ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. જેલમ

From Ekatra Wiki
Revision as of 05:37, 5 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|{{color|DeepSkyBlue|'''૨. જેલમ'''}}}}}} {{Poem2Open}} '''તા. ૧૧.૧૧.૯૧''' પર્વત પરની આડીઅવળી સડક પર અમારી ગાડી ચાલવા લાગી. સફેદાના લીલા સોટા અને ચિનારના સોનેરી ગોટા નજરે પડતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨. જેલમ

તા. ૧૧.૧૧.૯૧

પર્વત પરની આડીઅવળી સડક પર અમારી ગાડી ચાલવા લાગી. સફેદાના લીલા સોટા અને ચિનારના સોનેરી ગોટા નજરે પડતા બંધ થયા. તેઓની જગ્યાએ મયૂરપિચ્છ જેવાં ચળકતાં સરોનાં અસંખ્ય વૃક્ષો અને બીજા જાુુદા જાુદા રંગના સુશોભિત ગાલીચા દરેક ડુંગર અને ખીણમાં પથરાઈ ગયા છે, સ્લેટના પર્વર્તેની દીવાલો અને ઘાડ વૃક્ષઘટા ડાબી બાજાુ પર ઝૂમી રહી છે જમણી બાજાુએ ઊંડી ખીણમાં જેલમ નદી વહે છે. આ જેલમ જેમાં બારામુલ્લાં સુધી કિસ્તી ચાલી શકે છે અને જે માત્ર તળાવ જેવી સ્થિર દેખાય છે તેમાંથી પહેલાં મુગ્ધાના નૂપુરરવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાલાના રથના ઘુઘરા જેવો, પછી મદમત્ત ગંધગજની ગર્જના, સિંહના ઘર્ઘરઘોર અથવા, વાંસઝાડીમાં ફુંકતા પવન જેવો, પછી વર્ષાઋતુની ગર્જના સાથે ખડખડી પડતા કૈલાસ શિખરના ગડગડાટ જેવો અથવા બ્રહ્માના કમંડલુમાંથી શંકર-જટા પર અને શિવમસ્તક પરથી મેરુ પર્વત પર પડતી ભગીરથીના ઘુઘવાટ જેવો, પગલે પગલે વધતો જતો, પાણીની છોળો ઉડાડતો, અનેક ઇંદ્રધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવાં ઉછળતા, નીચે જતાં, ફેલાઈ જતાં અને ભેગા થતાં ફીણના ગોટાને ઉત્પન્ન કરતો, ભમર અને વમળને જન્મ આપતો, ખેંચી જતો અને લય કરતો પર્વતોમાં પ્રચંડ પડઘો પાડતો, ગુફાઓમાં ભરાઈ રહેતો, વૃક્ષ, વેલી અને પથ્થરોને ધ્રૂજાવતો, પાતાળ ફાડી નાખવા યત્ન કરતો, કાશ્મિરને સપાટ કરવા મથતો, આંખને પોતા તરફ ખેંચતો, કર્ણવિવર બંધ કરતો, ફોડી નાંખતો, નદીના ઉકળતા, ઉછળતા, પછડાતા ધોધનો ગંભીર અવાજ બહાર નીકળી ચારે દીશામાં ફેલાય છે; સૃષ્ટિના સંધિબંધ તોડી નાખવા ઇચ્છતો હોય તેમ દેખાય છે અને બીજા દરેક અવાજને દબાવી દે છે. તેથી પક્ષિઓ મુંગાં હોય, વૃક્ષો હલતાં અને ઘસાતાં છતાં અવાજ ન કરતાં હોય, અને પવન સાચવી સાચવીને સંચરતો હોય તેમ ભાસે છે. આથી યુદ્ધમાં ગયેલા પતિઓને માટે શોક કરવાથી પડતાં અનેક સહસ્ર સુંદરીઓના અશ્રુ જેવાં, વરસાદની અખંડ હેલી જેવાં, અને વસંતમાં ઉંચી ચડી વિખરાઈ જતી, શ્રીમંતના જલયંત્રમાંથી નીકળતી જલધારા જેવાં જલબિંદુુઓ અહર્નિશ ચોપાસ છંટાય કરે છે. ગંગા શંકરે મસ્તક પર ધરી અને મને શા માટે નહિ એવી રીસથી જેલમ જાણે પર્વતો પરથી નીચે સૃષ્ટિ પર અને સૃષ્ટિ પરથી નીચે પાતાળમાં શંકર પાસે જઈ પ્રલય કરવા માગતી હોય તેવી દેખાય છે. ડાબી અને જમણી તરફના ઉંચા ડુંગરો અને ઝાડીમાંથી તે નદીનાં જ બચ્ચાં જેવા અસંખ્ય ધોધ વહી આવતા, માતુશ્રીને મળતા અને અવાજમાં વધારો કરતા નજરે પડે છે.

આ અદ્ભુત જલના સુંદર દેખાવ સિવાય આંખ અને મનને હરી લેનાર, ઉંચા નીચા, લીલા અને ભુરા, બરફથી ઢંકાયલા અને બરફ વિનાના, ગોળ અને અણીવાળા શિખરોવાળા, પાણીનાં ઝરણ અને પુષ્પલતાવાળા, છરેરા અને ઉંડી ગુફાવાળા, દૃષ્ટિમર્યાદાથી પણ વિશેષ લંબાઈ અને પહોળાઈવાળા પર્વતો, તેઓની રમણીયતા, તેઓની કલ્પી ન શકાય તેવી ઉંચાઈ અને તેઓ પરના અસંખ્ય, નાના પ્રકારના રંગનું ગૌરવ કાંઈ મન પર ઓછી અસર કરે તેવાં નથી.

આવાં સમાન સુંદર સ્થલમાં ઉંચી નીચી અને આડી-અવળી સડક પર કોઈ વખત ધીમે અને કોઈ વખત ઉતાવળે અમારી ગાડી ચાલી જતી હતી. તેની ગતિને અટકાવતી કરાંચીની હાર, અષ્ટાવક્ર પશુ (સાંઢીયા) ની કતાર, પનોતાં પ્રાણીઓ (ગધેડાં) નાં ટોળાં, પોઠિયાનાં જાુથ્થી, અથવા બ્યુગલના અવાજ સાથે દોડી આવતા ટાંગા જ્યારે આડા આવતા ત્યારે ઘણી સંભાળ રાખવી પડતી હતી, કેમકે, સડક સાંકડી છે અને પડખે પાતાલ ફાટી પડેલું છે, આમાં જો કેાઈ ભુલ્યાં ચુક્યાં પડે તે જેલમ નદીમાં સ્નાન કરી તુરત જ સ્વર્ગવાસી થવું પડે. કરાંચીના બળદને રાશ હોતી નથી એ હું અગાડી લખી ગયો છું. અને તેમાં વળી હાંકનાર કોઈ કોઈ વખતે આ ગાડાં પર હોતા નથી તેથી ગાડીનું પઈ ઘણી વખત કરાંચી સાથે ભરાઈ જાય છે. આ વખતે શું કરવું એ સુજતું નથી. કુદકો મારતાં ખાઈમાં જવાય અને બેશી રહેવું એ પણ ઘણું મુશ્કેલ છે, કેમકે ગાડી જરાક જમણી તરફ ખસે તો, રામ-રામ. આ પ્રમાણે થતું ત્યારે અમે ધીમેથી નીચે ઉતરીને ગાડીને ઉપાડી સમી મૂકી કરાંચીને ખેસવી અગાડી ચાલતા હતા.

[કાશ્મીરનો પ્રવાસ, ૧૮૯૨, ૧૯૧૨]