રચનાવલી/૧૯૩
રોબર્ટ બ્રાઉનિંગ અને ઇલિઝાબેથ બ્રાઉનિંગની જેમ ટેડ હ્યુજ અને સીલ્વિયા પ્લાથ સાહિત્યકાર દંપતી હતાં. સીલ્વિયા પ્લાથની આત્મહત્યાને કારણે ટેડ હ્યુજની આસપાસ શંકાનું વર્તુળ દોરાયું હતું પરંતુ હ્યુઝના મરણ પછી પ્રકાશિત થયેલો એનો ગ્રીક નાટકકાર યુરિપિડિઝના નાટકનો અંગ્રેજી અનુવાદ ટેડ હ્યુજના પતિ તરીકેના વિશ્વને ઠીક ઠીક ખોલી આપે છે. હ્યુઝે યૂરિપિડીઝના નાટક એક્સેસ્ટિસનો માત્ર અનુવાદ નથી કર્યો પણ જરૂર પડી છે ત્યાં એમાં ફેરફારો કર્યા છે, કેટલુંક છોડી દીધું છે, કેટલુંક ઉમેર્યું છે અને દૃષ્ટિબિંદુઓ પણ બદલ્યાં છે. એક રીતે કહો તો હ્યુજે રૂપાંતર આપ્યું છે એમાં એણે મનુષ્યનો વિજય અને મૃત્યુ પર થતી પ્રેમની સરસાઈને આગળ મૂક્યાં છે. આમ તો હ્યુજ એની ઊંડી લાગણીઓને પ્રગટ કરવા માટે એની કવિતામાં પંખીઓ, પ્રાણીઓ, જંતુઓ અને પ્રકૃતિનાં દૃશ્યોની મદદ લે છે. બરાબર એ જ રીતે હ્યુજે જ્યારે જ્યારે ગ્રીક પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદ કર્યા છે ત્યારે ત્યારે એ સર્વને એણે પોતાના હેતુઓમાં ઢાળ્યા છે. ગ્રીક નાટકકારોમાં યુરિપિડીઝ વિવાદાસ્પદ નાટકકાર રહ્યો છે અને એનું ‘એક્સેસ્ટિસ’ નાટક પણ ખાસ્સું વિવાદાસ્પદ રહ્યું છે. ૧૯૬૮માં જ્હોન વિલ્સને તો આ ગ્રીક નાટક પરનો જાતજાતનો વિવાદ ઊભો કરતા લેખોનું સંપાદન કરેલું છે કહેવાય છે કે યુરિપિડિઝનું આ નાટક વિવેચકો માટે રણાંગણ બની ચૂક્યું છે. આ નાટક સુખાન્ત કહેવાય કે દુઃખાન્ત કહેવાય એની ચર્ચા એકધારી ચાલી છે. કેટલાકે એમાં સુખાન્ત નાટક અને દુઃખાન્ત નાટકને એક સાથે પણ જોયાં છે. આપણે ત્યાં સત્યવાન અને સાવિત્રી મારફતે કે પશ્ચિમમાં ઓર્ફિયસ અને યુરિડિકે મારફતે આ નાટકનું વસ્તુ જાણીતું છે, જેમાં પતિ કે પત્નીમાંથી કોઈ એક મૃત્યુ પામે અને પછી એને મૃત્યુ પાસેથી છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવે. આ નાટકમાં પણ રાજા એડમીટસને મૃત્યુથી બચાવવા માટે રાણી એલ્સેસ્ટિસ સ્વેચ્છાએ પોતાના પ્રાણની આહુતિ આપે છે, અને પછી પરાક્રમી મિત્ર હેરબ્લિઝ એક્સેસ્ટિસને મૃત્યુના મોમાંથી પાછી લાવે છે. મૂળકથા પ્રમાણે પોતની દીકરી એક્સેસ્ટિસને પરણવા માગતા થેસાલીના ફીરી પ્રદેશના રાજવી એડમીટસ સમક્ષ પિતા પેલિયાસ શરત મૂકે છે કે સિંહો અને રીંછો જોડેલા રથમાં જો એડમીટસ આવે તો જ એક્સેસ્ટિસ પરણાવું. એડમીટસ આ શરત દેવ એપોલોની મદદથી પૂરી કરે છે. આ પછી દેવ એપોલો ભાગ્યદેવીઓને સહમત કરે છે અને જો એડમીટસના પિતા, માતા કે એની પત્ની એને માટે મરવા તૈયાર હોય તો એડમીટસને મૃત્યુથી ઉગારવા માંગે છે. એડમીટસના બદલે પત્ની એક્સેસ્ટિસ મૃત્યુ પામે છે પણ હેરક્લીઝ એને મૃત્યુ લોકમાંથી છોડાવી લાવે છે. યૂરિપિડીઝના ટૂંકા નાટકના પહેલા અડધા ભાગમાં દેવ એપોલોની પ્રસ્તાવના રજૂ થઈ છે અને પછી એપોલો અને મૃત્યુ વચ્ચે વિવાદ થાય છે. મૃત્યુ એલ્સેસ્ટિસને લેવા આવ્યું છે. દેવ એપોલો