કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૨. બુદ્ધનું નિર્વાણ

From Ekatra Foundation
Revision as of 14:18, 11 June 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૨. બુદ્ધનું નિર્વાણ
(અનુષ્ટુપ)

સાંભળ્યું છે અમે આમ:
કકુત્થા સરિતાકાંઠે, ભિક્ષુના સંઘ સાથમાં,
પાથરી આમ્રની છાયે, કંથા ચોવડી ઉપરે
સૂતેલા ભગવાન્ બુદ્ધ, તીવ્ર અસહ્ય વેદના
ઉદરે ઊઠતી શામી, ઓષ્ઠે સ્મિત ધરી વદે :
`ખૂટ્યું તેલ, ખપી વાટ, ઓલાવાનો પ્રદીપ છે :
ખપતાં સર્વ સંસ્કારો, નિર્વાણ જ સમીપ છે.’
ફરી શ્વાસ લઈ બોલ્યા :
`બિચારો ચુન્દ, આનન્દ! પોતે પીરસેલ અન્નથી
તથાગત પડ્યા માંદા, માની ખિન્ન થતો હશે.
તેને ક્હેજે, બુદ્ધને જે પરિનિર્વાણ આગમચ
જમાડે તેહને પુણ્ય, અપાર પ્રાપ્ત થાય છે.
પરિનિર્વાણમાહાત્મ્ય સંબોધિજ્ઞાન જેટલું.
ચુન્દને કહીને એમ, શંકા ખેદ નિવારજે.’ ૧૪
પછી જરા સ્વસ્થ થતાં, કકુત્થા છોડી ચાલિયા
ભિક્ષુઓ લઈને સાથે; ટેકો આનન્દનો લઈ
હિરણ્યવતી ઓળંગ્યા; કુસિનારાની સીમમાં
બે સંયુક્ત શાલવૃક્ષો નીચે પથારી પાથરી
આનંદે, ત્યાં તથાગત ઉત્તરે મુખ રાખીને
જમણે પડખે સૂતા, આનંદ ઓશીકે ઊભો. ૨૦
વાયા ત્યાં વાયુ ધીમેથી, વૃક્ષોએ પુષ્પ ગેરવ્યાં
જોઈને કોઈ ભિક્ષુને આનંદે ત્યાં કહ્યું ધીમે :
`જો વૃક્ષો બુદ્ધને પૂજે.’ સાંભળી મુનિ ઉચ્ચર્યા :
`નહિ, આનંદ! પુષ્પોથી પૂજા બુદ્ધની સંભવે,
સંભવે માત્ર ચાલ્યાથી એણે ચીંધેલ માર્ગમાં.
દેહપૂજા નથી પૂજા; પરિનિર્વાણની પછી
જોજો! શરીરપૂજાના પ્રપંચે પડતા કદી.’
એટલું વદતાં લાગ્યો શ્રમ ને નેત્ર બીડિયાં. ૨૮
ઊભો આનંદ અંગૂછા વડે પવન ઢોળતો
બુદ્ધના આજપર્યન્ત પ્રસંગોને નિહાળતો :
સરિતા ઉદ્ગમે ત્યાંથી સાગરને મળ્યા સુધી
સરે એના જ ઉદ્દેશે પદેપદ પળેપળે,
તેમ સંબોધિનું આયુ વિશ્વપ્રેમ ભણી સર્યું.
લોકકલ્યાણને અર્થે બોધિએ ધર્મ સ્થાપિયો,
ચાર સ્થળ અને કાળ પર સ્થિર ચતુષ્પદ :
જન્મ લુંબિની ઉદ્યાને, માયાદેવીની કૂખથી,
અશ્વત્થ વૃક્ષની છાંયે સમ્યક્ સંબુદ્ધ જ્યાં થયા,
ઋષિપત્તનમાં જ્યાંહી પ્રથમોપદેશ આપિયો,
ને આ કુસિનારા જ્યાં પરિનિર્વાણ પામતા. ૩૯
જેમના પાદ સેવન્તાં જેમના દૃગનુગ્રહે
સોતાપન્ન થયો હું તે, ખરે અદૃશ્ય થૈ જશે!
હું અર્હત્‌પદને પામું, ત્યાં સુધી દેહ જો ધરે!
અરે! પણ વિચારું શું? સ્વાર્થસીમા જ હું ત્યજી!
જગનો ક્રમ ઉલ્લંઘી કેમ એ દેહને ધરે?
મારો ધર્મ અહીં માત્ર : બુદ્ધને શ્રમ ના પડે,
અને જે એમને ઇષ્ટ આજની અંતિમે પળે
અનુકૂળ થવું તેને : એમને ઇષ્ટ શું હશે? ૪૭
ત્યાં અચિન્ત્યો સુણ્યો દૂરે ભિક્ષુસંઘથી આવતો
`મા’ `મા’ એવા દબાવેલા સ્વરોથી શબ્દ ઊઠતો.
એ દિશે જોઈ આનંદે શું છે કરવડે પૂછ્યું,
ને એક ભિક્ષુએ આવી અતિમંદ સ્વરે કહ્યું :
`વસતો કુસિનારામાં સુભદ્ર પરિવ્રાજક,
બુદ્ધ નિર્વાણ પામે છે સુણી દીક્ષાર્થ આવિયો.
પ્રાદુર્ભવે છ સંબોધિ અનેક યુગમાં ક્વચિત્
તો દીક્ષા એમનાથી લૈ કૃતાર્થ જન્મને કરું.’
મુખના મંડન જેવા, સ્મૃતિના દ્વારપાળ શા,
પ્રતીક શાન્તિના જેવા, સુદીર્ઘ શ્રવણો થકી
સુણ્યું કૈં ન સુણ્યું કૈં ને પામી જૈ સર્વ વાતને
સહસ્ર કરુણાસ્રોત વ્હેતાં ચક્ષુ ઉઘાડીને
મિતભાષી વદ્યા બુદ્ધ : `મા, આનંદ! નિવારતો
તથાગત તણું ઇષ્ટ આદિ ને મધ્ય અંતિમ
દોરવા સત્પથે લોક તે આ છેલ્લું કરી લઉં.’
`આમા’વ ભિક્ષુ’ કહીને, દીક્ષા આપી સુભદ્રને
સોંપી આનંદને, નેત્રો મીંચતાં અંતમાં કહ્યું :
`સંસ્કારો વ્યયધર્મી છે, (ત્યાં કશી પરિદેવના)
(અદમ્ય મારનું સૈન્ય) અપ્રમાદથી વર્તજો.’ ૬૬
જળ જંપ્યા સમા ત્યાંહી દીઠા ધ્યાનસ્થ બુદ્ધને.
નમસ્કાર કરી ઊભો ભિક્ષુનો સંઘ શાન્ત થૈ.
`गच्छामि शरणं बुद्धं’ `જાઉં શરણ બુદ્ધને.’ ૬૯
નિર્વાતે ગેરવે પુષ્પો નિશીથે પારિજાતક
તેમ અક્ષુબ્ધ સંઘેયે આંસુઓ આંખથી સ્રવ્યાં.
એમ છે સાંભળ્યું અમે. ૭૨
૧૯૫૪

(વિશેષ કાવ્યો, ૧૯૫૯, પૃ. ૯-૧૨)