ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ – બાબુ સુથાર, 1955
૫૦ | |
બાબુ સુથાર (૧.૬.૧૯૫૫) |
‘અનુઆધુનિકતાવાદ’ શું છે? શું એ કોઈ શૈલીનું નામ છે? કે પછી એ કોઈ વિચારપદ્ધતિનું નામ છે? કે પછી આ સંજ્ઞા કોઈ ચોક્કસ એવા સમયગાળાનો નિર્દેશ કરે છે? અલગઅલગ ક્ષેત્રોમાં અલગઅલગ વિદ્વાનો આ સંજ્ઞાની પ્રસ્તુતતા અંગે પણ શંકા સેવે છે. આવા વૈવિધ્યને કારણે આ સંજ્ઞાને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ. ફાયદો એ રીતે કે આરંભે કેવળ કળા અને સ્થાપત્ય તથા સિનેમા પૂરતી જ સીમિત રહેલી આ સંજ્ઞા જોતજોતામાં સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સંસ્કૃતિવિજ્ઞાન અને વિજ્ઞાનમાં પણ પ્રવેશી ગઈ. એને કારણે આ સંજ્ઞાની ઉપયોગિતા વધી ગઈ. એટલું જ નહીં, આ સંજ્ઞાની અનિવાર્યતાને પણ એક પ્રકારનો ટેકો મળ્યો. એમાં પ્રમાણભૂતતા પણ વધી. બધાં જ શાસ્ત્રો / વિજ્ઞાનોને પ્રતીતિ થઈ કે વાસ્તવિકતાનાં પોત બદલાઈ ગયાં છે અને એ બદલાયેલાં પોતને ઓળખવા તથા નાણવા માટે જૂનો શબ્દભંડોળ કામ લાગે તેમ નથી. નુકસાન એ રીતે કે, આ સંજ્ઞા ઘણાંબધાં ક્ષેત્રોમાં પ્રવેશી ગઈ હોવાથી એનો અર્થ ઘણોબધો વિસ્તૃત બની ગયો. એટલે સુધી કે આ સંજ્ઞા મૂળે જે અર્થમાં પ્રયોજાઈ હતી એ અર્થ એના ઘણાબધા અર્થોમાંનો એક બની ગયો છે. માનવવિદ્યાઓમાં કોઈ એક સંજ્ઞા એના પોતાના ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય ત્યારે એનો મૂળ અર્થ સાથેનો સંબંધ થોડોક પાતળો પડી જતો હોય છે. પણ, એની સાથોસાથ એને જે નવો અર્થ પ્રાપ્ત થતો હોય છે એને પગલે ગુમાવી દીધેલા અર્થનું સૌંદર્યમંડિત વળતર પણ મળી જતું હોય છે. ‘અનુઆધુનિકતાવાદ’ સંજ્ઞાના સંદર્ભમાં પણ આવું જ કંઈક બન્યું છે. માઈકલ ડીયર અને ક્રિસ્તેન સિમોન્સને અનુઆધુનિકતાવાદને ત્રણ પ્રકાર(type)માં વહેંચી નાખ્યો છે. તેમના મતે અનુઆધુનિકતાવાદ એક શૈલી પણ છે. ખાસ કરીને સ્થાપત્ય અને સાહિત્ય તેમ જ સંસ્કૃતિમાંના સંદર્ભે. એ જ રીતે અનુઆધુનિકતાવાદ એક વિચારપદ્ધતિ પણ છે. જેમ કે, અનુસંરચનાવાદ અને વિઘટન. અને અનુઆધુનિકતાવાદ ચોક્કસ એવા સમયગાળાનો પણ નિર્દેશ કરે છે. આ દલીલો કરનારાઓમાં ફેડરિક જેમ્સન અને ડેવિડ હાર્વેનો સમાવેશ થાય છે. આ ત્રણ પ્રકારોની વચ્ચે કોઈ ચોક્કસ એવી ભેદરેખા દોરી શકાય એમ નથી. માનવવિદ્યાઓમાં એવી અપેક્ષા રાખવી પણ ન જોઈએ. આ સંજ્ઞા, ખાસ કરીને પશ્ચિમની પરંપરામાં, સૌપ્રથમ કોણે પ્રયોજી એ અંગે વિવાદ છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી માર્ચ ’93ના ‘ટાઈમ્સ લિટરરી સપ્લીમેન્ટ’ના વાચકોના પત્રો વાંચવાથી આ વાતનો વધારે સારો ખ્યાલ આવશે. કોઈ વાચક કહે છે કે આ સંજ્ઞા સૌ પ્રથમ ઇટાલિયન ફિલ્મપરંપરામાં પ્રયોજવામાં આવી હતી. તો વળી બીજો વાચક એનાં મૂળ બીજા કશાકમાં બતાવે છે. જ્યાં સુધી આપણને લાગેવળગે છે ત્યાં સુધી આ સંજ્ઞાનાં મૂળ ઝાઝાં મહત્ત્વનાં નથી. પણ, ફળ ઝાઝાં મહત્ત્વનાં છે. આ સંજ્ઞા કયા કયા સંદર્ભોમાં પ્રયોજાઈ છે એ મુદ્દો આપણા માટે વધારે પ્રસ્તુત બની રહે છે. ઇતિહાસકાર ટોયેન્બીએ આ સંજ્ઞા વિવિધ સંસ્કૃતિના રાહઅસ્તિત્વના સંદર્ભમાં પ્રયોજી છે. કેટલાક કહે છે કે ‘અનુઆધુનિકતાવાદ’ સંજ્ઞાનો અને સૌપ્રથમ પ્રયોગ આમ ટોયેન્બીમાંથી મળી આવે છે. ટોયેન્બીએ singular સંસ્કૃતિના ખ્યાલની સામેના plural સંસ્કૃતિના સંદર્ભમાં આ સંજ્ઞા પ્રયોજેલી. અનુઆધુનિકતાવાદનાં ઘણાંબધાં લક્ષણોમાં plurality(બહુલતા)નો સમાવેશ થાય છે. આ સંજ્ઞાને પદ્ધતિસર વ્યાખ્યાબદ્ધ કરવાનું કામ ફ્રેન્ચ ફિલસૂફ લ્યોતારે કર્યું. એમનું The Postmodern Condition પુસ્તક પ્રગટ થયું ત્યાર પછી જ, આ સંજ્ઞાનો પ્રયોગ વધી ગયો. ગુજરાતી સાહિત્યમાં આ સંજ્ઞાનો ઉપયોગ અને દુરઉપયોગ બન્ને જોવા મળે છે. દસેક વર્ષ પહેલાં સુરેશ જોષીએ ‘આધુનિકતા’ માટે ‘અર્વાચીનતા’ અને ‘અનુઆધુનિકતાવાદ’ માટે ‘અનુઅર્વાચીનતા’ સંજ્ઞાઓ પ્રયોજી આ અંગે એક વિશદ લખાણ પ્રસિદ્ધ કર્યું હતું. આમ આ સંજ્ઞા ગુજરાતીમાં ચલણી બનાવવાનો યશ સુરેશ જોષીને ફાળે જાય છે. ‘પરિષ્કૃત’ના પુરસ્કર્તાઓએ ‘વિ’ સામયિકનો એક વાર્તા વિશેષાંક પ્રગટ કર્યો ત્યારે એ સામયિકના મુખપૃષ્ઠ પર ‘ગુજરાતી આધુનિક વાર્તા’ એવી સંજ્ઞા પ્રયોજેલી. પણ. પછી એ જ વાર્તાઓ ગ્રંથ સ્વરૂપે પ્રગટ થઈ ત્યારે સંપાદકોએ ‘પરિષ્કૃતિ’ માટે post-modern સંજ્ઞા પ્રયોજેલી. આ ગ્રંથનો pre-face અને post-faceમાં ‘post-modern’નાં જે લક્ષણો ગણાવવામાં આવ્યાં છે. એમાનાં લગભગ બધાં જ લક્ષણો વાસ્તવમાં તો આધુનિકતાવાદનાં લક્ષણો છે. એમને અનુઆધુનિકતાવાદ સાથે નહાવા-નીચોવવાનો પણ સંબંધ નથી. ‘અનુઆધુનિકતાવાદ’માં ‘અનુ.’