કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪. પ્રાર્થના

From Ekatra Wiki
Revision as of 02:18, 13 June 2023 by Meghdhanu (talk | contribs) ({{SetTitle}})
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪. પ્રાર્થના


(પૃથ્વી)

ગભીર ભવસાગરે સભર તોય માઝાવતે –
મહાન ખગરાજ પાંખ સમતોલ બે રાખીને
ઊડે સતતવેગ જેમ, વણ મોહ, ધારી દિશે –
પ્રફુલ્લ-સઢ તેમ જેહ નિજ માર્ગ એકાગ્ર થૈ
સરે સુભગ કાફલા સરલ તેમને, હે પ્રભો!
પ્રસન્ન અનુકૂલ પ્રેરી પવનો જ તું તારી દે.
અપાર ભવસાગરે વગર પંથનાં વારિ જ્યાં,
તહીં ડૂબકી મારવા રતન મોતી કે મચ્છના
પ્રલોભનથી જે ભમે, ભ્રમણમાં જ ભૂલા પડે,
ચડે જઈ જહીં કઠોર ખડકો ઊભા ઘેરીને
કરાલ, જ્યમ હોય દાંત જડબા મહીં મૃત્યુના,
તહીંય પડી આખડી ડૂબીય કેટલા નીકળે,
હરીફ બની એકમેક વળી દોડધામો કરે,
તૂફાન પણ આખરે પ્રબલ સર્વને આવરે, –
દીસે અવનિ આભ બેઉ ઊમટેલ સીમા તજી,
અરે, અસલ પંચભૂતય સ્વભાવ ભૂલી લડે,
દશે દિશ શું સિન્ધુપાત્ર મહીં ઘોળીને પી જતો
લસે પ્રલય અંધકાર ઘન-અટ્ટહાસ્યે હસે,
સુણાય નિજ શબ્દ ના, ન નિજ હાથ દેખાય, ને
જડ પ્રકૃતિવેગને વશ બને જનો, તેમને
અરૂપ ગળી જાય અન્ધ તમ તે પહેલાં, પ્રભો!
પ્રકાશ કર ને સનાતન બતાવ તારો પથ
પસારી કરુણાકટાક્ષ તમભેદી થૈ તારક!
અનંત ભવસાગરે ન જહીં કાલચિહ્ને દીસે,
`અનેક તહીં કાફલા સફરમાં ગયા તે ગયા,
કઈ અહીં જઈ ડૂબ્યા, કઈ પણે જઈને ડૂબ્યા,
ગયા ક્ષિતિજપાર કો ન પણ તેમનું કૈં સુણ્યું!
ખરે ડૂબવું છે જ તો સફર શીદને વેઠવી?'
કરી, કરચલા સમા, ન ગતિ ઊર્ધ્વ કો દી કરે,
રહે વળગીને તટે જમીનમાં બખોલો કરી,
મહીં મહીં લડી મરે નિજ સલામતી શોધતા,
પ્રકાશ, અવકાશ, આશ નવ જાણતા, તેમને
પ્રભો! શરણ દીનના! વચન પૂર્વનાંને સ્મરી,
દયાનિધિ! પિતા, સ્વયં તું અવતાર લૈ તારી લે!

(શેષનાં કાવ્યો, પૃ. ૮-૯)