દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૬. વરકન્યાના હાથ મળ્યા વિશેનું ગીત
ઢોલ ઢમક્યા રે, વર વહુના હાથ મળ્યા,
હાથી ચમક્યા રે, વર વહુના હાથ મળ્યા,
વાંજાં વાગ્યાં રે, વર વહુના હાથ મળ્યા.
જનો જાગ્યા રે, વર વહુના હાથ મળ્યા.
તોપો છુટી રે, વર વહુના હાથ મળ્યા,
બેડી ત્રુટીરે વર વહુના હાથ મળ્યા.
હૈડાં હરખ્યા રે, વર વહુના હાથ મળ્યા,
પ્રેમે પરખ્યાં રે, વર વહુના હાથ મળ્યા.
જેમ સજ્જન સજ્જન સાથ મળ્યા,
એમ વર ને કન્યાના હાથ મળ્યા;
જેમ નદી ને નદીનો નાથ મળ્યા,
એમ વર ને કન્યાના હાથ મળ્યા.
જેમ દૂધમાં સાકર જાય ભળી,
એમ વરને કન્યાની જોડ મળી;
જેમ ફુલમાં હોય સુવાસ વળી,
એમ વરને કન્યાની જોડ મળી.
જેમ કુંદનમાં જડી હીરાકણી,
એમ વર ને કન્યાની જોડ બણી;
જેમ ચંદ ને ચાંદની ચંદતણી,
એમ વર ને કન્યાની જોડ બણી.
જેમ શોભે છે લ્હેરો સાયરામાં,
એમ વર ને કન્યા શોભે માંયરામાં;
જેમ શોભે શીતળતા વાયરામાં,
એમ વર ને કન્યા શોભે માંયરામાં.
જેમ સારસ શોભે સજોડે કરી,
એમ વર ને કન્યાની જોડ ઠરી;
જેમ ઇંદ્ર ઇંદ્રાણીની જોડ ધરી,
એમ વરને કન્યાની જોડ ઠરી.
શોભે દેવ દેવી શણગાર સજી,
એવી વરને કન્યાની જોડ ભજી;
વર કન્યાની જોડ અખંડ રહે,
રૂડી આશિષ દલપતરામ કહે.