નો અર્થ શો કરવો જોઈએ એ એક વિવાદ છે. શબ્દકોષ પ્રમાણે તો ‘અનુ.’નો અર્થ ‘પછી’ એવો થાય. આ અર્થમાં ‘અનુઆધુનિકતાવાદ’ ‘આધુનિકતાવાદ’ પછી આવેલો વાદ ગણવો પડે. ‘અનુ’નો બીજો અર્થ ‘પ્રતિ પણ કરી શકાય. અલબત્ત, લક્ષણના સ્તરે જો, આ અર્થ સ્વીકારીએ તો ‘અનુ-આધુનિકતાવાદ’ સંજ્ઞા આપણે ‘પ્રતિઆધુનિકતાવાદ’ તરીકે સમજવી પડે. મારા મતે આ તબક્કે આપણે ‘પછી’ કે ‘પ્રતિ’ની ભાંજગડમાં ન પડવું જોઈએ. જે વાસ્તવિકતામાં આપણે જીવી રહ્યા છીએ એ વાસ્તવિકતા કેવળ ‘પછી’ કે કેવળ ‘પ્રતિ-’ના તર્કશાસ્ત્રમાં પકડાય એવી નથી. ‘પછી’ અને ‘પ્રતિ-’નો પ્રશ્ન ક્વોન્ટ્મ ભૌતિકવિજ્ઞાનમાં ‘wave’ અને ‘particle’ અંગેનો જે વિવાદ છે તેના જેવો છે. શૃડીંગરની બિલાડી કદાચ મરી પણ ગઈ હોય, કદાચ જીવતી પણ હોય. એક વાત નિશ્ચિત છે કે બિલાડી પેટીમાં બંધ છે. જે વિદ્વાનો અનુઆધુનિકતાવાદને શૈલી તરીકે જુએ છે તેઓ ‘અનુ’-નો એક અર્થ ‘નવ્ય’ પણ કરે છે. ‘નવ્ય વાસ્તવવાદ’ ‘નવ્ય પ્રકૃતિવાદ’ વગેરે સંજ્ઞાઓ લગભગ આ અર્થમાં જ પ્રયોજાય છે. આ અર્થમાં અનુઆધુનિકતાવાદને નવ્યઆધુનિકતાવાદ પણ કહી શકાય. જે વિદ્વાનો આ સંજ્ઞાને એક વિચારપદ્ધતિ તરીકે જુએ છે તેઓ એવી દલીલ કરે છે કે આપણને આનુપૂર્વી અથવા તો વિરોધના તર્કશાસ્ત્રના સીમાડામાં રહીને જ વિચારવાની કુટેવ પડી ગઈ હોવાથી આ સંજ્ઞાનો અર્થ સમજવા માટે આપણે ‘પછી-’ અને ‘પ્રતિ-’ની ભાંજગડમાં પડીએ છીએ. તેઓ સ્પષ્ટપણે કહે છે કે આધુનિકતાવાદ metaphysicsના પાયા પર ઊભી રહેલી ફિલસૂફી છે. અનુઆધુનિકતાવાદ એટલું બતાવવા માગે છે કે એ પાયો તકલાદી છે. આ વિધાનો અનુઆધુનિકતાવાદને critique of modernism ગણાવે છે. જે વિદ્વાનો આ સંજ્ઞા સમયગાળા(epoch)ના સંદર્ભમાં પ્રયોજે છે તેમાંના મોટા ભાગના માક્્ર્સવાદી ઇતિહાસદર્શનનો આશ્રય લે છે. એમના મતે આધુનિકતાવાદે ઔદ્યોગિક યુગની ભેટ આપી. અને ત્યાર પછી આવેલા અનુઆધુનિકતાવાદે સમાજને post-industrial ageમાં મૂકી આપ્યો છે. ફાસ્ટરે અનુઆધુનિકતાવાદના બે પ્રકાર (kinds) પાડ્યા છે: (1) પ્રતિકારનો અનુઆધુનિકતાવાદ અને (2) પ્રતિક્રિયાનો અનુઆધુનિકતાવાદ. પ્રતિકારનો અનુઆધુનિકતાવાદ આધુનિકતાવાદની માંડણીને એક સાંસ્કૃતિક ભૂલ તરીકે જુએ છે. એટલું જ નહીં, આ પ્રકારનો અનુઆધુનિકતાવાદ સાંસ્કૃતિક ભૂલના પાયા પર ઊભા રહેલા આધુનિકતાવાદથી સંપૂર્ણ વિચ્છેદ પણ ઇચ્છે છે. પ્રતિક્રિયાનો અનુઆધુનિકતાવાદ એક રીતે જોઈએ તો એક દાર્શનિક વિચારપદ્ધતિ છે. આ વાદ metaphysicsની ટીકા કરે છે, અને એ રીતે આધુનિકતાવાદે આપેલાં સુખ-સમૃદ્ધિનાં વચનો અને આશ્વાસનો કઈ રીતે પોકળ પૂરવાર થયાં છે એ બતાવી આપે છે. ઘણાને આ પ્રકારનો અનુઆધુનિકતાવાદ શૂન્યવાદ(Ninilism)ના પાયા પર ઊભો રહેલો લાગે. પણ, એ દલીલમાં તથ્ય નથી. ‘અર્થની અનિશ્ચિતતા તો માનવચેતનાની સમૃદ્ધિ છે. અને નકારાત્મક મૂલ્ય આપવાની જરૂર નથી. અનિશ્ચિતતા શૂન્યવાદનું નહીં, માનવતાવાદનું લક્ષણ છે. અનુઆધુનિકતાવાદનાં આ બીજાં અનેક સ્વરૂપો(versions)ને એકબીજાના વિરોધમાં કે વિકલ્પમાં મૂકીને સમજવાને બદલે તેમને એકબીજાના પૂરકભાવે સમજવાં જોઈએ. કોઈ એક જ સ્વરૂપનો હઠાગ્રહ વાસ્તવિકતા પરની જોહુકમી બની રહે. અલબત્ત, આમ કરવા જતાં આ સંજ્ઞા થોડીક સંદિગ્ધ બની જાય ખરી. પણ, અસંદિગ્ધતાના દુરાગ્રહથી આ સંજ્ઞાને જે નુકસાન થશે એની તુલનામાં આ સંદિગ્ધતાથી ઓછું નુકસાન થશે. કાર્લ પોપર કહે છે કે વિજ્ઞાન વસ્તુનિષ્ઠતાનો આગ્રહ રાખે એટલે બીજાં બધાં શાસ્ત્રોએ પણ એનો આગ્રહ રાખવો જ જોઈએ એ જરૂરી