મારી લોકયાત્રા/(૨) ટાગોર પુરસ્કા૨થી વિભૂષિત ભગવાનદાસની ‘લોકયાત્રા’ ૨ઘુવી૨ ચૌધરી
(૨) ટાગોર પુરસ્કારથી વિભૂષિત
સાબરકાંઠા જિલ્લાના જામળા ગામે તા. ૧૯-૧૧-૧૯૪૩ને દિવસે જન્મેલા ભગવાનદાસ પટેલ, ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ' વિષય સાથે પીએચ.ડી. થયા. એમણે માધ્યમિક શિક્ષણનું ક્ષેત્ર છોડ્યું નહીં તેથી એમના લેખનમાં પાંડિત્યનો બિનજરૂરી ભાર ઉમેરાયો નહીં. ખેડબ્રહ્માની શેઠ કે. ટી. હાઈસ્કૂલે ભગવાનદાસના સ્વાધ્યાય અને સંશોધનને પ્રોત્સાહન આપ્યું. બીજા મળ્યા પ્રો. ગણેશ દેવી. એમણે યોગ્ય સમયે ભગવાનદાસની કદર કરી. આદિવાસી અકાદમીના કામમાં એમનો સાથ લીધો. એ કારણે લોકવિદ્યાનાં ચાલીસ જેટલાં પુસ્તકો ભગવાનદાસ આપી શક્યા છે અને એમનાં મહત્ત્વનાં પુસ્તકોના હિંદી-અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ અનુવાદ થયા છે.
દક્ષિણ કોરિયાની સરકારની દ૨ખાસ્ત સ્વીકારીને દિલ્હીની સાહિત્ય અકાદમીએ આ વર્ષથી ટાગોર પુરસ્કાર એનાયત કરવાની તજવીજ કરી છે. ભગવાનદાસને એમના પુસ્તક ‘મારી લોકયાત્રા’ (૨૦૦૬) માટે આ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે. એથી લોકસંસ્કૃતિના ચાહકોને આનંદ થયો છે.
ભગવાનદાસની આ લોકયાત્રામાં આનંદ સાથે વેદના જગાવતાં નિરીક્ષણો પણ છે. આદિવાસી કુટુંબની માણસાઈની મૂડીનાં દર્શન કરે છે. પ્રસંગ છે બળદ ખરીદવાનો. સોદો નક્કી કરીને બળદના માલિકને ઘેર રાતવાસો કરેલો. ભગવાનદાસ લખે છે : ઘરમાલિક ઝાલાની પત્ની આખી રાત બળદ પાસે બેસીને ઘાસ નીરતી રહી અને અબોલ પ્રાણી સાથે વાત કરતી રહી. આ સમયે ભીલી બોલીથી અજાણ હોવા છતાં જે થોડુંક સમજ્યો તે શબ્દો કંઈક આવા હતાઃ આજ તો અહીં છે પણ કાલે ક્યાં હોઈશ? તું મરે તો હાડકાંય જોઈ શકીશ નહીં. એટલો દૂર જતો રહેવાનો મારા ધોળા ધોરી ! જ્યાં જાય ત્યાં સુખી થજે. (પૃ. ૨૫, મારી લોકયાત્રા)
ઘરમાલિક સવારે બળદ છોડીને સોંપે છે ત્યારે ઘરનાં બધાં સભ્યો ૨ડે છે. એમનાં આંસુ અતૂટ સગપણની નિશાની છે.
