દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/પ્રાસ્તાવિક :ગુણિયલ ગજરો – ચન્દ્રકાન્ત ટોપીવાળા

From Ekatra Wiki
Revision as of 10:18, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રાસ્તાવિક :ગુણિયલ ગજરો – ચન્દ્રકાન્ત ટોપીવાળા


દલપતરામ કવિની અને એમની કવિતાની સાચી ઓળખ એમની જ એક પ્રસિદ્ધ રચનાની પંક્તિથી કરાવી શકાય : ‘માલણ ગૂંથી લાવ ગુણિયલ ગજરો’ કવિ ગીતમાં મઘમઘતો ગજરો કે રંગબેરંગી ગજરો નથી માગતા, પણ ‘ગુણિયલ ગજરો’ માગે છે. ‘ગુણિયલ’ વિશેષણમાં એક બાજુ એમની સદા નૈતિક સ્તરને સ્પર્શતી વ્યક્તિતા અને કવિતાની ભૂમિકા છે, તો બીજી તરફ ‘ગજરો’માં એમની સુનિયંત્રિત ચેતના અને સુગ્રથિત કવિતાની ભૂમિકા છે. વળી ‘ગુણિયલ ગજરો’ની અભિવ્યક્તિમાં નાદથી અર્થને રોચક બનાવતો અને એને સ્મૃતિદૃઢ કરતો કસબ ડોકાય છે. દલપતરામનો ગુણિયલ ગજરો ત્યારે જ સમજાય એમ છે, જ્યારે આપણે જાણીએ કે દલપતરામે કઠોર અને અત્યાગ્રહી વેદધર્મી પિતાથી અલગ થઈ સ્વામીનારાયણ ધર્મનો અંગીકાર કર્યો હતો; સ્વામીનારાયણ સંપ્રદાયના દેવાનંદ સ્વામી પાસે વ્રજભાષાની પરંપરાનો પરિચય કેળવ્યો હતો અને યોગાનંદ સ્વામી પાસે છંદ, અલંકાર લય, પ્રાસાનુપ્રાસની કળા શીખવા માંડી હતી, વ્રજભાષાના કોઈ રાજવી કવિ થવાનું સ્વપ્ન સેવ્યું હતું. છેવટે, દલપતરામની આ સજ્જતા અને એમના કસબને અંગ્રેજ અમલદાર મિત્ર ફૉર્બસ દ્વારા અર્વાચીન હવાનો અહેસાસ મળ્યો હતો અને વ્રજભાષામાં નહીં, પણ માતૃભાષા ગુજરાતીમાં લખવાનું સૂચન થયું હતું. ફૉબર્સને કારણે જ દલપતરામનો એક પગ મધ્યકાળમાં રહેલો હોવા છતાં બીજો પગ અર્વાચીનકાળમાં પ્રવેશ પામ્યો હતો. નર્મદ પહેલાં, મધ્યકાળમાં રહી અર્વાચીનકાળમાં પહેલી ગતિ ખરેખર તો આ કવિએ જ કરી અને એથી જ નર્મદ અર્વાચીનમાં પૂરી ગતિ કરી શક્યો. દલપતરામની, ૧૮૪૫માં લખાયેલી ‘બાપાની પીંપર’માં અર્વાચીન ગુજરાતી કવિતાવૃક્ષનું બીજ પડેલું છે. ૧૮૧૮ના ખડકીના યુદ્ધમાં અંગ્રેજો જીત્યા. એ સાથે લાંબા સમય પટ પર અંધાધૂંધ ચાલી આવેલું મોગલ, મુસલમાન અને મરાઠાઓનું બળબળતું શાસન દૂર થતાં ગુજરાતની પ્રજાએ પહેલીવાર જે તંત્રવ્યવસ્થા અને શાંતિ જોઈ, એનો પડઘો – કદાચ અભાન પડઘો – બળબળતી બપોરની શીળો છાંયો ધરતી ‘બાપાની પીંપર’માં પડ્યો છે. દલપતરામની આવી સંવેદનમૂડીને ફૉબર્સની સંજીવની અડતાં અર્વાચીન શૈલીના અનેક આવિષ્કારો હયાતીમાં આવ્યા છે. મધ્યકાલીન માનસમાંથી અર્વાચીન માનસ તરફ ડગ માંડતી પ્રજા; તાર, ટપાલ, રેલ્વે જેવાં અર્વાચીન સાધનોથી બદલાતી આવતી જીવનશૈલી; સ્થપાતી આવતી નવી શિક્ષણ અને ન્યાયપ્રણાલિઓ; વિદેશી શાસકપ્રજાના સંસ્કારોથી ફેરતપાસમાં અને સુધારમાં પડેલો સમસ્ત સમાજ – આવા સંક્રાન્તિકાળમાં નર્મદે ભલે ‘યાહોમ’નો માર્ગ લીધો પણ દલપતરામ ‘ધીરેધીરે’ આગળ વધ્યા છે. એમને ખબર હતી કે વ્રજભાષામાં વાચકવર્ગ તાલીમ પામેલો છે. પણ અર્ધશિક્ષિત અને ઓછા કેળવાયેલા ગુજરાતી વર્ગ આગળ કવિતા કરવાની હશે તો કવિતાને સાદી અને સરલ રાખ્યા વિના કોઈ આરો નથી; વળી, કવિતા દ્વારા ગુજરાતી વર્ગને શિક્ષિત પણ કરવાનો રહેશે. એમણે નિરધારપૂર્વક સાદગી સાથે રસિકપણાને જોડ્યું અને ગંભીરતાની સાથે મોહક કશુંક ઉમેર્યું. અલબત્ત, કવિતા