નથી. પોતાના ઉછેર માટે વસ્તુનિષ્ઠતાનો આગ્રહ કેટલો ઉપકારક નીવડી શકે એમ છે એ અંગે વિચારીને જ જે તે શાસ્ત્રોએ એ માટેનો આગ્રહ રાખવો જોઈએ. સંદિગ્ધતાના ખ્યાલ અંગે પણ આમ જ સમજવું. અનુઆધુનિકતાવાદ સૌંદર્યની સીમા પર આવતી કોઈપણ સંદિગ્ધતાને લાડ લડાવશે જ. અસંદિગ્ધતા તો આધુનિકતાવાદે માનવજાતિને મૂંઝવી નાખવા માટે મૂકેલો એક આદર્શ જ છે. આધુનિકતાવાદે પરંપરાગત અભિગમની ટીકા કરી. એ જ રીતે અનુઆધુનિકતાવાદ પણ આધુનિકતાવાદની ટીકા કરે છે. પણ, બન્નેની ટીકાઓનું નાગરિકશાસ્ત્ર અલગ અલગ છે. આધુનિકતાવાદે પરંપરાગત અભિગમના તર્કશાસ્ત્રને replace કરવા બીજું તર્કશાસ્ત્ર આપ્યું. પરંપરાગત અભિગમમાં reasonને નહીં, કોઠાસૂઝને સ્થાન હતું. આધુનિકતાવાદે reason પર આધારિત તર્કશાસ્ત્ર આપ્યું અને કોઠાસૂઝના મહત્ત્વને ન્યૂન કરી નાખ્યું. અનુઆધુનિકતાવાદ આધુનિકતાવાદના તર્કશાસ્ત્રને replace કરવાનું તર્કશાસ્ત્ર આપતું નથી. એ જ રીતે એમાં પુન: એક વાર કોઠાસૂઝ તરફ જવાનો નર્યો અતીતરાગ પણ નથી. અનુઆધુનિકતાવાદ આધુનિકતાવાદના તર્કશાસ્ત્રનાં સમીકરણો છૂટાં પાડીને એ સમીકરણોની રચનામાં રહેલી તરકટતા બતાવી આપે છે. આધુનિકતાવાદે માનનિયતિની સાથે કરેલાં ચેડાં એ દીવો ધરીને બતાવી આપે છે. એટલું જ નહીં, ઘણી વાર તો એવા ચેડાં કરવા દેવા સિવાય બીજો કોઈ છૂટકો નથી એવી લાચારીભરી અવસ્થાનો પણ નિર્દેશ કરી આપે છે. આધુનિકતાવાદ પરંપરાગત અભિગમની શી ટીકાઓ કરે છે? એ જ રીતે, અનુઆધુનિકતાવાદ આધુનિકતાવાદની શી ટીકાઓ કરે છે? અને અંતે, અનુઆધુનિકતાવિરોધીઓ અનુઆધુનિકતાવાદની શી ટીકાઓ કરે છે? – આટલા પ્રશ્નોના જવાબના સંદર્ભમાં જ અનુઆધુનિકતાવાદનો પૂર્વપથ સમજી શકાય. કામચલાઉ ધોરણે, આપણે આધુનિકતાવાદે જેની ટીકા કરી છે એ પરંપરાગત અભિગમને ‘પૂર્વઆધુનિકતાવાદ’ તરીકે ઓળખીશું. આ અર્થમાં, આપણને નીચે પ્રમાદોનો ક્રમ મળશે: પૂર્વઆધુનિકતાવાદ —>આધુનિકતાવાદ —>અનુઆધુનિકતાવાદ. આ ક્રમને અભિધાના સ્તરે સમજવાનો નથી. એવું બની શકે કે પૂર્વઆધુનિકતાવાદ દરમિયાન આધુનિકતાવાદી અને અનુઆધુનિકતાવાદી વલણો પણ જોવા મળે. એ જ રીતે આધુનિકતાવાદ દરમિયાન પણ પૂર્વઆધુનિકતાવાદી અને અનુઆધુનિકતાવાદી વલણો જોવા મળે. વાદો કદી પણ પરસ્પર પ્રતિબંધક ન હોઈ શકે. અને જો એવો કોઈ પ્રયાસ કરવામાં પણ આવે તો એમાં નિષ્ફળતા જ મળે. વાસ્તવિકતા કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની સરજત નથી. હા, એવું જરૂર બને કે કોઈ એક સમયગાળા દરમિયાન કોઈ એક વાદને જ પરમપૂજ્ય માનવામાં આવ્યો હોય અને બીજાને બાજુએ હડસેલી મૂકવામાં આવ્યો હોય. ફૂકોનું સ્વીકાર પરિહારનું તર્કશાસ્ત્ર આ પ્રક્રિયાને સમજાવવામાં ઉપયોગી થઈ શકે. જ્ઞાનની પ્રક્રિયાનો ઇતિહાસ વાસ્તવમાં તો સ્વીકાર-પરિહારનો જ ઇતિહાસ છે. પૂર્વઆધુનિકતાવાદ જેને પરમપૂજ્ય નથી ગણતું અને આધુનિકતાવાદ પરમપૂજ્ય ગણી કેન્દ્રસ્થાને સ્થાપી આપે. એ જ રીતે અનુઆધુનિકતાવાદને પણ સમજી શકાય. આપણા માટે પ્રશ્ન એ છે કે કોઈ એકને પરમપૂજ્ય ગણવાનું અને બીજાને નહિ એવી પરિસ્થિતિનું નિર્માણ શાને કારણે થાય છે? ફ્રેન્ચ ફિલસૂફ બાશેલાર્ડ epistemologic objects નામની એક સંજ્ઞા પ્રયોજી કહે છે કે અમુક તમુક અભિગમને જ્ઞાનને લાયક ગણવામાં જ ન આવે એવી પરિસ્થિતિ ઊભી કરનારાં કેટલાંક પરિબળો જે-તે જમાનામાં પડેલાં હોય છે. કાળક્રમે એ પરિબળો નકારાત્મકમાંથી વિધેયાત્મક મૂલ્યો ધરાવતાં થઈ જાય. અને, પરિસ્થિતિ બદલાઈ પણ જાય. આ અર્થમાં આ ક્રમને લક્ષણાના સ્તરે સમજવાનો છે. એમાં આનુપૂર્વી છે પણ કેવળ સગવડ ખાતર એમની વચ્ચે ભેદરેખાઓ દોરી છે, તે પણ દોરવા ખાતર. આ આનુપૂર્વી અને ભેદરેખાઓનું કોઈ referential મૂલ્ય નથી એ વાત સ્વીકારીને જ આગળ વધવાનું રહ્યું. હું પૂર્વઆધુનિકતાને (cardiocentric હૃદય કેન્દ્રી), આધુનિકતાને logocentric (તર્કકેન્દ્રી) અને અનુઆધુનિકતાને tropocentric (મનુષ્યકેન્દ્રી) તેમજ grammatological સંજ્ઞાઓથી ઓળખાવીશ. આ અર્થમાં આ આખી વાત આમ મૂકી શકાય: પૂર્વઆધુનિકતા આધુનિકતા અનુઆધુનિકતા
Cardiocentic Logocentric Anthropocentric Grammarological
