અનેકએક/બુદ્‌બુદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

બુદ્‌બુદો




ઊછળતા સમુદ્રમાં
બુદ્‌બુદો
બંધાઈ રહ્યા છે વીખરાઈ રહ્યા છે
બંધાઈ રહ્યા છે
બુદ્‌બુદ બંધાય
તો શું?
બુદ્‌બુદ વીખરાય તોય શું?




તરંગો પર સવાર
બુદ્‌બુદો ઊડી રહ્યા છે
વેગીલા પવન સાથે
પ્રવેશી ગયેલો સૂર્ય
અનેક ઝબકારા વેરી રહ્યો છે
પછડાતા બુદ્‌બુદો
સમુદ્ર પર
સૂર્યતરંગો થઈ વહી રહ્યા છે



બોલે નહિ
તો બુદ્‌બુદો પણ
સમુદ્ર જ છે



સોનેરી રેતીમાં
બુદ્‌બુદો ઘેરાઈ ગયા છે
શંખ-છીપલાંમાં અટવાઈ ગયા છે
ઓટનો સમુદ્ર
આઘે આઘે જતો રહ્યો છે
રેતકણો વચ્ચે
બુદ્‌બુદો તતડી તતડી
તૂટી રહ્યા છે
શંખમાં ઝીણેરો રવ પણ નથી




બુદ્‌બુદોના પોલાણમાં
ઘુઘવાટનાં ઊંડાણ
વેગના ચકરાવા છે
તરંગોમાં
ઊંડે ઊતરી ગયેલ બુદ્‌બુદો બોલી બેસે
હું સમુદ્ર છું
સમુદ્રનું ચૂપ રહેવું
અને નહિ કે બુદ્‌બુદનું તૂટી જવું
બધું જ કહી દે



સમુદ્ર
બુદ્‌બુદબોલીઓ બોલે
પવન ચૂમે
આકાશ જુએ
છીપ વીણે
રેતી શ્વસે
સમુદ્ર બોલે સમુદ્ર સાંભળે




બુદ્‌બુદોથી
સમુદ્ર વીણ્યો વિણાય નહિ
ઊંચક્યો ઊંચકાય નહિ
ઝાલ્યો ઝલાય નહિ
અળગોઆઘોય થાય નહિ
બુદ્‌બુદોમાં
સમુદ્ર સમાવ્યો સમાય નહિ