સંશોધનકાર્ય માટેની મનોવૃત્તિ જુદી-જુદી રીતે કિશોરાવસ્થામાં જાગતી રહી છે. એમાં લોકવાયકાનો પણ ફાળો છે. પીઠી ચઢેલી ગલબી પરણવાની અધૂરી વાસના લઈ સ્મશાન પાસે આવેલા જોઈતાભાઈના કૂવામાં પડી હતી. વાંચો : તે ચુડેલ થઈ છે. બાર વાગ્યા પછી તે કૂવાના થાળામાં બેસે છે. માથું ધડથી ઉતારી ખોળામાં મૂકે છે અને સોનાના કાંસકે હોળે છે. પાછળ પોલા વાંસામાં આગ ભડ-ભડ બળે છે. (પૃ. ૧૪)
બીજા મિત્રો તો આ ચુડેલ જોવાની હિંમંત ન કરી શક્યા પણ ભીખો અને લેખક રાતના એક વાગ્યા સુધી કૂવા પાસેના લીમડા નીચે હાથમાં ધારિયું ને દાતરડું લઈને બેસી રહેલા, ભૂતનાં દર્શન કરવા માટેનાં બીજાં સાહસ પણ નિષ્ફળ જાય છે. વાઘના શિકારના સાક્ષી થવા જતાં બીકથી દોડતાં હાથપગ રંગાઈ જાય છે. એ હાલતમાં બીજા દિવસે વાઘનું ફુલેકું જોવાનો અનુભવ નોંધ્યો છે. અહીં એક વાક્ય યાદ રહી જાય એવું છે :
‘વાઘ તો નિશાનબાજોની સહાયથી જ મરાય પણ મહારાજાના નામે ચડે.’ (પૃ. ૧૫)
ભગવાનદાસે કવિતા પણ લખી જાણી છે. થોડાક નમૂના અહીં મળે છે, પણ પછી તો આદિવાસી જીવનના તાણાવાણા સમજવા સાથે કવિતાનાં જુદાં-જુદાં રૂપ માણતા ગયા.
એક તરુણે પગના વિશિષ્ટ ઠેકા સાથે ગીત ઉપાડ્યું. આવર્તન પામતા ગીતના કેટલાક બોલ ચિત્તમાં સંગ્રહી લીધા. એ પંક્તિઓ આ પ્રમાણે હતી :
માંય ૫૨ણાવી દૂરા દેસ, ઝળૂકો મેલી દેઝે'લા.
એણે ઝળૂકે નં ઝળૂકે પાસી આવું' લા!
આનો ભાવાર્થ છે –
હે ગોઠિયા (પ્રેમી) મને દૂર દેશ પરણાવી દીધી પરંતુ (તારા વિના) ત્યાં ફાવતું નથી. તું દર્પણ મૂકી દેજે કે જેથી દર્પણ પરથી પરાવર્તિત થતા સૂર્યપ્રકાશની સાથે પાછી આવું અને તને મળું! આ સમૂહનર્તન સાથેનું ગાન આદિવાસીઓના થાક ઉતારે છે. આનંદરૂપી ઊર્જા સંકોરે છે.
જેમની પાસેથી બોલીનું જ્ઞાન મળ્યું, રીતરિવાજોની જાણકારી મળી, આદિવાસી સમાજને મૂલવવાની વૈશ્વિક દૃષ્ટિ મળી એ સહુને ભગવાનદાસ આ પુસ્તકમાં આદરથી યાદ કરે છે. સંશોધનમાં આરંભિક તબક્કે સહાયક થનાર એક સરકારી અધિકારી છે એન. એ. વહોરા.
હસ્તપ્રતોના પ્રકાશન માટેની મથામણોની વિગતો પણ અહીં છે. ભીલી રામાયણ-મહાભારતના સંશોધન-સંપાદન-પ્રકાશન બદલ ઘણાં વર્ષે એમની કદ૨ થઈ અને પછી એમાં કશી કસર ન રહી. ‘લોક’ના સુખદુઃખના આ સુરેખ આલેખમાં છેવટે તો આનંદનું તત્ત્વ પ્રગટ થયું છે. લેખક ‘આત્મકથન'માં નોંધે છે : ‘લોક કંઠથી બોલે છે, ગાય છે, હાથથી વાદ્યો વગાડે છે અને સામૂહિક ચરણે, પૂરી ઊર્જા સાથે ઉમળકાભેર નાચે છે. કંઠ, સંગીત અને નૃત્યની ત્રિવિધ કળાને અક્ષરોમાં કઈ રીતે ઝીલી બાંધી શકાય?’ પણ બાવન અક્ષરની બહાર રહી ગયેલા જીવન પ્રત્યે, પહાડોની નિસર્ગલીલા પ્રત્યે આ પુસ્તક સાત્ત્વિક આકર્ષણ જગવે છે.
– ૨ઘુવીર ચૌધરી
૦૭૯-૨૬૩૦૩૧૩૨