આધુનિકતાવાદે પૂર્વઆધુનિકતાવાદની જે ટીકા કરી એના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે: ક. પૂર્વઆધુનિકતાવાદનો વાસ્તવિકતા સાથેનો અભિગમ normative છે. એને કારણે અને વાસ્તવિકતા ‘જે છે તે’માં રસ નથી. પણ, એ વાસ્તવિકતા કેવી હોવી જોઈએ તેમાં વધારે રસ છે. ખ. પૂર્વઆધુનિકતાવાદ વાસ્તવિકતાને એક સ્વાયત્ત category તરીકે સ્વીકારતો નથી. એની સાથોસાથ આ અભિગમ વ્યક્તિનિષ્ઠ વાસ્તવિકતાને પણ સ્વીકારતો નથી. એ વાસ્તવિકતાને સમૂહનિષ્ઠ અથવા તો લોકનિષ્ઠ માને છે. અને સમૂહ તેમ જ લોકનો અર્થ એ ટોળાં એવો કરે છે. ગ. પૂર્વઆધુનિકતાવાદ વાસ્તવિકતાને homogeneous object ગણતો નથી. એ વાસ્તવિકતાને heterogeneous object ગણે છે. આને પગલે જે heterogeneous છે. એ બધાની વચ્ચેનો સંબંધ ઉચ્ચવચ્ચતાના તર્કશાસ્ત્રથી નિશ્ચિત થઈ જતો હોય છે. આ ક્રમને કુદરતના ક્રમ તરીકે સ્વીકારવાનું વલણ પૂર્વઆધુનિકતાવાદી અભિગમમાં જોવા મળે છે. ઘ. ઉચ્ચવચ્ચતાનો ક્રમ હિંસાને જન્મ આપે છે. જે નીચા ક્રમે છે એ ઉપલા ક્રમે જવા હિંસાનો આશ્રય લે છે. એટલું જ નહીં, આવો સમાજ હિંસાને ન્યાયી પણ ગણાવતો હોય છે. ચ. પૂર્વઆધુનિકતાવાદ વિચારપ્રક્રિયાને formal-reasoning-ના ઢાંચામાં ઢાળતો નથી. એ પ્રક્રિયામાં કોઠાસૂઝનું પ્રભુત્વ વધારે છે. આધુનિકતાવાદ વૈચારિક સ્તર પરની સ્પષ્ટતાઓ, અનિયમિતતાઓ, અરાજકતાઓ અને અધૂરપોનાં મૂળ કોઠાસૂઝમાં જુએ છે. એને એ નકારાત્મક મૂલ્ય પણ આપે છે. એ કહે છે કે આ અભિગમ શ્રદ્ધા, અંતરાત્મા જેવી અરધી આધ્યાત્મિકતા, અડધી ધાર્મિક અને અંશત: મનોવૈજ્ઞાનિક લાગતી categoriesના માળખામાં રહીને પોતાનો વ્યવહાર ચલાવતો હોય છે. વેબરે પરંપરાગતની ટીકા કરતાં એમાં reasoning-ના અભાવની વાત કરેલી. છ. પૂર્વઆધુનિકતાવાદ supernatural તત્ત્વોના અસ્તિત્વને સ્વીકારે છે. એટલું જ નહીં, એ તત્ત્વો પર તે જાદુ-મંત્ર-તંત્ર દ્વારા પોતાનું આધિપત્ય હોવાનો દાવો પણ કરે છે. આવા સમાજમાં અંગરોગ અને મનોરોગથી માંડીને તમામ અમૂર્ત categoriesનું એક પ્રકારનું personification જોવા મળે છે. જ. પૂર્વઆધુનિકતાવાદ ઇતિહાસના અગત્યને સ્વીકારે છે, પણ એમની ઇતિહાસની વિભાવના આધુનિકોએ આપી છે એવી નથી. એમના ઇતિહાસમાં પૂર્વજનો મહિમા થાય છે. ગયા જન્મોનું ઋણ આ જન્મો પર લખાયેલું હોય છે. એમને માટે વર્તમાન ભૂતકાળથી અવિભાજ્ય નથી. હું (ક)થી (જ) સુધીનાં (અને, હજી બીજાં પણ ઘણાં બધાં લક્ષણો ઉમેરી શકાય) પૂર્વઆધુનિકતાવાદનાં લક્ષણોને cardiocentric ગણાવું છું. આ અભિગમમાં, જેને આપણે formal operations કહીએ છીએ તેવા operationsનો અભાવ છે. પશ્ચિમમાં અને કદાચ પૂર્વમાં પણ બુદ્ધિતત્ત્વને ચિત્ત સાથે સાંકળવામાં આવ્યું છે. બુદ્ધિ વર્ગીકરણ કરે, જોડકાં ગોઠવે, ગણતરીઓ કરે, induction-deduction કરે. Cardiocnentric અભિગમમાં આ પ્રવૃત્તિઓનું અસ્તિત્વ છે ખરું પણ એમનું પ્રભુત્વ સ્વીકારાયેલું નથી. એમનું અસ્તિત્વ પરિઘમાં છે, કેન્દ્રમાં નહીં. આધુનિકતાવાદે normativeને બદલે descriptive અભિગમની હિમાયત કરી. એટલું જ નહીં. આધુનિકતાવાદે વાસ્તવિકતાને એક સ્વાયત્ત category તરીકે પણ સ્વીકારી એને પગલે વાસ્તવિકતા કાં તો વ્યક્તિનિષ્ઠ બની ગઈ, અથવા તો વસ્તુનિષ્ઠ બની ગઈ. વાસ્તવિકતા પરના લોકના નિયંત્રણને આ ફિલસૂફીએ નકારાત્મક મૂલ્ય આપ્યું. આધુનિકતાવાદે heterogenityને પણ અપલક્ષણ ગણાવ્યું. એને બદલે homogenityની વાત કરી. એને પગલે અમૂર્તનો મહિમા વધ્યો. પૂર્વ આધુનિકતાવાદના ઉચ્ચાવચતાના ક્રમને આધુનિકતાવાદે વિજ્ઞાનના વિકાસની આડે આવતા ખ્યાલ તરીકે સ્વીકાર્યો. અને એને પગલે ઊંચનીચના ભેદભાવ વિનાનો સમાજ રચી આપવાની ખાતરી આપી. હિંસાનું સ્થાન મુક્તિવાદી વિચારણાએ લીધું. કોઠાસૂઝનું સ્થાન formal reasoning એ લીધું. એ સાથે જ નિશ્ચિતતા, નિયમિતતા, સ્પષ્ટતા, પૂર્ણતા વગેરે શબ્દોનું બનેલું એક નવું શબ્દભંડોળ અસ્તિત્વમાં આવ્યું. અને, વાસ્તવિકતા પણ આ નવા શબ્દભંડોળની સહાયથી જ ઓળખાવા લાગી. શ્રદ્ધા અને અંતરાત્માનું સ્થાન ઇન્દ્રિયગ્રાહ્ય પુરાવાઓએ લીધું. સત્ય ઇન્દ્રિયસાદૃશ્ય અને તર્કસાદૃશ્ય category બની ગયું. Supernatural તત્ત્વોના અસ્તિત્વ પરત્વે શંકા ઉઠાવવામાં આવી. એના કેવળ anthropological મૂલ્યનો સ્વીકાર કરવામાં આવ્યો. અંગરોગ - મનોરોગ કેટલાક વિકારોની નીપજ ગણવામાં આવ્યા. પીડાનું મૂળ પૂર્વજન્મનાં પાપોમાં નહીં પરન્તુ જગતમાં જે કંઈ છે તે વચ્ચે જરૂરી એવી સંવાદિતાના અભાવમાં જોવામાં આવ્યું. અમૂર્તના personificatioનો યુગ પૂરો થયો. હવે મૂર્તને અમૂર્તમાં લઈ જવાનો યુગ શરૂ થયો. ઇતિહાસ બિનઉપયોગી બની ગયો. વાસ્તવિકતાને વ્યાખ્યાબદ્ધ કરવામાં પૂર્વજો અને અનુજો પણ નિરર્થક ગણાવા લાગ્યા. વર્તમાનને ભૂત અને ભવિષ્યથી છૂટો પાડવામાં આવ્યો. જગતમાં બધું જ વિભાજન એકમોનું બનેલું હોવાની દલીલ થવા લાગી. વેબરે reasoningની સ્વાયત્તતાનું આધુનિકતાવાદનું એક અગ્રગણ્ય લક્ષણ ગણાવેલું. એણે unified systemની પણ તરફેણ કરેલી. આધુનિકતાવાદે ચંચળ મનોવૃત્તિની જગ્યાએ બુદ્ધિનિર્ભર સંયમ મૂકી આપ્યો. બિનસાંપ્રદાયિકતાની વાત પણ આધુનિકતાવાદની પેદાશ છે. Reasonને instrumentમાં રૂપાંતર કરી આપી અને ટૅક્નોલૉજી સુધી પહોંચાડવાની એક મશીનરી આ વાદે પૂરી પાડી. Metaphysicsનો મહિમા વધ્યો. આધુનિકતાવાદે આ જગતની નવેસરથી ગોઠવણી કરવા માટેના પાયા પૂરા પાડવાની ખાતરી આપી. અને માણસને વિશ્વના સ્તરે મૂકી આપ્યો. કળામાં ‘કળા ખાતર કળા’નાં સૂત્રો ગૂંજવા લાગ્યાં – સમાજશાસ્ત્રોમાં પણ ‘reason for reason sake’નો મહિમા વધ્યો. વિજ્ઞાનમાં પૂર્વનિર્ણતવાદની બોલબાલા વધી. ધર્મ, વિવેચન, કળામીમાંસા બધાંએ વિજ્ઞાન બનવા ભણી દોટ મૂકી. સત્ય તર્કશાસ્ત્રનું ઓશિયાળું બની ગયું. આધુનિકતાવાદના પાયામાં reasoingનો મહિમા જોવા મળે છે. અને reasoning તર્કશાસ્ત્રની જ પેદાશ છે – આમ હોવાથી આધુનિકતાવાદ માટે હું logocentric સંજ્ઞા પ્રયોજીશ. આ સંજ્ઞા હું દેરિદાની ફિલસૂફીમાંથી લાવ્યો છું. દેરિદાએ આ સંજ્ઞા metaphysical thinking માટે પ્રયોજી છે. એક અર્થમાં, આધુનિકતાવાદનાં જે કંઈ લક્ષણો આગળ ગણાવ્યાં છે તે બધાં metaphysical thinkingની પેદાશ છે. પૂર્વઆધુનિકતાવાદ અને આધુનિકતાવાદનાં વ્યાવર્તક લક્ષણો નીચે કોઠા 1 માં મૂક્યાં છે. અલબત્ત, આ યાદી કેવળ સપાટી પરની જ છે.
પૂર્વઆધુનિકતાવાદ આધુનિકતાવાદ હૃદયકેન્દ્રિતા ચિત્તકેન્દ્રિતા કોઠાસૂઝ તર્કશાસ્ત્રીયતા ઈશ્વર: લૌકિક ઈશ્વર: અ-લૌકિક સ્થાનિક (local) શાશ્વત (urniversal) સમૂહનિષ્ઠતા: વ્યક્તિનિષ્ઠત – વસ્તુનિષ્ઠતા અંત:સ્ફૂરણાવાદ (intutionism) Formalism normative description સત્ય: શ્રદ્ધાકેન્દ્રી સત્ય: પ્રમાણ કેન્દ્રી પ્રકૃતિ અસ્તિત્વનો એક અંશ પ્રકૃતિ: સંપત્તિ mythology metaphysics
આધુનિકતાવાદે જે પ્રકારના જગતની ખાતરી આપી હતી એવું જગત પ્રાપ્ત થવાને બદલે લગભગ એની સામે છેડેનું જગત માણસને પ્રાપ્ત થયું. વિજ્ઞાન અને ગણિતે માણસને નિશ્ચિતતાનું foundation પૂરું પાડવાની ખાતરી આપી હતી. હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાન્તો અને ગડલના incompletness સિદ્ધાન્તે આવા foundationની શક્યતાઓ પર પાણી ફેરવી દીધું. આધુનિકતાવાદે હિંસામુક્ત જગતની ખાતરી આપી હતી એને બદલે પૂર્વઆયોજિત અને સામૂહિક હિંસાયુક્ત જગતની સામે આવીને માણસે ઊભા રહેવું પડ્યું. પૂર્વઆધુનિકતાવાદી મનુષ્ય પાસે હિંસાનાં જે સાધનો હતાં એ સાધનોને આધુનિકતાવાદે નકામા બનાવી આપ્યાં. એના કરતાં વધુ ચોકસાઈવાળાં અને વધુ શક્તિવાળાં સાધનો આધુનિકતાવાદ દરમિયાન બન્યાં. હિંસા intution-based હતી. આધુનિકતાવાદે itutionના સ્તર પર માણસ અને પશુને એક ગણેલાં. એ હિંસા આધુનિકતાવાદના હાથે પૂર્વઆયોજિત - (સુઆયોજિત પણ ખરી) બની. રામરાજ્ય આપવાનો દાવો કાગળ પર રહી ગયો. ઇતિહાસ સાથેનો સંબંધ તોડી reasoningને સમૃદ્ધ બનાવ્યું. પણ ઇતિહાસ અને સંસ્કૃતિ વગરનો માણસ એ સમૃદ્ધિનો સદ્ઉપયોગ ન કરી શક્યો. ‘શાશ્વત સત્ય’ અને ‘શાશ્વત અર્થ’ આપવાની વાત પણ અર્થહીન સાબિત થઈ. ‘શાશ્વત’ શબ્દનો અર્થ સંકોચાઈ ગયો. નોકરશાહીને જન્મ મળ્યો. મૂલ્યોનું પણ ચલણીકરણ થઈ ગયું.
