કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૮. નવવરવધૂ

From Ekatra Wiki
Revision as of 11:19, 11 June 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮. નવવરવધૂ
(શિખરિણી)

‘શું આવો જોવાને જગમહીં ન શું દ્વંદ્વ નીરખ્યાં?
અમે યે બીજાં શાં નવવરવધૂ દ્વંદ્વ જ બન્યાં!
નથી શું આદિથી સુખદુઃખતણું દ્વંદ્વ નીરખ્યું?
ન શું રાગદ્વેષો નિજ મહીં બીજે યે અનુભવ્યા?
ન શું ખ્યાતિ-નિન્દા ઉભયતણું દ્વંદ્વે જગ દીઠું?
ન શું ટાઢું-ઊનું, કડવું-મીઠું ને કાળું-ઊજળું,
અને આખે વિશ્વે ન દીઠું જડ ને ચેતનતણું?
વ્યવસ્થાયું આ તો જગત જ વિરોધી ગુણ થકી!
અમેયે બન્ને ત્યાં હૃદય મન ને દેહ સહુમાં
વિરોધી અંશો ને ગુણતણું બન્યાં દ્વંદ્વ, શું જુઓ?’ ૧
‘વિધાતાએ કિન્તુ, અલબત, વિરોધીય ગુણમાં,
ભર્યો છે કો દિવ્ય પ્રણયરસસંભાર તમમાં,
અમે એ જોવાને –’ ‘વિતથ બધી વાતો સઘળી એ
નહિ માને કોઈ, અવ નથી જમાનો કવિતણો!
અમે તો જોડાયાં લગનથી ખરે તે જ દિનથી
હસ્યાં તો રોયાંયે, ઘડી રમી રિસાયાંય ઘડીમાં,
મનાઈને પાછાં લડી પણ પડ્યાં, રીઝી ખીજિયાં,
વખાણી અન્યોન્યે ઝડી પણ ઉપાલંભ વરસ્યાં!
કહો જી આમાં ક્યાં પ્રણયરસનો સંભવ રહ્યો?’ ૧૯
‘તમે એ ના જાણો, નવવરવધૂ મુગ્ધ હજી છો!’
ઈ તો જેવી કો બે સરિત જુદી જુદી દિશ થકી
વહી આવીને કો સ્થલ શુચિ મહીં સંગમ કરે;
તહીં પહેલાં તો એ જુદી જુદી દિશાનાં વહનનાં
જલો ભેગાં થાતાં, પ્રબલતમ આઘાત કરતાં,
કહીં સામાસામાં ફરી ઘૂમરીમાં પાત્ર ખણતાં,
કહીં સામાસામાં અથડઈ મહાઘોષ કરતાં
ઉડાડે ફીણો ને કહીં વળી મહામોજ રચતાં,
કહીં વેગે દોડી પરસપર કાંઠાય ઘસતાં,
પરંતુ અંતે તો,
પૃથ્વી] એભેદ નિજનો કરી, ગહન ને વિશાળાં બની, ૩૦
વહે વણ-વિરોધ-ઘર્ષણ અનન્ય ઉદ્દેશથી,
કરે તટની ભૂમિને રસસમૃદ્ધ ને ખીલતી,
કલારસમ લીલી ને ઊજળી મ્હેક મ્હેકાં થતી,
અનેકવિધ વિસ્તરન્ત વ્યવહાર જ્યાં લોકના!
તમેયે એ રીતે–’ ‘અલમતિ હિ વિસ્તારથી અલમ્!
અધૂરી મૂકેલી લડઈ હજી બાકી લડવી છે,
અધૂરી મૂકેલી રમત હજી બાકી રમવી છે!
વહેતાં જાતાં જે પ્રબલ નદ ઘોડાપૂર મહીં
કહો ક્યાંથી થોભે, તટનું તમ વ્યાખ્યાન સુણવા?’ ૩૯

(શેષનાં કાવ્યો, પૃ. ૨૧-૨૨)