મારી લોકયાત્રા/(૧) ડૉ. ભગવાનદાસ કૃત ‘મારી લોકયાત્રા’– પ્રો. જશવંત શેખડીવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પરિશિષ્ટ-૪- અભ્યાસ-અવલોકન

(૧) ડૉ. ભગવાનદાસ કૃત ‘મારી લોકયાત્રા’


‘મારી લોકયાત્રા’ (પ્ર. આ. ૨૦૦૬) ડૉ. ભગવાનદાસ પટેલનું, ભીલેતર વાચકોમાં, સૌથી વધુ લોકપ્રિય થાય તેવું પુસ્તક છે. મને પોતાને તો તે ઘણું ગમ્યું છે. ગુજરાતીમાં તે નિઃશંક અનોખું છે. તેમાં આત્મકથા અને લોકવિદ્યાવિદ્ તરીકેનાં પોતાનાં જન્મ, ઘડતર અને વિકાસ ક્યારે ક્યાં કઈ રીતે થયાં તેની લોકયાત્રામાં ઉભયનું, સાંધો કે રેણ ન કળાય તેવું, કલાત્મક સંયોજન થયું છે. લેખકનાં તાટસ્થ્ય, પ્રામાણિકતા, નિખાલસતા, સંવેદનશીલતા, આત્મનિરીક્ષણ- પરીક્ષણ અને સ્પષ્ટ છતાં સંયમશીલ અભિવ્યક્તિ સાદ્યંત અનુભવાય છે. તેમનું ગદ્ય વિચાર-લાગણી-કલ્પનાથી સંપૃક્ત રસળતું, સુકોમળ, મધુર, લાલિત્યમય છે. તેમાં ચિત્રાત્મકતા અને પ્રસંગોપાત્ત કાવ્યમયતાની અનુભૂતિ થાય છે. તે સહજ-સ્વાભાવિક તેમ પારદર્શી અને મર્મસ્પર્શી લાગે છે. લેખકની પોતાની લોકયાત્રા હોવાથી તેમાં હું સર્વત્ર પ્રસરેલો દેખાય છે પરંતુ ‘અહં’ ક્યાંય કળાતો નથી. કથાગત ઘટના વાતાવરણ-પરિસ્થિતિ-પાત્ર-મનોભાવ-કાર્ય ઉપરાંત લેખકના આંતરજીવનનોય તેમાં જીવંત સાક્ષાત્કાર થાય છે. લેખકસર્જી ભીલસૃષ્ટિમાં ભાવક પોતે જાણે ખોવાઈ જાય છે. પરંપરિત કંઠસ્થ ભીલી વાગ્મયની શોધ માટેનું લેખકનું વનો-ડુંગરોમાંનું પરિભ્રમણ અને તેના મૂળમાં રહેલ અનુભવખચિત બાળપણ-કિશો૨જીવન-ભીલજગતનો નિકટ સંપર્ક આલેખતી આવી આત્મકથા અને લોકયાત્રા ગુજરાતીમાં અનન્ય છે. લેખકનું લોકવિદ્યાનું આલેખન કરતાં, અલ્પ સાહિત્યિક રસ ધરાવતાં, તમામ પુસ્તકોમાં ‘મારી લોકયાત્રા’ અપવાદરૂપ એવી નિર્ભેળ રસળતી સાહિત્યકૃતિ છે. સામાન્ય વાચક અને વિદ્વાન વિવેચક સૌને સંતોષ – આનંદ આપે તેવી તેમાં ક્ષમતા છે. લેખક લોકવિદ્યાવિદ્ તદ્વિષયક પુસ્તકો વાંચી યા તજ્જ્ઞો સાથે ચર્ચા વિચારણા કરી બન્યા નથી. જિંદગીના સ્વાનુભવોએ અને તે ઉ૫૨ના ચિંતને તેમને લોકવિદ્યાવિદ્ બનાવ્યા છે. વન-ડુંગરવાસી ભીલોના પરંપરિત કંઠસ્થ સાહિત્યનું તેમનું સંપાદન, વિવેચન, સંશોધન, ક્રમશઃ ઊગ્યું અને પ્રસર્યું છે. ખેડૂત-સાથીની