આધુનિકતાવાદી અભિગમે વાસ્તવિકતાનાં ચાર રૂપો ઊભાં કરી આપ્યાં. એક રૂપ તે અદ્વૈતવાદી. આ રૂપનો સ્વીકાર કરી, સંરચનાવાદી, વિચારણા, system theory, cybernetics, પ્રત્યાયનશાસ્ત્ર વગેરે વિકસ્યાં. બીજું સ્વરૂપ તે દ્વૈતવાદી. દ્વૈતવાદે મૂર્ત અને અમૂર્ત જુદાં પાડી આપ્યાં. અને અમૂર્તને જ અંતિમ સત્ય તરીકે સ્વીકાર કરવાનો આગ્રહ રાખ્યો. જેનો સીધો કે આડકતરો અનુભવ કદી પણ શક્ય નથી એને પણ જીવનમાં સ્થાન આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ અભિગમે કરી આપ્યું. ત્રીજું રૂપ તે subject કેન્દ્રી (વ્યક્તિકેન્દ્રી નહીં): આ અભિગમે ફીનોમીલૉનોજી અને અસ્તિત્વવાદને જન્મ આપ્યો. આ ફિલસૂફીએ પહેલાં માણસને એકલો પાડ્યો પછી એને બીજાઓ સાથે સાંકળવાનો બૌદ્ધિક વ્યાયામ કર્યો. એટલે સુધી કે વિદ્વાનો કેવળ વ્યાયામવીરો જ બનીને રહી ગયા. ચોથું રૂપ તે વસ્તુનિષ્ઠતાનું. અહીં વસ્તુ મૂર્ત પણ ખરી અને અમૂર્ત પણ ખરી. અભિગમે positivism અને analytical philosophyને જન્મ આપ્યો. Positvismaએ નીતિશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રને ચોક્કસ અર્થમાં ‘અર્થહીન’ ગણાવ્યાં. માણસને ટકી રહેવા માટે જે બળ જોઈએ એ હકીકતોના વિશ્વમાંથી જ મેળવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ અભિગમે કરી આપ્યું. આધુનિકતાવાદે બધું જ સીધી લીટીમાં ગોઠવી આપવાનો પ્રયાસ કર્યો. પરિણામ એ આવ્યું કે વાસ્તવિકતા બાજુ પર રહી ગઈ, અને સીધી લીટી જ મહત્ત્વની બની ગઈ. શાશ્વત, અખંડિત, સાતત્યપૂર્ણ અને અરાજકતાશૂન્ય જગત આપવાની બાંયધરી આપતા આધુનિકતાવાદે અંતે તો નશ્વરતા, વિખંડિતતા, વિચ્છિન્નતા અને અરાજકતાને જન્મ આપ્યો. એથી પણ વિશેષ તો, આધુનિકતાવાદે પોતે જે આપેલું એને ‘negative મૂલ્ય આપતું તર્કશાસ્ત્ર પણ પૂરું પાડ્યું. નશ્વરતા, વિખંડિતતા, વિચ્છિન્નતા અને અરાજકતાને એણે નકારાત્મક ગણાવ્યાં – જે વાસ્તવમાં એના પહેલાં ખોળાનાં સંતાનો હતો.
અનુઆધુનિકતાવાદ આધુનિકતાવાદના તમામ દાવા પોકળ સાબિત થયા હોવાની પ્રતીતિ કરાવે છે. અનુઆધુનિકતાવાદ નશ્વરતા, વિખંડિતતા, વિચ્છિન્નતા અને અરાજકતાનો સ્વીકાર કરે છે ખરો પણ એ એના નામનાં રોદણાં રડવા નથી બેસતો. એને નકારાત્મક મૂલ્ય આપવાને બદલે એ એનો રાજીખુશીથી સ્વીકાર કરી લે છે. આ બધાં તત્ત્વો પરત્વે અનુઆધુનિકતાવાદનો અભિગમ ડેવિડ હાર્વે કહે છે તેમ affirmative છે. આમ કરવા જતાં ક્યારેક એ આધુનિકતાવાદનું critique બની જાય છે. તો ક્યારેક આધુનિકતાવાદને કોઈક નવા દર્શનથી replace કરવા તરફ પણ વળી જાય છે. અનુઆધુનિકતાવાદનું એક સ્વરૂપ આગળ ઉલ્લેખ કર્યો છે તેમ આધુનિકતાવાદનું critique બનવાનો પ્રયાસ કરે છે તો બીજું સ્વરૂપ આધુનિકતાવાદને replace કરવા માગે છે. ટીકા કરતું સ્વરૂપ તે grammatologial અને replace કરવા માગતું સ્વરૂપ તે anthropocentric.
Grammatological સ્વરૂપ ફ્રેન્ચ ફિલસૂફ દેરિદાના deconstructionનાં તમામ ગૃહીતોનો સ્વીકાર કરે છે. અનુઆધુનિકતાવાદના આ સ્વરૂપના માંધાતાઓમાં હું દેરિદા, લ્યોતાર, બોદ્રિલાર અને વિશિષ્ટ અર્થમાં ફૂકોનો પણ સમાવેશ કરું છું. અનુઆધુનિકતાવાદની method તરીકે સ્થાપના કરવામાં આ સ્વરૂપની વીગતે ચર્ચા અહીં અપેક્ષિત નથી તેમ છતાં, એના કેટલાંક ગૃહીતોનો ઉલ્લેખ કરીશ.