દ્વારા નીતિબોધને પણ સામે રાખ્યો. છતાં કવિતાનું ક્લેવર ક્યારેય રંજનથી અળગું ન કર્યું. કવિતાની ભાષાને દરરોજ વપરાતી ભાષાની નજીકમાં નજીક રાખી અને ક્યારેક ક્યારેક એમાં કહેવત જેવી દૃઢતાવાળી મુદ્રાઓ ઉપસાવવાનો પ્રયત્ન કર્યો. આવી કવિતાને શુદ્ધ કવિતાને કાટલે તોળવા જતાં આપણે ઇતિહાસનો દ્રોહ કરીએ છીએ. પોતાની સામે કોઈપણ જાતના અર્વાચીન સાહિત્યિક નમૂના ન હોય, ગુજરાતી ભાષા હજી ખેડાતી આવતી હોય, વાચકવર્ગ ઘણોખરો અર્ધશિક્ષિત હોય અને છપાયેલી કવિતા કરતાં હજી સભામાં સંભળવવાની કવિતાની બોલબાલા હોય – આવા સંજોગોમાં કાર્ય કરતાં કવિને એના સમયથી સાવ ઉખાડીને જોઈ શકાય નહીં. એની કવિતા પ્રસારવૃત્તિ સાથે જોડાયેલી હોય તો પણ એની અવગણના થઈ શકે નહીં. આ બાબતમાં રા. વિ. પાઠકની સાથે સંમત થવું ગમે કે ‘શુદ્ધ યા ઉત્તમ કાવ્ય કરવું છે એવી પ્રતિજ્ઞાથી જેમ કાવ્ય શુદ્ધ યા ઉત્તમ થઈ શકતું નથી તેવી જ રીતે પ્રચાર ઉદ્દેશથી એ અવશ્ય બગડી પણ નથી જતું’ આથી જ કહી શકાય કે સ્વેચ્છાવિહારાર્થે નહીં પણ જનસાધારણ અને લોકકલ્યાણના ધ્યેય સાથે પ્રેરાયેલી એમની કવિતાએ જનસમાજની નાડ બરાબર પારખી છે અને જનબોધ સાથે જનરંજન કર્યું છે. અંગ્રેજીથી અપ્રભાવિત મધ્યકાલીન ભારતીય કાવ્યશાસ્ત્રનો મૌખિક અને શીઘ્ર કવિતાનો આદર્શ દલપતરામે બરાબર અખત્યાર કર્યો છે. ‘દલપતરામકાવ્ય’ ભાગ-૧ અને ભાગ-૨માંથી કેટલુંક મહત્ત્વનું સાચવી લેવું લાગ્યું છે એનો આ સંચય છે. અહીં રચનાઓની પસંદગી, ગોઠવણી અને એના વિભાગો સાવ યાદૃચ્છિક નથી. ક્યાંક પાત્રાનુસંધાનો, ક્યાંક ઋતુક્રમિકતા, ક્યાંક વિષયવિકાસ, ક્યાંક વસ્તુઝૂમખાંઓ એમાં માર્ગદર્શક બન્યા છે. અહીં કુલ છ વિભાગ છે : મુક્તકો, કવિત, વર્ણનરીતિનાં કાવ્યો, ગેયકાવ્યો, કથાકાવ્યો અને વિવિધ. પહેલા વિભાગ ‘મુક્તિક’માં બેએક તરફ એકદમ ધ્યાન ખેંચાય છે. ‘ઘટમાં જે ઘૂંટાય, છાનું છેક રહે નહિ / બે બાંકે દેખાય, કીધાં ઢાકણ કાચનાં.’ દલપતરામે આટલા નાના ફલક પર ‘બે વાંકે’ અને ‘ઢાંકણ કાચનાં’ની સ્થૂળતા પાછળ મનની સૂક્ષ્મતાને આબાદ રીતે વિરોધમાં છતી કરી છે. પાછો સોરઠાસહજ વર્ણસંવાદને તો જાળવ્યો જ છે. આવો જ વર્ણસંવાદ ‘પરઠવ પરનાળ’માં જોવાય છે : ‘તુજ ઘર પાણી પડે પરઠવ ત્યાં પરનાળ,‘પરઠવ ત્યાં પરનાળ.’ / નભ સઘળું નહિ, તું તારું સંભાળ’ અલબત્ત, આ દોહામાં સાથે સાથે અશક્ય આદર્શની સામે શક્ય વ્યવહારુ ઉપાયનો વિરોધ તોળ્યો છે. વળી ‘મંકોડો મૂકે નહિ બચકું, તૂટે કેડ’ જેવા દોહાના ઉત્તરાર્ધમાં ‘બચકું’ સુધી પહોંચીને જેવો ‘તૂટે કેડ’નો ટુકડો આવે છે કે તરત મંકોડાની તૂટવાની ક્રિયા પ્રત્યક્ષ થાય છે. આમાં અલ્પવિરામની ચમત્કૃતિ છે. બે પંક્તિની જગામાં યમક સાથે ઉદાહરણની ચોટ આપતું સઘળું સ્થાપત્ય દલપરામને હસ્તગત છે એ વાત અહીં સહજ રીતે કળી શકાય છે. બીજા વિભાગ ‘કવિત’માં દલપરામનું એક રીતે જોઈએ તો કિમપિ દ્રવ્ય છે. દલપરામની કવિતાનો વિશેષ છે. મનહર છંદમાં લઘુ ફલક પર પ્રાસથી બંધાતી ચાર કડીની સીમામાં કોઈક વાર નાનકડા કથાનકથી, કોઈકવાર ક્રમિક વિચારના વિકાસથી, કોઈકવાર દૃષ્ટાંતોની આવૃત્તિથી, કોઈકવાર ઉક્તિની ચમત્કૃતિથી દલપરામની કવિતો અવતારવાની પદ્ધતિ એમની પોતિકી છે. અહીં અનલંકૃત