કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૧. ના ગમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૧. ના ગમે
(પરંપરિત હરિગીત)

ના ગમે, મને ના ગમે.
તંત્રી મહીં થઈ શિથિલ તાર પડી રહેવું ના ગમે.
થઈ શિથિલ! જાણે ખૂંટી સાથે બંધ ના!
હા શિથિલ! જેને અંગુલિ શું સંબંધ ના!
જે સ્વયં કંપી ના શકે
ને અન્યનો કંપેય ઝીલી ના શકે;
જેને કશી નહિ ઝંખના
જેને કશી નહિ પ્રેરણા ને નહિ મના;
સાચો નહીં જુઠોય સ્વર કાઢે નહીં,
જે કોઈની સાથે નહીં ને કોઈથી વાધે નહીં;
એ ના ગમે.
તંત્રી મહીં થઈ શિથિલ તાર પડી રહેવું ના ગમે.
હા, ગમે તારોમાં થઈ એકતાર ને રહેવું ગમે.
હા ગમે, ખૂંટી ખેંચી તંગ કરે ગમે,
ને અંગુલી ફરીફરી સંગ કરે ગમે.
હે, અંગુલિ! તુજ કાઢવા સ્વર ખેંચ ખેંચ ભલે, ગમે.
હા, મીંડ લેતાં ખેંચ એવું અંગુલી!
જનહૃદય કો અસ્પૃષ્ટ થાયે ગલગલી.
હા ખેંચ અંગુલિ મીંડ લે,
જ્યમ કસે નારી કેશ સુંદર મીંડલે,
જ્યમ પ્રિયતમાને ખેંચીને કોઈ વાત કર્ણે જૈ કરે,
ઉરવલ્લિમાં દીઠાં-અદીઠાં પર્ણપર્ણે ફરફરે
હા ખેંચ અંગુલિ, ખેંચ, છો બંધાયલો ખૂંટી,
તું મીંડની લહરીઓ લેતાં જાઉ હું તૂટી,
પણ તૂટતાં તૂટતાંય અદ્ભુત સ્વર કરી જાઉં,
ઉલ્કા મૂકીને તેજરેખા તેમ ખરી જાઉં;
છો ને પછી મારી જગાએ તાર બીજો આવતો,
એ અંગુલિપ્રેર્યો ભલે બીજા સ્વરો આલાપતો;
છો પછી મુને નાંખતા ભંગારમાં
ને અન્ય ધાતુ સાથ પીગળી જાઉં હું અંગારમાં;
ને કોઈ સર્જક અંગુલી મુજને નવો દે ઘાટ,
પ્રેરાઉં બીજી વાટ,
પણ એક વાર હું તાર તો રહી તંગ ને ગાવું ગમે,
ના તંત્રીમાં નિષ્કંપ રહેવું, ના શિથિલ થાવું ગમે.
૧૯૫૪

(વિશેષ કાવ્યો, પૃ. ૩-૪)