વસુધા/‘છબીલી’

From Ekatra Wiki
Revision as of 15:39, 7 June 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘છબીલી’
[છેલ્લી ભારતલક્ષ્મી રાણી લક્ષ્મીબાઈ]

એ તો હતી વિપુલ ભારતકેરી લક્ષ્મી
સૌન્દર્ય ને ગુણછટા ગરવી ધરંતી,
અસ્તે જતા અણગણ્યા નૃપતારકોમાં,
શોભી રહી મધુર ઉજ્જ્વલ શુક્રતારા.

રાજા અમીર ઉમરાવ સિપાહીઓની
માનીતી મુગ્ધ વયમાં મધુરી ‘છબીલી’,
એ ખેલતી ધનુષબાણતણા અખાડા,
ઘોડે ચડી ઘુમત, એ તલવાર વીંઝી,
ભાલા ફગાવત, બની રણચંડી સાક્ષાત્
મૂર્તિ શું અંતિમ જ ભારતીયવીર્યશ્રીની ૧૦
ઝાઝું ઝબૂકી ગઈ અસ્ત થવાની પૂર્વે.

ને એ બની અવર દ્રૌપદી, આંહિ પાછા
જામેલ ભારતસમાં ભડ જુદ્ધ માંહે,
ખેલી રહી ખડગ ધારી અપૂર્વ શક્તિ,
દર્શાવી સ્ત્રીહૃદયની દૃઢ ધૈર્યભક્તિ.

એ ઉગ્ર અંતિમ ઉજાશ મહાગ્નિ આવો
સ્ત્રીત્વે ઝગ્યો પ્રખર એ કથની સદાની
રે’જો બની દલિત તેજવિહીન આજે
નિષ્પ્રાણ ભારત વિષે સુચિરં સુહાતી
ઊંચી અટૂલી અણબૂઝ સુદીપિકા શી! ૨૦