શોધમાં, પોતાના ભીલ વિદ્યાર્થીઓના ગામના અને તેમના વાલીઓના નિકટવર્તી સંપર્ક માટે, તેઓ ભીલ વસ્તી ધરાવતાં વન-ડુંગરગ્રસ્ત ખોલરાં અને વેરવિખેર રૂપમાં વસેલાં ગામડાંમાં પગપાળા ફર્યા છે, ચીંથરેહાલ પણ અતિથિપ્રેમી ભીલોના અણધાર્યા મહેમાન બન્યા છે. તેમણે તેમને જે કંઈ ખાવાનું આપ્યું તે ભાવપૂર્વક ખાધું છે અને યજમાન ભીલ મુશ્કેલીમાં ન મુકાય તે માટે ભૂખ્યા પણ રહ્યા છે. ભીલનાં જર્જરિત ઝૂંપડાંમાં, વરસતા વરસાદમાં ચૂતાં છાપરાં નીચે, રાતવાસો કર્યો છે. ભદ્રવર્ગીય ઉજળિયાતનો ઉજ્જ્વળ જામો ઉતારી તેઓ મન-વચન-કર્મથી ભીલ જેવા બન્યા છે. ભીલોની દારૂ પીવાની ટેવ અંગે યા ધાર્મિક અનુષ્ઠાન પ્રસંગે તેમના દ્વારા અપાતા બકરા યા પાડાના બલિદાન અંગે (તે અણગમતાં છતાં) તેમણે કદી ટીકા કરી નથી. ભીલોને તેમણે સ્વજનો માન્યા છે, તેમનાં સુખ-દુઃખના પ્રસંગોમાં તેમણે ભાગ લીધો છે. ભીલોએ પણ તેમને પોતાના માની અપનાવી લીધા છે. જે ગૂઢ મંતર-તંતર(મંત્રો) પોતાના પુત્ર કે ભાઈને પણ ન સંભળાવે કે શીખવાડે તે લેખકને તેમણે ઉમળકાભેર સંભળાવ્યા અને શીખવ્યા છે. ભદ્રવર્ગની વ્યક્તિને ન ગમે તેવાં ભીલી ધાર્મિક અનુષ્ઠાનો અને કાર્યકલાપ તેમણે સમભાવપૂર્વક જોયાં છે અને તેમને સમજવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે. વનો-ડુંગરોના એકાન્તિક વાસમાંથી ભીલોને બહાર કાઢી તેમણે મેદાનોમાં વસેલાં ઉજળિયાત ગામો અને શહેરોનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો છે. તેમને અમદાવાદ અને દિલ્હીથી માંડી પૅરિસ સુધીનાં યુરોપીય નગરોમાં, કલામંડળના સદસ્ય તરીકે ફેરવ્યા છે. તેમનાં ગીતો-નૃત્યો-વારતાઓને જગતના આંગણમાં પ્રકાશિત કર્યાં છે. દેશ અને દુનિયાના આદિવાસી અભ્યાસીઓમાં તેમની જાતિ-સંસ્કૃતિ-પરંપરિત કંઠસ્થ વાઙૂમય વિશે જાણવા માટે જિજ્ઞાસા જગાવી છે! ‘મારી લોકયાત્રા’માં આ બધી ઘટનાઓ, દ્યોતક પ્રસંગ-પાત્ર-પરિસ્થિતિ-કાર્યના સુરેખ નિરૂપણ દ્વારા, મૂર્ત અને હૃદ્ય બની ૨હે તે રીતે, આલેખાઈ છે. પરંતુ લેખક લોકવિદ્યાવિદ્ સ્વપુરુષાર્થ અને સુદીર્ઘ અનુભવોથી બન્યા છે, જ્યારે સંવેદનશીલ સર્જક તો તેઓ જન્મથી છે. કિશોર-યુવાન વયમાં તેઓ કવિતા અને નાટક લખતા હતા. સાહિત્યના મુખ્ય વિષય સાથે