Metaphysicsના પાયામાં તર્કશાસ્ત્રનો identityનો સિદ્ધાન્ત પડેલો છે. Deconstruction, અનુસંરચનાવાદ, નીત્શે અને અમુક અંશે (અમુક રીતે પણ) હાઈડેગરને આ સિદ્ધાન્તની સામે વાંધો છે. દેરિદાનું deconstruction identityને બદલે dirconstinityનો differenceના સિદ્ધાન્તનો મહિમા કરે છે. ફૂકો identityના તર્કશાસ્ત્ર પર આધારિત continuityને બદલે discontinuityનો મહિમા કરે છે. લ્યોતાર identityની જ નીપજરૂપ ઉચ્ચાવચતાને language-gameની વિભાવના વડે deconstruct કરે છે. મીશેલ દ કાર્તુ homogeneityને બદલે heterologyની વાત કરે છે. બોદ્રિલાર differenceના સંકેતિવિજ્ઞાનનો સ્વીકાર કરી સાંસ્કૃતિક વિશ્લેષણ કરે છે. ટૂંકમાં અનુઆધુનિકતાવાદ આધુનિકતાવાદની ગળથૂથી સમા metaphysicsનો law of identityનો સ્વીકાર કરતો નથી.
યુરોપીયન દર્શનશાસ્ત્રની પરંપરામાં, ખાસ કરીને ફ્રેન્ચ પરંપરામાં આપણને એક બાજુથી સોસ્યૂરનો સંરચનાવાદ જોવા મળે છે તો બીજી બાજુથી હુર્સેલ, હાઈડેગર, મેર્લો પોન્તિની ફિનોમીનોલૉજી જોવા મળે છે. સંરચનાવાદ conceptual objectivityના પાયા પર રચાયેલી ફિલસૂફી છે તો ફિનોમીનોલૉજી conceptual subjectivityના પાયા પર રચાયેલી ફિલસૂફી છે. સંરચનાવાદને કેવળ systemમાં રસ છે. એના માટે વાસ્તવિકતા binary oppositionની systemથી વિશેષ કંઈ જ નથી. ફિનોમીનોલૉજી માટે વાસ્તવિકતા જે તે subjectી નિરપેક્ષ કદી ન હોઈ શકે. એ એવી દલીલ કરે છે કે જગતનું મૂળ જે તે વ્યક્તિની ચેતનામાં જ પડેલું છે. આમ એકમાં system કેન્દ્રમાં છે, બીજામાં subject.
અનુસંરચનાવાદ સોસ્યૂરનો સ્વીકાર કરે છે. પણ, એના સંરચનાવાદને નહીં, એના સંકેતવિજ્ઞાનને. સોસ્યૂરનો સંરચનાવાદ અર્થને અવગણીને systemની સ્થાપના કરે છે. અનુસંરચનાવાદ સોસ્યૂરની અર્થ અંગેની સમજને વિસ્તારે છે. એ જ રીતે, ફિનોમીનોલૉજી એ subject જ જગતને રચી આપે છે એ મતલબની કરેલી દલીલને અનુસંરચનાવાદ સ્વીકારતો નથી. એ દલીલ કરે છે કે જગત દ્વારા subjectની રચના થાય છે. આમ subject હંમેશાં પહેલાંથી ઉપસ્થિત એવી કોટિ નથી પરન્તુ પછીથી અસ્તિત્વમાં આવેલી એવી કોટિ છે.
દેરિદા અનુસંરચનાવાદના સંકેતવિજ્ઞાનની મર્યાદામાં રહીને પરંપરાગત metaphysicsનું deconstruction કરે છે. બોદ્રિલાર પદાર્થોને પણ semiotic system તરીકે જુએ છે. અને એની એના સાંસ્કૃતિક તાણાવાણા ખુલ્લા કરી આપે છે. લ્યોતાર સોસ્યૂરના સંકેતવિજ્ઞાન અને વિટ્ગેન્સ્ટાઈનના language-gameના વિચારોનો વિનિયોગ કરી postmodern condition ઉઘાડી પાડી આપે છે. ફૂકો વર્તમાનના અનુભવની શક્યતાઓ માટે જવાબદાર ઐતિહાસિક તાણાવાણા ઉકેલી આપે છે. નીત્શે અને હાઈડેગરે metaphysicsની ‘કુટિલ લીલાઓ’ પ્રગટ કરી બતાવેલી. અનુઆધુનિકતાવાદ એ જ projectને આગળ વધારે છે. એ અગાઉના આકારવાદને વધારે અમૂર્ત બનાવે છે. પણ, એમાં અર્થના મહત્ત્વનો અસ્વીકાર નથી.
અનુઆધુનિકતાવાદનું anthropocentric સ્વરૂપ પણ એક રીતે જોતાં metaphysicsનો વિરોધ કરે છે. Metaphysicsએ એકબાજુથી subjectivismની સ્થાપના કરી આપી. તો, બીજી બીજુથી objectivisnની સ્થાપના કરી આપી. Anthropocentric સ્વરૂપ આ બન્નેનો અસ્વીકાર કરે છે અને વાસ્તવિકતા કેવળ વ્યક્તિનિષ્ઠ કે વસ્તુનિષ્ઠ ગણવાને બદલે લોકનિષ્ઠ ગણે છે. આધુનિકતાવાદે લોકનિષ્ઠ વાસ્તવિકતાને ટોળાંશાહી ગણાવી એને નકારાત્મક મૂલ્ય આપેલું. અનુઆધુનિકતાવાદનું આ સ્વરૂપ લોકોને ટોળા સાથે મૂકવાને બદલે સમૂહ સાથે મૂકી એમનું ગૌરવ કરે છે. આ અભિગમ એના મોટા ભાગનાં વિભાવનાસ્વરૂપ ઓજારો નૃવંશવિજ્ઞાનમાંથી લાવે છે. અનુસંરચનાવાદની જેમ નૃવંશવિજ્ઞાન પણ અર્થના મહત્ત્વનો સ્વીકાર કરે છે પણ અનુસંરચનાવાદની જેમ એ અર્થને differenceના તર્કશાસ્ત્રથી સમજાવતો નથી. એ અર્થને લોક સાથેની identityના કે સંદર્ભે ઓળખાવે છે. આમ અહીં, metaphysicsને નૃવંશવિજ્ઞાનની એક શાખા બનાવી દેવામાં આવ્યું છે. Absolute અને એ પ્રકારની નરી અમૂર્ત વિભાવનાઓનું સ્થાન આ metaphysicsમાં નથી. grammatological સ્વરૂપમાં મનુષ્ય છે ખરો પણ સંકેતોથી રચાયેલો, જ્યારે anthropocentricનો મનુષ્ય સંકેતો રચે છે. આ પ્રકારના ચિન્તનના કેન્દ્રમાં એક બાજુ ગાડામેરનું hermeneutics પડેલું છે તો બીજી બાજુ neocolonialism પણ પડેલો છે. આ સ્વરૂપના અનુઆધુનિકતાવાદમાં એક પ્રકારનો અતીત રાગ (nostalgia) જોવા મળે છે. આ અતીતરાગ hermeneuticsમાં બને છે તેમ અર્થ નિશ્ચિત કરવાનો અતીતરાગ બની જાય છે તો વળી ક્યારેક એ મૂળ શોધવા માટેનો એક સાંસ્કૃતિક પ્રયાસ પણ બની જાય છે. અતીતરાગમાં ઘણાં બધાં સ્વરૂપો છે. દેશ અને કાળ પ્રમાણે એની વિભાવના બદલાતી રહે છે. પણ એક વાત નિશ્ચિત છે કે અતીતરાગને ઇતિહાસ કે પરંપરાના પર્યાય તરીકે જોવો ન જોઈએ. ઇતિહાસની જેમ અતીતરાગને ભૂતકાળ સાથે નહીં પરન્તુ ભૂતકાળની images સાથે સંબંધ છે. દોક્તોરોવ જેવા અમેરિકન નવલકથાકારો અતીતરાગને લોક-ઇતિહાસ તરીકે ઓળખાવે છે.