કહે છે કે એ શક્ય નથી, પણ મૃત્યુ એસ્ટેસ્ટિને લઈ જવા મક્કમ છે. આ પછી ઘેરા શોકના વાતાવરણમાં દૃશ્ય ખૂલે છે, જેમાં એક્સેસ્ટિસ ધીમે અવસાન પામી રહી છે. એ પતિ અને સંતાનોની વિદાય લઈ રહી છે. સંતાનોની ઉપેક્ષા ન કરવા અને બીજીવાર લગ્ન ન કરવા એક્સેસ્ટિસ પતિને ભાવવિવશ બની સમજાવી રહી છે, અને મૃત્યુને નજીક આવતું જોઈ રહી છે. આ દૃશ્ય પછી જે વૃદ્ધ પિતાએ એડમીટસને બદલે મૃત્યુ પામવાની ના કહી હતી તે એની સાથે એડમીટસનો ઉગ્ર વિવાદ ચાલે છે છેવટે એડમીટસ ખાલી ખંડમાં અંત્યેષ્ટિ પછી પાછો ફરે છે. નાટકના પછીના અડધા ભાગમાં શોકમગ્ન વાતાવરણ વચ્ચે પરાક્રમી હેરક્લીઝનું આગમન થાય છે. હેરક્લીઝ એના માલિક યૂરિસ્થીઅસ સોંપેલાં પરાક્રમોને પૂરાં કરવાં નીકળ્યો છે અને અહીં થોભ્યો છે. એક સારા મિત્ર તરીકે એડમીટસ પોતાની પત્નીના અવસાનના સમાચાર હેરક્લીઝને પહોંચે અને એના સત્કારમાં બાધા આવે એવું નથી ઇચ્છતો પણ છેવટે હેરક્લીઝને એક્સેસ્ટિસની કબર પાસે જઈ, મૃત્યુની સાથે બાથ ભીડીને વિજય મેળવીને પુત્રીને દોરતા પિતાની અદામાં પાછો ફરે છે અને આવરણમાં રાખેલી મૂંગી એક્સેસ્ટિસને એની ઓળખાણ આપ્યા વગર એડમીટસને ભેટ ધરે છે. એડમીટસને તંગ કરવા રહસ્યને થોડીવાર એ પકડી પણ રાખે છે. હ્યુજે રૂપાંતર કરતી વેળાએ ત્રણ મહત્ત્વના ફેરફારો કર્યા છે. એડમીટસને જ્યારે દેવ એપોલોએ વચન આપ્યું કે તારે બદલે જો તારા પિતા, તારી માતા કે તારી પત્ની મૃત્યુ પામવા તૈયાર હોય તો તને મૃત્યુથી બચાવી શકાય. આથી એડમીટસે પ્રયત્ન કર્યો પિતા અને માતામાંથી કોઈ તૈયાર થતું નથી. છેવટે એની પત્ની એલ્સેસ્ટિસ એને માટે મરવા તૈયાર થાય છે. આ પ્રકારે પોતાના મૃત્યુ માટે આજીજી કરતા એડમીટસને બદલે હ્યુજે આ કામ દેવ એપોલોને સોંપ્યું અને એમાં ય એપોલોને પણ એલ્સેસ્ટિસને પૂછવું નથી પડ્યું. ખુદ એલ્સેસ્ટિસ સ્વેચ્છાએ મરવા માટે આગળ આવે છે. ઉપરાંત એલ્સિસ્ટિસ મૃત્યુ બિછાને છે ત્યારે યૂરિપિડીઝ એડમીટસ પાસે એવું કહેવડાવે છે કે કોઈ કારીગર પાસે એલ્સેસ્ટિસનું હૂબહૂ પૂતળું તૈયા૨ કરાવશે અને એ રીતે પત્નીના અભાવને ભૂલશે. પરંતુ હ્યુજ આ કામ દેવ ગરવાઈથી મૂકે છે : ‘હું શું કરીશ? કારીગર પાસે તારું પૂતળું રચાવીશ? મારી શય્યામાં મૂકીશ અને એને એક્સેસ્ટિસ કહીશ? ભયંકર, ભયંકર, તું એ ક્યારેય હોઈ શકે નહીં.’ યુરિપિડીઝમાં તો મૃત્યુ પામેલી પત્નીને અવેજીરૂપે કોઈકને સ્વીકારવાની આડકતરી વાત છે આ ભાગને હ્યુજે ઉગારી લીધો છે. હ્યુજે ગ્રીક નાટકના રૂપાન્તર દ્વારા એ બતાવવા - પ્રયત્ન કર્યો છે કે શરૂમાં સ્વાર્થી દેખાતો એડમીટસ અન્તમાં જુદો બની જાય છે એને સમજાય છે કે પત્નીના જીવનના બદલામાં પોતાને મળેલ જીવનદાનનો પત્નીના અભાવમાં કોઈ અર્થ રહેતો નથી. નાટકની પરાકાષ્ટારૂપે એ ઉચ્ચારે છે : ‘હવે હું સમજ્યો.’ હ્યુજે પતિ અને પત્નીના સંબંધનો આદર્શ રજૂ કર્યો છે અને માનવ યાતના તરફની દેવોની ઠંડી ક્રૂરતા માટે ફરિયાદ ઉઠાવી છે.