તેઓ અનુસ્નાતક અને વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) થયા છે. કવિઓ-સાહિત્યકારો સાથે તેમને હંમેશાં સંબંધ રહ્યો છે. વિદ્યાભ્યાસ અને નોકરી અર્થે તેઓ કસ્બા અને નગરમાં વસ્યા છે; પરંતુ તેમનો જીવ હંમેશાં ગ્રામવાસીનો રહ્યો છે. પ્રકૃતિના તેઓ અનુરાગી છે. વનો-ડુંગરો-નદીનાળાં-ખેતરો-ઝાડછોડ-ફૂલો-પશુપંખી-બદલાતી ઋતુઓ-ગ્રામજનો-લગ્ન-ગોર્ય-નાટક જેવા તેમના ઉત્સવો તેમને ઘણાં ગમે છે. સંજોગવશાત્ તેમનાથી દૂર જવાનું – રહેવાનું થાય ત્યારે તેમનો જીવ તેમને માટે હિજરાયા કરે છે. કિશોરવયનાં ગ્રામીણ બાળમિત્રો અને બાલસખીઓ તેમના અંતરમાં હંમેશને માટે કોરાઈ ગયાં છે. પિતાનું વ્યસનમુક્ત જીવન અને પુષ્પપ્રેમ તેમને વારસામાં મળ્યાં છે. ખેડુ સાથી દીપસીને મુખે સાંભળેલી ગજરા-મારુ અને સદેવંત-સાવગિંગાની રોમાંચક લોકવારતાઓ, મિત્રો પાસેથી મળેલ પુસ્તકોનું વાચન, દરજી કન્યા વિદ્યા અને બ્રાહ્મણ કન્યા વિજયા શુક્લ માટે હૃદયમાં જાગેલ મુગ્ધ પ્રેમ તેમના અસ્તિત્વનાં અંગ બની ગયાં છે. વિદ્યા રૂપાળી અને લાગણીશીલ કિશોરી હતી, પણ શીતળાના ભયંકર રોગમાં વરવી બની જઈ અકાળે અવસાને પામેલી. તેનું સ્મરણ તેમને વેદનાગ્રસ્ત કરી મૂકે છે. બચી રહેલી એકમાત્ર બાળસખી વિજયાનાં દર્શન માટે તેઓ ગામમાં આંટાફેરા કરતા રહે છે. વિજયા યજમાનવૃત્તિ કરતા પિતાની પુત્રી હતી. યજમાનો તરફથી સત્યનારાયણની કથા જેવાં ધાર્મિક અનુષ્ઠાનો પર, તેમને બદામ, કાજુ, દ્રાક્ષ, સોપારી વગેરે ખૂબ મળતાં હતાં. વિજયા તેના ડબ્બામાં ભરી શાળામાં લાવતી હતી. બપોરની રજામાં લેખકનો એક ઉસ્તાદ મિત્ર તેના ડબ્બામાંનો સૂકો મેવો સિફતપૂર્વક ઉઠાવી લાવતો અને લેખક તેમજ અન્ય મિત્રો તેને વહેંચીને ખાતા! ચિડાયેલી વિજયા ચોરોમાંના કોઈને પકડી ચૂંટીઓ ભરતી. સમાધાનરૂપે લેખક અને તેમના મિત્રો તેને ભાવતી આમલીઓ ઝાડ પરથી પાડી આપતા. (અહીં કદાચ કોઈને શરદબાબુ કૃત દેવદાસમાં નિરૂપિત પારુ અને દેવદાસની ફલ-પ્રાશનની ચોરીછૂપીથી થતી આવી જ ઘટનાનું સ્મરણ થઈ આવે.) વિજયાને પાંચમું ધોરણ પૂરું થતાં જ તેનાં મા- બાપે શાળામાંથી ઉઠાડી લીધેલી અને કિશોરાવસ્થામાં જ તેને પરણાવી સાસરે વિદાય કરી દીધેલી. તેના વિના લેખકને ગામમાં સૂનું-સૂનું