સરલ બાની છે, પશુ-પક્ષી-પાત્રોને જીવંત કરતી રજૂઆત છે અને સાથે ચતુર નાટ્યાત્મક ઉક્તિઓ છે. એમાં બાલસહજ સરલતા સાથે પુખ્ત ગંભીરતાનો વણાટ છે. આ કવિતાનો એક યા બીજી રીતે વ્યંગ, વિનોદ કે નર્મમર્મનો આછો તળપદો આભાસ સતત અજવાળ્યા કરે છે. આ આભાસે દલપરામનાં, વ્યાપક માનવીય સંવેદન અને સર્વદેશીય અસર જન્માવતાં કવિતોને દીર્ઘજીવી રાખ્યાં છે. અહીં ‘ઊંટ કહે’નો વાંકો વિસ્તાર, ‘ઘૂડ કહે’ની શેખી, ‘લોભી તથા કંજુસ વિશે’માં ઠગાતા સુડા, જેમ યાદ રહે તેવાં છે. તો, ‘કેડેથી નમેલી ડોશી’ની પ્રત્યુત્તરચાતુરી, ‘એક ભોળો ભાભો’માં ઊંટની રીઢી બેફિકરાઈ, ‘એક શરણાઈવાળો’માં શેઠની કલાજડતા – ઝટ ભુલાઈ જાય તેવી નથી. ક્યારેક કંથને મનાવા જતી કુભારજા સ્ત્રીનો ઉક્તિઠઠ્ઠો મનને ઝાલી લે છે : ‘રોયા તારી બધી રીસ મૂક્ય કર્ય તારું કાળું મોઢું / પીટ્યા તને હું પચાસ વારા પગે લાગું છું’ તો ક્યારેક ‘મનરૂપી ઘોડો’નો વેગ – શબ્દવેગ – ચિત્તને રોકી લે છે : ‘મન રૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો, જેનો / જડે નહિ જોડો. એવો દોડ્યો જાય દૂર તે’ ગદ્યની નજીક રહેલા મનહરમાં દલપરામે જે મનની ગતિને યતિઓ તોડીને, ‘ઘોડો, થોડો, જોડો’ના પ્રાસમાં વહેતી કરી છે, તે આસ્વાદ્ય છે. તો, ‘હાથને હું હુકમ કરું’માં શરીરનાં અન્ય અંગોના કહ્યાગરા વર્તન સાથે હુકમ બહાર રહેતા મનને કવિએ સહસ રીતે પરાકાષ્ઠા પર મૂક્યું છે. ત્રીજો વિભાગ ‘વર્ણનરીતિનાં કાવ્યો’નો છે અને એમાં પ્રધાનપણે પ્રકૃતિવિષયક કાવ્યો છે. ગુજરાતી મધ્યકાલીન કવિતામાં ભાગ્યે જ દેખા દેતી ગુજરાતની પ્રકૃતિ અહીં અર્વાચીનતાના ઉઘાડમાં પહેલીવાર સ્વતંત્રવિષય રૂપે પ્રતિષ્ઠિત થઈ છે. સદ્‌ભાગ્યે દલપરામને અંગ્રેજી રૉમેન્ટિક સાહિત્યનો સીધો પરિચય ન હોવાને કારણે પછીથી નરસિંહરાવ દિવેટિયાની કવિતામાં ઢળનારાં પશ્ચિમરંગી પ્રકૃતિવર્ણનો કરતાં દલપરામનાં પ્રકૃતિવર્ણનો જીવાતા વ્યવહારજીવનની નજીકનાં, ક્યારેક નર્યા વાસ્તવિક, સ્વભાવોક્તિપૂર્ણ છે. એમની આ પ્રકારની રચનાઓ ઋતુઓની ખાસિયતોને સરલ છતાં ચૉટડુક બાનીમાં સીધી ઝીલે છે :


શીઆળે શીતળ વા વ્હાય, પાન ખરે ઘઉં પેદા થાય
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે આવે તંબોળ

સખી એક બીજી સખીને કહે છે, અરે આવિયો શીતનો કાળ એ છે,
અનંતા જીવોને ભરાવ્યો ઉચાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો
તરુવરોએ શણગાર કીધો, જાણે વસંતે શિરપાવ દીધો!

વળી આ વર્ણનકાવ્યો જુદા જુદા લસરકા સાથે ગમે ત્યાં પૂરા થતાં હોવા છતાં અને વિરોધ, વિકાસ કે આગળ વધતો વેગ ન બતાવતા હોવા છતાં વારંવાર દૃષ્ટાંતો મારફતે તત્કાલીન રાજકીય શાસન અને પરિસ્થતિઓને તેમજ યુદ્ધસામગ્રીને જઈ અડકે છે; એમાં એક ઐતિહાસિક અને દસ્તાવેજી મહત્ત્વ છે. દલપરામનું અંગ્રેજી અમલથી ઘેરાયેલું ચિત્ત ઘણીવાર પ્રકૃતિનાં તત્ત્વો મારફતે સુરાજ્ય અને કુરાજ્યની સરખામણીમાં ઊતરે છે. આ પ્રકારનાં પ્રકૃતિકાવ્યોમાં સજીવારોપણ (Personification કે Anthropomorphism)થી વિશેષ પ્રકૃતિ તત્ત્વોને માનવીય પરિઘિમાં ખેંચતું (Human Orbitism) કે માનવીય સમાન્તરણ પ્રક્રિયામાં પ્રેરતું (Human Parallelism) કાવ્યતંત્ર જોવાય છે.


 જુઓ નિર્મળુ છે ભર્યું નીર કેવું
દિસે સજ્જનોનું ભલું ચિત્ર જેવું

નૌકા વિશે રહિ જનો જળપંથ ચાલે,
તે દોડતા તરુવરો નિધિ તીર ભાળે;
તે જેમ હોય નિજ દુર્ગુણ જે અલેખે,
પોતા વિશે ન પરઠે પર દોષ દેખે.

આથી જ ‘મેઘરાયની ચઢાઈ’માં મેઘ-તત્ત્વો યુદ્ધ તત્વોમાં પલટાઈ ગયાં છે. ‘આખા શિયાળા વિશે’માં શીળા વાયુના સૈન્યનો પ્રવેશ છે, ‘વસંતઋતુનું વર્ણન’માં ઋતુરાજને, એના મુકામને અને શિરપાવને સ્થાન અપાયું છે. ‘અંધારું ચન્દ્રોદય’ ‘આથમતા તારા અને ચન્દ્ર’ ‘પરોઢિયું’ – વગેરે કાવ્યો સ્પષ્ટપણે રાજ્યકલ્પનો (Political images)ના બળ પર ઊભેલાં છે. આ રાજકીય કલ્પનોમાં એ વખતના અંગ્રેજ સરકારનું સુરાજય જોવાતું હોય તો સમજવાની જરૂર છે કે દલપરામે અંગ્રેજ પૂર્વેના રાજ્યશાસનમાં જે અંધાધૂંધી, જુલ્મ અને ત્રાસ સાંભળ્યાં છે એની પ્રતિક્રિયા રૂપે છે. અંગ્રેજી રાજ્ય જેવા પરશાસન સામેની વિરોગ્રંથિ હજી બંધાવાની વાર હતી અથવા કદાચ શરૂઆત હતી. આ બધી માનવીય સમાન્તરણ પ્રક્રિયા ઉપરાંત પ્રકૃતિકાવ્યોમાં દલપતરામની સંવેદનકેન્દ્રી શબ્દસમૃદ્ધિ પણ વેરાયેલી જોઈ શકાય છે. ‘શ્રાવણમાસનો દેખાવ’માં આવતી પંક્તિ ‘શોભિત શૈલ તણા શુભ ભાગ બધા નભમાંહી ઊંચે પ્રસર્યા છે’. શાર્દૂલવિક્રીડિતના લાંબા પટ પર પથરાતી નાદદૃશ્યની જુગલબંધી દ્વારા વિસ્તારનો અનુભવ આપે છે. ‘ભૂભામિની વિશે’માં ‘ઝગે છીપ જાણે કરે ચક્ષુ ચાળો’ પંક્તિ દ્વારા પ્રતિબિંબિત સૂર્યકિરણનું જીવંત ચાક્ષુષબિંબ રચાયું છે. વળી ‘આખા શિયાળા વિશે’, હાડમાળો જેવી દેખાડેલી ઉઘાડી શિલાઓ, ‘હેમંત ઋતુનું વર્ણન’માં હવાઈના તણખા સંદર્ભે નભેથી તારા પાડીને આવતું બતાવેલું બાણ, ‘ગ્રીષ્મકાળ’માં પયોધિનમાં પાણીને પગની ઠેશે ઉછાળતો રજૂ થયેલો કોઈ ગ્રીષ્મ (conceits), ‘ચન્દ્રોલય’માં ચન્દ્રના કલંક વિશેના પ્રસ્તુત કરેલા ચમત્કૃતિપૂર્ણ તરંગો ‘જળવર્ણન’માં નીરના ઊજળા તરંગમાં દર્શાવેલી ભલી ભાત લીંપી ઓકળીઓ અને ‘આબુનું વર્ણન’માં હાથી જેવા પર્વતની બે બાજુ પૂનમ ટાણે ઘંટ જેવા કલ્પેલા સામસામા ચન્દ્રસૂરજ : આ સર્વ દલપતરામની કવિપ્રતિભાનો મૂલ્યવાન કસબ છે. ચોથો વિભાગ ‘ગેય રચનાઓ’નો છે, જેમાં ગીત, ગરબી પદોનો સમાવેશ છે. પહેલી જ ગરબી ‘પરમેશ્વરના રસ્તાની ગરબી’માં દલપતરામે ‘હરિનો મારગ છે શૂરાનો’ની સામે નવો ‘પ્રભુનો મારગ’ રજૂ કર્યો છે. નથી આડો અવળો, નથી ઊંચો, પણ મનગમતા આ મારગ પર કેવળ ચૉપ દઈને ચાલવાનું છે અને પછી તો ‘વસ્તો રસ્તો સસ્તો છે.’ દલપતરામની જીવનદૃષ્ટિ અને એમના વ્યક્તિત્વના નીતિક્લેવરને આ ગરબી બરાબર અંકિત કરે છે. અહીં ‘પૃથ્વી રૂપી નટડી વિશે’ ‘મહિના’ ‘મનરૂપી હાથી વિશે’ અને ‘સીતાજીના કાગળનું ધોળ’ જેવી રચનાઓ દલપતરામની સર્જકતાનો ઊંચો આંક દર્શાવે છે. ‘પૃથ્વી રૂપી નટડી વિશે’માં વૈજ્ઞાનિક યુગની સમજ સાથે જે વિરાટ ફલક પરથી પૃથ્વીના રૂપને નિહાળ્યું છે તે આહ્‌લાદક છે. ‘નિજ શરીર સંકોચન કરી થઈ ગઈ ગોળમટોળ, નટડી નાચે છે / મેં દીઠું તેના દેહનું દડા પ્રમાણે ડોળ; નટડી નાચે છે’ આ પછી આગળ વધી કહે છે : ‘વળી ઊલટસૂલટ કાયા કરી ખૂબ ગુલાંટો ખાય, નટડી નાચે છે / પણ એકે વસ્તુ સંગથી જરીયે ખસી ન જાય; નટડી નાચે છે.’ ‘પૃથ્વી રૂપી નટડી’ એ ભવિષ્યમાં આવનાર ઉમાશંકરના ‘નિશીથ’ના કુળનું અનુસંધાન દર્શાવે છે. ‘મહિના’માં મધ્યકાળનું સાતત્ય હોવા છતાં રજૂઆતના નાવિન્યને કારણે એ અલગ તરી જાય છે. અહીં પતિ વિરહની વાત નથી, પણ પતિથી વિરહ ન થવાની વાત છે. બારેબાર મહિના અને અધિક માસમાં પણ નજરથી સ્વામીનાથને અળગો ન કરવા ઇચ્છતી પત્નીનાં બહાનાંઓ કલ્પનાપૂર્ણ છે અને ક્યારેક તો અકલ્પ્ય પ્રાસાદિક સ્તરે એનું નિરૂપણ થયું છે : ‘વાવલિયા વહાયા રે પિયુ વૈશાખના / રજ ઊડે ને માણેક મેલું થાય જો; નથડીનું મોતી રે હીરો હારનો / કહો પર હાથે કેમ તે ધીર્યો જાય જો.’ ‘મનરૂપી હાથી વિશે’ની ગરબીનો, વર્ણો ઝરતી ટેક સાથેનો, ઉઘાડ કર્ણભરપૂર છે : ‘મન મદઝર મેગળ એક છકેલો છૂટ્યો છે’ / ‘છંછેડી છરાવેલો છેક છકેલો છૂટ્યો છે’ અને પછી મનની ગતિવિધિને આબાદ પકડતી પંક્તિનો વેગ પણ જોવા જેવો છે; એના કંઠમાં સાંકળ એક લોકલાજની પાતળી છેક / તાણે તો ટુક ટુક થાય, જો મેલે તો જડ મૂળ જાય, છકેલો છૂટ્યો છે.’ ‘સીતાજીના કાગળનું ધોળ’ રામચન્દ્રજીના સીતાજી ઉપરના કાગળના જવાબમાં છે, પરંતુ રામ કરતાં સીતાના નારીસંવેદનને દલપતરામે સરલ અને તદ્‌ન અ-કરામતી પંક્તિઓમાં ઝીલ્યું છે : ‘ગાજે મેઘ ને દમકે જો દામિની, આખી જામની જંપ ન થાય / હું તો સૂની દેખું સુખ સેજડી, ખાલી મંદિર ખાવાને ધાય’. ધોળની જેમ દલપતરામે લાવણી અને હોરી જેવાં સ્વરૂપો પણ પ્રયોજ્યાં છે. અહીં ‘હોરી’માં મીરાંબાઈની અનુભૂતિનો પડઘો પાડતી પંક્તિ જોવા જેવી છે. ‘લખી લખી લખવાની લેખણ ઘણું લખતાં ગઈ ઘાસી, ઘેર આવો વસંતવિલાસી’ તો ધીરો, ભોજો જેવા મધ્યકાલીન ભક્તિકવિની લગોલગની ધ્રુવપંક્તિ દર્શાવતા પદની ચાલ પણ જોવા જેવી છે : ‘નિર્ભય ન ભમીશ રે નરભમરા / બહુ બાવળ ક્યાંઈક જ ડમરા.’ ઉપરાંત, તાડ, જ્વાસો, એરંડી, માંકણ જેવા નજીવા વિષયો પરની ગરબીઓ ચીલીના સ્પેનિશ કવિ પાબ્લો નેરુદાએ જે ‘નજીવી વસ્તુઓને ઉદ્‌બોધન (Odes elementales) કાવ્યસંગ્રહમાં રચનાઓ આપી છે એની યાદ તાજી કરાવે છે. ફરક એ છે કે નેરુદા વસ્તુના વસ્તુત્વને ઉદ્‌ઘાટિત કરવામાં રસ ધરાવે છે, જ્યારે દલપતરામ વસ્તુને માનવસદ્‌ગુણોથી કે પછી સંસારબોધથી છાવરી દેવા ચાહે છે. વસ્તુના વસ્તુત્વ પર સામાજિક આરોપ કરે છે. આથી અન્યોક્તિમાં પલટાઈ જતી દલપતરામની ગુણવાચક રચનાઓ સંવેદન ઓછું અને તર્કારોપ ઝાઝો દર્શાવે છે. પરંતુ દલપતરામ મધ્યકાળથી ફંટાઈને નવા વિષયોની પસંદગી દ્વારા જે અર્વાચીન ચેતનાનો ઉઘાડ કરી આપે છે, એમાં ભોંય ભાંગ્યાની મથામણ અગત્યની છે. આ ગરબીઓમાં સાદગીથી રચાતી સર્જકતાને કારણે કેટલીક પંક્તિઓ સ્મરણમાં રહી જાય તેવી છે. દલપતરામે ‘અદબ’ જેવા વિષયને પણ છોડ્યો નથી. એમાં શિષ્ટાચારની રીતો દ્વારા સામાજિક આચારસંહિતા શક્ય એટલી રોચક બનાવી છે, જે આજે પણ સંગત છે. દલપતરામે આશ્ચર્યજનક રીતે ‘સર્વસારસંગ્રહ’ને પણ ગરબીનો વિષય બનાવ્યો છે. ‘સ્વપ્ને ન કરી હોય મુસાફરી રે તેને પણ દિલ જાગે જ્યોત / બેઠાં બેઠાં બધુંયે જુએ રે પર્વત નદીઓ સાગર સોત’ સર્વસારસંગ્રહ જેવા વિશાળ ફલકને આવરી લેનાર દલપતરામે વિરાટ ફલક પર બે ગરબી ઉતારી છે. એક છે ‘સૂરજમાળાની ગરબી’ અને બીજી છે ‘આકાશ તથા કાળ વિશેની ગરબી.’ ‘સૂરજમાળાની ગરબી’ ઈશ્વરને ઠાકોરમાં પલટી વિરાટને એના દરબારી ઠાઠમાં પલટી નાખે છે; તો ‘આકાશ તથા કાળ વિશેની ગરબી’ સ્થળ અને કાળના શાશ્વત ઘટકોને બે જોગી કલ્પીને સર્જકલ્પનાનો અપૂર્વ આવિષ્કાર બતાવે છે. ‘કહે સૈયર તે કોણ હશે’નો પ્રશ્ન અને સામે ‘જ્યાં જોઉં ત્યાં વાસ વસે’નું આશ્ચર્ય એમ બે વળ પર સમસ્ત રચનાનો વિકાસ સધાયો છે. સ્થળની સ્થિરતા અને કાળની ગતિ વિરોધી હોવા છતાં બંનેની સહોપરિસ્થિતિના રહસ્ય પર રચના ઊભી છે. બંનેને જોગીઓ કહ્યા પછી એના વર્ણનમાં દલપતરામે વિરાટ દૃશ્યો સર્જ્યાં છે : ‘મણિઓની માળા રે કહે સૈયર તે કોણ હશે? / દિસે છે રૂડા રૂપાળા રે જ્યાં જોઉં ત્યાં વાસ વસે; વળી વસ્ત્ર ધર્યા વાદળિયા રે કહે સૈયર તે કોણ હશે? / બે ગોળ ધર્યા માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે’ વિષયપસંદગીથી માંડીને રજૂઆતની અપૂર્વતા અને ભાષાની અનુનેયતાને ધ્યાનમાં લેતાં આ રચના ગુજરાતી સાહિત્યની ટકાઉ રચનાઓમાં નિઃશંક સ્થાન લઈ શકે તેમ છે. દલપતરામનાં ગીત અને ગરબીઓની વિશેષતા એ છે કે વિષયને અનેક બાજુઓથી સ્પર્શીને દલપતરામ પરિણામીચિકિત્સા (dimensional treatment) આપે છે. ક્યારેક દલીલ અને તર્કબાજી સાથે પણ આગળ વધે છે પણ આ બધાં દ્વારા તેઓ વિષયનું દૃઢીકરણ (invigoration) કહે છે. પાંચમો વિભાગ ‘કથાકાવ્યો’માં ‘બાપાની પીંપર’. આમ એક પ્રકૃતિકાવ્ય છે પણ એમાં નાનકડું કથાનક ગૂંથાયેલું છે. દલપતરામનું ૧૮૪૫માં લખાયેલું આ કાવ્ય ગુજરાી સાહિત્યના અર્વાચીન યુગનું પ્રથમ પ્રસ્થાન ગણાયું છે. મધ્યકાળના કોઈપણ સ્વરૂપમાં સમાવી ન શકાય એવું જુદું પડતું એનું સ્વરૂપ અને એમાં પ્રવેશેલું આત્મલક્ષિતાનું તત્ત્વ ધ્યાન ખેંચે છે. પ્રારંભમાં પાંચ કુંડળિયા અને પછી દોહરો, ત્યારબાદ પાછા ચાર કુંડળિયા અને સવૈયા દ્વારા રચાતો કાવ્યબંધ ખંડકાવ્યના બાહ્ય સ્વરૂપનો આછો પૂર્વ અણસાર આપે છે. આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસથી દલપતરામનો ઘડાયેલો કસબ અછતો નથી રહેતો. ગ્રીષ્મ ઋતુના પ્રલયસમ તપેલા તાપમાં વઢવાણથી લીમડીના લીધેલા પંથે પાણી પણ ન મળ્યું, છાંયો કે એકે ઝાડ પણ ન મળ્યું અને તનનું નૂર સૂરજે હણી નાખ્યું – એવી રામકહાણી, લીમડી લગભગ આવી બાપાની પીંપર આગળ કેવી રીતે વિરમે છે, એ કાવ્યવસ્તુ વિરોધ ભૂમિકાએ ઝિલાયેલું છે. વિરોધ બે સ્તરે છે : ધખતા ધોમમાં એક પણ ઝાડ કે છાયા વગરના પ્રદેશમાં સુખ ઉપજાવતી મળી આવેલી બાપાની પીંપર પહેલો વિરોધ છે, તો પ્રયાગનો પ્રાગવડ, પ્રભાસનો પીપળો, જમના કાંઠાનું કદમ્બ, કૈલાસનાં કલ્પતરુઓ વગેરેની સામે વિરોધમાં મૂકેલી ‘બડી પીંપર બાપાની’ તે બીજો વિરોધ છે. પછી શીતળતાનો અનુભવ કવિને પ્રેમભરી આહ્‌લાદક અત્યુક્તિમાં લઈ જાય છે. કહે છે : ‘આંબા કરતાં અતિ ભલું દિસે તારું ડોળ’ ડોળનો એક લસરકો મનમાં ઘુમ્મટ રચી દે છે. કલ્પતરુની, શેરડી સાંકર ગોળની વિરોધ ભૂમિકાએ પીંપરથી થયેલી શાતાનો અનુભવ તોળાયા કરે છે અને દોહરામાં સ્ફટિક રૂપે અવતરે છે. જાહ્‌નવીના તીરે જલદાન કરતાં નિર્જળ દેશમાં થયેલું જલદાન વિરલ છે તેવું જ વિરલ આ નપાણિયા પ્રદેશમાં પીંપરનું છે. છાયા દ્વારા શાંતિદાન છે. નશ્વર જગતને શાશ્વતીમાં પલટનાર કવિની અદાથી દલપતરામ કહે છે : ‘જીવે તું જગમાંહી જીવે કવિતા જ્યાં સુધી.’ બહુ મોટો પ્રતિભાવિસ્ફોટ બતાવતું આ કાવ્ય નથી તેમ છતાં આ કાવ્યની પ્રબળ ઐતિહાસિકતાએ પીંપરને ગુજરાતમાં સ્થિર કરી છે એ હકીકત છે. પહેલો કુંડળિયો મધ્યકાલીન પરંપરાના અંશો જાળવીને સમયનો નિર્દેશ કરે છે, તો છેલ્લો સવૈયો કદલી તરુ અને ફૂલો ભર્યા વૃક્ષથી પણ વધુ બડભાગિણી પીંપરની પ્રશસ્તિ સાથે અનુભવને દૃઢ કરી વિરમે છે. ગ્રીષ્મ ઋતુના સંતાપ અને ‘બાપાની પીંપર શાતામાં ન્હાનાલાલ અંગ્રેજ રાજ્ય દ્વારા તાપસંતાપ શમી જતાં પથરાતી કાળસંધિના પ્રચ્છન્ન સંકેત જુએ છે, તે અસ્થાને નથી. ઋતુવર્ણનમાં અન્યત્ર મુખર રહેતો અંગ્રેજ રાજ્ય પ્રતિનો દલપતરામનો ભાવ અહીં સત્ત્વ રૂપે કાવ્યમાં વિસ્તરી ગયો છે, એમ કહી શકાય.’ ‘ “ફૉર્બસવિરહ”માંથી એક અંશ’ દલપતરામે લખેલી ગુજરાતી ભાષાની પ્રથમ કરુણિકા (elegy)ની અને અંગત મિત્રપ્રેમની ઝાંખી આપતો અંશ છે. અંગ્રેજ અમલદાર મિત્ર ફૉર્બસના અવસાન નિમિત્તે દલપતરામે જે મિત્રવિયોગ અનુભવ્યો તેમાંનો આ અંશ ધનાક્ષરી છંદમાં દ્વિરુક્તિઓની કરામત હોવા છતાં દલપતરામની વેદનાનો વળ ઉત્કટતાથી પંક્તિઓના માળખામાં પ્રગટ થયો છે, એ દર્શાવે છે. વળી, ફૉર્બસ જોડે જે જે જગા જોતાં દલપતરામનો જીવ રાજી થયેલો. તે તે જગા આજે એમને ઉદાસી આપે છે. આ મનોવૈજ્ઞાનિક સત્યની અભિવ્યક્તિ પણ વેધક બની છે. ‘અટકચાળો છોકરો’માં દાદાની તપખીરની દાબડી ખોલીને પરાક્રમ કરતાં અડપલા જીવાનું પાત્ર બાળકલ્પનામાં જીવંત રીતે ઊઘડે તેવું છે. ‘પુરી એક અંધેરી ને ગંડુ રાજા’ની કથા કોઈપણ ગુજરાતીથી ભાગ્યે જ અજાણી છે. એની ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજા’ જેવી પંક્તિ લગભગ ગુજરાતી ભાષામાં કહેવત રૂપ બની ગઈ છે. દલપતરામની કથા કહેવાનો તરીકો પણ અહીં ચલચિત્રકલાના સંપાદન જેવો બન્યો છે. પહેલા દૃશ્યમાં ગુરુની ના છતાં અંધેરી નગરીમાં રહી પડતા શિષ્યની રસિક કથા છે, તો બીજા દૃશ્યમાં ખાતર પાડવા જતાં દબાઈ પડેલા ચોરનો તરંગી મુકદમો છેક છેલ્લે પહેલા દૃશ્યના શિષ્ય પાસે પહોંચે છે; અને એમ કથાનો તંતુ પાછો જોડાય છે. કથારીતિમાં આ રીતે દૃશ્યોનું સંપાદન કરીને દલપતરામે કૂતુહલને સારી પેઠે નભાવ્યું છે; તેમજ અભણ રાજાના ન્યાયનો બોધ વ્યંગવિનોદપૂર્વક રજૂ કર્યો છે. ‘રાજ મળ્યું તો શું થયું’માં રામકથાના પ્રવેશ સાથે દલપતરામે વિવિધ ધંધાદારીઓની દૃષ્ટિબદ્ધતાની જબરદસ્ત ઠેકડી ઉડાડી છે. તો, ‘સુલતાન અને પટેલ’માં જનસ્વભાવને તાકીને કણબીઓની વિનોદ કથા દ્વારા કણબીઓને બોલતા કે વર્તતા ન આવડે પણ ‘રૂડું છે કણબીથી રાજ’ અને ‘કણબી સૌના તારણહાર’ એ લાગણી જરૂર પહોંચાડી છે. પાંચમો ‘કથાકાવ્યો’નો આ વિભાગ કથાબોધને વિનોદપૂર્ણ કથાનકના માધ્યમ દ્વારા સરલ છતાં ટકાઉ છંદોબદ્ધ ભાષાબંધમાં પ્રગટ કરે છે. છેલ્લો અને છઠ્ઠો વિભાગ ‘વિવિધ’નો છે. અહીં દલપતરામે પોતાના પૂર્વજોનાં મોત અને પોતાના જીવનના કાળવેગથી માંડી પોતાની આસપાસ ફેરફારોને, નવી દુનિયાને તેમજ બહુરૂપી અને સર્વવ્યાપી ઈશ્વરને પોતાના