આધુનિકતાવાદ રામરાજ્યની લાલચમાંને લાલચમાં માણસને એના સાંસ્કૃતિક, ઐતિહાસિક મૂળથી દૂર ને દૂર લઈ ગયો. અતીતરાગ માણસને એના સાંસ્કૃતિક, ઐતિહાસિક પર્યાવરણમાં પુન:સ્થાપના કરવા માટેનું એક શક્તિશાળી સાધન છે. લ્યોતાર જેને lost narrative કહે છે તે અતીતરાગ દ્વારા પાછું મેળવી શકાય. ફેડરીક જેમ્સન ‘loss of narrativeને loss of our ability to locate ourself historically’ સાથે સરખાવે છે. અતીતરાગ આ રીતે કાં તો મૂળ તરફ પાછા જવાની અથવા તો જ્યાં છીએ ત્યાં મૂળ નાખવાની એક પ્રક્રિયા છે.
અતીતરાગ મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે, સમાજશાસ્ત્રીય પણ હોઈ શકે અને દાર્શનિક પણ. આ સંજ્ઞાનો એક અર્થ ‘પરંપરાની શોધ’ એવો પણ થાય છે. નીઓકોલોનીયલ ડીસ્કોર્સમાં ‘whiteman’s burden’ને ત્યજી દેવાની જે વાત થઈ છે તે અતીતરાગનો જ એક પ્રકાર છે. અતીતરાગ પતનની લાગણીને સમતોલ કરી આપે છે. અખિલાઈમાંથી ઊઠી ગયેલા વિશ્વાસને એ લોકસમૂહમાં પાછો સ્થાપી આપે છે. અભિવ્યક્તિ અને સ્વાભાવિકતાનું એ ગૌરવ કરે છે. colonial રાષ્ટ્રોને એ પશ્ચિમના દાબથી મુક્ત કરે છે. અનુઆધુનિકતાવાદનું આ સ્વરૂપ narrationને rhetoric સાથે સાંકળવાને બદલે કાં તો nation સાથે કાં તો લોક સાથે સાંકળે છે. આધુનિકતાવાદે આપેલા સામૂહિક સનેપાતથી ઊગરવા અતીતઝંખા સિવાય કોઈ આરો નથી.
‘The culture of Postmodernsim’માં આઈ. હસને આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ વચ્ચેનાં વ્યાવર્તક લક્ષણો આપ્યાં છે:
modernism postmodernism
romanticism/Symbolism paraphsics/Dadaism
form (conjunctive, closed) antiforn (disjunctive, open)
purpose play
design chance
hierarchy anarchy
mastery/logos exhaustion/silence
art object/finished work distance process/performance/happening
distance participation
creation/totalization/synthesis decreation/deconstructon/antithesis
presence absence
centring dispersal
genre/boundary text/intertext
semantics rhetoric
paradigm syntagm
hypotaxis parataxis metaphor metonymy
selection combination
root/depth rhizome/suface
interpretation/reading against interpretation/reading
signified signifier
lisible (readerly) scriptible (writofly)
narrative/grande histoire anti-narrative/petite histoire
master code idioloot
symptom desire
type mutant
genital/phallic polymorphous/androgynous
paranoia schizophrenia
origin/cause schizophrenia
origin/cause difference-difference/ttraco
God the Father The Holy Ghost irony
metaphysics irony
indeterminacy determinacy
transcendence immanence
છેલ્લે, ગુજરાતી સંસ્કૃતિમાં આ બન્ને સ્વરૂપના અનુઆધુનિકતાવાદનાં લક્ષણો પ્રચૂર માત્રામાં જોવા મળે છે. ધર્મનું despiritualization થઈ ગયું છે. ધર્મોપદેશ બોધિવચનો દ્વારા નહીં પણ જોક્સ અથવા તો ટુચકાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક જમાનામાં જેને popular કહીને ભાંડવામાં આવતું હતું એ બધુ જ હવે વિજ્ઞાનોના વિશ્લેષણનો વિષય બની રહ્યું છે. પહેરવેશ, રાચરચીલું, સ્થાપત્ય વગેરેમાં અતીતરાગના એક ભાગરૂપે મધ્યકાલીન images ઢગલાબંધ દેખા દે છે. શરીર અંગેની વિભાવના બદલાઈ ગઈ છે. જાતીય સંબંધોને સંતતિનિયમનનાં સાધનો વડે reproductionમાંથી મુક્તિ અપાઈ છે. આ પ્રકારના સંબંધોમાં પણ એક પ્રકારનો ઉપભોકતાવાદ પ્રવેશી ગયો છે. શબ્દનું જે સ્થાન ભાષામાં છે એ સ્થાન હિંસાએ માનવવ્યવહારમાં લઈ લીધું છે. હિંસાખોરી હિંસાપદ્ધતિ (system of violence) બની ગઈ છે. વગેરે. Representionની ફિલસૂફી કટોકટીમાં છે. Mirror તૂટી ગયા છે, Iamp બૂઝાઈ ગયા છે. screen અને sceneનો જયજયકાર છે. ઉપભોકતાવાદી અભિગમ આધિભૌતિકશાસ્ત્રની ફજેતી કરી નાંખી છે. આ બધું છતાં આપણો સાહિત્યકાર હજી સામગ્રીમાંથી શૈલી ને શૈલીમાંથી સામગ્રી જેવી કાટલાં જોખવાની રમતમાં વ્યસ્ત છે. નીત્શેના પેલા સંતની જેમ એ જાણતો નથી કે ઈશ્વરનું અવસાન થયું છે. એ હજી આધિભૌતિકશાસ્ત્રનાં અસ્થિકુંભોને પૂછ્યા કરે છે. એને અતીતરાગ છે પણ એક જરૂરિયાત તરીકે નહીં, વ્યૂહરચના તરીકે. એને differenceનું અર્થવિજ્ઞાન ગમે છે પણ એ પાછલે બારણે વ્રતકથાઓ કહે છે અને બાધા આખડીઓ રાખે છે. સૌ પ્રથમવાર એવું લાગી રહ્યું છે કે આપણો સાહિત્યકાર એના સમાજ અને સંસ્કૃતિના સંદર્ભે પછાત રહી ગયો છે. એ આધુનિકતાવાદનું critique નહીં પૂરું પાડી શકે. એ જ રીતે એનો અતીતરાગ પણ વાંઝણો સાબિત થશે એમ લાગે છે.
[‘અનુઆધુનિકતાવાદ’, સંપા. ભોળાભાઈ પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, 1993]