લાગેલું. તેમણે આ મુગ્ધ પ્રણયની લીલાને સંયમપૂર્વક આલેખી છે. બાળપણ-કિશોરવયની આવી બધી અવસ્થાઓનું સંવેદનાત્મક તેમજ ચિત્રાત્મક-નિરૂપણ હૃદયંગમ બન્યું છે. લાગણી-કલ્પના-વિચારના રંગોથી રંગાયેલું તે રુચિર અને મર્મસ્પર્શી બન્યું છે. વસ્તુગત ઘટનાઓ જ નહિ, પાત્રો પણ સુરેખ-સજીવ-સહાનુભૂતિપ્રે૨ક આલેખાયાં છે. લેખક પ્રસંગોપાત્ત, તેમને સુસ્પષ્ટ કરવા, તેમના વિશે થોડી શબ્દ-રેખાઓ દોરે છે; પરંતુ ઘણે ભાગે તેમને-તેમનાં વિચાર-ઉદ્ગાર-કાર્ય દ્વારા- સ્વયમેવ ઊપસવા દે છે. ખુદ લેખકનું પાત્ર પણ એક સંવેદનશીલ, વિચારશીલ, વિવેકી, પરગજુ, સૌ કોઈને મદદરૂપ થવા તત્પર, પણ ઝઘડા-સંઘર્ષ બાબતે ભીરુ, વ્યક્તિ તરીકે ઊપસે છે. તેમની માતાનું પાત્ર એક ભલીભોળી, પ્રેમાળ, લાગણીશીલ, ગરીબો પ્રતિ હમદર્દ, શ્રદ્ધાળુ અને વ્યવહારુ સ્ત્રી તરીકે ઊભરે છે. લેખકની ધર્મની બહેન સાંકળી, તેનો પતિ નાથાભાઈ ગમાર, ખેડુ-સાથી જગો, અરેલા ગાયક જીવાકાકા, દેવો ખાંટ, તેની પત્ની હરમાં-આઈ, પુત્ર સાધુ નવજીભાઈ ખાંટ, ગુજરો અને વજો ભગત જેવાં ભીલ પાત્રો થોડી છૂટીછવાઈ રેખાઓમાંયે સુરેખ પાત્રો તરીકે પ્રગટ થયાં છે. લેખકની સર્જકતા, કલ્પનાશીલતા અને સંવેદનશીલતા આ બધાં નાનાંમોટાં પાત્રોને સુરેખ-સજીવ- ગતિશીલ રૂપમાં આલેખી શક્યાં છે. રાજાકાકાના પાત્રનું નાટ્યાત્મક પણ વાસ્તવિક અને કલાત્મક, નિરૂપણ ભાવકના ચિત્તને હચમચાવી મૂકે તેવું છે. લેખકની પાસે લાગણી-કલ્પના-વિચારભીની-શબ્દસમૃદ્ધ ઇંદ્રિયસંવેદ્ય બાની-રીતિ હાથવગી છે. તેથી તેઓ ઘટના-વાતાવરણ-પાત્ર-કાર્યનું અનાયાસે સાક્ષાત્કારક નિરૂપણ કરી શક્યા છે. તેમની આ રીતિ-શૈલી ઋજુ-મધુર-રસળતી હોવાની સાથે અનુનેય છે. કરુણ, ગંભીર, હળવી તમામ ઘટના પરિસ્થિતિને તે અનુરૂપ અભિવ્યક્તિ આપી શકે છે. તત્સમ-તદ્ભવ-તળપદા શબ્દોનું તેમાં ઔચિત્યપૂર્ણ અને કલાત્મક સંયોજન થયું છે. તેમાં નિરૂપિત વર્ણનો-અલંકારો, બાનીમાં વૈવિધ્ય લાવવાની સાથે, ઘટના-વાતાવરણ-પાત્રને સુપેરે પ્રગટ કરે છે. તેનાં ઉદાહરણ કૃતિમાં લગભગ સર્વત્ર મળી શકે છે. નમૂના રૂપે અહીં તેનાં ઘોતક થોડાંક ઉદાહરણ-અવત૨ણ પ્રસ્તુત કર્યાં છે, જે ગદ્યને સૌંદર્ય અર્પનારાં વર્ણન-અલંકારની વિશેષતા પણ દર્શાવે છે. વર્ણન: અષાઢ માસમાં