સંવેદનવિશ્વમાં ખેંચ્યાં છે. ગુજરાતના વર્ણો અંગેના વ્યવહારુ ડહાપણથી ઊભી થતી ઈશ્વરની બહુરૂપતા, ‘આસપાસ આકાશમાં અંતરમાં આભાસ’ના નાદવિસ્તારથી દેખાડાતી ઈશ્વરની સર્વવ્યાપકતા, એક નાના સરખા તરખલામાં નસો, નળી, નવરંગ ગાંઠ દ્વારા ક્લોઝઅપમાં રજૂ થતી ઈશ્વરની ક્રોડ કારીગરી, પ્રહર્ષક કટાક્ષ વહેતો ભાદરવાનો ભીંડો, નાદ-પ્રાસના કસબથી અને ચારણ છટાથી આંખ સામે ઊભો થતો નરસિંહ મહેતાનો ઓટૉ અને ‘સો પુસ્તક ઇતિહાસના સમાચારનુ એક’ જેવું પત્રકારત્વનું દર્શન ધરતાં વર્તમાનપત્રો – આ સમૃદ્ધ ઉદાહરણો ગુજરાતી કવિતાનાં દીર્ઘજીવી સંભારણાં છે. આલ્ફ્રેડ કોર્ઝિબ્સ્કીએ વીસમી સદીમાં ભાષાને લક્ષમાં રાખી મનુષ્યને, સમયને બાંધનાર (Timebinding unimal) તરીકે ઓળખાવ્યો છે, એ પહેલા ૧૯મી સદીમાં દલપતરામે ‘વાણીમહિમા’માં આ જ વિચારને રસપ્રદ રીતે રજૂ કર્યો છે :


વાણીથી વિચાર એકબીજાને કહી શકાય
જ્ઞાનવારસો તો વાણીમાં મૂકી જવાય છે
સેંકડો વરસ સુધી શોધી શોધી મેળવેલું
પૂર્વજોનું જ્ઞાન તે તો વાણીથી પમાય છે.

વાણીનો મહિમા જ દલપતરામને ગુજરાતી ભાષાને પ્રેમ કરવા તરફ લઈ ગયો છે :


આવ ગિરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું,
જાણની પાસ વખાણ કરાવું, ગુણીજનમાં તુજ કીર્તિ ગજાવું,
ભારતવર્ષ વિશે બીજી ભારતી, માનવતીતતણું માન તજાવું
દેશ વિશે દલપત કહે, ભભકો તુજ જો ભલી ભાત ભજાવું.

આ પ્રેમને લીધે જ દલપતરામ ‘રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું’ એમ બુલંદ સ્વરે ગાઈ ઊઠ્યા છે; અને અર્વાચીનતામાં ભાંખોડિયા ભરતી ગુજરાતી ભાષામાં મધ્યકાલીન દેશીઓથી હટીને સંસ્કૃત વૃત્તો તરફ જઈ ‘રચ્યા છે રૂડા છંદ દલપતરામે’ એવું છંદે ચઢીને ભારપૂર્વક કહી શક્યા છે. અહીં ‘દલપતરામ’માં ‘ત્ત’ પર આવતો ભાર કેવળ છંદની માગ નથી પણ એમાં પોતાને દૃઢ કરવાની સભાનતા પણ છે. આમ મધ્યકાળની ચેતનામાંથી ઉપાડી પહેલપ્રથમ અર્વાચીનકાળની ચેતનામાં ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાને રમતી મૂકનાર દલપતરામનું ઋણ ગુજરાતી ભાષા અને કવિતા પર એવું છે કે જે. ઈ. સંજાણા સાથે આપણા પણ અવશ્ય કહેવું પડે કે દલપતરામ વહેલા કે મોડા ફરી પોતાનું સ્થાન લેશે. કારણ, સમય એમની સાથે છે. દલપતરામ અનિશ્ચિતકાળ સુધી રાહ જોઈ શકે તેમ છે. નર્મદથી ગાજતું રહેતું ગુજરાતી વિવેચન કોઈકવાર તો દલપતરામ ભણી ફરશે. ગુજરાતી કવિતાનાં તળમૂળ અને ભારતીય કવિતાની દેશી સમૃદ્ધિનો તાગ દલપતરામનાં લેખનોમાં પડેલો છે. સાહિત્ય અકાદમી દિલ્હી ભારતીય સાહિત્યના નિર્માતા શ્રેણી હેઠળ ‘દલપતરામ’ ઉપર લઘુપ્રબંધ તૈયાર કરવાનું નિમંત્રણ મળેલું અને એ નિમંત્રણના અનુસંધાનમાં ગુજરાતી સાહિત્ય પરિષદે મારો લઘુપ્રબંધ ‘દલપતરામ’ ૨૦૦૨માં પ્રકાશિત કર્યો છે, એ દરમ્યાન દલપતરામ સાથેનો સમાગમ ફળદાયી હતો. પાર્શ્વ પબ્લિકેશનના શ્રી બાબુભાઈ શાહે ‘દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો’ નિમિત્તે ફરીને દલપતરામ સાથે સમાગમ કરાવી આપ્યો એનો ઓર આનંદ છે. ચન્દ્રકાન્ત ટોપીવાળા ડી/૬, પૂર્ણેશ્વર ફ્લેટ્‌સ ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૩૮૦ ૦૧૫.