તરંગો
૧
સમુદ્ર
ઊછળી રહ્યો છે તરંગોમાં
તરંગો
ઊછળી રહ્યા છે
સમુદ્રમાં
૨
તરંગ
સૂર્યને
સમુદ્રમાં આઘે આઘે વહાવી
ઊં...ડે... તાણી જઈ
પ્રચંડ જળરાશિમાં
વેરી દે છે
૩
તરંગ કહે: સમુદ્ર નથી
તરંગ
ઊછળી ઊછળી પછડાઈ
વીખરાઈ જાય છે
તરંગ કહે: સમુદ્ર છે
સમુદ્ર
તરંગને ઉછાળી ઉછાળી પછાડી
વિખેરી દે છે
૪
તરંગે ચડેલું આકાશ
સેલારા મારી રહ્યું છે
વારેવારે
પવન ઝાલર વગાડે
એકાએક
કોઈ પંખી પાંખો ઝબકોળી જાય
રાતાં
તેજબુંદો ઊડી રહ્યાં છે
અત્યારે
તરંગ
આ રમ્યતાના
ઉન્માદ ચકરાવે છે...
૫
તરંગને
જંપ નથી જરીકે
ખડકને
વારંવાર વીંટળાતા રહેવું
રેતપટ પર પ્રલંબ વિસ્તરી જવું
જળમાંથી જળ થઈ ઊછળી
છલંગ દઈ ઘૂમરી ખાઈ પછડાઈ
જળમાં ભળી જવું
નિરુદ્દેશે
વહેવું... વહ્યા કરવું
તરંગને જંપ નથી જરીકે