ગંધવતી ઉર્વરા ધરતીના દેહમાંથી ફૂટેલી લીલી રોમાવલી અને વાદળોના અમીવર્ષણથી સદ્યસ્નાતા નાયિકા જેવાં વૃક્ષોના દેહને સૂંઘીને સુવાસિત બનેલા સમીરણના સંગીત સાથે ગોર્યમા કન્યાઓનાં કચ-કુંવારાં સપનાં લઈને પૃથ્વી પર અવતરતાં (પૃ. ૩). ××× રાયણનાં વૃક્ષોમાંથી વર્ષાનાં આછાં બિંદુ વસતાં હોય, ઘોડાલિયા પહાડ ૫૨ ઘનશ્યામ (શ્રીકૃષ્ણ) જેવાં શ્યામ ઘન નયનરમ્ય લીલા રચતાં હોય, કલ્યાણીનાં કલકલ વહેતાં જળ સંગીત સીંચતાં હોય (પૃ, ૨૨). xxx રાત ચોરપગલે પ્રવેશી રહી હતી. તારા એક પછી એક પ્રગટી આકાશમાં પોતાનું સ્થાન સ્થાપી રહ્યા હતા. મોરના ટહુકા પહાડને ભરી દેતા હતા. માણેકનાથની ગુફા આવતાં જ શ્રમિત લોકોના હોઠ પર ગીતોની વસંત બેઠી અને કંઠ કોયલની જેમ કૂજવા લાગ્યા. શ૨ણાઈ, કુંડી, મૃદંગ અને ઝાલરના સ્વરો ગીતોમાં સંગીત પૂરવા લાગ્યા અને શ્રદ્ધાળુ બનેલાં સામૂહિક હૃદયો નૃત્યના થેકા સાથે હિલ્લોળે ચડ્યાં (પૃ. ૩૭). XXX પ્રાતઃકાળે પક્ષીઓના કૂજન વચ્ચે જંગલી ફૂલોથી મઘમઘતા પહાડ પર પુનઃ દેવ-દેવીઓનાં ગીતોની વસંત બેઠી (પૃ. ૩૯). xxx વસંત બેઠી હતી અને પહાડ પલાશ-પુષ્પો (કેસૂડાં)થી પ્રજળી ઊઠ્યો હતો. ગૂગળનાં વૃક્ષો ૫૨ ગુંદર ફૂટ્યો હતો અને પૂરો પહાડ મહેકી ઊઠ્યો હતો. (પૃ. ૮૩). XXX આગના ભડકા થયા. પ્રકાશમાં ડાકણનું રૂપ વધુ બિહામણું બની ગયું. જ્વાળાઓ સમેત ડાકણે બંને કાકડા હથેળીઓમાં દબાવ્યા. આંગળાં વચ્ચે જ્વાળાઓ બહા૨ પ્રસરી.... કાકડા સમેત તાંડવનૃત્ય કરવા લાગી, કાગળની લાલ જીભ લબકાવતી અને કિકિયારીઓ પાડતી દર્શકો પ૨ તૂટવા લાગી (પૃ. ૯૫). XXX ફાગણ સુદ બારસની ચાંદની વરસી રહી હતી. મહુડો (દારૂ) પીને પ્રમત્ત બનેલા કંઠમાંથી ગીતોનું મદ્ય ઝરતું હતું. દારૂ પીધેલા માદક વાતાવરણ વચ્ચે સીસમની પૂતળીઓ જેવી ભીલ યુવતીઓના નૃત્યના થેકા બળવાન બનવા લાગ્યા. વીસ મિનિટ સુધી સ્ત્રીઓના હોઠ કૂજતા રહ્યા, ચરણ થિ૨કતા રહ્યા. (પૃ. ૮૫-૯૬) અલંકારઃ રાસાયણિક દવાના છંટકાવથી કરમાયેલા ફૂલની જેમ મન ઉદાસ થઈ જાય છે. (પૃ. ૨). xxx આકાશના તારા જેવાં પોયણાં પાણીમાં ખીલતાં (પૃ. ૧૩). XXX વરસાદ આવવાથી હર્ષિત થયેલી અને ગંધવતી બનેલી ધરતીના રોમાંચ જેવા તણાંકુરો ફૂટતા હતા. (પૃ. ૩૩). xxx અડધું ઓઢેલા મુગ્ધાના મુખ જેવો સાતમનો ચંદ્ર ખીલ્યો હતો. (પૃ. ૩૮). XXX પ્રથમ વરસાદમાં ધરતી પર લીલું ઘાસ ઊગે એમ ઋતુ પ્રમાણે અમારા હોઠ પર ગીત ઊગે. (પૃ. ૩૯) xxx આકાશમાં મોગરાના ફૂલની જેમ તારા પ્રગટતા હતા. (પૃ. ૫૧). XXX ચોમાસામાં ફૂટતાં અસંખ્ય ઝરણાંની જેમ નાથાભાઈના ચિત્તમાં ગીતનાં-ભજનનાં અનેક ઝરણાં પ્રસંગ પ્રમાણે ફૂટતાં હતાં. (પૃ. ૮૩). લેખકનું ગદ્ય ક્યારેક કાવ્યમય પણ બની જાય છે : કલ્યાણસાગરની પાળે પુસ્તકો લઈને પહોંચી જતો.... પુસ્તક વાંચતો હોઉં ને બકરાં ચારવા આવેલી રબારી કન્યાઓ મને ઘેરી બેસી જતી. ચારેબાજુ તાજાં ફૂલ ખીલતાં. કન્યાઓ પૂછતી, ‘બાબુ ભૈ, પોથી વૉસાં સાં?’ હકારમાં માથું ધુણાવતો અને ફૂલ હસી પડતાં. પથ્થરો ખીલી ઊઠતા અને વાતાવરણ મહેકી ઊઠતું. કન્યાઓ કહેતી, ‘ગૉર્યોસન પોથીમાંથી શંકર-પારવતીની વારતા વૉસૉ.' હું કહેતો, આ તો કૉલેજમાં ભણવાની પોથી છે. આમાં શંક૨-પારવતીની વારતા ન હોય. નિસાસા નાખીને બોલતી, ‘એવી નકાંમી પોથી હું કૉમની?' (પૃ. ૨૧) પરંતુ આવું મનહર અને મનભર વર્ણન-અલંકાર-શબ્દપ્રયોગ ધરાવતું સર્જનાત્મક ગદ્ય પ્રક૨ણ૧થી પ્રક૨ણ ૨૪(ચોવીસ) દરમિયાન જોવા મળે છે. (બીજી અને ત્રીજી આવૃત્તિમાં વધારાનું લલિત સર્જનાત્મક પ્રકારનું ૨૫મું પ્રકરણ લેખકે ઉમેર્યું છે. પ્રથમ આવૃત્તિનાં ૨૫, ૨૬, ૨૭ એ ત્રણ પ્રક૨ણો જે માહિતી-પ્રધાન છે, લેખકે બીજી-ત્રીજી આવૃત્તિમાં પરિશિષ્ટ-૧થી ૩ તરીકે ફેરવ્યાં છે.) આથી ૧થી ૨૫ પ્રક૨ણની કૃતિ કલાત્મક અને અનન્ય બની છે. પરિશિષ્ટ-૧થી ૩માં લેખકની સમાજ-સુધારની પ્રવૃત્તિ, તે માટે ઉપયોગમાં લેવાયેલાં સાધનો, તેમાં સહાયરૂપ થયેલી વ્યક્તિઓ અને સંસ્થાઓ, લોકપ્રતિષ્ઠાન અને આદિવાસી અકાદમીના લોકવિદ્યા વિષયક પુસ્તકપ્રકાશનની પ્રવૃત્તિ ઇત્યાદિ વિશે માહિતી અપાઈ છે. ભવિષ્યના કાર્યક્રમ અંગે પણ અંગુલિનિર્દેશ થયો છે. આ બધું મહત્ત્વનું તેમજ ઉપયોગી છે અને આવશ્યક છે. સમગ્રતયા જોતાં લાગે છે કે : મારી લોકયાત્રા આનંદ અને અવબોધ યુગપદ આપતી એક સ-રસ કૃતિ છે. ગુજરાતીમાં તે અનન્ય છે. મને તે ખૂબ ગમી છે. વાચકોને પણ તે ગમશે એવી મને ખાતરી છે. સામાન્ય વાચક, વિદ્વાન, લેખક, વિવેચક સૌને સંતોષ અને આનંદ આપી શકે તેવી તે સક્ષમ છે. – પ્રો. જશવંત શેખડીવાળા


***