‘પ્રમાણિકતા’ માંગે છે, તેમને માટેય જે તે કૃતિમાં આ જાતના ગુણોની ચકાસણી કરવાનું મુશ્કેલ છે. એ માટે એક માત્ર સ્થાત સર્જકની ભાષાશૈલી કે અભિવ્યક્તિની રીતિ છે; પણ અમુક કૃતિમાં અનુભૂતિની ‘સચ્ચાઈ’ રણકી ઊઠે છે એ જાતની આંતરિક પ્રતીતિ છતાં, કૃતિથી અભિવ્યક્તિમાંથી એનું તાર્કિક પ્રમાણ આપી શકાતું નથી. એ જ રીતે કૃતિમાં માનવહૃદયનું ગહનગંભીર (profound) ‘સત્ય’ પ્રગટ થાય છે કે અસ્તિત્વના કૂટ પ્રશ્નનું હાર્દ ખુલ્લુ થાય છે – જેવાં વિધાનોની તાર્કિકતાના પ્રશ્નો પણ ઊભા થાય જ છે. વિચિત્ર લાગે એવી બાબત તો એ છે કે, એક વિવેચક જે એક કૃતિને અમુક એક ધોરણે મહત્ત્વની ગણે છે, ત્યારે બીજો વિવેચક બીજા એક ધોરણે તેની અવગણના કરે છે. જ્યાં આ રીતે ભિન્ન ભિન્ન ધોરણો સ્વીકારવાથી મતભેદ જન્મ્યા હોય, ત્યાં કોઈ રીતે નિરાકરણ શક્ય છે ખરું? આ કે તે કૃતિને માટે અમુક જ ધોરણ લાગુ પડે, કે અમુક ધોરણ જ અગ્રિમ બને છે, એમ કોઈ રીતે બતાવી શકાય ખરું? પ્રશ્ન, મૂલ્યાંકનના સિદ્ધાંતો, ધોરણો કે કસોટીઓનું યથાર્થ સ્વરૂપ અને સ્થાન નક્કી કરવાનો છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ એ વિષય સૌંદર્યમીમાંસાને કેટલો ઉપકારક બનશે તે તો આપણે જાણતા નથી, પણ સાહિત્યશાસ્ત્રના અને ખાસ તો કૃતિવિવેચનના ક્ષેત્રમાં કામ કરતા અભ્યાસીઓ માટે જરૂર દ્યોતક બની શકે એમ છે. કૃતિવિવેચનના ક્ષેત્રમાં જે રીતે અપાર મતમતાંતરો જન્મ્યાં છે, તેના મૂળમાં ઊતરવાની જરૂરિયાત એમાંથી સમજાય છે. એ પૈકી અમુક પ્રશ્નોનો – મતમતાંતરોનો-ખુલાસો પણ આ દિશાની ખોજ કરતાં મળી આવશે. જ્યારે બીજા મતભેદો મૂળભૂત રીતે કળાના સ્વરૂપ અને કાર્ય વિશેના, સમાજ અને સંસ્કૃતિમાં તેના સ્થાન વિશેના, તેમ જ સત્ય અને શ્રેયનાં મૂલ્યો જોડેના સંબંધો વિશેના કૂટ તાત્ત્વિક પ્રશ્નોમાં પડેલા છે. એટલે, જુદા જુદા સૌંદર્યમીમાંસકો અને વિવેચકો કળાની વિવેચના નિમિત્તે કળાનું અને જીવનનું સત્ય જાણવા ઉત્સુક હશે, તો તો પ્રામાણિક અને જવાબદાર દૃષ્ટિભેદોને પણ એમાં અનિવાર્ય એવું સ્થાન હશે. કેમ કે, માનવવિકાસની એ એક મૂળભૂત આવશ્યકતા રહી છે. [‘વિવેચનની ભૂમિકા’, 1990]